જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પાંચમો

← અંક બીજો/ પ્રવેશ ચોથો જયા-જયન્ત
જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પાંચમો
ન્હાનાલાલ કવિ
અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો →




પ્રવેશ પાંચમો

સ્થલકાલ: તપશ્ચર્યાનું વન



ચાર દિશામાં ચાર ભસ્મના ઢગલાઓ વચ્ચે તપસ્વી જયન્ત બેઠો છે.

જયન્ત : ઉગ્ર તપ આદર્યાં,

પણ હજી અધૂરાં હશે.
નથી થતાં અખંડ દર્શન
નાથ ! તુજ પરમ તેજનાં.
વીજળીના દોરા જેવા
તણખા ચમકે છે અન્તરના આભમાં;
પણ બ્રહ્મજ્યોતિનો મહાભાસ્કર
નથી પેખાતો અનસ્તપણે.
એટલો અધૂરો છે હજી
આત્મા ને પરમાત્માનો યોગ.
ભાવની ભરતીઓ આવે છે,
પણ ચિરસ્થાયી નથી તે.
દોરો, દોરો, ઓ બ્રહ્મજ્યોતિ !
અન્ધકારની આ ભૂલભૂલામણીમાંથી.


આકાશવાણી: છેલ્લી ગાંઠ છોડી દે આત્માની.


જયન્ત : શબ્દબ્રહ્મ ગાજ્યો, ગહનતા બોલી,

અનન્તતાએ ઉચ્ચાર કીધો.
છોડું છું-છોડું છું એ ય તે-
મ્હારા આત્માની છેલ્લી ગ્રન્થી,
ઊંડું સંઘરેલું મ્હારૂં લોભરત્ન.
સ્નેહદેવી મળજો કે ના મળજો,
બ્રહ્મપ્રકાશ ઉગજો કે ના ઉગજો;
જગતનો યતકિંચિતે ઉદ્ધાર
મ્હારે હાથે થાવ કે પરહાથે;
વિસર્જન થાવ સારાંની યે લાલસ્સાઓ.
શુભની આસક્તિ યે અસ્ત પામો !
ઉતરી જાવ મોક્ષના ય મોહ.
ब्रह्मकृपा हि केवलं । ब्रह्मकृपा हि केवलम्‍ ।
સૃષ્ટિ છે સૃજનનો હેતુ સાધવાને :
સૃજનહેતુ સીધે ત્ય્હાં ને તેમ
ફેંક-ઘૂમાવ મ્હારા જીવનને, પ્રભો !
પ્રભુની વાડીમાં પુણ્ય વાવવાં,
જ્ય્હાં ઉગાડે ત્ય્હાં તેજ વર્ષવાં,
જ્ય્હાં ફૂલડાં પ્રફુલ્લે
ત્ય્હાં પરિમલ પમરવાં,
એ જ ઉદ્ધાર, એ જ જીવન્મુક્તિ.
જય હો બ્રહ્મજ્યોતિનો !


ચાર ભસ્મના ઢગલા તેજસ્તંભ થાય છે. બ્રહ્મલોકમાંથી તેજનાં ધનુષ્યબાણ ઉતરે છે, અને જયન્તના હૈયામાં સમાઈ જાય છે. વદન ફરતું પ્રભાચક્ર પ્રગટે છે.


આકાશવાણી:બાણ નહીં જીતે ચાપ વિના;

પંખી છે એકપંખાળું અપંગ.


જયન્ત :: ' એક પંખાળું ! અપંગ ? '

વિચારમાં ડૂબે છે.
ચાપવ્હોણું જાણે બાણ !
થોડીક વારે
હા, સ્‍હમજાઈ એ ભેદવાણી.
જ્યા ! મ્હારી બીજી પાંખ !
પ્રગટ, ને પ્રત્યક્ષ થા.
એકાકી તો ભાસ્કરે અધૂરો છે;
ચન્દ્રસૂરજની બેલડી જ
અજવાળે છે અહર્નિશા.
' જયા ધરાવશે જયન્તને માથે
જગતના જયનો મુગટ: '
સ્‍હમજાયો દેવર્ષિનો એ આશીર્વાદ.
ઓ હરિકુંજનાં પાંદડાંઓ !
છો તેટલી જીભો થાવ;
ને જગાવો જયાના નામનો અલખ.
બોલાવો બ્રહ્માંડની ગુફાઓમાંથી,
કે હરિની ઈચ્છા પૂર્ણ થાય.
બ્રહ્મકૃપાની ને બ્રહ્મજ્યોતિની
જગતમાં જયા જ છે મૂર્તિ.
જય ! બ્રહ્મજ્યોતિનો જય !
જયાને પુણ્યપગલે જ
ઉગશે સ્‍હવાર જગતના ઉદ્ધારનાં.