← વાત ૮. ઘાશીરામ કોટવાલ
વાત ૯.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૧૦. →


વાત ૯.

ઘાશીરામને કીમિયાનો છંદ ઘણો હતો, તેથી કરીને કોઇ પણ કીમિયાગર અથવા રસાયન શાસ્ત્ર જાણનાર વૈદ અથવા ઓલીઆની બાતમી માલુમ પડતી તો તેની પાસે પોતે જતો ને તેએાને પોતાને ઘેર પણ બોલાવતો, ને તે એની પાસે તરેહ તરેહના કામો કરાવતો હતો. આ ફંદમાં તેણે સેંકડો રુપીઆ ગુમાવ્યા, એ વાત સઘળા લોકોમાં સારી પેઠે જાહેર થઈ હતી. ભાંબુરડ ગામની વાડીમાં એક બ્રાહ્મણ આવીને ઉતર્યો હતો; તેણે પેાતાની જટા તથા નખ વધારેલા હતા, અને સઘળે શરીરે વિભૂતિ ચોળી હતી. તેનું નામ વાઘાંબરી બાવા હતું. તેની સાથે બે શિષ્ય હતા. તે ગામમાં જઈને ભીખ માગી લાવી બ્રહ્મચારી બાવાને ખવાડતા હતા. બાવા હંમેશા એક પીપલાનાં થાળાં ઉપર આંખો બંધ કરી વાઘના ચામડા ઉપર બેસી માળા ફેરવતા હતા. કોઈ પાઈ પૈસો તેની આગળ નાંખે તો તે ઉપર નજર કરતા નહીં. સમાધિ પૂરી થયા પછી આંખો ઉઘાડતા, ને મોહોડા આગળ જે પૈસા, ફુલ, પાન, અથવા ફળ વગેરે કાંઇ પડેલું હોય, તે સઘળું લાત મારીને પીપળાના થાળા નીચે નાંખી દેતા હતા, તે છોકરાંઓ લઇ જતાં હતાં. આ કારણથી આજુ બાજુના લોકોની ભક્તિ રોજ રોજ બાવા ઉપર વધતી ગઇ. પછી દરરોજ ઘણા પૈસા એકઠા થવા લાગ્યા. પછી બાવાજીના મોહેાડા આગળ મૂકેલી હરેક ચીજ તે લેતા નથી, એવું લોકોને માલુમ પડવાથી સીધું તથા હરેક ચીજ તેના શિષ્યને આપવા લાગ્યા; અને રાત્રે બાવાજી પૂજા કરી રહ્યા પછી જમતા. તે વખત કેટલીક મંડળી પ્રસાદ લેવા સારુ આવવા લાગી. દેવીપૂજા પૂરી થયા પછી આરતી કરીને દેવની આગળ બાવાજી પાનનાં બીડાં મૂકતા હતા. તે ઉપર કોઇ વખત પુતળિયું ને કોઇ વખત મોહોર કમ્મરમાંથી કાઢીને મૂકતા હતા. તે જોઇને લોકો ઘણા તાજુબ થયા. એક દિવસે એક જણે અધમણ બાસુદી, આટા તથા ઘી લાવીને શિષ્યને સોંપ્યું હતું. તે દિવસ બાવા બાસુદી પુરી સારી પેઠે જમ્યા પછી, પ્રસાદ લેવા મંડળી આવી હતી. તેની રુબરુ એક શિષ્યે પૂછ્યું કે આજે બાસુદી ક્યાંથી લાવ્યા હતા? ત્યાં બાસુદી લાવનાર પણ પ્રસાદ લેવા આવ્યો જ હતો; તેને એક શિષ્યે આંગળીના ઈસારાથી બતાવી કહ્યું કે આ ગૃહસ્થે બાસુદી પુરીની સામગ્રી આપી હતી. તે ઉપરથી બાવાને ઘણો ગુસ્સો ચહડ્યો, ને જલદીથી ઉઠીને પોતાની ધુણીમાંથી બળતું લાકડું લઇને શિષ્ય ઉપર ફેંક્યું, પણ તે તેને લાગ્યું નહીં. મારું બધું શરીર