← વાત ૯. ઘાશીરામ કોટવાલ
વાત ૧૦.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૧૧. →


વાત ૧૦.

ઘાશીરામને એક મુસાફરે આગ્રા શહેર શી રીતે વસ્યું તે તથા તેની હકીકત કહી. તેણે કહ્યું કે દિલ્લીના પાદશાહ અકબરને થયલા સઘળા છોકરા ન્હાનપણમાં જ મરણ પામ્યા; તે ઉપરથી અજમેરમાં મીર માઈઊનુદીન ચિસ્તીની દરગાહ છે તેનાં દર્શન કરવા જવાનો વિચાર કરી, તે ઠેકાણું દિલ્લીથી આસરે ૧૭૫ કોશ દૂર છે ત્યાં પાદશાહ તથા તેની રાણી પગે ચાલીને ગયાં. ત્યાં પહોંચ્યા પછી સાંઇની પ્રાર્થના કરી. ત્યારબાદ જમીને આરામ લીધો. તે વખત સાંઇએ તેના સ્વપ્નમાં આવી કહ્યું કે, ફત્તેપુર શીકરી નામની ટેકરી ઉપર શેખશાલમ કરીને એક વૃદ્ધ તપસ્વી છે. તેની પાસે જઇને જોઇએ તે માગવું તે પ્રમાણે અકબર બાદશાહ રાણી સુધાં ત્યાં ગયો. તે વખત તે સાંઇએ આશીર્વાદ દીધા કે, અરે રાણી ! તું ગર્ભવતી છે, તને છોકરો આવશે તે ચિરંજીવી રહેશે. તે ઉપરથી અકબરે સાંઇના તકિયા પાસે જગા બાંધીને બેગમ ને છોકરું અવતરતાં સુધી ત્યાં રાખી. માસ પૂરા થયા પછી ઈ૦ સ૦ ૧૫૮૯ ના વર્ષમાં બેગમે જણ્યું, ને છોકરો અવતર્યો તેનું સાંઇને નામે નામ મીરજાશાલમ રાખ્યું. તે છોકરો આગળ હિદુસ્થાનનો બાદશાહ થયો. તે જહાંગીર નામથી પ્રખ્યાત છે. આ છોકરો થયા પછી સાંઇની સેવા થાય તથા તેની રહેમ નજર પોતાના ઉપર હમેશ રહે એવા ઇરાદાથી, અકબર બાદશાહે તે શીકરીની ટેકરી ઉપર પોતાનો રહેવાનો મહેલ બાંધ્યો તથા દિવાન દરબારના લોકોને રહેવાને તથા સરકારી કારખાનાં સારુ ઇમારતો બાંધીને આખરે ટેકરીની આસપાસ કોટ બાંધવાનો નિશ્વય કર્યો. તે વખત સાંઇએ બાદશાહને કહ્યું કે તમારા દરબારનો શોર તથા ગડબડ અમારાથી ખમાશે નહીં; અમારી બંદગી ઉપર તમારો વિશ્વાસ હોય તો તમે અહીંથી નિકળો, નહીં તો અમારે અહીંથી જવું પડશે. તે ઉપરથી બાદશાહ પોતે જવાનું કબુલ કીધું. આગ્રા ગામ તમારે રહેવા લાયક છે, એવું શેખશાલીમે કહ્યું, તે ઉપરથી આગ્રા અસલ નાનું ઉજ્જડ ગામ હતું, ત્યાં બાદશાહ રહેવા લાગ્યા. તે કારણથી તે થોડી મુદતમાં મોટું શહેર થઇ ગયું, ને શીકરીના ટેકરા ઉપરથી વસ્તી કહાડી નાંખી આગ્રા શેહેર ફતેગઢ શીકરીથી ૧૨ કોસ દૂર છે, ને શીકરીના ટેકરા ઉપર શેખશાલમની મોટી દરગાહ બાંધેલી છે.

