← વાત ૨૦. ઘાશીરામ કોટવાલ
વાત ૨૧.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૨૨. →


વાત ૨૧.

ચાર પાંચ દિવસ પછી ગુલામઅલી મુનશી કેટલાક નકસા લઇને ઘાશીરામ પાસે આવ્યા ને તેને દેખાડવા લાગ્યા. તે વખત ત્યાં ઘણા લોકો બેઠા હતા. તેમાં મહાદેવભટ સપ્તર્ષિ નામના એક બ્રાહ્મણ વૈદ હતા. કોટવાલ નકશો જોવા લાગ્યા, તેમાં જવાળામુખીનો નકશો જોઇને આ આગ ક્યાં લાગી છે, એવું તેણે પૂછ્યું? તે ઉપરથી બોલવું શિરુ થયું તે:

મુ૦— આ જ્વાળામુખી છે.

મ૦— જોઉં જોઉં, જ્વાળામુખી કેવો છે ? આપણા શાસ્ત્રમાં એવું કહેલું છે કે ઇશ્વરે અગ્નિ ઉત્પન્ન કર્યો તે વખત અગ્નિને રહેવાની જગા નહોતી, તેથી જમીનમાં દાટ્યો. તે કારણથી હોમ હવન કરવાનું કામ જમીન ઉપર કરવું પડે છે; માળ ઉપર કરતા નથી; અને હોમ હવન કરતી વખત જમીનમાંથી અગ્નિ બોલાવવો પડે છે. જમીનમાં રાખેલા અગ્નિમાંથી થયલો જ્વાળામુખી છે, એવું સંભળાય છે. તેમને એ જ્વાળામુખી હશે.

મુ૦— કોટવાલ સાહેબ, ભટજી કહે છે, તેમાંનો એ જ્વાળામુખી નથી. આ નક્શામાં જ્વાળામુખી ધુમાડા જેવો દેખાય છે. તેમાંથી કદી બળેલી ધાતુ નિકળે છે; રાખ તથા રેતી નિકળ્યા જ કરે છે; ને પાણી, કીચડ, બાફ તથા વાયુ તેમાંથી નીસરતો જ જાય છે. ઘણું કરીને જ્વાળામુખીનો આકાર શિખર જેવો છે, ને તેની ટોચ પાસે નાહાના ગોળ કુંડ છે; તેને મુખ કહે છે. આ પ્રમાણે જ્વાળામુખીઓ સમુદ્રની સપાટીથી કાંઇ ઉંચા, ને મેદાન જમીનમાં કેટલાક પર્વતની ઉપર, ને કેટલાક તેની પાસે હોય છે. તેમાં યુરોપખંડમાં એટના,વિસુવિયસ તથા હેકલા એ જ્વાળામુખીઓ પ્રખ્યાત છે. તે જ્વાળામુખીઓથી ઘણીકવાર નુકસાન થયેલું છે ઈસ્વી સન ૭૦ સુધી વિસુવિયસ પર્વતની ઉપરના જ્વાળામુખીથી થયલા ઉત્પાત વિષે કોઈ ઠેકાણે લખેલું વૃત્તાંત જાણ્યામાં આવ્યું નથી. એ વર્ષ સૂધી જૂના જ્વાળામુખીનાં મેાહોડાં ઉપર નાહાનાં ગોળ કાણાં માત્ર હતાં, ને તે ઠેકાણે ઝાડો ઉગેલાં હતાં, ને તેની આસપાસ ખેતી સારી થતી હતી. એવું છતાં સદર્હુ શાલમાં તે જગે મોહોટું તોફાન થયું, તેથી કરીને ત્રણ મોટાં શહેરનો નાશ થઇ ગયો. સને ૧૬૯૯ ની શાલમાં એટના પર્વત ઉપર જ્વાળામુખી ફાટ્યો, ને તેમાંથી ધાતુ વગેરેનો ગરમ રસ નિકળ્યો, તેનો રેલો દરીઆ સુધી જતામાં ચઉદ શહેર તથા કેટલાંક ગામ બળીને ખાખ થઈ ગયાં. અમેરિકાખંડમાં એંડીઝ નામનો પર્વત છે; તેની ઉંચી ટોચો ઉપર હમેશ જ્વાળામુખી લાગ્યા કરે છે; તે ફાટવાથી મોટો ધરતીકંપ થાય છે. તેમાં એક જ્વાળામુખીની આસપાસ બે કોશ ચોરસ જમીન, ઈસ્વી સન ૧૭૫૯ માં ભાદરવા મહીનામાં પાંચસે ફુટ ઉંચી એકાએક ઉપર ઉંચકાઇ આવી, ને આસરે બે કોશ ચોરસ જગામાંથી જ્વાળા બહાર નિકળવા લાગી. બળેલા પથ્થરોના કડકા રાખમાંથી બહાર ઉડવા લાગ્યા. ને તે જમીન દરીઆની પેઠે ગાજવા લાગી; ને તે બંને બાજુના બળતા કુંડમાં પાણી પડવાથી વધારે અગ્નિ ઉઠતો હતો. આ પ્રમાણે જ્યારે જ્વાળામુખીઓ ફાટે છે, ત્યારે મોટો ગડગડાટ થાય છે, ને તેમાંથી બાફ નિકળે છે; તેથી કરીને મોંડું ખુલ્લું થઇને તેમાંથી મોટો અવાજ તોપોના જેવો થાય છે.