વટલાવ્યું. પેટમાં ગયલો સઘળો પદાર્થ બાહાર કહાડી નાખ્યા શિવાય બીજો કાંઈ ઈલાજ નથી; વાસ્તે હવે પેટ ફાડવું જોઇએ. એવું કહીને રાંધવાની જગો પર છુરી પડેલી હતી તે લેવા સારુ બાવો દોડ્યો. તેવા જ બે શિષ્યે તેના હાથ પકડીને ક્ષમા ગુરુજી ક્ષમા ! એમ કહીને પ્રસાદ લેવા આવેલી મંડળીને “વારો વારો નહીં તો અનર્થ થશે.” એવું ગભરાઇને બોલવા લાગ્યા. તે ઉપરથી તે મંડળીએ ઉઠીને કોઇએ બાવાજીના પગ પકડ્યા, કોઇએ લાંબા થઇને દંડવત કર્યો, કોઇ આંખમાંથી આંસુ પાડી વીનવવા લાગ્યા; ત્યારે બાવાજી મૂર્છા આવ્યા પ્રમાણે કરી જમીન પર પડ્યા. પછી બે શિષ્યોએ તેને ઉંચકી તેના બિછાના ઉપર સુવાડી દીધા, ને પંખાથી પવન નાંખવા શરુ કર્યો, ને મંડળીના લોકોને રજા આપી. આ સઘળી હકીકત ચાવડી ઉપરના સીપાઇની તરફથી ઘાશીરામને જાહેર થઇ. તે ઉપરથી તે બીજે દિવસે સવારમાં બાવાજીને મળવા આવ્યો. તે વખત બાવાજી પીપળાના થાળા ઉપર સમાધિ ચહડાવી બેઠા હતા. તેની આગળ કોટવાલ લ્હેજોભર ઉભો રહ્યો, તેના સ્વારીના ઘોડાએ ખંખાર્યું, તો પણ બાવાજીએ આંખ ઉઘાડી નહીં. ત્યારે કોટવાલે રણસીંગું ફુંકવાનો હુકમ કર્યો; તો પણ બાવાજીનું આસન ડગમગ્યું નહીં. તેથી કોટવાલ પાછો જવા લાગ્યો. તે વખત શિષ્યોમાંના એક શિષ્યે તેના ઘોડા પાસે જઈને કહ્યું કે, સ્વામીની સમાધિ બે પહોર સુધી પૂરી થતી નથી, વાસ્તે આપને મુલાકાત કરવાની મરજી હોય તે સાંજના સ્વારી આવશે તો નિરાંતે મુલાકાત થશે. એ વાત સાંભળીને ગયા. તે બીજે દિવસે સાંજરે બાવાજીને મુકામે ઘાશીરામ આવ્યા. તે વખત બાવાજી વાઘના ચામડા ઉપર બેઠા હતા. મોહોડા આગળ ધુણી બળતી હતી ને હાથમાં ગીતાજીનો એક અધ્યાય હતો. એ રીતે તેણે જોયા. ઘાશીરામ આવીને મોહોડા આગળ બેઠો. તેની તરફ બાવાજીએ જોયું, ન જોયું એવું કર્યું. પછી આ કોટવાલ સાહેબ આવ્યા છે, એવું કોઈ મંડળીમાંના સખસે કહ્યું, ત્યારે બાવાજીએ ઘાશીરામ તરફ જોઇને “આયુષ્યમાન્ ભવ” આ પ્રમાણે આશીર્વાદ દઇને, “સત્ય બચન મન લીનતા, પરસ્ત્રી માત સમાન, ઉસકો જો હરિનાં મિલે, તો તુલસીદાસ જમાન.” એ પ્રમાણે દોહરો કહીને પાછા ગીતા જોવા લાગ્યા. કોટવાલ અર્ધી ઘડી સુધી બેસી બાવાજીની નિ:સ્પૃહતા તથા નિર્લોભપણું તથા વિદ્વત્તા જોઇને, આ કોઇ મહાપુરુષ છે એમ સમજીને નમસ્કાર કરીને ચાલ્યા ગયા. બે ત્રણ દિવસ પછી ઘાશીરામ ફરી આવ્યા. તે વખત બાવાજી સાથે બોલવું થયું તે નીચે પ્રમાણે :–

