ઘાશીરામ કોટવાલ/વાત ૨૦.
← વાત ૧૯. | ઘાશીરામ કોટવાલ વાત ૨૦. મેારુબા કાહ્નોબાજી (મરાઠી ) ૧૮૬૫ |
વાત ૨૧. → |
જે દિવસે રાજાપુરની ગંગા વિષે બોલવું થયું, તેને બીજે દિવસે ગુલામઅલી મુનશી, ઘાશીરામને ઘેર ફરી આવ્યા. ત્યાં શેષાચાર્ય નામના શાસ્ત્રી બેઠા હતા, તે વખત બોલવું જારી થયું તે:–
કો૦— મુનશી સાહેબ, તમે કાલે ઘણી જ સારી ગંમત કરી બતાવી. હવે કાંઈ બીજી નવી મજા બતાવવા લાયક રહી છે ?
મુ૦— અમને બીજા ઘણા ચમત્કાર માલુમ છે.
કો૦— આચાર્ય બાવા, આ મુનશીએ ગઈ કાલે કારલ્યાની એકવીરા દેવીના ચમત્કારિક કામ વિષે વાત કરી હતી, તે ઉપરથી એમને ઘણી માહિતી છે, એમ જણાય છે.
આ૦— કારલ્યાની ગુફા કાંઈ મોટી નથી. આજીટનેા ઘાટ, ખાનદેશ તથા ઔરંગાબાદ એ બંનેની સરહદ ઉપર છે. તેમાં વેરુલની ગુફા મોટી છે. તે ગુફામાં પાંડવે પોતાના રહેવાના ઘરની પેઠે સઘળી સગવડ કરેલી છે અને ભીત ઉપર મોટા દેવદાનવ વગેરે કોતરેલા છે. તે કોતરવાનું કામ, પાંડવ બાર વર્ષ સુધી ગુમ રહ્યા હતા, તે વખત ફુરસદમાં ડુંગર કોચીને અંદરથી કરેલું છે. એવું કામ માણસને હાથે બનવાનું નહીં.
મુ૦— જે વાતની બરાબર માહિતી ન હોય, તે વાત ઈશ્વરકૃત છે, એમ કહેવાની તમારા બ્રાહ્મણોની ચાલ છે; પણ તે ઈશ્વરકૃત અથવા પાંડવનું કરેલું બિલકુલ નથી. હાલ જમાનાના લોકોના શોધવા ઉપરથી એવું માલુમ પડ્યું છે કે, જે જે ઠેકાણે આ દેશમાં એવી ગુફાઓ છે, તે તે ઠેકાણાના આગલા વખતના રાજાઓએ લાખો રૂપીઆ ખરચીને, પોતાને તપશ્ચર્યા કરવા તથા એકાંત બેસવા વગેરે કારણસર, એ ડુંગરમાં મહેલો માણસને હાથે કરાવ્યા છે; ને તેમાંના કેટલાક મહેલ જૈન ધર્મના રાજાએ બનાવેલા છે. તેમાં દેરા એટલે જે ગોળ ગુમટ બનાવેલા છે, તેમાં ગુજરી ગયેલા રાજાઓની સમાધિ છે. આવાં મોટાં કામ કરવાની પાંડવોને વનવાસમાં એટલી ફુરસદ નહોતી, એવું તમારા ભારત ઉપરથી જણાય છે.
આ૦— મુનશીનું બોલવું અમે કાંઈ ખરું માનતા નથી; કારણ કે નાશકની પાસે પ્રત્યક્ષ પંચવટી કરીને ગામ વસેલું છે; તેમાં સીતાની ગુફા હજી સુધી છે. તે ગુફાની કથા રામાયણમાં લખેલી છે.
મુ૦— તમારી રામાયણમાં કહેલી સીતાની ગુફા તથા પંચવટીમાં જે સીતાની ગુફા છે, તે બંને જૂદી જૂદી છે; કારણ કે તમારા બ્રાહ્મણો જે સીતાના શરીરની લંબાઇ પહોળાઇ બતાવે છે, તે પ્રમાણે સીતાનો ખરેખરો જ આકાર હોય તો, તેના શરીરનો સોમો હિસ્સો પણ હાલ નાશકની ગુફા છે તેમાં માય નહીં. પંચવટીની સીતાની ગુફા લોકોને ઠગવા સારુ માણસોએ બનાવી છે, એવું જેણે જોયું છે તે કહે છે; ને તેવી ગુફા હાલ નવી પણ બની શકે.
ઘા૦— અમારા મહારાષ્ટ્ર દેશમાં જેવું પાંડવનું આશ્ચર્યકારક કામ છે, તેવું તમારા મુસલમાન રાજાનું બનાવેલું કોઇ છે ?
મુ૦— ઘણું છે, ને તે આપોઆ૫થી બનેલું છે એવું સાબીત થયું છે.
