← મેદાનીયા. તરલા
હોટલમાં.
ભોગીન્દ્ર દિવેટીયા
આ કે તે? →


પ્રકરણ ૭ મું.
હોટલમાં.

હોટલમાં એક નાના ઓરડામાં બન્ને મિત્રો બેઠા. બન્ને ખુરસી વચ્ચે ગોળ સફાઈદાર આરસનું ટેબલ હતું. સામે મોહિનીની છબી આકર્ષી રહી હતી ત્યારે બીજી બાજુ વિશાળ દર્પણમાં વસન્તલાલ પોતાની મુછો નિહાળી આમળતો હતો. ઉપર વિજળીનો પંખો પવન ઉરાડતો હતો, અને વિજળીના બે જોડકા દિવા એક ખુણામાં પ્રકાશ પાડતા હતા.

વસન્તલાલે સીગાર સળગાવી અને પીતાં પીતાં અરવિન્દને કહ્યું,

‘તું મુંબાઈ શા માટે આવ્યો છે તે કહે.’

‘તું સમજ્યો નથી?’

‘હું સમજ્યો છું, પણ મ્હારે ત્હારે મોઢે કઢાવવું છે.’

‘ઠીક, ઠીક. બોલ ત્હારૂં શું કહેવું છે? તું શું ધારે છે?’

‘હું? હું તો એ વિશે કાંઈ ધારતો જ નથી.’

‘એટલે? તું વાત સમજે તો છે ને? કે એમને એમ? મને ના પાડશે?’

‘શા માટે ના પાડે? કારણ કાંઈ?’

‘વસન્ત! વસન્ત! ના પાડી તો થઈ રહ્યું હો! હું ને એ બન્ને મરી ગયાં જાણજે.’

‘મ્હને તો એમાં કાંઈ લાગતું નથી. ત્હારી વાત તો તું જાણે પણ એને તો તું નહી તો બીજો.’

‘વસન્ત! ત્હને તો કાંઈ અક્કલ જ નથી. લીલા એ બીજી જેવી નથી.’

વસન્તથી હસ્યા વિના રહેવાયું નહી. અરવિન્દના ખ્યાલમાં લીલા એ બીજી સ્ત્રીઓ કરતાં જૂદી જ સૃષ્ટીમાં વસતી હોય એમ હતું.

‘વસન્ત! મ્હારે મન તો આ જીવન કે મૃત્યુનો પ્રશ્ન છે. એ વિશે મ્હેં બીજા કોઈને વાત કરીએ નથી ને કરવાનોએ નથી. અમે બન્ને જૂદાં જ માણસો છીએ અને એથી જ અમે એક બીજા સાથે જોડાયાં છીએ. વસન્ત! વસન્ત! મશ્કરીની વાત રહેવા દે ને ખરૂં કહે.’

‘હું ખરૂં કહીશ એટલું જ નહિ પણ તું જાણતો નથી એવું પણ કહીશ, પછી કાંઈ? મ્હારી વાઈફમાં એક અદ્‌ભુત શક્તિ છે જેથી બીજાનાં મન પારખી શકે છે. એ ત્હારી તરફ છે.’

‘શું કહે છે?’

‘એ ત્હારાં વખાણ કરે છે, એટલું જ નહી પણ ખાતરીપૂર્વક કહે છે કે લીલા પરણશે તો અરવિન્દને જ.’

આજ જ લગ્ન થયાં હોય તેમ અરવિન્દને સંતોષ થયો.

'ત્હારી વાઈફે કહ્યું? હે ! ના, ના, હોય નહિ. ખરે ત્હારી સ્ત્રી કોઈ દેવી જ છે, એમ મને લાગ્યા કરે છે. બસ, મારે એટલું જ જોઈએ છીએ.' આટલું કહેતાં અરવિન્દ ઉભો થયો. એને ઉશ્કેરાયેલો જોઈ વસન્ત બોલ્યો,

'જરાક ધીમો પડ, બેસ, ખૂરશી ઉપર.' પણ અરવિન્દે એ દરમિયાન આખા ઓરડામાં ચાર પાંચ આંટા માર્યા ને પછી બેઠો . 'વસન્ત ! તું નથી સમજતો કે લીલાને માટે મ્હને શું શું થાય છે. મ્હારી લાગણી ત્હમે જેને સ્નેહ કહો છો તે કરતાં વધારે તીવ્ર અને ઉંચી જાતની છે. પરમેશ્વરની કૃપાથી મારા ભાગ્યમાં એ સુખ લખ્યું હોય ને મળે તો મ્હારા જેવું કોઇ સુખી જ નહી એમ માનું. લીલામાં જ મારું જીવન સમાયેલું છે. જેમ બને તેમ લગ્ન વહેલાં નક્કી થાય તો જ મને આરામ મળે.'