ઘા૦— આપની જુઠણ લેવાની ઇચ્છા છે, માટે એક દિવસ મહારે ઘેર પધારવું જોઇએ.

બાવા— અમે આજ સુધી પૃથ્વી ઉપર ફર્યા તેને નેવું વર્ષ થયાં. પણ કોઇ શહેરમાં અમે પગ મૂક્યો નથી, તેથી પુના શહેરમાં પણ કદી આવનાર નહીં; અને બે ત્રણ દિવસમાં દ્વારિકા જવા સારુ કોકણ તરફ જવાનો વિચાર છે; વાસ્તે અમારાથી આપનો મનોરથ પૂર્ણ થશે નહીં.

કોટવાલ— પર્વતી અથવા વાકડ્યાના બાગ, અથવા વાનવડીમાં બેત રાખશું.

બાવા— નહીં નહીં, અમે બીજાનું જમતા નથી.

કો૦—(જરા વિચાર કરીને) કોથરુડ બાગમાં ઠરાવીશું.

બાવા— તે બાગ હ્યાંથી કેટલો દૂર છે ને ત્યાં કેટલી વસ્તી છે ને ત્યાં સરકારની ચોકી પહેરાનો કાંઈ બદોબસ્ત છે?

કો૦— કેાથરુડ બાગ હ્યાંથી બે કોશ ઉપર છે. ત્યાં પાંચ પચીસ કણબીઓનાં ઘર છે તથા સરકારનું અનુષ્ઠાન છે. ચોકી પહેરાને સારુ દશ પાંચ સીપાઈ રહે છે. તે ઉંચ જાતિના એટલે બ્રાહ્મણ છે.

બાવા— એ જગા બીજી જગો કરતાં સારી જણાય છે. આપની મરજી હોય તો ત્યાં પ્રસાદ લેવાનો બેત રાખવો.

કો૦— સવારે મ્યાનો મોકલી દઇશ.

બાવા— એ તો ખરાબ છે ! અઘોર નરકમાં જવાનું એ વાહન અમારે શું કરવા જોઇએ ? ઘોડા મ્યાના પહેલાં ઘણાં હતા. તેની હોંશ હોત તો ઘરબાર તથા સંસારનો ત્યાગ કરત જ નહીં.

કો૦— ત્યારે મરજી હોય તે પ્રમાણે કરીએ. સવારે અથવા બીજી કઈ વખત પધારવાનું થશે ?

બાવા— દિવસની વખતે અંન લેતો નથી. સૂર્ય આથમ્યા પછીનો બેત રાખવો. કોટવાલે ઘણું સારું, એમ કહી રજા લીધી.

બીજે દિવસે બાવા પોતાનો સઘળો મુકામ ઉઠાવી સાંજરે કોથરુડ ગયા. ત્યાં ઠરાવ પ્રમાણે ઘાશીરામ પણ આવ્યા હતા ને સઘળું સાહિત્ય તૈયાર હતું. બાવાએ નાહીને સંધ્યા કરી, પછી આરતીની વખતે ઘાશીરામને મંદિરમાં બોલાવ્યો. ત્યાં બાવો, તેનો એક શિષ્ય તથા ઘાશીરામ એ ત્રણ જણા જ હતા. આરતી થઇ રહ્યા પછી વૈશ્વદેવ સારુ ત્રાંબાના વાસણમાં દેવતા લાવીને તે ઉપર એક ન્હાનું કોડીયું મૂકી, તેમાં ઘી રેડ્યું. તે તપીને બળવા લાગ્યું ત્યારે શિષ્ય પાસે એક ત્રાંબાનો પૈસો માંગ્યો. તે પૈસાની પૂજા કરી તેને કાંઈ ચોપડ્યું. એવું બતાવી તે પૈસો કોડિયામાં નાંખ્યો. તેની સાથે કોડિયાનું ઘી ઉકળી તેમાંથી જ્વાળા નિકળી ને બળી ગયું. પછી કોડિયું અગ્નિમાંથી ક્હાડી જમીન ઉપર ઉંધું નાંખ્યું. તેની ઉપર શિષ્યે પાણી છાંટી ચતું કર્યું. તેમાં સોનાનું પુતળિયું ચીકટાયલું હતું તે શિષ્યે કહાડી ધોઇને સાફ કરી બાવાના હાથમાં આપ્યું. તેણે તે પુતળિયું પોતાની કમરમાં ખોસ્યું, પછી વૈશ્વદેવ કરીને પાનનું બીડું દેવ આગળ મૂક્યું, અને “સુવર્ણ પુષ્પ દક્ષિણાં સમર્પયામિ” આ મંત્ર ભણીને કમરમાંથી પુતળિયું કહાડી બીડા ઉપર મૂકી પાણીની અંજળિ આપીને જમવા બેઠા. જમી રહ્યા પછી બાવાના શિષ્યમાંનો એક શિષ્ય તે પુતળિયું લઇને રસોડામાં ગયો, ને ત્યાં રસોઇઓ તથા બીજા ખટ૫ટી બ્રાહ્મણો હતા, તેને પુતળિયું આપી, બાવાજી પારકું અંન ઘણું કરીને લેતા નથી, ને અગર કોઇ પ્રસંગે લેવાની જરૂર પડે તો તેનો બદલો વાળ્યા વગર રહેતા નથી; વાસ્તે આ પુતળિયું સઘળાને વહેંચી આપો, એમ કહ્યું. બાવાજી પાનનું બીડું ખાવા દેવાની આગળ બેઠા હતા, એટલામાં કાંઇ કામની હકીકત કહેવા સારુ કોટવાલ રસોડાના બારણા આગલ ગયા, ત્યાં રસોઈઓ એ બાવાના શિષ્યે પુતળિયું વહેંચી આપ્યાની હકીકત તેને કહી. તે ઉપરથી બાવાજી કીમીઓ કરી જાણે છે, એવી તેની ખાતરી થઈ ને બાવા પાસે ગયો. પછી બાવાસાથે વાતચિત થઇ તે:-