આ૦— તે આશ્ચર્યકારક કામ શી રીતે થયું છે તે કહો.
મુ૦— તમે જેને આશ્ચર્યકારક કામ કહો છો, તેને મુસલમાન લોક ગુફા કહે છે, તે નાહાની મોટી હોય છે. તેમાં કેટલીક પથ્થરની જમીન, એટલે ખડકમાં ચીલો પડીને બનેલી છે. કેટલીક એક બીજાને લગતી છે, ને તેમાં એક બીજામાં આવવા જવાનો રસ્તો છે, કેટલીક એવી છે કે તેની બંને બાજુએ સૂર્યનો પ્રકાશ પડે છે ને તે ગુફા સુધી નદીઓ વહે છે. તેમાં કેટલીક પાણીની વાટથી તથા જ્વાળામુખીના યેાગથી થયલી છે. નાર્વે કરીને દેશ છે, ત્યાં એક ગુફા છે, તે જમીનની અંદર એક હજાર ફુટ ઉંડી છે. જાર્જિયા દેશમાં એક ગુફા છે, તેની ઉંચાઈ પચાસ ફુટ ને પહોળાઈ સો ફુટ છે; ને તેની લંબાઈ કેટલા કોશ સુધી છે તેનું આજ સુધી કાંઇ ઠેકાણું લાગ્યું નથી. ગ્રીસ કરીને બેટ છે, ત્યાં એક મોટી ગુફા છે તેમાં મશાલ કરીને જાય છે. તે વખત મશાલના અજવાળાથી તે ગુફાનો રસ્તો હીરાથી જડેલો હોય તેવો ચળકે છે. આઇસ્લાંડ કરીને બેટ છે, તેમાં જ્વાળા મુખીથી થયલી મોટી ગુફા છે; તેમાં પ્રથમ ચોર લોક રહેતા હતા, એવી દંતકથા હોવાના સબબથી “ચોરની ગુફા” એવું તેનું નામ પડેલું છે. આ ગુફાની પાસેના પર્વત ઉપર જ્વાળામુખીથી બળેલા પદાર્થોનો મોટો ઢગલો પડેલો છે. આ ગુફાનું મોહોડું છત્રીશ ફુટ ઉંચું અને ચોપન ફુટ પહોળું છે. તેની લંબાઇ પાંચ હજાર ફુટ ઉપરાંત છે. તેના તળીઆંથી આસરે દસ ફુટ ઉંચી, એવી એક પથરની ભીંત માણસની બનાવેલી જણાય છે. આ ગુફામાં ત્યાં રહેનારનો સુવા સારુ ત્રીસ ફુટ લાંબી અને પંદર ફુટ પહોળી એવી એક ઓરડી છે.
ઘા૦— અરે મુનશી, તમે તે આ ગપ મારો છો કે એમાં કાંઇ ખરી વાત છે ?
મુ૦— ગપ મારવાનું કામ શું ? મારી કહેલી ગુફામાંની કેટલીક ગુફા હજારો લોકોએ જોયલી છે, ને તેનો જે નક્સો મારી પાસે છે, તેમાં સ્કાટલંડ દેશની પશ્ચિમમાં જે બેટ છે, તેમાં સ્ટાફા નામનો બેટ છે, તેમાં ફીગાલની ગુફા છે; તેમાં ઉંચો થાભલો મોટો કોરીને, તેમાં તરેહ તરેહના રંગ ભરી સુશોભિત કરેલા ઘુંમટના થાંભલા જેવો દેખાય છે. ત્યાંથી જમીન ઘણી જ નાહાની ને થાંભલાની કુંભી જાળીદાર પથ્થરની ફરશબંધી જેવી દેખાય છે.
આ ગુફામાં જવાનો રસ્તો ત્રેપન ફુટ પહોળો, ને એકશો ને સત્તર ફુટ ઉંચો કમાનદાર છે. તેની અંદરની લંબાઈ ૨૫૦ ફુટ છે. ત્યાં આપોઆપ થયલું એક સિંહાસન છે. તે ઉપર ચહડીને જોતાં ગુફાની સઘળી શોભા બરાબર દેખાય છે. આ ગુફાની રચના તથા શેાભા જોતાં તે માણસની બનાવેલી છે એવું મનમાં આવે છે; પણ માણસની બુદ્ધિ અને કારીગરી કરતાં તેની રચના અધિક ચમત્કારિક છે. આ ગુફાનો નક્શો, કોટવાલ સાહેબ, હું આપને લાવીને બતાવીશ.
એ પ્રમાણે બોલવું થયા પછી ઘાશીરામે મુનશીને, ગુફાનો નકશો તમને ફુરસદ હોય તે વખતે લાવીને બતાવજો, એમ કહીને રજા આપી.