મ૦— ઠીક હવે જ્વાળામુખી શિવાય બીજાં શાનાં ચિત્રો મુનશી સાહેબ લાવ્યા છે, તે જુવો. (એવું કહીને ખેાટો અગ્નિ એવું નામ જે ચિત્રની નીચે લખેલું હતું તે ચિત્ર હાથમાં લઇને આ શું છે ? એમ બોલી તેને પૂછવા લાગ્યા.) મુ૦— વૈતાળની સ્વારી નિકળે છે, તે વખત તેની સાથે મશાલો હોય છે, એવી તમારી સમજણ છે; તે જ મુજબની એ મશાલો છે.

ઘા૦— વેતાળના નોકરો મશાલ લઈને જાય છે કે શું ?

મુ૦— એ મશાલો યુરોપખંડની છે, ને ત્યાં તમારા વૈતાળ તથા ભૂતનો પ્રવેશ નથી.

ઘા૦— એ શામાંથી નિકળે છે ?

મુ૦— જેમ આ દેશના લોક સમજે છે કે, પિશાચ આવી મશાલ હાથમાં લઇને સ્મશાન ભૂમિ તથા રણભૂમિ વગેરે ઠેકાણે રાત્રે ભમે છે; તેમ જ તે ખંડના લોકો પણ તે ઉજેશનું કારણ ભૂત છે, એવું સમજીને તેને આગળ ભૂતનું નામ આપેલું હતું.

મ૦— ત્યારે હમણાં શું સમજે છે ?