આગ્રા શહેરમાં બાદશાહે ઘણી ઇમારતો બાંધલી છે, તેમાં તાજમેહેલ કરીને એક ઈમારત છે તેવી ઇમારત પૃથ્વી ઉપર બીજી કોઈ જગે નથી. તે બાંધવાને વીશ હજાર માંણસ બાવીશ વર્ષ સુધી લાગ્યાં હતાં. ઇમારત તયાર કરતાં ત્રણ કરોડ, સત્તર લાખ, અડતાલીસ હજાર, છવીશ રૂપીઆ ખર્ચ થયા છે. આ તાજ મહેલ જમનાના કીનારા ઉપર છે. અકબર બાદશાહના છોકરાનાં છોકરા શાજહાનની બેગમ નુરમહાલ નામની હતી, તે છોકરું જણતાં જ મરણ પામી. તે વખત તારી કબર સઉથી સારી બાંધીશ, એવું તેણે તેને વચન આપ્યું હતું. તે વચન પ્રમાણે બાદશાહે આ મહેલ બાંધ્યો હતો. તે મહેલમાં તે રાણીની કબર છે. તે રાણી સન ૧૬૪૯ માં મરણ પામી; બાદ સન ૧૬૬૬ માં શાહજહાન બાદશાહ મરી ગયો, તેની કબર પણ બેગમની કબર પાસે જ છે. દરગાહની નીચે ચોતરાનું કામ તથા તેને ચારે ખૂણે ચાર મિનારા છે. તેનું કામ તમામ સફેદ સાફ સંગેમરમરના પથ્થરનું બનાવેલું છે, ને તે ઉપર રત્ન જડેલાં છે; તેની ચારે તરફની દિવાલ સંગેમરમરના પથરાની કરેલી છે. આ મહેલ જે એારતોએ જોયો હશે તે “આવો મહેલ મારા ઉપર કોઇ બાંધે તો આજે હું મરવાને તૈયાર છું” એવું મનમાં લાવ્યા વિના રહી નહીં હોય.

યમુનાને પેલે કિનારે યેત્માદુદ્દવલાની દરગાહ છે, તે ઘણી સુંદર છે. ત્યાં ખાજે ઘૈયાસ તથા તેની ઓરતની કબર પણ મધ્ય ભાગમાં છે, અને તેની આસપાસની કોટડીમાં તેના સગાંવાલાંઓની કબરો છે. ખાજે ધયાસ, જહાંગીર બાદશાહની કારકીર્દિમાં એક મોટો પુરુષ થઈ ગયો છે. તેનો ઇતિહાસ એવી રીતે છે કે, તે અસલ પશ્ચિમ તાર્તરીનો રહેનાર હતો. હિંદુસ્થાનના બાદશાહના દરબારમાં નોકરી કરવાના ઇરાદાથી તેણે પોતાના એક બળદ શિવાય બીજી તમામ માલ મિલ્કત વાટ ખરચી સારુ વેચી નાંખી, ને તે તથા તેની ઓરત હિંદુસ્થાન તરફ આવવા નિકળ્યાં. એારત ગર્ભવતી હતી, તેને બળદ ઉપર બેસાડી પોતે પગે ચાલવા લાગ્યો. તાર્તરીથી હિંદુસ્થાન આવતાં એક મોટું જંગલ આવે છે, ત્યાં આવ્યાં પછી ખરચી સઘળી પૂરી થઈ. ત્રણ દિવસ તેને તથા તેની ઓરતને અપવાસ થયા. આવી અવસ્થામાં ઓરતે જણ્યું, તેને છોકરી અવતરી. તે વખત ઓરત અશક્ત થવાને લીધે તેનામાં બળદ ઉપર બેસવાની તાકત રહી નહોતી અને ખાજે ધૈયાસ પણ ઘણો થાકી ગયો હતો. આવા સંકટને લીધે બાળકની સંભાળ લઈ શકાઈ નહીં. તેથી તે બાળકને નાંખી દઇ તે ઉપર