તાર્કિક બોધ/૧૧. ઠગસાચાની વાત

← ૧૦. અદબ વિષે તાર્કિક બોધ
૧૧. ઠગસાચાની વાત
દલપતરામ
૧૨. જુના તથા હાલના નઠારા ચાલ વિષે →



ठग साचा विषे. ११.


દીલ્લીમાં એક બુઢો કાયસ્થ હતો, તેની પાસે નાણું પુષ્કળ હતું. પણ તેને કાંઈ પ્રજા ન હોતી. અને તેની સ્ત્રી મરી ગઈ. ત્યારે પ્રજા વાસ્તે તેણે વૃદ્ધાવસ્થામાં ફરીથી લગ્ન કર્યું. તે સ્ત્રીને એક દીકરો અવતર્યો. પછી તે બુઢો કાયસ્થ ગુજરી ગયો. પછી તેની વિધવા સ્ત્રીએ ઘણુંએક નાણું ઉડાવી દીધું. અને ભરજુવાનીના તોરથી છેલી વારે એક મુગલને લઈને જતી રહી. તેનો છોકરો ત્રણ વર્ષની ઉમરનો હતો. તેને ઘરમાં મુકીને ગઈ. પછી તેનાં સગાં વહાંલાએ તે છોકરાની સંભાળ રાખી, નેં તેને મોટો કર્યો. અને નિશાળે ભણવા બેસાર્યો, તે દેશી ભાષા, ફારશી, તથા અરબી વગેરે ભણીને હુશીઆર થયો. પણ તે લોકોને ઠગવાની હુશીઆરી ઘણી શીખ્યો.

એવામાં દર અઠવાડિએ દીલ્લીમાં એક "સત્યભાષક" નામની સભા ભરાતી હતી. તે સભાઓ મેંબર (સભાસદ) થયો. અને પ્રતિજ્ઞા ઉપર સહી કરી કે, મારી ઉમરમાં હું કદી જુઠું બોલીશ નહિ. પછી લોકોની આગળ જ્યાં ત્યાં કહેવા લાગ્યો, કે હું સત્યભાષક સભાનો મેંબર થયો છું. માટે હવે મારાથી કદી જુઠું બોલી શકાય નહિ. પછી તે કપટ ભરેલું સત્ય એવું બોલવા લાગ્યો, કે કોઈ અજાણ્યું માણસ હોય, તે તેનું જુઠાણું કળી શકે નહિ, પણ પૂરા સમજુ માણસ હોય તેઓના જાણવામાં આવે, કે આ જુઠું બોલે છે. તોપણ વાચળપણાથી તકરાર કરીને પોતાનું બોલ્યું સાચું ઠરાવે, પણ છેવટ ઘણા લોકોને તેનો ભરૂંસો ઉઠી ગયો. અને લોકો તેને “ઠગ સાચો” કહેવા લાગ્યા. ત્યારે તેણે ક્યાંઈ અજાણ્યા દેશમાં જવાનો ઠરાવ કર્યો. અને પોતાના સ્વભાવને મળતો એક પોતાનો મિત્ર હતો, તેને તેણે વાત કહી, કે જો તું મારી સાથે આવે, તો આપણે અજાણ્યા દેશમાં જઈને, એટલું તો કમાઈએ, કે કોઈ શહેરનું રાજ્ય સંપાદન કરીએ.

પછી તેને મિત્રે એ વાત કબુલ કરી. અને બંને જણા મારવાડ તરફ ભોળા લોકોના એક શહેરમાં ગયા. ત્યાં ઠગસાચાયે સાહુકારનો વેષ રાખ્યો. અને તેના મિત્રે બ્રાહ્મણનો વેષ રાખ્યો.

શહેરમાં બંને જણા જુદે જુદે દરવાજે પેઠા, અને જુદે જુદે ઠેકાણે ઉતારો કર્યો. ત્યામ કોઈ માણસ ઠગસાચાને પુછે, કે તમારે માબાપ છે ? ત્યારે દે, કે બાપ મરી ગયો છે, અને મા મુગલને લઈને જતી રહી. લોકો પૂછે, કે આવી બે શરમની વાત જાહેર કરવાનું તમારે શું કારણ છે ? ત્યારે જવાબ દે, કે સત્યભાષક સભાનો હું મેંબર છું, માટે કદી જુઠું બોલતો નથી; અને સાચે સાચું મારે કહેવું પડે છે. તે સાંભળીને ભોળા લોકોએ જાણ્યું કે, આવી છેક છાની રાખવા જેવી બાબતમાં પણ જુઠું બોલતો નથી; માટે આ ખરેખરો સાચા બોલો છે. એવું જાણીને ઘણા લોકો તેનો ભરૂંસો રાખવા લાગ્યા. અને કેટલાએક છોકરાઓએ મા બાપથી છાની મુડી કરેલી. તે ઠગ સાચાને ત્યાં મુકી આવ્યા. તેમાં પૈસો, કે પાઈ ગણતાં વધારે આવે, તો ઠગ સાચો પોતાની સાખ વધારવા સારૂ પેલા છોકરાને પાછી આપે.

કોઈ વખતે તો પોતાની ગાંઠના બે ચાર પૈસા આપીને કહે કે આટલા તમે વધતા આપી ગયા છો, માટે તમારા પાછા લ્યો. પણ પછી છેલીવારે બધા રૂપૈયા ગળત કર્યા.

