← લીલા. તરલા
મેદાનીયા.
ભોગીન્દ્ર દિવેટીયા
હોટલમાં. →


પ્રકરણ ૬ઠ્ઠું

મેદાનીયા.

સાંજના છ વાગ્યા હતા. મેદાનીયાના મોટા દરવાજા આગળ હારબંધ ગાડીઓ, મોટર ઉભી હતી. અંદર નહી જઈ શકનારા મેદાનીયામાંથી બહાર નિકળતાં સ્ત્રી પુરૂષોને જોતાં, અંદર દાખલ થતાં ચિત્રવિચિત્ર પુરુષોને જોતાં ઉભાં હતાં. કેટલાક ચોગરદમ નાખેલાં પાટીયાની તડોમાંથી અંદર રમાતી રમત જોતા હતા. એટલામાં આખું મેદાનીયા વિજળીની લાઈટથી પ્રકાશિત થયું. અંધકારમાં પ્રકાશ થયો. આલ્પાઇન રેલ્વેનો ગડગડાટ, અંદર બેઠેલાની હોહા કાને પડતી હતી. એટલામાં અરવિન્દ ભાડાની વિક્ટોરીયા કરી આવ્યો. વિક્ટોરીયાવાળાને રજા આપી, ટીકીટ લીધી, પણ અંદર દાખલ થતાં પહેલાં ચોગરદમ જોવા લાગ્યો. એનું ચિત્ત નહોતું આલ્પાઈન રેલ્વેમાં કે નહોતું મેદાનીયાની મજામાં. મેદાનીયાને બદલે બેકબે ઉપર લીલા છે એમ કોઈ કહે તો આજ મેદાનીયાની ટીકીટ ફાડી ત્યાં દોડે.

“લીલા આવી હશે ? વખત છે નહી આવી હોય તો? આ એની ગાડી રહી. પણ ગાડીમાં બીજાં બધાં આવ્યાં હોય ને એ ન હોય તો ? તો શા કામનું ! લીલાના દર્શન વિના, લીલાની હાજરી વિના મેદાનીયા શા કામનું ? અરે, ગાંડા હૃદય ! શાન્ત થા. આમ ઉશ્કેરાઈ જાય છે શા માટે ? લીલા ! અહા, એ નામ કેવું પ્રિય છે ! ગુજરાતી મૂળાક્ષરોમાં લ જેવો કોઇનો ઘાટ સુંદર છે જ નહી, એમાં પછી બે ‘લ’ મળ્યા. વાહ, વાહ! ‘લીલા’ કેવું સુંદર નામ ! એ સુંદરતા હમેશાં રહેશે? લાગશે? શા માટે શંકા લાવવી? અંદર તો જાઉં.”

આટલું કહી અરવિન્દ મેદાનીયામાં દાખલ થયો. મેદાનીયાવાળાએ એક મ્હોટી ભૂલ એ કરી હતી કે અંદર દાખલ થનારને જ્યાં જવું હોય ત્યાં જવું પડતું. આનંદનું સ્થાન એને સામું મળતું નહી. અંદર દાખલ થયો કે પહેલું ‘હાઉસ ઓફ નોન્સેન્સ’ આવ્યું. તે હાઉસ ઓફ નોન્સેન્સ–બેવકુફીનું ઘર જ લાગ્યું. કેકવૉક ખોળતો અરવિન્દ કેકવૉક પાસે આવ્યો. અરવિન્દને જોતાં જ લીલાનો નાનો ભાઈ બોલી ઉઠ્યો, ‘આ અરવિન્દભાઈ આવ્યા ! અરવિન્દભાઈ, આવો આવો, આમાં કુદવાની મજા પડે છે.’

‘અરવિન્દ’ શબ્દ કાને પડતાં લીલાનાં ચંચળ નયનો તરવરવાં લાગ્યાં. સ્નેહાળ હૃદયે સ્નેહબદ્ધ [] હૃદય ખોળી કાઢ્યું. લીલા કેકવૉકમાં ગોળ ફરતી કૂદતી હતી. ઉછરતું વય, નિશ્ચિંતતા, સાંજનો સમય, રમત પછી પૂછવું શું? લીલાના મ્હોં ઉપર લાલાશ, તંદુરસ્તી, આનંદ, સૌંદર્ય છવાઈ રહ્યાં હતાં, ત્યાં અરવિન્દના દર્શને હૃદયમાં ધબકારો કર્યો. નેત્ર, હૃદય મળું મળું કરતાં હતાં ત્યારે શરમમર્યાદા બાલાને અટકાવતાં હતાં. બહાનું કાઢી અરવિન્દ પાસે ગઈ અને બેધડકપણે અન્તરની લાગણીથી અટકી બોલી ‘ક્યારે આવ્યા ? ક્યારના આવ્યા છો ?’

લીલાના શબ્દ, લીલાનાં નેત્ર, લીલાનો ચ્હેરો એ અરવિન્દને મોહમાં નાખવા, ગાંડો બનાવવા બસ હતાં. તેણે હૃદય ઉપરથી કાબુ ખોયો. અને યાદવાતદવા [] બોલવા લાગ્યો:

‘થોડીક વાર થઈ ગઈ કાલે–ના, આજે જ હું આવવાનો હતો. ત્હને કેકવૉકમાં ચાલતાં આવડે છે હોં !’