ઝાડ પાલો ઢાંકી આગળ ચાલ્યાં ગયાં ને અરધો કોશ ગયાં ન ગયાં, એટલામાં એારતથી દુ:ખ બરદાસ્ત થઇ શક્યું નહીં તેથી બળદ ઉપરથી નીચે કુદી પડી. “છોકરું, છોકરું,” કરી કરી શોકથી કળવળવા લાગી. ધૈયાસથી તે દુ:ખ દેખી શકાયું નહીં, તેથી પાછો ગયો ને તે છોકરીને લઇ આવ્યો. એટલામાં એક મુસાફર આવી મળ્યો. તેણે બંનેને ખાવાનું આપ્યું. ત્યારબાદ તે બંને લાહોરમાં અકબર બાદશાહ રાજકારભાર કરતો હતો ત્યાં આવી પહોંચ્યાં. બાદ એક સગાની સીફારસથી બાદશાહે ધૈયાસને એક હજાર સ્વાર સોંપી તેનો ઉપરી બનાવ્યો. ત્યાર પછી યેમાદુદ્દવલાનું ખજાનચીનું કામ તેને મળ્યું. તેને જે જંગલમાં છોકરી થઇ હતી, તે ઘણી ખુબસુરત, સારા ગુણની તથા કળાકૌશલ્ય જાણનારી થઈ. શેર અફગાન નામનો એક ગૃહસ્થ ઘણો શૂરો બળવાન, ને ધીરજવાન હતો, તેની સાથે તે છોકરીને વિવાહ કરવાનો નીમ ઠર્યા પછી તે છોકરી અકસ્માત બાદશાહના મોટા છોકરા સાલીમના જોવામાં આવી. ત્યારથી તે શાહજાદાની તેની ઉપર પ્રીતિ બેઠી. શાલમે તેને પેાતાની ઓરત કરવાને બની શકે તેટલી મહેનત કરી; તો પણ તેનાં લગન શેર અફગાનની સાથે જ થયાં. પછી શેર અફગાનને લાહોર છોડીને બંગાલ દેશમાં એારતને લઈ જવી પડી. સાલીમ ગાદી ઉપર બેઠા પછી શેર અફગાન ઉપર કાંઈ દ્વેષ રહ્યો નથી એવું બહારથી દેખાડી તેણે તેને દિલ્લીમાં બોલાવી મંગાવ્યો, ને તેને મોટું કામ સોપ્યું; પણ શેર અફગાનની ઓરતનું ધ્યાન પાદશાહના દિલમાંથી ગયું નહોતું. તે પ્રાપ્ત થવાને શું ઉપાય કરવો, તેનો વિચાર તેના દિલમાં જારી હતો, ને તેના ધણી બરખાસ્ત કર્યા શિવાય તે હાથ લાગશે નહીં એવું જાણી તેણે પોતે અલગ રહીને પરસ્પર તજવીજ ચલાવી. પોતાના લોકોને શિખવી તેઓ પાસે એક વખત શેર અફગાન ઉપર એક વાઘ છોડાવ્યો. તે વખત તેની પાસે હથીઆર નહોતું, તેથી વાઘ સાથે કુસ્તી કરીને મારી નાંખ્યો. બાદ કેટલાક દિવસે તેના ઉપર મસ્ત હાથી છોડાવ્યો, તેવીજ તેણે તરવારથી હાથીની શુંડ કાપી નાંખી. આ પ્રમાણે થવા લાગ્યું તે ઉપરથી શેર અફગાન, સાલીમ બાદશાહ પાસેથી રજા લઈ બંગાલ દેશમાં તાડા નામના શહેરમાં ગયો. ત્યાં સરસુબેદારને સાલીમ બાદશાહનો વિચાર માલુમ પડવાથી તેણે શેર અફગાનના ઘર ઉપર ચાળીશ મારા મોક૯યા. તે વખતે તે ઉંઘતો હતો; પણ ગડબડ સાંભળવા ઉપરથી એકાએક જાગૃત થયો, ને