ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સ્મરણ
ઝંડાધારી - મહર્ષિ દયાનંદ સ્મરણ ઝવેરચંદ મેઘાણી ૧૯૨૬ |
પ્રકાશકનું નિવેદન → |
દેશનું રાજ્યકારણી ચણતર વારે વારે કથળતું દેખાય છે. માલવીયાઓના અને મહાત્માઓના બાંધેલા સ્વાતંત્ર્યના કોટકિલ્લાઓ, અમદાવાદના પેલા પ્રાચીન ગઢ વિષે દંતકથા ચાલે છે તેમ, દિવસભર બંધાઈને રાત્રિયે જાણે કે કોઈ બાવાના મંત્રબળથી જમીનદોસ્ત થાય છે. એક ખળભળેલા ખુણાને સમારતાં સમારતાં જ જાણે બીજો ખુણો લથડીને નીચે ઢગલો થઇ પડે છે. કારણ કે એ રાજકારણી સ્વાતંત્ર્ય-દુર્ગના પાયામાં ધાર્મિક અને સામાજિક બંડખોરોના બત્રીસા પૂરેપૂરા દેવાયા નથી. એ ભવ્ય ઇમારતના તળીઆમાં જે કુસંસાર ને કુરૂઢિ રૂપી પોલાણો પડ્યાં છે, તેની અંદર ધાર્મિક અને સામાજિક સ્વતંત્રતાનાં ધગધગતાં સીસાં રેડાયાં નથી. માટે જ આજે દેશને દયાનન્દ સાંભરે છે.
રાજાના કરવેરા કચરી નાખે છે. પરસત્તા પોતાની વ્યાપારી યુક્તિ પ્રયુક્તિ વડે અમારું દ્રવ્ય હરી જાય છે. અમલદારો રૂશ્વત ખાઇને અમને નિર્ધન બનાવે છે. મુડીવાદ અને યંત્ર કારખાનાંઓ લોહી ચૂસે છે. સત્તાધારી નામ ધરાવતો પ્રત્યેક આદમી અમારા દેશને દૈત્ય છે. એ આપણો નિત્યનો પોકાર : પરિષદો ને કોંગ્રેસોના કકળાટ : પરંતુ દેશની ધાર્મિક સંસ્થાઓ અને ધાર્મિક સત્તાધીશોને હાથે હરાતા આપણા દ્રવ્યનો આંકડો કોઈએ કાઢ્યો છે? ધર્માચાર્યોના ડંડાઓ આપણે ઘેરેઘેર ઘૂમતા દેખ્યા છે? અંધશ્રદ્ધા અને ધર્મભય ઉપર ચાલતી વિરાટ દુકાનદારીના હડફામાં પ્રવેશ પામતાં આપણાં ધનદોલત ગણ્યાં છે? કરોડોને ગુજારો કરવાના મૂઠી ભાત પણ નથી તે દેશમાં પ્રભાતે પ્રભાતે ખડકાતાં દેવદેરાં ને દેવપ્રતિમાઓની નોંધ કરી છે કોઇએ ? કેટલા ગુરૂદ્વારાઓ, કેટલાં તારકેશ્વરો, કેટલા મહંતોના મઠ અને જગ્યાઓ આજ નિર્ધન હિન્દીઓની પાસેથી મનમાન્યા લાગા ઉઘરાવી ઉઘરાવીને રજવાડી વૈભવ વિલાસમાં ગળાબુડ ગરક થઈ મ્હાલી રહ્યા છે, એનો સરવાળો નીકળશે ત્યારે દેશની માટીનું કણેકણ કાંપી ઉઠશે. રાજસત્તાની લૂંટનો આંકડો એ આંકડાની આગળ ઝાંખો પડશે. એ સંપત્તિનાશ થતો નિહાળી નિહાળીને ચોધાર પાણીડાં પાડતું ભારતવર્ષ આજ દયાનંદને એમની બેતાલીસ વર્ષ પૂર્વેની સમાધિમાંથી સાદ કરે છે કે: મહર્ષિજી, તે દિવસ સંધ્યાકાળે, ગંગા મૈયાને કિનારે, સૌંદર્યમુગ્ધ બનીને બેઠાં બેઠાં, એક એારતને આપે પોતાના મરેલા બાળકને કાષ્ટને અભાવે ગંગાજળમાં ડુબાવતી દેખી, અને એ પ્યારા બચ્ચાના કલેવર ઉપર વીંટેલું કપડું પણ પાછું લઈ જતી જોઇ, તે વખતે એ માતાની નિર્ધનતા ઉપર જે વેદના આપે અનુભવેલી, તેનાથી તે દસગણી દરિદ્રતા આજ આપના વ્હાલા દેશમાં વર્તી રહી છે, અને એ નિર્ધનતાનાં પણ રક્ત શોષી શોષીને અમારી આલેશાન ધર્મસંસ્થાઓ રંગ રાગ ઉડાવી રહી છે. તમારા વજ્ર–ખડ્ગની આજ વાટ જોવાય છે.