ઘા— હવે રાત્ર પડી છે; વાસ્તે ભાંબુરડ જવું અત્યારે બંધ રાખો, અને રાતની રાત હ્યાં જ રહો. સવારને વાસ્તે જે કરવું હશે તે થઈ રહેશે.

બાવા— આ જગા ઘણી જ સારી છે; ઠીક આજ શુદનોમ થઈ. વદ પડવાને દિવસ કોકણ જવાનું મુહૂર્ત્ત છે; વાસ્તે પાંચ છ દિવસ હ્યાં રહીશું ને પછી પરબારા હ્યાંથી જ ચાલ્યા જઇશું. પુનામાં બિલકુલ જઇશું નહીં. ઘા૦—એમ કરો. આપ તે વખત ત્રાંબાનો પૈસો નાંખી, સોનાનું પુતળિયું અગ્નિમાંથી ક્હાડ્યું, તેનો પ્રકાર શી રીતે છે?

બાવા— વિષ્ણવેનમઃ વિષ્ણવેનમઃ સ્વામીનો હુકમ તે વાત કહેવાનો નથી.

ઘા૦— હું આપનો ચેલો થાઉં છું, પછી તો મને કહેવાની કાંઇ ફિકર નથી?

બા૦— ખરી વાત; પણ એ પ્રયોગ શિખવાને બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઇએ. ફક્ત મોહોડેથી બ્રહ્મચર્ય કહેવડાવવું ઉપયેાગનું નથી. આપથી સંસારનો ત્યાગ થાય નહીં; તેમ તે ક્રિયા શિખતાં એક વર્ષ લાગશે.

ઘા૦— અમારાથી બ્રહ્મચર્ય વ્રત પળાશે નહીં; પણ આપના જવા પહેલાં આપના તપનું ફળ અમને મળે તેમ કરવું જોઇએ.

બાવા— ત્રાંબું શુદ્ધ કરી તેનું સોનું બનાવતાં પાંચ દિવસ લાગે છે. તેમાં ચાર દિવસ ત્રાંબુ શુદ્ધ કરતાં જાય છે. તે ચાર દિવસમાં જેને બ્રહ્મચર્ય ન હોય તેવાનો અવાજ પણ કાને સાંભળવો ન જોઇએ, એવો પક્કો બંદોબસ્ત અહીં શી રીતે રહી શકે ?

ઘા૦— હું અહીં જેવો જોઇએ તેવો બંદોબસ્ત કરી આપું. બાગની ચારે તરફ કનાત બંધાવી અંદર પવન આવી શકે નહીં એવું કરાવું, ને કનાતની બહાર આઠ દશ વર્ષના છોકરાએાને હાથમાં ગોફણ આપી બેસાડું છું. તે છોકરાઓ શિવાય બીજા કોઇએ તે કનાત પાસે જવું નહીં, એવી ગામના લોકોને તાકીદ કરું છું; પછી કાંઇ અડચણ રહી?

