જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ સાતમો
← અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો | જયા-જયન્ત અંક બીજો/ પ્રવેશ સાતમો ન્હાનાલાલ કવિ |
અંક ત્રીજો/ પ્રવેશ પહેલો → |
❦
તેજબા : ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
- ઉગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
- ઉગે છે પ્રભાત આજ ધીમે.
- ઉગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
- રજનીના ચુંદડીના
- છેડાના હીરલા શા
- ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
- ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે.
- પરમ પ્રકાશ ખીલે,
- અરૂણનાં અંગ ઝીલે;
- જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
- જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
- ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે.
જયા : જેવું જલનું સ્નાન
- એવું જ આત્માનું સ્નાન.
તેજબા: હા, જયા ! આત્માના સ્નાન વિના
- જલનાં સ્નાન અધૂરાં સ્તો.
તીર્થગોર: अन्य क्षेत्रे कृतं पापं
- तीर्थक्षेत्रे विनष्यति.
ગિરિરાજ: રાણી ! વનવનમાં વિચર્યાં;
- પણ જયા યે ન જડી,
- ને આત્મશાન્તિ યે ન લાધી.
રાજરાણી: રાજેન્દ્ર ! મ્હારે તો જયા એ જ શાન્તિમૂર્તિ.
- સૃષ્ટિજૂનાં આ પુણ્યોદક વહે છે;
- એમાંથી જડશે જયા; શોધિયે.
ગિરિરાજ: આ હવામાં હું જયા જોઉં છું;
- દેખાય-દેખાય ને અલોપ થાય છે.
રાજરાણી: સજોડે તીર્થ ન્હાય
- ત્હેને દર્શન થાય દિલવાસીનાં.
ગિરિરાજ: નહીં તો શુકદેવ સમા બ્રહ્મર્ષિ
- તો દાખવશે જ દેવલોકવાસીને યે.
નૃત્યદાસી: આચાર્યનો તો અસ્ત થયો.
- સૌન્દર્ય ઉડતાં આશકો ઉડી જાય,
- એમ વિખરાયું વામીમંડળ
- દેશદેશનાં વિલાસભવનોમાં.
- પાપપુણ્યના કણ એવા છે કે
- વેરાય ત્ય્હાં ત્ય્હાં ઉગે.
તીર્થગોર: अन्य क्षेत्रे कृतं पापं
- तीर्थक्षेत्रे विनष्यति.
- પધારો, યજમાનરાણીજી !
- શું આપનું કાન્તિમંડળ !
- જાણે પશ્ચિમનો ચન્દ્રમા !
નૃત્યદાસી:ગુરુ ! આ કોનું મન્દિર ?
- આપ પૂજારી હશો.
તીર્થગોર: આ પાપમન્દિર છે ગંગાતટનું,
- ને હું પાપમંદિરનો પૂજારી છું.
- પાપના ઝગમગિયા અંચળા
- લોક ઓઢી કે ઉતારી જાય,
- એટલે આ અહીંનું પાપમન્દિર.
- જૂવો, દર્શન કરો,
- ઉતારો કે ઓઢો એ અંચળ.
નૃત્યદાસી: (સ્મિત કરતાં કરતાં)
- તીર્થગુરુ ! લોક મોહ પામે
- એટલું રૂપ ત્ય્હારે છે હજી મ્હારૂં.
- મ્હેં માન્યું કે દિવસ આથમ્યો;
- સાગરનાં જલ વધે,
- તો મ્હારાં પાપ વધે.
- પણ આપને કાળાશ અડકી હોય
- તો ગુરુજી ! ગંગામાં ધોજો.
તીર્થગોર: અમારે તીર્થવાસીને તે વળી
- પાપ શાં ને પુણ્ય શાં ?
જયા : હું તો જોગણ બની છું મ્હારા વહાલમની;
- વહાલમની,
- પ્રેમઆલમની;
- હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.
- વનવનના મહેલ, પ્રીતમ ! ત્હારા વિણ સૂના છે;
- તીરથના ઘાટ, પ્રીતમ ! જોગીથી જૂના છે;
- રસિકા એ રસના ઉપાસકની;
- હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.
- વહાલમની,
- તરૂતરૂના પાને, પ્રીતમ ! નામ જો ! ત્હારૂં છે;
- રેખરેખામાં પ્રીતમ ! ભાગ્ય જો મ્હારૂં છે;
- દાસી એ દિલના દિલાવરની;
- હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.
તેજબા: દેવિ ! ગંગાજલમાં ન્હાયાં
- તે જાણે પુણ્યોદકમાં ન્હાયાં.
- આત્મા યે ઉતારે છે
- પોતાનો સર્વ અન્ધકાર.
- -ને ત્હેં જેનો ભેખ ઓઢ્યો
- તે કોણ ?
જયા : આર્યે ! તે એક હતો.
- હિમાલયને શિખરે સૂર્ય ઉગતો,
- તે યે ઝંખવાતો હતો
- ગિરિદેશના એ માર્તંડરાજથી.
