← વાત ૧૦. ઘાશીરામ કોટવાલ
વાત ૧૧.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૧૨. →


વાત ૧૧.

એક વોહોરો મણિયારની ચીજો તથા કેટલીક ચોપડીઓ વગેરે સામાન એક ટોપલામાં ભરી વેચવા સારુ ફરતો હતો. તેને કોટવાલે ચાવડી ઉપર જતાં રસ્તામાં દીઠાથી બોલાવીને તેનો સામાન જોવા માંડ્યો. તે વખત વેાહોરાએ એક ચો૫ડી ઉઘાડી કોટવાલને કહ્યું.

વો૦— કોટવાલ સાહેબ ! આ કિતાબ આપે રાખી મૂકવા લાયકની છે.

ઘા૦— કઇ કિતાબ છે ને તેની કીમત શું છે?

વો૦— અંગ્રેજી ભાષાની કિતાબ છે, એમાં પૃથ્વી ઉપરના સઘળા ચમત્કારોની બાબત છે. એની સો રૂપીઆ કીમત છે.

ઘા૦— (સીપાઇને હાંક મારીને) અરે નાયક ! આપણા ફિરંગી લખનાર સેાજા કિરસ્તાનને બોલાવો. (સેાજા સીનોર આવ્યા પછી તેને) અરે આ ગ્રંથમાં શું છે તે જુવો.