વસન્તે થોડી વાર વિચાર કરી કહ્યું,

'અરવિન્દ ! તું ભૂજંગલાલને ઓળખે છે ?'

'ના, એને આ વાતની સાથે શો સંબંધ છે?'

'એ ત્હારો હરીફ છે.'

'હરીફ' શબ્દની સાથે લીલા પારકી થતી લાગી. લીલા ગઈ એમ ધ્રાસકો પડ્યો. રૂવાટાં ઉભાં થયાં.

'ભૂજંગાલ, નામ તો સારું છે. ભૂજંગલાલ! સાપલાલ ! સાપની માફક એ જેને કરડતો હશે તેને ઘેનમાં તલ્લીન કરતો હશે. ભૂજંગની પેઠે એની પાસે મણી હશે. એ કોણ છે ?'

'એ આપણી જ જ્ઞાતિનો છે. જાગીરદાર, પૈસાદાર, ધનાઢય છે, જે. પી. છે. ઘણુંખરું સુરત રહે છે, પણ મહિનામાં બે ચાર વાર અહીં આવે છે. મુંબઈમાં એક સોસાયટી એવી નહી હોય જેમાં એ મેમ્બર નહી હોય, એકે મીટીંગ એવી નહી હોય જેમાં એને આમંત્રણ નહી હેય. પુષ્કળ પૈસો છે, શરીરે ઉચો, બાંધી દડીનો, ગૌર વદનનો છે,  ચશ્મા પહેરે છે, વાળ ઓળે છે, નાનો ચાંલ્લો કરે છે, સાપની કાંચળી જેવી નેકટાઈ નાખે છે, અર્ધ ઉઘાડા હાફકોટમાંથી જેકેટનો હીરાનો અછોડો દેખાય છે. એની બોલવાની ઢબ, એની હસવાની રીતથી ભલભલા અંજાઈ જાય છે. ભલભલી સ્ત્રીઓ બે ઘડી એને જોઈ રહે છે. અમલદાર વર્ગ, શેઠિયાઓ, વિદ્વાને, પેપરવાળાઓ બધા એના હાથમાં. એ હોંશીયાર છે, કેળવાયેલ છે. ટુંકામાં જ્યાં જાય ત્યાં જબરી છાપ બેસાડે એવો છે! '

અરવિન્દનાં હાજાં ગગડી ગયાં. ઢીલોઢબ થઈ ગયો. મુંગોજ રહ્યો.

'ગઇ ફેરા તું એમને એમ અચાનક ચાલી ગયો ત્યાર પછી એ અહીં આવ્યો છે ને વારંવાર લીલાને મળે છે. લીલાની માને પણ એને માટે સારો અભિપ્રાય છે......અરવિન્દ! આમ ગભરાઈ જવાતું હશે કે? એવા તો પંદર જણ આવે તેથી તું નહીં ફાવે એમ નહી.'

‘વસન્ત ! પણ તું દર વખત કહે છે કે આ રજામાં કાઠીયાવાડ આવવું છે, પણ તું આવતો જ નથી. આ ફેરી ત્હને સાથે લઈ ગયા વિના રહેવાનો નથી.'

'આવીશ, ભાઈ આવીશ. આ દુનિયામાં જ્યાં જોઈએ ત્યાં સ્ત્રીની પંચાત. કહેવાય અબળા, પણ આ સંસાર એ ચલાવે છે. હું પોતે પણ એવા સંકટમાં આવી પડ્યો છું અને એનું કારણ પણ સ્ત્રી છે. હવે મ્હારે ત્હારી સલાહની જરૂર પડી છે.'

'શા માટે?'

'સાંભળ. ધાર કે તું પરણ્યો છે, તું ત્હારી વહુને ખરા જીગરથી ચાહ્ય છે, આમ છતાં સંસારમાં કોઈ વખત બીજી સ્ત્રીમાં ફસાયો.'

