ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/પ્રકાશકનું નિવેદન

← સ્મરણ ઝંડાધારી - મહર્ષિ દયાનંદ
પ્રકાશકનું નિવેદન
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૬
ત્રણ અવાજ →


પ્રકાશકનું નિવેદન

સ્વામી શ્રી દયાનન્દ સરસ્વતીના જીવન ચરિત્રના પુસ્તકના નિવેદનમાં એ મહર્ષિને ઓળખાવવા માટે કાંઈ લખવું એ સ્વયં પ્રકાશિત સૂર્યને ઓળખાવવાની ઘૃષ્ટતા કરવા જેવું છે. એ જગતવંદ્ય મહાપુરુષ તે પોતાના બ્રહ્મચર્ય અને જ્ઞાનબળ ત્યાગ અને તપ ક્ષમા અને દયા તથા પોતાના યોગબળ અને આર્યદ્રષ્ટિ વડે જ સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગયેલા છે. તેમની જીવન કથા સ્વયં તેમના અગાધ આત્મબળનું પ્રદર્શન કરે છે. અમારે તો આ નિવેદનમાં આત્મપરિક્ષણ કરવું છે. મુંબઈ પ્રદેશ આર્ય પ્રતિનિધિ સભાની સ્થાપના સને ૧૯૦પની સાલમાં થઈ અને તે સમયથી પ્રાંતની આર્ય સમાજોનું સંગઠ્ઠન થયું અને પ્રાંતમાં વેદના જ્ઞાન-પ્રકાશનો લાભ જનતાને આપવાનો આરંભ થયો. પ્રતિનિધિ સભાના આરંભકાળથી જ પ્રાંતમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો દ્વારા જનસમાજમાં ધર્મ વિષે ફેલાયલા અંધકારને દૂર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને મોટા પાયા પર અનેક પરિષદો ભરીને લોકોમાં ધર્મની જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એ સમયે સભાનું આ કાર્ય જેમણે નજરે જોયું છે તે સર્વ તેના આ કાર્યનાં મુક્ત કંઠે વખાણ કરે છે.

શરૂઆતથી સભા સાપ્તાહિક 'આર્યપ્રકાશ' નામનું પત્ર ચલાવે છે, તે પત્ર દ્વારા પણ વેદના સિદ્ધાંતોનો પ્રચાર કરવાનો પ્રયત્ન ચાલુ જ છે, પરંતુ પુસ્તકો પ્રસિદ્ધ કરવાના કાર્યને આ સમયે જોઈએ તેવો વેગ આપી શકાયો નહોતો. સભાને સને ૧૯૨૫ની સાલમાં "પ્રીન્ટીંગ પ્રેસ" દાનમાં મળ્યું, તે સમયથી પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું અને આજ સુધીમાં મહર્ષિ પ્રણીત વેદના સિદ્ધાંતોને પ્રતિપાદન કરનારાં અનેક નાના તેમજ મુખ્ય ગ્રંથો જેવા કે સત્યાર્થ પ્રકાશ, ઋગ્વેદાદિ ભાષ્યભૂમિકા અને સંસ્કાર વિધિ, સભાના પ્રેસમાં છાપીને પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. સત્યાર્થ પ્રકાશની તો સસ્તી આવૃત્તિ ૨૧ હજાર પ્રત છાપીને પાણીના મુલ્યે જનતાને ભેટ ધરી હતી. પરંતુ એક વસ્તુ કે જેના અપ્રકાશન માટે દીલગીરી થાય છે તે સ્વામીજીના જીવન ચરિત્રને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ ન થઈ શક્યું તે છે. હિંદી ભાષામાં સ્વામીજીના જીવન ચરિત્ર માટે ત્રણ પુસ્તકો લખાયાં છે. પ્રથમ પ્રયાસ પં. લેખરામે કર્યો હતો, તે પછી સ્વામી સત્યાનંદ મહારાજે “દયાનન્દ પ્રકાશ" નામનું પુસ્તક પ્રસિદ્ધ કરી સ્વામીજી પ્રત્યે પોતાની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા પ્રદર્શિત કરી છે, અને છેલ્લું શ્રી. બાબુ દેવેન્દ્રનાથ મુખોપાધ્યાયે તૈયાર કરેલી સામગ્રી ઉપરથી શ્રી. ૫ં. ઘાસીરામે અનુવાદ કર્યો તે સ્વામીજીનું જીવન ચરિત્ર સંવત ૧૯૯૦માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એ સર્વ સાધનો ઉપરથી ગુજરાતી ભાષામાં સ્વામીજીનું વિસ્તૃત જીવન ચરિત્ર લખાવી પ્રસિદ્ધ કરવાનું કાર્ય સભામાં વિચારવામાં અાવ્યું હતું અને તે માટેની યોજના આર્યપ્રકાશમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ થાય તે પૂર્વે તે પશ્ચિમી પ્રજાઓનું આસુરી યુધ્ધ શરૂ થયું જેમાં સમસ્ત સંસારના સર્વ દેશો ને ઇચ્છા-અનિચ્છાએ પણ સામેલ થવું પડ્યું છે. ભારતવર્ષ પણ તેનાથી વંચિત રહ્યો નથી. આજે આ હત્યાકાંડ પરમ સીમાએ પહોંચ્યો છે, તેથી વ્યવહારની સર્વ ચીજોના ભાવો અનેક ગણા વધી પડ્યા છે. કાગળોના ભાવ પણ આઠ-દશ ગણા થઈ ગયા છે. એવા સમયમાં પણ આ પુસ્તકનું પ્રકાશન કરવાનું યોગ્ય ધાર્યું છે, કારણ કે ઉપર જણાવેલ સ્વામીજીના વિસ્તૃત જીવન ચરિત્રને પ્રસિદ્ધ કરવાનું કાર્ય હાલ તુરતમાં ઉપર બતાવેલાં કારણોએ હાથ ધરી શકાય તેમ નથી. એથી આ લઘુ પુસ્તિકા પ્રસિદ્ધ કરીને સંતોષ માનવો રહ્યો.