સેાજા સી૦— (ચોપડીનાં પાનાં ઉલટપાલટ કરીને) એમાં મોટી ચમત્કારી કામો છે. તેમાં પહેલાં પ્રકરણમાં ઉંઘમાંને ઉંઘમાં ઉઠીને ફરવાની ટેવ કેટલાંક માણસોને હોય છે તે વિષેની વાત લખેલી છે. એક વાત એવી છે કે કોઇ માણસ ઉંઘમાં હોય, ને તેની પાછળ બળદ લાગેલો હોય, એવું તેને સપનામાં માલુમ પડે, તેવોજ બીછાનામાંથી ઉઠીને ઘડમાંચીપર ચડી જાય અથવા નાહાસી જાય. એક એારત ઉંઘમાં બિછાનામાંથી ઉઠીને ઘરની બહાર જતી. તે વખત તેને કોઇ કાંઇ વાત પૂછે, તો તે હુશિયારીમાં હોય ને જવાબ આપે, તે પ્રમાણે સવાલનો જવાબ આપતી હતી. તેના આંગમાં ટાંચણી અથવા બીજું કાંઇ ઘોંચવાથી તેને માલુમ પડતું નહીં. એક છોકરો જંગલમાં ફરતો હતો તેણે ગામની નજદીક ડુંગર પાસે એક ચલિયાંનો માળો જોયો. તે પોતાને હાથ આવે એવી ઇચ્છા થઇ; પણ ડુંગર ઉપર ચહડવાનું મુશ્કેલ ને એટલું ઉચું હતું કે ત્યાં હાથ તો રહ્યા પણ લાકડી સૂધાં પહોંચતી ન હતી. તે ઉપરથી તેણે કેટલીક વખત સૂધી પ્રયત્ન કર્યો ને પછી ઘેર આવ્યો; પણ તેના મન માંથી ચલિયાંના માળાની વાત ગઇ નહીં, કેટલીક વાર પછી ઉંધ આવી. બાદ ઉંઘતો બિછાનામાંથી ઉઠી અંધારામાં જંગલમાં ગયો ને દિવસની વખતે ચળિયાંનો માળો જોયલો હતો તે લૈ આવ્યો, ને પોતાના ખાટલા તળે મૂક્યો, ને પાછો ઉંઘી ગયો. સવારે ઉઠીને જોયું તો ચલિયાંનો માળો, ખાટલા નીચે માલુમ પડ્યો; પણ પોતે જંગલમાં ક્યારે ગયો, અને અવઘડની જગોએ ડુંગર ઉપર ચહડીને ચલિયાંનો માળો શી રીતે કહાડી લાવ્યો તેની તેને કાંઇ યાદ રહેલી નહીં. એક સખસ રાત્રે સમુદ્રની ખાડી મધ્યે પાણીમાં રમતો હતો; તે જોઇને બંદર ઉપરના લોકોએ ત્યાં હોડી લઇ જઇને તેને પકડી લીધો. તે વખત “પથારીમાંથી કેમ ખેંચોછ? કેમ ખેંચોછ ?” એવું તે માણસ બોલવા લાગ્યો. તેવારે તે કિનારાથી આસરે ર૦૦ હાથ દુર પાણીમાં ગયલો હતો. ત્યારે તું ડૂબશે, એવું હોડીવાળાએ કહ્યું, પણ તેણે કાંઇ માન્યું નહીં. આખર તેઓ તેને જબરદસ્તીથી હોડીમાં લઇ કાંઠા ઉપર લાવ્યા બાદ તેના ઘરનો તેએાએ શેાધ કર્યો, તે ઉપરથી એવું માલુમ પડ્યું કે તે માણસ બે પહોર રાત હતી ત્યારનો, પોતાના ઘરમાંથી નિકળીને, અવઘડ તથા ભયંકર રસ્તેથી એક કોશ સૂધી ચાલીને ગયેા હતો, ને હોડીવાળાએ તેને જે ખાડીના પાણીમાંથી કહાડ્યો, તે જગાએ તે આશરે પોણો કોશ તરીને આવ્યો હતો. પૃથ્વીમાં ગંધક છે તથા કેટલાક પર્વતોમાં પણ ગંધક હોય છે. તેણે કરીને ઘણે ઠેકાણે પાણી ગરમ હોય છે, તથા કેટલેક ઠેકાણે તેના મોટા કુંડ તળાવો નહાવા સારુ બાંધેલા છે. એવી જાતના એક કુંડ ઉપર એક માણસ નહાતો હતો. તેવામાં તેને ઉંઘ આવ્યાથી તે પાણી ઉપર ઉંધો પડ્યો, ને અઢી ઘડી સુધી, બેભાન રહ્યો હતો. એક વિદ્યાર્થી વૈદ્યકશાસ્ત્ર શિખતો હતો પણ તે ઉંઘતો હોય તે વખત તેને તે શાસ્ત્રની વાત પૂછે તો તેનો જવાબ બરાબર દેતો હતો. બીજો એક વિદ્યાર્થી ખ્રીસ્તી ધર્મની