હાથમાં તરવાર લઇને તે મારાઓ સાથે કવાયતથી લડ્યો, ને તેમાંના અરધાને ઠાર મારી નાંખ્યા, ને કેટલાકને જખમી કર્યા, તેથી બાકીના મારા નાશી ગયા. ત્યારબાદ એ શહેર પણ તેણે છોડ્યું, ને બરદવાન નામના શહેરમાં જઇને રહ્યો. ત્યાં કેટલાક દિવસ પછી તાડાનો સુબેદાર ગામની તપાસ કરવાને બહાને સાથે હથીઆરબંધ સ્વાર તથા શિરબંધી લઇને આવ્યો. તે વખત તેને શેર અફગાન સત્કાર કરવા સારુ આસરે એક કોશ સામે ગયો. પોતાની સાથે ફકત બે નફર હતા ને પોતે જાતે ઘોડા ઉપર બેઠો હતો. સરસુબેદારની મુલાકાત થતાં જ શેર આફગાન મેાટા આદરમાનથી ભેટી તે સહવર્ત્તમાન શહેર તરફ આવવા લાગ્યો. શહેર નજદીક આવ્યા પછી સરસુબેદાર હાથીની અંબાડીમાં બેઠો ને શેર આફગાન ઘોડા ઉપર જ બેસી રહ્યો. એટલામાં સરસુબેદારના એક ભાલદારે શેર આફગાનના ઘેાડાના થાપામાં ભાલો મારી પોતાના સ્વારોને આગળ ચલાવવાનો આરંભ કર્યો. તે ઉપરથી શેર આફગાને તરવાર કાઢી. તેની સાથે જ સરસુબેદારના સઘળા સ્વાર સીપાઈઓએ નાગી તરવારો કીધી. તે જોઇને, આ ઘાટ મારો જીવ લેવાનો સરસુબેદારે કર્યો છે, એવું સમજીને શેર આફગાન પોતાના ઘોડાને એડ મારી સરસુબેદારના હાથીપર લઈ ગયો ને સુબેદારને ભાલાથી ઠાર માર્યો. બાદ પોતે સ્વાર શીરબંદી ઉપર દોડ્યો ને તેમાંથી કેટલાક જણોને માર્યા. તેમાના બાકીના લોકો ચોતરફ ફરી વળ્યા ને શેર આફગાનને તથા તેના નફરોને ઘેરી લીધા, ને તેઓના ઉપર બંદુકની ગોળીનો તથા તીરોનો વરસાદ વરસાવ્યો. તે કારણથી તેના બંને નફરો પડ્યા, શેર આફગાનનો ઘોડો મરણ પામ્યો ને તે પોતે પણ ઉપરથી નીચે પડ્યો ને હાથમાંથી તરવાર પડી ગઈ. તેવા સઘળા શીરબંદીના લોક તેના ઉપર તૂટી પડ્યા ને તેના કડકા કડકા કરી નાંખ્યા. આ પ્રમાણે શેર આફગાન માર્યો ગયો. તેની એારત તથા તેને થયેલી છોકરીને સાલીમ ઊર્ફજહાંગીર બાદશાહના દરબારમાં લઇ ગયા. ત્યાં ગમીના દિવસ પૂરા થયા પછી જહાંગીર બાદશાહે તેની સાથે મોટા દબદબાથી શાદી કરી, ને રાજનો સઘળો કારભાર તેના હાથમાં આપ્યો. તેનું કેટલાક દિવસ નૂરમહાલ એવું નામ રાખ્યું હતું. બાદ નૂરજહાંન એવું નામ આપ્યું હતું ને તેના બાપ ખાજે ધૈયાસને દિવાનગીરી આપી તથા તેના સગાવાલાઓને મોટે રોજગારે વળગાડ્યા. તે ખાજે ધૈયાસ મરણ પામ્યા પછી તેના નામની ઉપર લખેલી દરગાહ બાંધી છે.