કોઇ પણ રાજસત્તાએ પોતાનો દંડ નથી ઉગામ્યો કે ખબરદાર, તમારાં બાર બાર વરસનાં કમજોર બાળકોને લગ્ન નામની જોગણીના ખપ્પરમાં હોમી દેજો ને તમારી કન્યાઓને ભણવા દેશો નહિ, છતાં આજે જ્યારે ગુલાબના ગોટા જેવાં સંતાનો,ને અકાળ લગ્નના ભોગ બનીને દરિદ્રતાની કે ક્ષયરોગની માટીમાં ખરી પડતાં જોઇએ છીએ, ઋષિ મુનિના વારસદાર મ્હોડાં ઉપર વીર્યહીનતા, વિષાદ અને વિકારની પીળી પીળી રેખાઓ દેખીએ છીએ, અને હિન્દુ બાલિકાoનાં - કૈંક સમરથોનાં ને કૈંક જવલોનાં બલિદાનો સાંભળીએ છીએ, ત્યારે અવાજ નીકળી જાય છે કે મહર્ષિજી, આવો, આ રૂઢિઓની ભૂતાવળને ધર્મ અને શાસ્ત્રનાં પ્રમાણો દેતી અટકાવો. નહિ તો અમારાં ચાહે તેટલાં ભગીરથ રાજકારણી આંદાલનો મિથ્યા જવાનાં.
રાજસત્તાએ તો પોતાની નિશાળોના બારણા ઉપરથી 'આભડછેટ' શબ્દ ભૂંસી નાખ્યો. એણે કોઇ દવાખાનાને દરવાજે 'અંત્યજોને મનાઇ'નું પાટીયું નથી લગાવ્યું, કે નથી એણે કોઇ દેવ-મંદિરમાં 'અસ્પૃશ્ય' જેવો મનાઇ-શબ્દ લખ્યો. છતાં એ બધાં કર્માલયો અને ધર્માલયોને દરવાજે જ્યારે એક બાજુ ધર્મઝનૂન નામના દૈત્યને ખુલ્લી તલવારે ખડો દેખીએ છીએ; તેની સામે શુદ્ધ હિન્દુ ઢેઢને રગરગતો જોઇએ છીએ, અને આઘે ઉભાં ઉભાં એને પેાતાની પાસે બોલાવી રહેલાં ખ્રીસ્તાલયો, ખોજાખાનાઓ અને મદરેસાઓને નિહાળીએ છીએ, ત્યારે પણ જોશભેર એ દયાનંદનો સ્વર સાંભરી આવે છે.