ચોપડી શિખતો હતો, પણ તે રાતમાં ઉઠી પોતાનું દિવસે શિખવા માંડેલું કામ ઉંઘમાં પૂરું કરી પાછો બિછાનામાં સૂઇ જતો હતો, ને સવારે ઉઠ્યા પછી સાંજરે કરી મૂકેલાં કામ કરતાં જાસ્તી કામ થયું છે, તે જોઇને તે શી તરેહ ને ક્યારે થયું તે સારુ તે પોતે જ વિસ્મિત થતો. એક ઝવેરી પૈસાનો લાલચુ હતો. તે દિવસે ધંધો કરીને જે પૈસા મેળવતો, તે એક મજબૂત પેટીમાં ઘાલીને તેને મોટું તાળું મારીને તેની કુંચી પોતાની પાસે રાખતો હતો. તે પેટીમાં જે શીલીક એકઠી થતી, તે રાતમાં ઉઘતો ઉઠીને પેટી ઉઘાડી તેમાંથી પૈસા કહાડીને પોતાની એારડીમાં એક ભંડારિયું હતું તેમાં સંતાડીને મૂકતો હતેા. બીજે દહાડે ઉઠીને શીલીક શી રીતે કમી થઇ તે જોઇને મોટું આશ્ચર્ય પામતો હતો. એ કોઇ ચોરી લઈ ગયું, એવું તેના મનમાં આવતું, ત્યારે તેનાં ઘરમાં પોતે તથા પોતાની છોકરી શિવાય બીજું કોઇ ન હતું અને એમ થતાં થતાં પેટીમાંની શીલીક ખૂટી ગઈ. ત્યાર પછી તેની પાસે કાંઈ જરૂરી કામ તૈયાર કરવાનો વખત આવ્યો, તેથી તેણે એક ઉમેદવાર મદદ કરવા સારુ રાખ્યો. પછી ઘણી શીલીક કમી થવાનું કામ જારી જ હતું. આખિર એક દિવસ જોયું તો પેટીમાં એક દમડી અથવા ફુટી બદામ પણ રહી નહીં. તે ઉપરથી પોતાની છોકરી તથા ઉમેદવાર એ બેએ મળીને ચોરી કરી, એવું પક્કી રીતે તેના મનમાં આવ્યું. તે ઉપરથી છોકરી તથા ઉમેદવાર ઉપર ઘણો ગુસ્સે થઈ બોલ્યો કે આજ સુધી તમે એ થોડી થોડી ચોરી કરવા માંડી હતી; પણ હમણા તો મારું સર્વસ્વ તમે લૂટવા માંડ્યું, તે મારાથી સહન થતું નથી. એવું કહીને બંને જણને કોટવાલ પાસે મોકલી દીધાં. કોટવાલે બંનેની હકીકત સાંભળી બીજે દિવસે ફેસલો કરવાનું ઠરાવી તે બંનેને કેદમાં રાખ્યાં. ઝવેરી ઘેર આવ્યા, રાત્રે ઉંઘ આવી નહીં. તેથી તેણે ઘણો દારૂ પીધો, તેની કેફ ચહડવા લાગી. તે વખત શીશા હાથમાંથી નીચે મૂકતાં ફુટી ગયા ને તેવો જ ઉંઘી ગયો. સવારે ઉઠીને જોયું તો એક પગની એડીમાં સણકા મારવા લાગ્યા ને રજાઇને લોહી લાગ્યું હતું. પગમાં સુતી વખત જોડા હતા તે મળે નહીં ને તળીયે જખમ થયા હતા. ત્યારબાદ ઉઠીને પોતાની એારડીમાં ગયો. ત્યાં જોયું તો શીશાનો ભાંગેલો એક કકડો પડેલો હતો ને તેની પાસે એક જોડો પડેલો હતો. ત્યારે હું રાત્રે ઉંઘમાં તથા નીશાના તોરમાં અહીંઆં આવ્યો હોઇશ, એવું તેને માલમ પડ્યું એટલામાં કબાટનાં બારણાં બરાબર દેવાયલાં ન દીઠાં, તેથી તેણે તેને હાથ લગાડ્યો એટલે તે નીચે પડી ગયાં, ને અંદર ગુમાવેલા પૈસા તથા બીજો સઘળો માલ નજરે પડ્યો. તેવો જ ઘણો વિસ્મિત થઈને મારો ચોર હું જ છઉં, મારી છોકરી તથા ઉમેદવારને શિક્ષા થવાસારુ કોટવાલને હવાલે કર્યાં, એ કેવો મોટો અન્યાય છે, એવું મનમાં લાવીને તે તુરત કોટવાલ પાસે જઈને તે બંનેને છોડાવી લાવ્યો. આ પ્રમાણે ઉંઘમાંને ઉંઘમાં ઉઠીને જાગૃત પ્રમાણે કામ કરનાર લેાક ઘણાં હોય છે.