મુ૦— હમણાં શેાધ કરતાં એવું માલુમ પડ્યું છે કે, ભૂત થકી આ મશાલો નિકળે છે, એવી જે સમજ પહેલાં હતી તે બીલકુલ અજ્ઞાનની જ હતી. એવું અજવાળું નિકળવાનું કારણ એ છે કે, કીચડ તથા ભીંજેલી જગા, તથા ભરાઈ રહેલા પાણીમાં જનાવર તથા ઝાડ સડીને તેમાંથી લાગી ઉઠી ધુમાડો નિકળે છે. તેને અંગ્રેજીમાં “ગ્યાસ” કરીને કહે છે. જ્યારે આવી જગોમાંથી પાણી બહાર કહાડી નાખી, તે જગા કોરી કરે છે, ત્યારે તે ઠેકાણે ખેતી થાય છે. ધુમાડા બંધ થયા શિવાય ઉજેશ નિકળતો નથી. એવી વાતો ઘણા પ્રાંતોમાં બનેલી છે; અને આ ઉજેશ જે જગેથી નિકળે છે, ત્યાં માણસ જાય તો તેના વેગથી તથા મોહોડાના શ્વાસથી, તેની આસપાસની હવા હાલીને, તેની પાસે પહોંચવાથી મશાલો માણસથી દૂર નાસી જાય છે; વાસતે તે જ્યાં હોય, તે ઠેકાણે હળવે હળવે જઇને, તેની તરફ પીઠ કરી હાથમાં કાગળને કડકો લઈ તે દીવેટને લગાડી કોઈ કોઈએ સળગાવી જોયો છે; એવી વાત અનુભવમાં આવી છે. જે ઠેકાણેથી તે ઉજેશ પહેલેા નીકળે છે, તે ઠેકાણે દિવસની વખતે જઇને ત્યાંથી ગ્યાસ એટલે ધુમાડો આપણા ઘરના દીવાને લગાડિએ તે સળગે છે. આ ઉજેશ જમીનથી ત્રણ ફુટ ઉંચો દેખાય છે. ઈટલી દેશમાં આપીનાઇન્સ કરીને પર્વત છે; તેના શિખર ઉપર બરફ સળગીને જ્વાળા નિકળતાં એકાદ આદમીના જોવામાં આવ્યું છે. ઈસવી સન ૧૬૯૩ માં ઈંગ્લંડની પશ્ચિમમાં વેલ્સ કરીને દેશ છે; ત્યાં ઘાસની ગંજી સદરહુ લખેલા પ્રકારના “ગ્યાસ” એટલે ધુમાડાથી બળી ગઇ હતી. મ૦— કોટવાલ સાહેબ, મુનશીએ ઘણો જ શોધ કર્યો છે. આ બીજું ચિત્ર દાઢીવાળા બાવાનું કેવું છે તે જોઈએ.

મુ૦— જુવો, મહારાજ, એ શું છે તે કહો.

મ૦— વાઘ ગર્જના કરતો બેઠેલો છે.

કો૦— ભટજી બાવા, મને દેખાડો (એમ કહી પોતાના હાથમાં ચિત્ર લઈને) નહીં નહીં, વાઘ નથી. આપણે અહીઅાં વેરાગી લોક નીલ કરીને કાળાં વાંદરાં ખાંધ ઉપર લઈને ફરે છે; તે પ્રમાણે આ વિલાતી ગોરો વાંદરો છે. કેમ મુનશી, હું કહું છઉં તેમ જ છે કે નહીં ?

મુ૦— એ વાઘ નથી ને વાંદર પણ નથી. એ ઓરત છે. એનું નામ આગસ્ટા બાર્બરા હતું એ મડમને ઈસ્વી સન ૧૬૫૫ ના વર્ષમાં લોકો પૈસા આપી જોવા એકઠા થતા હતા; તેના બાપનું નામ અર્શલીન હતું. તે વખત એ મડમની ઉમર વીશ વર્ષની હતી, ને તેને પરણ્યાને એક વર્ષ થયું હતું. તેના સઘળા શરીર ઉપર તથા માહેડા ઉપર પીળા રંગના વાંકા ઉનના જેવા નરમ બાલ હતા, ને તેને ઘેરી દાઢી ઉગી હતી, તે તેના કમરપટ્ટા સુધી પહોંચતી હતી. તેના લાંબા ઝુમખા નીચે લટકતા હતા, તેના ધણીનું નામ વાબેક હતું. તે તેને લઈને યુરોપખંડમાં અનેક દેશમાં ફર્યો હતો, ને ત્યાંથી ઈંગ્લેડ ગયો હતો.

ઘા૦— મુનશી સાહેબ, તમારા એ ચિત્રો માહારી પાસે મૂકી જાઓ; ને આપને વળી જ્યારે ફુરસદ મળે ત્યારે મહેરબાની કરી પધારજો.

--¤¤¤¤¤¤¤¤--