સરકારે આપેલી સેતાની કેળવણીને આપણે તિરસ્કાર દીધો. પોણોસો વર્ષમાં તો એણે રેડેલું ગુલામીનું વિષ આપણી નસેનસમાં પ્રસરેલું આપણને લાગ્યું અને પછી આપણે કેળવણીને રાષ્ટ્રીય કરી દીધી. પણ આપણે શું જોયું ? કેવળ રાષ્ટ્રીયતાના પોશાકમાં સજ્જ થયેલી એની એ કેળવણી, એજ પઠન પાઠન, એજ પ્રમાદ, એવી જ ઘેલછાઓ, એવા જ તોર શેાર, અને એનું એ લખલુંટ ખર્ચાળપણું. મહા પ્રભાવવન્તી વ્યક્તિઓની ફુંકે ફુંકે પ્રગટ થયેલી, પ્રજાના અલૌકિક વિશ્વાસથી વિભૂષિત બનેલી, પ્રજામાંના ગરીબમાં ગરીબનું પણ પોષણ પામી પ્રફુલ્લિત થયેલી, ને બે ઘડી પછી એ પ્રભાવશાળી વ્યક્તિઓના માત્ર પડછાયા જેવી જ થઈ પડેલી, મુવાને વાંકે જીવતી શિક્ષણ સંસ્થાઓને જોતાં જ આપણને યાદ આવે છે કે કાંગડી અને મથુરાનાં ગુરૂકુળો સ્થાપનાર સમર્થ કેળવણીકાર એક દયાનંદની આપણને આજે ભીડ પડી છે. આજ આપણે માત્ર નખરામાં જ પડી ગયા છીએ.
જો હિન્દુ ધર્મ આજ ત્રાજવામાં તોળાઈ રહ્યો હોય અને એ તુલાની સામે સારૂં ય જગત તાકી રહ્યું હોય, તો એ તુલાના છાબડાની અંદર દયાનંદના જીવન-તત્ત્વને ધર્યા વિના આપણું વજન નથી વધવાનું. ભર સભામાં એને ગાળો આપીને જાન લેવા ધસી આવનાર એક પ્રચંડ જાટ પોતાના નેત્રોમાંથી લોહી વરસાવતો એને પૂછે છે કે 'બોલ, તારા શરીરના કયા ભાગ પર પ્રહાર કરીને તારો - ધર્મઘાતીનો જીવ લઉં ?' 'ભાઈ; તું જેને ધર્મઘાત કહે છે, તે કરનારૂં તો આ દુષ્ટ મારૂં મસ્તક છે, માટે તેના ઉપર જ ઘા કર.' એવો પ્રફુલ્લ ઉત્તર આપીને એ ઘાતકનું માથું પણ પોતાના ખોળાની અંદર નમાવી શકનાર એ અહિંસા વ્રતધારી : અને બીજી વેળા ખુલ્લું ખડ્ગ ઉગામીને પોતાનો ઠાર કરવા ધસી આવનાર રાવ કર્ણસિંહજીના હાથમાંથી એ ખુદ ખડ્ગ જ ઝુંટવી લઈને, શિવ-ધનુ તોડનાર શ્રી રામચંદ્રની જ શાંત છટાથી એક જ હાથ ખડ્ગના બે ટુકડા કરી રાવશ્રીને પાછા ક્ષમા દેનાર વીર: બન્ને એક જ હતા. એવું બ્રહ્મવર્ચસ્વ ને એવું વીર્ય આજ હિન્દુ ધર્મ માગી રહ્યાં છે. નહિતર હિન્દુ ધર્મનો મૃત્યુ-ઘંટ વાગતો સાંભળીએ છીએ. આજ તો જગદ્વંદ્ય વ્યકિતઓનાં ગળાં પણ બોલી બોલીને સુઝી ગયાં છે. બેનમૂન શબ્દોના અને પવિત્ર શ્વાસોચ્છવાસના વ્યર્થ દુર્વ્યય થવામાં હવે તો હદ વળી ગઇ છે. છતાં પ્રજા સળવળીને પાછી પોઢી જાય છે. તે વખતે એવા તેજની જરૂર છે કે જેના શબ્દનો રણકાર શતાબદી શતાબ્દી સુધી કરોડોના કાનમાં ગુંજી રહે, જેની ફુંકે મુડદાં મસાણમાંથી ઉભાં થાય.