આ પુસ્તક સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ લેખકો શ્રી. ઝવેરચંદ મેઘાણી અને શ્રી કકલભાઈ કેાઠારીની કલમથી લખાઈને “ઝંડાધારી” નામથી પ્રસિદ્ધ થયું હતું - જેની ત્રણ આવૃત્તિ પ્રસિધ્ધ થઈ ચૂકી છે. તે પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવા સભા તરફથી આર્યપ્રકાશના માજી તંત્રી શ્રી હરિશંકર વિદ્યાર્થીએ સ્ટેટસ પીપલ લી. વાળા શ્રી. અમૃતલાલ શેઠની પરવાનગી માટે લખ્યું. છાપવાના ઉદ્દેશ ધનની કમાણી કરવી એ નહિ, પણ જનતામાં આ પુસ્તકની અલ્પમાં અલ્પ કિંમતે લહાણી કરવી એ છે. ઋષિ-ભક્ત શેઠ અમૃતલાલ ભાઈએ પંડિતજીની વિનંતિનો હર્ષ સાથે સ્વીકાર કર્યો તેને માટે મું. પ્ર. આ. પ્ર. સભા શ્રી શેઠનો ઘણો જ આભાર માટે છે. શ્રી. શેઠ અમૃતલાલના પત્રની પ્રતિલિપી આ પ્રમાણે છેઃ-

"ભાઈશ્રી,

આપનો તા. ૧૩-૧-૪૨નો પત્ર મળ્યો છે. સૌરાષ્ટ્રના પ્રકાશનોના સર્વ હક સ્ટેટસ પીપલ લીમીટેડે વેચાતા લીધા હોઈને આ પત્ર સ્ટેટસ પીપલ લીમીટેડ તરફથી લખું છું, સ્વામી દયાનંદજીના પુસ્તકનું સસ્તી કિંમતે તમે પુનઃ પ્રકાશન કરો છો એ જાણીને અમને હર્ષ થયો છે, અને તમારા તે પ્રકારના શુભ કાર્યમાં અમારી સહાનુભૂતિ અને સહકારનો તમારો અધિકાર હોઈને એ બદ્દલ કોઈ પણ પ્રકારના બદલાની અમે ઇચ્છા રાખતા નથી. તમને યોગ્ય લાગે તો કંઈ પણ બદલા વગર આ પ્રકાશન માટે અમે રજા આપીએ છીએ એનો સ્વીકાર તમારા પુસ્તકમાં કરશો.


લી. સેવક
અમૃતલાલ શેઠના વં. મા"