કો૦'— વોહરાજી શેઠ – આ કિતાબ અમે રાખીએ છીએ. સવારે તમારે જોઈશે ત્યાંની હુંડી આપીશું અથવા રોકડા રૂપીઆ ચુકવી આપીશું.

તે ઉપરથી વોહોરો ઠીક છે, એમ કહીને તે દિવસે ગયો, ને બીજે દીવસે કોટવાલને ઘેર પૈસા માગવા આવ્યો. તે વખત ચોકીદારે કહ્યું કે આજે કોઈને ઘરમાં જવાની રજા નથી, સવારે આવજે. તે ઉપરથી વેાહોરાએ પાંચ પચાસ ફેરા ખાધા, પણ કોટવાલ સાહેબનાં દર્શન થયાં નહીં. આખરે કાંઈ ઈલાજ નથી એવું સમજીને કોટવાલને રસ્તે જતાં મળીને અમારી ચોપડીની કીમત હજી સુધી મળી નથી એવું બોલ્યો. એ વાતનો કોટવાલને ઘણો ગુસ્સો આવ્યો ને જબાબ દીધો કે રૂપીઆ ૫૦) તમોને તુરત આપવાનું અમારા કારભારી ચિંતોપંત દાદાને કહેલું છે, તેની પાસે જઈને રૂપીઆ લો; બાકીના રૂપીઆ સારુ પાછલથી કહીશું. બાદ વોહોરો ચિંતાપંત પાસે ગયો, તેનો પણ મિલાપ થાય નહીં. ત્યારે તેના હાથ નીચે કારકુન ગેાપાળપંત કરીને હતો, તેને તથા છડીદાર રાઘોજી ચવ્હાણને દશ રૂપીઆ આપવા કરીને કારભારીને મળ્યો. તે વખત બે મહીના પછી તને ચાળીશ છીપી રૂપીઆ આપવાનું કોટવાલ સાહેબે કહેલું છે, અગર તને હમણાં જરૂર હોય તે આઠ રૂપીઆ વ્યાજના કાપી આપી બાકીના રૂપીઆ ૩૨ લઈ જા, એ પ્રમાણે તેણે કહ્યું. વોહોરાએ લાચાર થઈને છીપી રૂપીઆ ૩૨ લેવા કબુલ કરવાથી ચિંતોપંતે છીપી રૂપીઆ ૩૨ આપી રૂપીઆ ૪૦ ની રસીદ માગી; પણ આવી રસીદ શી રીતે લખી આપું? એવું વોહોરો કહેવા લાગ્યો; એટલે જેટલા રૂપીઆ આપીએ તેની સવાઇના રૂપીઆનો લેખ કરી આપવાનો સઘળા સાવકારોમાં ચાલે છે, એ વાત તને ખરી ન લાગતી હોય તો જઇને તપાસ કરી આવ. પછી સુખે રૂપીઆ લઇ જા, એ રીતે ચિંતોપંતે કહ્યું. તે વખત એક મુલાકાતને આટલી મુસીબત પડી તો ફરી મળવાને શી રીતે થશે ? એવું વોહોરાજીએ મનમાં વિચારીને રૂપીઆ ૪૦ ની રસીદ કાંઈ ન બોલતાં લખી આપી. એટલે તે ૩ર રૂપીઆની રકમમાંથી દશ રૂપીઆ ગેાપાળપંત તથા રાઘોજી ચવ્હાણે છીનવી લીધા. પછી સો સિક્કાઈ રૂપીઆના અવેજમાં ૨૨ છીપી રૂપીઆ હાથ આવ્યા, ને તે પણ લાવવાને મોટી મહેનત કરવી પડી; તેથી વોહોરાના મનમાં મોટો સંતાપ થયો; તેથી હું અંગ્રેજ સરકારના લશ્કરનો રહેનાર છું, મારી આ અવસ્થા થઈ, તે સંગમ ઉપર જઈ રેસિડેંટ સાહેબને જાહેર કરું છૌં, ને તમારી સઘળાની ખબર લેવડાવું છે, એવી રીતે મોટેથી પોકાર મારીને “અંગ્રેજ સરકારની રૈયતને લુટી રે, લુટી!” એ પ્રમાણે બુમ પાડતો ત્યાંથી નિકળ્યો. આ હકીકત ઘાશીરામને માલુમ પડતાં જ તેણે પોતાનાં વિશ્વાસુ માણસો મોકલી રેસિડેંટ સાહેબના જાસુસ તથા ચેા૫દારને કાંઇ આપવાનું કરી અમુક વોહોરો બંગલે આવે તેને અંદર પેસવા દેશો નહીં, એવો બંદોબસ્ત રાખવાની તદબીર કરાવી. આ કારણથી વોહોરાને રેસિડેંટ સાહેબ સાથે મળવું થાય નહીં એવું થયું. તે વખતમાં તેાપનો અંગ્રેજી દારુ પરવાનગી શિવાય અંગ્રેજ સરકારના લશ્કરમાંથી પુના શહેરમાં વેચવા સારુ કોઈ લઈ જાય નહીં એવો કાયદો હતો. તેની માહીતગારી એ વોહોરાને હતી. તે ઉપરથી તેણે દારુ ઘાલવાને જેવી થેલી થાય છે, તેવી થેલીઓ તૈયાર કરી તેમાં રેતી ભરી. તે થેલીઓ એક પેટીમાં બંધ કરી, તે પેટી ઉપર ખાદી જડાવી પોતાનું નામ તથા લશ્કરની પાસે સંગમ ઉપર મુકામ છે એવું લખી તૈયાર કીધી, ને ઘાશીરામની એક રાખેલી બાયડી હતી, તેને ઘેર સમી શાંજને વખતે જઈને કહ્યું કે આ પેટીમાં અંગ્રેજી દારુ છે, તેની કીંમત શહેરમાં ઘણી સારી મળે છે. શહેરમાં આવો દારૂ લાવવાની પરવાનગી નથી. તે કારણથી હું ચોરીથી અહીં લાવ્યો છું તે આજની રાત આપના ઘરમાં ખાટલા નીચે મૂકી છાંડો. હું સવારના પહોરમાં આવીને લઈ જઈશ. હું આપનો ઉપકાર ભુલનાર નથી. એ વાત કોઇને કહો તો તમને પરમેશ્વરના પગનાં સોગન છે. હું હવે મારે ઘેર અંગ્રેજ સરકારના લશ્કરમાં જાઉં છું, એવું કહીને તે ઘેર ગયો. બે પહોર રાત ગયા પછી ઘાશીરામ હમેશના દસ્તુર પ્રમાણે રાંડને ઘેર આવ્યો. તેણે બધું કામ છોડી દઈને પ્રથમ વોહોરાએ દારુની પેટી આપેલી ઘરમાં છૂપાવી રાખેલી, તેની હકીકત તમામ તેને કહી. તે ઉપરથી કોટવાલે પેટી તપાસી જોઈ; તે તેના ઉપર જે માણસ પાસેથી અંગ્રેજી ચોપડી લીધી હતી તેનું જ નામ છે એવું માલુમ પડ્યું. તે ઉપરથી “ખુબ હાથ આવ્યો છે તેની હવે ખોડ ભૂલાવું છું” એવું બોલીને તે પેટી તેણે પહેરામાં રખાવી. સવારનો પહેાર થતાં જ પેટી લઈને રેસિડેંટ સાહેબ પાસે જાતે ગયો ને અંગ્રેજ સરકારના લશ્કરમાંથી અમુક વોહરો આ અંગ્રેજી દારૂની પેટી ચોરીને શહેરમાં લાવ્યો હતો. તે માણસ ઘણો લબાડ છે; એવો અમને અનુભવ છે. એ વોહોરાએ જ હમારા ચાળીસ રૂપીઆ લઈને નાહાની ચોપડી વેચાતી આપી છે; તે રૂપીઆ આપીને હમારા કારભારીએ તેની પાસેથી રસીદ લખાવી લીધી છે; તે છતાં પણ અમારી તથા અમારા તાબાના લોકોની ખોટી નાલસ બધે કરતો ફરે છે. આટલું બોલવું થવા ઉપરથી રેસિડેંટ સાહેબે સીપાઈને બોલાવી વોહોરાને તેડવા મોકલ્યો, ને તે આવ્યા પછી ઘાશીરામની રૂબરુ આ પેટી કોની છે ? એવું તેને પૂછ્યું. તે વારે તે બેાલ્યો; મારી છે. તે કોટવાલ સાહેબની રાખને ઘેર કાલ સાંજરે મેં મૂકી હતી એવો તેણે જવાબ દીધો. ત્યારબાદ રેસિડેંટ સાહેબે પાતે હથેાડો લાવી પેટી ખોલી ને તેમાંથી થેલી બહાર કહાડી ઉખેડી તો તે થેલીમાંથી રેત નિકળી. તે જોઈને રેસિડેંટ સાહેબ તથા કોટવાલ બંને ઘણું શરમાઈ ગયા. પછી રેસિડેંટ સાહેબે આ તરકટ કરવાનું શું કારણ છે ? એવું વોહોરાને પૂછ્યું. તે વખત વોહોરાએ છીપી શીક્કાના રૂપીઆ બાવીશ રેસિડેંટ સાહેબની રૂબરૂ મૂકી, એક સો સીકાઈ રૂપીઆની ચોપડી કોટવાલે ઠરાવેલી હતી ને અંતે મારા હાથમાં છીપી રૂપીઆ ૨૨) આપ્યા છે. તેમાં પાંચ રૂપીઆ કેવળ ત્રાંબાના, તથા દસ શુલાખી તથા સાત સારા છે. હું સાહેબને બંગલે ફરીઆદ આવીશ, તેથી કરીને સાહેબના બંગલા ઉપરના લોકોને લાંચ આપી મારું સાહેબ પાસે આવવું થાય નહીં એવો બંદોબસ્ત કોટવાલે કરેલો છે. તે કારણથી આજ છ મહીના થયા હું રોજગાર છોડીને ફરુંછું; પણ મારી દાદ કોઈ જગે લાગી નહીં. સબબ સાહેબ પાસે આવવા સારુ આ યુક્તિ કરી છે એવો તેણે જવાબ દીધો. તે ઉપરથી રેસિડેંટ સાહેબ ઘણા નાખુશ થયા ને એ વોહોરાની ફારગતી ચાર ઘડીમાં ન આવી તો મુંબઈ સરકારમાં લખી ત્યાંથી પેશવા સરકારને યાદી લખવાનો બંદોબસ્ત કરીશું. એ પ્રમાણે ઘાશીરામને કહીને તેને પાન બીડાં ન આપતાં રજા આપી. બાદ ઘાશીરામે જલદીથી ઘેર જઇને સીકાઇ રૂપીઆ સો રેસિડેંટ સાહેબ પાસે મોકલી, આપે મરજી મુજબ તેની પાસેથી રસીદ લઇ નિકાલ કરવો એવું કહેવાડ્યું. તે ઉપરથી રેસિડેંટ સાહેબે વોહોરાને બોલાવી તે રૂપીઆ તેને આપી, છીપી રૂપીઆમાંથી પાંચ ખેાટા રુપીઆ નદીમાં ફેંકી દઇ બાકીના રૂપીઆ ૧૫ નુકસાન બદલ તે વોહોરાને આપી ફારગતી લીધી.

--¤¤¤¤¤¤¤¤--