← હોટલમાં. તરલા
આ કે તે?
ભોગીન્દ્ર દિવેટીયા
બે હરીફ. →


પ્રકરણ ૮ મું.
આ કે તે?

લીલાને અઢારમું વર્ષ બેસી ગયું અને વયની સાથે સૌંદર્ય પણ ખીલ્યું હતું. ન્યાત જાતમાં, પાર્ટીમાં, મીજલસમાં, ગરબામાં લીલા તરફ બે ઘડી બધાં જોઈ રહેતાં. એની બન્ને બહેનોથી લીલા વધારે ખુબસુરત છે એમ લોકમત હતો. મોટી વયની કન્યા માટે જ્ઞાતિબંધનને અંગે યોગ્ય વર ખાળવાની ઘણી મુશ્કેલી હોય છે. જ્ઞાતિબંધનના બંધ નબળા પડવા માંડ્યા છે, પરંતુ હજી તૂટે એમ નથી–તોડવાની હિંમત નથી–તોડ્યાથી ઉત્પન્ન થતી કેટલીક અગવડો સહન કરવાનું બળ નથી. આ ઉપરાંત પરણાવવાને બદલે પરણવું દાખલ થતું નથી. કન્યાઓને કેળવાય, મોટી કરાવાય પણ આખરે પરણાવવાની, એમની જરાયે સંમતી ન લેવાની, એટલે પરિણામે ઘણી વાર કન્યાને-સ્ત્રીને સોસવું પડે છે. સંયોગો, શક્તિ અને હિંમતના પ્રમાણમાં જ પુત્રીઓને કેળવાય, લગ્નની ઉમર વધારાય અને વર ખોળવામાં આવે તો જ હાલની સ્થિતિમાં કન્યા સુખી થાય. લીલાના સદ્દભાગ્યે એનાં માતા પિતા સુધરેલા વિચારનાં હતાં એટલે જ લીલાને કાંઈક સ્વતંત્રતા હતી. પરંતુ આ સ્વતંત્રતા એને દુઃખકર થઈ પડી. લીલાને બાલ્યાવસ્થાથી અરવિન્દ પરિચિત હતો. કુટુમ્બમાં અરવિન્દ ભવિષ્યનો જમાઈ મનાયો હતો, અને અરવિન્દ અચાનક મુંબાઈમાંથી જતો રહ્યો ત્યાંસુધી સર્વ એમ જ માનતાં કે લીલા અરવિન્દને જ વરશે. અરવિન્દ ગયો અને દુનિયારૂપી નાટકની ભૂમિ ઉપર ભૂજંગલાલ આવ્યા. જે સ્થાન અરવિન્દે લીધું હતું તે સ્થાન ભૂજંગલાલે લીધું.

જે સમયે અરવિન્દ મુંબાઈમાં હતો અને વારંવાર આ કુટુંબમાં આવતો જ, લીલાને મળતો તે વખતે કુટુમ્બનાં સર્વ જનો 'લીલા-અરવિન્દ' 'અરવિન્દ-લીલા' ની જોડીની વાતો કરતાં નેમશ્કરી કરતાં. લીલાનો પિતા તો અરવિન્દ જેવો સુપાત્ર વર લીલાને મળવા માટે પ્રભુનો ઉપકાર માનતો, પરંતુ લીલાની માતાને અરવિન્દ્ર પ્રત્યે સદ્દભાવ નહોતો. એ ચોખે ચોખી ના તો કહી શકતી નહી પણ હજી વાર છે, 'લીલા હજી બાળક છે,' 'થઈ પડશે' એમ બહાનાં કાઢી વિવાહની વાત અળસાવતી. ખરું પૂછાવો તો આ માત્ર બહાનાં હતાં. અરવિન્દને બદલે કોઈ દેખાવડો, દમામવાળો, ફેશનેબલ, સોસાયટીમાં જ આવતો પૈસાદાર વર હતે તો તે જ દિવસે લગ્ન કરવા લીલાની માતા તૈયાર થાત. આમ લીલાના વિવાહ સંબંધી ચર્ચા ચાલતી હતી ત્યાં અરવિન્દ' એકાએક ચાલ્યો ગયો અને લીલાની માતાએ દેવને દીવા કર્યા. એને ના કહેવાની પીડા પતી એમ લાગ્યું. આજ અરસામાં ભૂજંગલાલનો પરિચય થયો ને બન્નેની સરખામણી થઈ અને ભૂજંગલાલનું ત્રાજવું ભારે થયું.