બાવા— એ ખરું; પણ હવે દિવસ થાકતા નથી; અમારે નિકળવાનું મુહૂર્ત પાસે આવ્યું.

ઘા૦— હજી સાત દિવસ રહ્યા છે; તેટલામાં પાંચ દિવસમાં કરવાનું કામ છે તે થઇ શકશે.

બાવા— આપ તાકીદ રાખશો તો થશે. યાદી કરી આપુંછું તે પ્રમાણે સામાન બે દિવસમાં લાવી આપો તથા એક માટીનો કુંડ બનાવી આપો, અને અમારા હાથની યાદી કોઇ બીજાના જોવામાં ન આવે એમ થવું જોઇએ.

બાવાજીનું બોલવું સાંભળી ઘાશીરામે ઠીક છે, યાદી આપો એવું કહ્યું. તે ઉપરથી વાઘાંબરી બાવાએ પોથી કહાડી તેમાંથી યાદી ઉતરાવી આપી. તેમાં પાંચ પચીસ ચીજો લખેલી હતી; તેમાં ત્રાંબાના વીંટા તથા દર મણ ત્રાંબે બાવન નંબર કસના સોનાનો ભુકો અગિયાર માસા, એ પ્રમાણે લખેલું હતું. તે યાદ ઘાશીરામ લઇને, બાવાને નમસ્કાર કરી પુનામાં આવ્યો. બીજે દિવસે ફરાસ મોકલી બાગની ચોતરફ કનાત બંધાવી, તથા કડીઆ મોકલી માટીનો કુંડ બંધાવી આપ્યો, ને બીજે દિવસે યાદીમાં લખ્યા પ્રમાણે સામાન પહોંચતો કર્યો. તેમાં પાંચસેં મણ ત્રાંબુ ને તે પ્રમાણે પાંચ ડાબડા ભરીને સોનાનો ભુકો મોકલ્યો. ત્યારબાદ કોટવાલ સાંજરે કોથરુડ જઇને બાવાને મળ્યા તે વખત બાવાએ કહ્યું કે સવારે આરંભ કરશું. આપે બહારનો પાકો બંદોબસ્ત રાખવો. વદ પડવા સુધી કોઈ કનાત પાસે આવે નહીં. વદ પડવાને દિવસ બે ઘડી હોય ત્યારે આપે આવવું, એટલે આપને સઘળું સ્વાધીન કરીને અમે રસ્તે પડી અમારું મુહૂર્ત્ત સાચવીશું. આ વાત સાંભળી કોટવાલે જવાબ દીધો કે ઠીક છે. પછી બાગમાંથી સઘળા માળી વગેરે ને કહાડી કનાતની બહાર ચાર પાંચ છોકરા રખવાળી સારુ રાખી પોતે પુને ગયા. બાગમાં વાઘાંબરી બાવા તથા તેના બે શિષ્ય રહ્યા. બાદ ઠરાવ પ્રમાણે વદ પડવાને દિવસ ઘાશીરામ પોતે કોથરુડ જઇને બાગના બારણા આગળ ઉભા રહ્યા; પણ કનાતનાં બારણાં ઉગડેલાં નહીં. પછી બે ઘડી રાહ જોઇ એટલે સાંઝ પડી ગઈ; બાદ કનાતની બહાર રાખેલા છોકરામાંથી એક છોકરાને કનાત ઉપરથી અંદર ઉતારી બાવા શું કરે છે તે જોઇને કહેજે, એવું કહ્યું. તે છોકરો અંદર જઇને મોટેથી બુમ પાડી કહેવા લાગ્યો કે અરે ઓ આવો અહીં કાંઇ નથી ! આ શબ્દો સાંભળતાં જ ઘાશીરામનું કલેજું ફાટ્યું ને મોહોડું ઉતરી ગયું. પછી કનાત ઉઘાડી અંદર જઇને જોયું તો કુંડમાં રાખોડીને ઢગલો ને ત્રાંબાના વીંટા પીળા રંગેલા હાથ લાગ્યા. સોનાનો ચુરો આસરે રૂપીઆ નવ હજારની કીમતનો હતો તે કાંઈ જડ્યો નહીં. ત્યારબાદ ઘાશીરામે ચારે દિશાએ સિપાઈ મોકલી શોધ કરાવી; પણ વાઘાંબરી બાવા તથા તેના બે ચેલા હાથ લાગ્યા નહીં.

--¤¤¤¤¤¤¤¤--