આપણને - દેશી રાજ્યોની પ્રજાને તે મહર્ષિજીનો - જીવન સંદેશ એના મૃત્યુમાંથી મળે છે. રાજાઓ તો હરકોઇ જાતની જાગૃતિના કટ્ટા શત્રુઓ હોય એમ મનાયું છે. અને રજપૂતાનામાં તો એ દશા અતિ ઉગ્ર રૂપે વર્તી રહી છે. છતાં દયાનંદે ત્યાં જઈ અખાડા નાખ્યા. કૈંક રાજમુગટો એની ચરણરજ ચુમવા માટે નીચા નમ્યા, ત્યાં એણે જ્ઞાનનો ઝાકમઝોળ દીવડો પેટાવ્યો, અને રાજાઓને વેશ્યાના છંદમાંથી છોડાવવા જતાં ઝેરને પણ અંગીકાર કરી લીધું, મોરબીની માટીનું ઋણ એણે મારવાડમાં જઈને ચુકાવ્યું. દેશી રાજ્યોને માટે એ રીતે મરી જાણનારાઓની આજે જરૂર પડી છે.
એને અન્યાય થયો છે. અને કયા દેશમાં એવા દેવદૂતો પોતાની હયાતી દરમ્યાન ઈન્સાફ પામી શક્યા છે? પરંતુ મહર્ષિજીને મળેલો ફિટકાર તો હિન્દમાતાના હૈયા પર તાજા પડેલા ઘા જેવો છે. નિન્દુકોએ તો “દયાનંદ એટલે 'મૂર્તિભંજક' એવો જ નાદ કરોડોના કાનમાં ભરી દીધો, અને શ્રદ્ધાળુ હિન્દુ- સમાજ એ વિષ વગર જોયે ગળી ગયો. પણ ક્યાં ગઈ એની બીજી વિભૂતિઓ ? બ્હેનનું શબ દેખીને જન્મેલો વૈરાગ્ય, વિવાહનો વિમોહ, સત્યની શોધમાં એક કૌપિનભરનો રઝળપાટ, ગુરૂદેવની અકારણ મારપીટ પ્રત્યે સમભાવ, ગુરૂદક્ષિણામાં ભારતવર્ષને સેવવાના શપથ, વેદવાણીનો બુલંદ ધોધ, ઠામઠામ વિજયટંકાર છતાં નિરાભિમાનતા નિર્મોહ ભારોભાર મર્મવેધિપણું ને ભારોભાર સૌમ્યતા, મૂર્તિભંજક છતાં નાગાંપૂગાં બાળકો વચ્ચે ખેલતી નાની કન્યાઓમાં વિરાટ માતાનું દર્શન અને નમન, પ્રચંડ ભુજબળ છતાં નિન્દુકોએ નાખેલ મળમૂત્ર અને વરસાવેલી મારપીટ પ્રત્યે સ્નેહમયી ઉદાસીનતા : વારંવારના વિષ-પ્રયોગો સામે પણ દયામય હાસ્ય, નવા શિક્ષણનો કે પાશ્ચાત્ય સંસ્કૃતિનાં રંગનો એક સહસ્ત્રાંશ પણ પાશ ન હોવા છતાં આજ પચાસ પચાસ વર્ષ સુધી પણ બેનમૂન રહેલા એવા એમના શિક્ષણ-પ્રયેાગો ને સંસાર સુધારાઓ, અને આખરની ઘડી આવી તે વખતે પોતાના એ સમસ્ત સામ્રાજ્યનો બોજો વિના અચકાયે ફગાવી દેવાની, અનંતની સાથે તલ્લીન થઈ જવાની વિરક્ત દશા : એમાંનુ કશું ય શું વંદવા જેવું ન લાગ્યું ? એક સુધારક કે બળવાખોર કહીને એને ન પતાવી શકાય. એ તો યુગાવતાર હતો. બે હજાર વર્ષ પછી કોઈ અારનોલ્ડ આવીને 'Light of India' 'ભારતનો પ્રકાશ' નામે કાવ્યમાં જ્યારે મહર્ષિજીને અમર કરશે, ત્યારે જ હિન્દુ - જો હિન્દુ જીવતા હશે તો - એ કાવ્યધારામાં પોતાની નેત્રધારા તે દિવસે વ્હેતી કરશે.