'માફ કર ! હું સમજી શકતો નથી. પોતાની સ્ત્રીને ખરા જીગરથી ચ્હાવી ને બીજી સ્ત્રીનો મોહ, એ બને જ કેમ ? પૂરેપૂરા સતોષથી ખાધા પછી દુધપાક પુરી મ્હોં આગળ મુકે તો પણ ખાવાની રૂચી થાય જ કેમ?' 'એમ કેમ ? કોઈ વખત ગરમાગરમી ભજીયાં કે એવી જ આકર્ષક વસ્તુ હોય તો મન રહે ખરું ?'

'એટલો હૃદય ઉપર કાબુ ઓછો. લાગણી ત્હમારે તાબે નહીં પણ ત્હમે લાગણીને તાબે.'

“ હું મશ્કરી કરતો નથી. જનસમાજમાં તમારે અનેક કર્તવ્યો કરવાનાં છે, અનેક સંસ્થામાં કામ કરવાને અંગે કોઈ બુદ્ધિશાળી નમ્ર યુવતિના પ્રસંગમાં આવ્યા, ત્હમારી પત્ની કરતાં ત્હેમાં કાંઈક વિશેષતા જુવો, ત્હમારા જીવનનાં કર્તવ્યમાં સહાયભૂત થાય એમ લાગે તો પછી શું કરવું ? એક જુની રૂઢીને વળગી જેની સાથે તમને આનંદ ન પડતો હોય એવો ભાર વીંટાળી ફરવું કે કુટુમ્બની, લોકોની દરકાર ન કરી નવું જીવન ગાળવું ?'

'માફ કર, મ્હારે ત્હારા વિચારો નથી જોઈતા, સંસારમાં એમ તો અનેક સ્ત્રીપુરુષ સંબંધમાં આવે ને આવવાના. જેનાથી આજ સંતોષ તેનાથી કાલે અસંતોષ. એનો છેડો ન આવે ને સોસાયટીનું બંધારણ તૂટી જાય. એવી Individual freedom–વ્યક્તિ સ્વાતંત્ર્ય લાભને બદલે નુકશાન કરે. પછી પશુતા અને માણસાઈમાં ફેર શો? એ વૃત્તિ કબજે ન રહે તો પછી અસંતોષ વધે. એ નભાવવા, સુખ માનવા, સુખ કાઢવા, વૃત્તિઓને કબજે ન રાખવાની ટેવથી જ પશ્ચિમના દેશોમાં સ્નેહલગ્ન, સ્વાતંત્ર્યલગ્ન છતાં આટલા છેડાછૂટકા થાય છે. ત્હમારા કહેવામાં કાંઈ વજુદ નથી. એ તો લાગણીઓ જેમ દોરાવે તેમ દોરવાવું. કવિઓ-સ્વર્ગીય સ્નેહના વકીલો ગમે તેમ કહે, પણું અને એમાં દુઃખ જ છે. એમ હોય તો સ્નેહ શાનો? એક વસ્તુને ત્હમે અત્યંત ચાહતા હો તો પછી બીજીને ચહાવાય જ શી રીતે? એ તો મોહ !'

'પણ એવું નીકળે તો ?'

'એવાની તરફ મારી લાગણી નથી. પુરૂષ કે સ્ત્રી લાગણીથી દોરાઈ સંજોગવશાત્ ભૂલ કરે પણ ભવિષ્યમાં પ્રભુનો ભય રાખી, સંસારની સરળતા સાચવવા સત્યપંથે ચાલવા પશ્ચાત્તાપ કરી નિશ્ચય કરે તો પતિતપાવન પરમેશ્વરની આજ્ઞા મુજબ એને ક્ષમા આપવી, એનું જીવન સુધારવા તક આપવી. પણ તમે કહો છો તેમ થવા તો ન જ દેવાય. એકાદ કોઈ મહાત્મા સ્વર્ગીય સ્નેહને લીધે કે એવા જ કારણથી પરિણીતાને ત્યજી અન્યની સાથે સંબંધ બાંધે, પણ તેથી જનસમાજને એ દષ્ટાન્તરૂપ નથી–ન થવું જોઈએ.'

'ત્હારે મન તો લગ્ન શિવાય બીજો સ્નેહ હોઈ શકે જ નહી.'

'ના, અને તે પણ સત્ય પૂછાવો તો એક જ વાર. પત્ની છતાં, સાથે વર્ષોનાં વર્ષો ગાળ્યાં છતાં, કેવળ લાગણીથી દોરાઈ અન્ય સાથે સંબંધ બાંધવો એને સ્નેહ કેમ કહેવાય? એ પ્રભુના ફરમાનનું, નીતિના નિયમનું અપમાન છે.'