અરવિન્દ થોડાબોલો હતો. એને કડોળ દમામ ગમતો નહોતો, આ જ સદ્દગુણો દુર્ગણો લેખાયા. પૈસાના મદે અભિમાન આવ્યું છે એટલે બીજાની સાથે બોલવામાં હિણપત માને છે એમ લાગતું. ગામડાના રહેવાશીને, બળદ, ભેંસ, ગાયમાં ઉછરેલાને શહેરના રીતરીવાજ ક્યાંથી આવડે ? જંગલી જેવો જ હોય એમાં શી નવાઇ? એમ ઉદ્દગારો નિકળતા. અરવિન્દ દરરોજ આવતો, કુટુમ્બનાં સઘળાં માણસો સાથે બોલતા, વાતો કરતો, પરંતુ લીલાનું માગું કરતાં સ્વીકારાશે કે કેમ એ શંકાથી ખંચકાતો. અરવિન્દની આ આનાકાની, અપશંકા, આ અભિમાન મોટા કુળના ગર્વને લીધે છે એમ ધારવામાં આવી.

આથી ઉલટું ભૂજંગલાલ એકદમ પસંદ પડી ગયો. દ્રવ્યવાન હતો, બુદ્ધિશાળી હતો અને પોતાના જેવું જ ઉંચું કુળ હતું. ભૂજંગલાલ જ્યાં જતો ત્યાં માન પામતો. એની વાતમાં રસ હતો, એના હસવામાં મોહ હતા, એના ચહેરામાં–એની દરેક હિલચાલમાં આકર્ષણ હતું. અરવિન્દ અને ભૂજંગાલમાં કેટલો ફેર ! ભૂજંગલાલ જેવો જમાઈ મળે પછી શી વાત ! પરંતુ જ્યાં સુધી લગ્ન થયું નથી ત્યાં સુધી કાંઈ જ નહી માની, લીલાની માતા ભૂજંગલાલનું નક્કી કરવા તલપાપડ થઈ રહી હતી, અને એની ચિંતામાં વધારો કરવા જ અરવિન્દ પાછો આવ્યો. લીલા સાંજના દરરોજ બેંડસ્ટેન્ડ કે ચોપાટી ફરવા જતી અને એટલા જ માટે પોતાના ઓરડામાં જઈ વાળ ઓળી, લુગડાં પહેરી નીચે ઉતરી. દાદરનું છેલ્લું પગથીયું ઉતરે છે ત્યાં નોકરે ખબર આપી “અરવિન્દ કુમાર આવ્યા છે.”

લીલાના પિતા ઓરડામાં કાંઈ લખતા હતા અને લીલાની માતા ઘરકામમાં રોકાઈ હતી.

લીલાના મગજમાં ચોપાટી, બેન્ડસ્ટેન્ડ, ભૂજંગલાલ ભમતાં હતાં. અરવિન્દના નામે તાર તોડ્યો અને મગજ અસ્વસ્થ થઈ ગયું. અરવિન્દ, ભૂજંગલાલ, આ બેમાંથી કોને ના કહેવી? અરવિન્દ ! કોણ જાણે કેમ મ્હારા હૃદયને ગમે છે પણ ભૂજંગલાલ મ્હારી દષ્ટીને ગમે છે. હૃદયને ગમે તે રાખું કે નયનને ગમે તે રાખું ?  આંખને ગમે તે હદયને ગમે એ કહેવત ખોટી છે? ના. તો હૃદયને ગમે તેને ના કહું તો ? હું એકલી જ મળું? ન જ મળું તો શું ? બા ઘણીએ ના કહેશે, પણ એમને જોઉં તે ખરી. હું એમને ચાહતી નથી, એ મને ગમતા નથી, એ વાત ખોટી છે છતાં કહેવી પડશે ? હું બીજાને ચાહું છું એમ કહું? અરે, અમ બીનઅનુભવી છેકરીઓને સ્વતંત્રતા ન જ આપવી જોઈએ. અમને શું ગમે છે ? શા માટે ગમે છે ? તે અમે પોતે વિચાર કરી શકતાં જ નથી. એ કામ તો માબાપનું જ. પણ હવે શું થાય ?'