આ પ્રમાણે મુસાફરે ઘાશીરામ કોટવાલને વાત કહી, ને તેના દફતરમાં કાગળો હતા તે છોડી તેમાંથી તાજમહેલ તથા યેત્માદુદ્દવલાની દરગાહનો રંગીન નકસો હતો તે ઘાશીરામને બતાવ્યો. તે જોઈ તેણે કહ્યું કે આવી ઇમારત પેશવાના રાજમાં છે ? વાનવાડીમાં માહાદજી શીંદેની છત્રી કાંઈ નાહાની છે? તેવીજ શનિવારના વાડામાં મોરોબા ફર્દનવિશનો વાડો તથા નાનાસાહેબના વાડાની જગાઓ કેટલી ઉત્કૃષ્ટ છે ? તમે જુઓ તો તમોને મોટો આનંદ થાય. મુસાફર જાતનો મોગલ દેહેશત વિનાનો હતો, તેણે જવાબ દીધો કે “તે સઘળું મારા જોવામાં આવેલું છે, તેમાં શીંદિયાની છત્રી તો આગ્રાના પાયખાનાની ઈમારત જેટલી શોભાવાન નથી, ને શનિવારનો વાડા તથા ફર્દનવિસનો વાડો તો ઘોડાના તબેલા તથા રસોઈ ખાનાને લાયક પણ નથી.”

આ મુજબનું બોલવું સાંભળીને કોટવાલને ગુસ્સો આવ્યાથી તે મુસાફરને કાંઈ અપશબ્દ કહ્યા, તે ઉપરથી મુસાફરે જમૈયો કાઢી આંગ ઉપર હુમલો કરી ઘાશીરામની ગરદન પકડી, ને પેટમાં જમૈયો મારે છે, એટલામાં પાસેના લોકોએ મુસાફરનો હાથ પકડી લીધો. કોટવાલ તે વખત ગગળી ગયો ને ધોતીઉં છુટી ગયું ને નરમ થઈ ગયો; “પગે લાગું છું, અમીર સાહેબ ! પગે લાગું છું ! જીવતદાન આપો ! જીવતદાન આપો !” આ પ્રમાણે આરડવા લાગ્યો. એટલામાં મુસાફરને બીજા લોકોએ કેદ કરી તેના હાથ પગ બાંધી લીધા બાદ ઘાશીરામ સાવધ થઇને, એ ગુલામને ચાવડીપર લઈ જાઓ, એવું બોલી સીપાઇઓને હુકમ કર્યો. બાદ તે કામ ઈનસાફ થવા સારુ રામશાસ્ત્રી પ્રજુણે ન્યાયાધીશના કામ ઉપર હતા તેની પાસે ગયું. તેએાએ બેઉની હકીકત સાંભળી ઘાશીરામને ઠરાવ સંભળાવ્યો. તે નીચે પ્રમાણે:-

કોટવાલ સાહેબ ! આ મુસાફર આપણા પુના શહેરનો રહેનાર નથી. આફગાનનો રહેનાર છે. તેના હાથથી તમારો જીવ બચ્યો એ તમારું મોટું નસીબ સમજવું. અગર જો તેણે તમારો જાન લીધો હોત તો તેને અમારાથી સજા થઈ શકત નહીં. ઝાઝું તારે મુસાફરે શહેરમાં રહેવું નહીં એટલું કહ્યું.

એ સાંભળી મુસાફર ઘણો ખુશ થયો, ને મને બાંધ્યા પછી “ગુલામ” એવી કોટવાલે ગાળ દીધી. તેને બદલે હું વેર લીધા વગર રહેનાર નથી એવું બોલ્યો. તે ઉપરથી રામશાસ્ત્રીએ કહ્યું કે જે ખરા શુરા છે તેણે પોતાના બરાબરીના શત્રુ સાથે જ લડવું જોઇએ; તેમાં તેનું ભૂષણ છે; આડવેર કરવામાં ઠીક નથી. વાસ્તે એવા કારણસર શાંત રહેવું, એ સારી વાત છે. એ વાત સાંભળી મુસાફરને, આ કોઇ ઘણો સમજુ છે એવું ખુલ્લું માલુમ પડવાથી હવે મેં આપની શિખામણ કબુલ રાખી, એવું કહીને તથા તેને તાજીમથી સલામ કરીને ચાલ્યો ગયો. તે વખત ઘાશીરામને કેટલું માઠું લાગ્યું હશે તેનો વિચાર અકલમંદ આદમીએ કરવો.