‘ત્હમારા જેવું નહીં. ચાલોને આપણે બે સાથે કુદીએ. મોટા મોટા સાહેબો, મડમો, પારસણો કુદે છે તો પછી આપણને શો વાંધો? હિંદુભાઈઓ તે ન્હાનપણથી જ મોટા બને. ગંભીર–છોકરવાદી નહી પણ બાળકના જેવો આનંદ તો રાખવો.’

બન્ને કેકવૉકમાં ગયાં. લીલા અત્યારસુધી પીતળના સળીયા ઝાલીને ચાલતી તે અરવિન્દનો હાથ ઝાલી કુદવા લાગી. નાનો ભાઈ પણ કુદતો હતો. બીજા કેટલાક કુદતા, પડતા અને તમાશગીરો હસતા હતા.

‘અરવિન્દ ! ત્હમે પાસે હો છો ત્યારે બ્હીક નથી લાગતી.’

‘મ્હને પણ ત્હારા સંગાથમાં કાંઈ લાગતું નથી’ આટલું બોલે છે ત્યાં લીલાના ચહેરા ઉપર અમુક ભાવ દેખાયો અને અરવિન્દ બોલતાં અચકાયો. લીલાના મ્હોં ઉપર આનંદ નહોતો.

‘“લીલા ! શું થાય છે ? હરકત ન હોય તો કહે !’

“ત્હમને કહેવાની હરકત? હં, પણ ત્હમે હજી માશીને મળ્યા નથી ખરૂં ? એ ઉભાં, એમને ઘણું કહ્યું પણ ‘હવે ઘરડે ઘડપણ મારે તે શાં કુદવાં !’ કહી ન આવ્યાં.”

અરવિન્દ તરત જ માશી પાસે ગયો.

“આવો, અરવિન્દભાઈ ! ઘણે દહાડે દેખાયા. આ તમારી લીલા. જુના દિવસો સાંભરે છે કે? લીલુડી કહીને બોલાવતા તે ?”

અરવિન્દને કૉલેજના દિવસો–આ જ લીલાને રમાડતો, ખીલવતો, તે દિવસો–સાંભર્યા. લીલા પાછી આનંદમાં આવી ગઈ હતી. નાના ભાઈ સાથે કુદતી હતી ત્યાં અરવિન્દ પાછો આવ્યો.

“ત્હમને ગામડાંમાં કંટાળો નથી આવતો?”

“બીલકુલ નહી. ખેતર વગેરેના કામમાંથી પરવારતો નથી અને ત્યાં કંટાળો આવે એવું કાંઈ નથી.”

“ત્હમે ક્યાં સુધી મુંબાઈ રહેવાના છે ?”

“હજી કાંઈ નક્કી નથી.”

“એ કેમ બને ? કેમ નક્કી નથી ?”

“કારણ ક્યારે જવું એનો આધાર ત્હારા ઉપર છે.”

અરવિન્દ બોલતાં બોલી તો ગયો, પણ એમ થઈ ગયું કે ન બોલ્યો હોત તો સારું. લીલા એકદમ મુંગી થઈ ગઈ ને વિચારવા લાગીઃ ‘મ્હારા ઉપર આધાર ? મ્હેં શું કર્યું છે? મ્હેં કાંઈ બોલાવ્યા નથી ! ઘરમાં બધાં એમની સાથે વિવાહ કરવાની વાત કરે છે, પણ મ્હને ગમે છે ? લગ્ન ? ના, ના, એ તો એમની સાથે નહી. એમની સાથે લગ્ન કરી ગામડાંમાં પડી રહેવાનું ને? વળી એ જુના વિચારના. જોને એમના વેશ. ન મળે પાટલુન કે ન મળે કોલર નેકટાઈ. ના, ના, એ તો નહીં! ત્યારે ? ગમે તેમ હોય, પણ એમનો સ્વભાવ તો સારો. એમની સંગતનો કંટાળો આવતો નથી. પણ ‘ત્હારા ઉપર આધાર’ એમ કેમ બોલ્યા ? એમના મનમાં શું હશે ?’

એટલામાં લીલાની માતા આવી પહોંચી અને સઘળાં જવાની તૈયારી કરવા લાગ્યાં. અરવિન્દને જોઈ માતા બોલી, “તમે આવ્યા છો, તે ખબર નહીં. હરકત ન હોય તો સાંજના ઘેર આવજો.”

લીલા ને સઘળાં ગયાં. જતાં જતાં લીલાએ અરવિન્દ તરફ નજર કરી. અરવિન્દ વિચારમાં હતો એટલે લીલા સામું જોઈ શક્યો નહી. એક પગ બાંકડા ઉપર રાખી બેધ્યાનપણામાં કેકવૉક તરફ નજર રાખી ઉભો હતો. ત્યાં વસન્તે પાછળથી આવી ખભે હાથ મૂક્યો, અને “ચાલ હવે, ભૂખ લાગી છે કે નહી ? લીલાના વિચાર કર્યે પેટ નહી ભરાય,’ એમ કહી મેદાનીયા બ્હાર લઈ ગયો.


  1. ૧. સ્નેહ, પ્રીતિથી બંધાયેલું.
  2. ૨. જેમ ફાવે તેમ.