લીલાનો એક હાથ દાદરના કઠેરા ઉપર હતો ને બીજો હાથ ગાલે અડકાડી દાદર પાસે જ ઉભી રહી હતી, ત્યાં અરવિન્દ આવ્યો. અરવિન્દ ઉંચો, કદાવર, સોહામણો હતો અને એને જોતાં જ, એની દષ્ટિ પડતાં જ, લીલાના હૃદયમાં અલૌકિક ઝણઝણાટ થયો. અરવિન્દ લીલા મુંગાં મુંગાં ઉપર ગયાં અને બેઠાં.

'લીલા! બ્હાર જતી હતી ? હું કઈ વહેલો આવ્તો ખરો ?'

'ના, ના.'

'મારે એકલાં જ મળવું હતું અને આજ પ્રસંગ આવ્યો.'

'બા હમણાં જ આવશે.'

ફિકર નહિ. લીલા, મયદાનીઆમાંજ મેઃ કહ્યું હતું કે મ્હારે કેટલાક દિવસ રહેવાનું થશે તે નક્કી નથી, એનો એક આધાર ત્હારા ઉપર છે.'

અરવિન્દે લીલા સામું જોયું. બન્નેની નજર ક્ષણવાર મળી અને બન્નેનાં હૃદય માર્મિક વાત સમજ્યાં. બીજી જ પળે લીલાએ નીચું જોયું અને ટેબલ ઉપર પડેલા ફ્લાવર પોટમાંથી ફુલની પાંખડી તોડી મસળવા લાગી.

'લીલા! ખરું કહું છું. મ્હેં ઘણા મહિના વાટ જોઈ; હવે મ્હારું ધૈર્ય નથી રહેતું. આ પાર કે પેલે પાર. આજ ત્હારા હાથની પ્રેમની માંગણી કરવા આવ્યો છું.' અરવિન્દ આટલું જ બોલી લીલાના ઉત્તરની રાહ જોતો–પોતાના શબ્દોની શી અસર થાય છે તે જોતા બેસી રહ્યો.

લીલાની સ્થિતિ વિચિત્ર થઈ. એ ઉંચું તો જોઈ શકી જ નહી પણ હાલીચાલી પણ ન શકી. અરવિન્દ બાલ્યાવસ્થાથી માતાપિતાએ આપેલું આશાસ્થાન પોતાનું થશે એ વિચારે લીલાનું હદય ડોલવા લાગ્યું. એના આનંદનાં મોજાં ઉછળવા લાગ્યાં. અરવિન્દ આમ માગણી કરશે અને એ માગણીની એના હૃદયમાં આવી ચાદની છવાશે એમ લીલાને સ્વને પણ ખ્યાલ નહોતો. પણ આ અસર એક પળવાર જ ટકી. પીસ્તોલના ધડાકા સાથે પડદો ચીરાઈ બીજો દેખાય, એક ફીલ્મ ખસી બીજી ફિલ્મ આવે તેમ અરવિન્દ-પ્રત્યક્ષ અરવિન્દની આગળ અને લીલાની નજરે ભૂજંગલાલની મૂર્તિ ખડી થઈ. ભૂજંગલાલ માનસિક દૃષ્ટિમાં હતો, અરવિન્દ કરતાં ભૂજંગલાલનું મોહક વદન, ભૂજંગલાલની સ્નેહભર આંખો લીલાને ઢીલી બનાવવા બસ હતાં. લીલાની આંખમાં ઝળઝળિયાં આવ્યાં અને નીચે મ્હોંયે પણ દઢ ચિત્તે બોલી.

'એ નહી બને, ક્ષમા કરો.'

જે લીલા એક પળ પહેલાં પોતાની હતી, જેનું સ્પર્શસુખ પોતે માનસિક રસસૃષ્ટિમાં ભોગવતો હતો, તે જ લીલા અને પોતાની વચ્ચે વિશાળ સમુદ્ર હોય, એ લીલાને સ્પર્શ કરવો, એ લીલાનું નામ દેવું, એને એકાન્તમાં મળવું, એ પણ પાપ છે એમ અરવિન્દને લાગ્યું.

'હું જ મૂર્ખો!' એટલું બોલી અરવિન્દ નીચે ઉતર્યો.