- હતો, એક હતો જોગી,
- સંસારમાં યે સંન્યાસી સમો.
- શોધું છું એ સાધુવરને,
- દિલમાં છે ત્હેને દુનિયામાં.
તેજબા : પ્રભુનાં જગત છે
- તો પ્રભુનાં જન લાધશે ત્હેમાં.
- બ્રહ્મર્ષિના આશ્રમ સૂના નથી.
- ચાલો પેલે ઉંચે મન્દિરે દર્શને.
- એકાન્ત છે, ત્ય્હાં શાન્તિ હશે.
તીર્થગોર: अन्य क्षेत्रे कृतं पापं
- तीर्थक्षेत्रे विनष्यति.
તેજબા: જય સચ્ચિદાનન્દ, ગુરુદેવ !
તીર્થગોર: સચ્ચિદાનન્દ, માઇ !
- સત્, ચિત્, આનન્દ.
- આવો, ને આનન્દ કરે
શેવતી: પિયુ ! પ્રેમનું પ્રભાત,
- પિયુ ! પ્રેમનું પ્રભાત,
- પ્રગટ્યા પ્રકાશ પરમ સ્નેહના જો !
- પિયુ ! પ્રેમનું પ્રભાત,
- પિયુ ! ઉતરી એ રાત,
- પિયુ ! ઉતરી એ રાત,
- સૂરજો તપે છે દિલે-દેહમાં જો !
- અમે આશાને આંગણે ઉભાં હતાં;
- અમે ભાવિના આભમાં જોતાં હતાં;
- ઉગી ભાગ્ય કેરી ભાત,
- ઉગી ભાગ્ય કેરી ભાત,
- ઉઘડ્યાં ઉજાસ સૌભાગ્યનાં જો !
- પિયુ ! પ્રેમનું પ્રભાત.
તેજબા: ભૂલ્યો, ઓ પાપમન્દિરના ગુરુ !
- તું ભુલ્યો આજે.
- ફેંકું છું સદા ન્હાવાને કાજ
- પાતાલઊંડાં આ જલનાં વમળોમાં.
- એ બાલાને તો વરદાન છે કે
- આ ભવમાં અભડાવશે જ નહીં
- પુરુષનો કોઈ દેહસ્પર્શ.
- વીજળીને અડકે તે દાઝે,
- એમ દાઝે છે એને અડકે છે તે.
તીર્થગોર: પણ-ત્હમે-
તેજબા: હું ?
- હું ?
- ઓળખે છે મ્હને ? રૂદ્ર !
- સરસ્વતી કોણ ? ને ક્ય્હાં છે ?
- જો આ ઉદર ઉપરનો મયૂર,
- ને જો ત્હારો ઉદરમયૂર.
તીર્થગોર: કોણ ? બ્હેન સરસ્વતી ?
- યુગના યુગથી વિખૂટાં હતાં;
- ને વર્ષોનાં વાદળમાં
- સન્તાયાં હતાં સ્મરણો ત્હારાં.
- હા ! બ્હેન વિશે મ્હને પાપભાવ જાગ્યો !
તેજબા: સૃષ્ટિમાંની સર્વ સુન્દરીઓને
- બ્હેન પ્રમાણજે, ઓ પાપગુરુ !
- સહુમાં તુજ બ્હેનની મૂર્તિ જોજે.
- રાક્ષસ જન્મ્યો તું બ્રહ્મકુલમાં.
કાશીરાજ: આજ મ્હારા જીવનનું મુહૂર્ત.
શેવતી: આજે ઉગી મ્હારી યે અક્ષયતૃતિયા.
- રાજેન્દ્ર ! કુમારે આનન્દે છે આયનો
- આ તમ દયિતાને દેહ.
કાશીરાજ: ચાલો વાટડી નિહાળે છે
- વારાણસીના મ્હારા રાજમહેલ.
- 'ઓ તીર્થગોર ! ત્હમારી બ્રહ્મકન્યા
- હરી ગયા કો રાજવી.'
તીર્થગોર: મ્હારી શેવતી ! મ્હારૂં રત્ન !
તેજબા: રાવણવંશી ઓ બ્રહ્મરાક્ષસ !
- મા વીસર કે સર્વ સુન્દરી
- કોઈક પિતાનું કન્યારત્ન છે.
- ત્હારા કન્યારત્નને પુણ્યોજ્જ્વલ વાંછે,
- તો કોકના કન્યારત્નને મા અભડાવતો.
- अन्य क्षेत्रे कृतं पापं
- तीर्थक्षेत्रे विनष्यति
- ઓ અર્ધજ્ઞાની અન્ધકારમૂર્તિ !
- શીખ ઉત્તરાર્ધ એ મન્ત્રનો, કે
- तीर्थक्षेत्रे कृतं पापं
- वज्रलेपो भविष्यति.
- જાઉં છું જયાને શોધવા.
- પણ આવીશ, રહીશ,
- અહીં વસીશ ગંગાતીરે,
- ને પાપમન્દિરનાં કરીશ પુણ્યમન્દિર.