વળી એક સાહુકારને પોતાના નહાના ભાઈ સાથે મઝીઆરો વેહેંચતાં, તકરાર પડી; અને તેને ભાઈએ સરકારમાં એવો દાવો કર્યો, કે અમારા મઝીયારા ખાતાના વીશ લાખ રૂપૈયા મોટા ભાઈ પાસે છે, તેમાંથી દશ લાખ મારા ભાગના અપાવો. તે વાતની ખબર પડ્યાથી મોટે ભાઈએ દશ લાખ રૂપૈયા છાની રીતે જઈને ઠગ સાચાને ઘેર મુક્યા. અને સરકારમાં પ્રતિજ્ઞા ઉપર જુબાની આપી, કે મારી પાસે ફક્ત દશ લાખ રૂપૈયા છે, તેમાંથી પાંચ લાખ રૂપૈયા તેને આપું.

સરકારે તેના ઘરનો ઝાડો લીધો. ત્યારે દશ લાખ રૂપૈયા નીકળ્યા. તેમાંથી પાંચ લાખ રૂપૈયા તેના ભાઈને અપાવ્યા. પછી રાતની વખતે ઠગ સાચાનો મિત્ર પેલો બ્રાહ્મણ ઠગ સાચાને ઘેર ગયો. ત્યારે ઠગ સાચે કહ્યું, કે આ પેટીમાં એક સાહુકારના રૂપૈયા છે, તે તું લઈ જઈશ નહિ.

પછી તે મિત્ર તેની મતલબ સમજી રહેલો, તેથી પેટી તોડીને રૂપૈયા લઈ ગયો. બીજે દહાડે પેલે સાહુકારે આવીને પૂછ્યું, કે આ પેટીમાંથી રૂપૈયા ક્યાં ગયા ? ઠગ સાચે જવાબ દીધો, કે, રાતે એક ચોર આવ્યો હતો, તે લઈ ગયો. તેને મેં કહ્યું કે તું લઈ જઈશ નહિ; તો પણ તે વાત તેણે માની નહિ; આ વાત સચે સાચી કહું છું, જુઠું કદી હું બોલતો નથી. પછી તે બીચારાને જેમ "ચોરની મા કોઠીમાં પેસીને રૂએ" એમ થયું. અને ઠગસાચો એવી મોટી રકમ મેળવવામાં ફાવ્યો, તેથી તેણે તે શહેરના રાજાનું રાજ્ય ઠગી લેવામાં હિંમત ઘાલી. તે શી રીતે લેવું ? તેના ઘણા વિચાર કરતો હતો, એવામાં નદી કાંઠે ફરવા જતાં રસ્તામાંથી એક નહાનો વાટવો તેને જડ્યો; તે લઈને જોયો, તો તેમાં સાત રૂપૈયા રોકડા હતા. ઠગ સાચે ધાર્યું કે હવે આ વાટવામાંથી જરૂર રાજ્ય પેદા કરીશ.

પછી ઘેર જઈ એક રીપોર્ટ સાથે તે વાટવો રાજાની હજુરમાં મોકલ્યો. તેમાં લખ્યું કે આ વાટવો મને રસ્તા ઉપર ફલાણે ઠેકાણેથી જડ્યો છે, તેના સૂર્યદેવ સાક્ષી છે. અને મારે હરામનો માલ ખપતો નથી; માટે શહેરમાં ઢંઢેરો પીટાવીને, વાટવો જેનો હોય, તેને આપવો જોઈએ. પછી રાજાએ ઢંઢેરો પીટાવ્યો. તેથી તેનો ધણી હાજર થયો. અને વાટવાની બધી નિશાની કહી આપીને પોતાનો છે, એવું શાબીત કર્યું, ત્યારે રાજાએ રૂપૈયા સુધાં વાટવો તેને સોંપ્યો. તે ધણીએ તેમાંથી ત્રણ રૂપૈયા ખુશી થઈને રજુ કર્યા; અને કહ્યું કે જેને આ વાટવો જડ્યો હોય, તેને ઈનામના આપો.

તે ત્રણ રૂપૈયા ઠગ સાચાને ઈનામના આપવા માંણ્ડ્યાં, ત્યારે તેણે કહ્યું, કે મફતના પારકા રૂપૈયા હું કદી લેનાર નથી. તેથી રાજાએ જાણ્યું કે આ માણસ ઘણું પ્રમાણિક જણાય છે. આવો પ્રમાણિક કોઈ દીઠો નથી; તેથી તેને ખજાના ઉપર નોકર રાખ્યો. અને તેના ઉપર ઘણી પ્રીતિ રાખવા માંડી.

ઠગસાચો મીઠી મીઠી વાતથી રાજાનું મન હરી લેતો હતો; અને પોતાનું પ્રમાણિકપણું બહુ જણવતો હતો. એક સમે રાજાએ એક હજાર મણ જારની ખાણ ભરવા માંડી, તે કામ ઠગસાચાને સોંપ્યું. ત્યારે ઠગ સાચે કહ્યું કે સાહેબ, અરધી જાર મારી ખાનગી ખાતાની ખાણમાં નાંખવાની રજા આપો; પછી રાજાએ રજા આપી, પછી રાજાએ રજા આપી, એટલે મજુરો દેખતાં ઠગસાચે જારના એક દાણાનાં બે ફડશીયાં કર્યા. ને અને મજૂરોને કહ્યું કે જુઓ આ મારી અડધી જાર ખાણમાં નાખું છું. પછી તે મજુરને સાક્ષીમાં રાખીને રાજાને કહ્યું, કે આના દેખતાં મેં મારી અરધી જાર ખાણમાં નાખી છે. તેનો મર્મ બિચારા ભોળા મજુરો સમજ્યા નહિ, અને તેના અમલના તાપથી ખુલાસો કરી શક્યા નહિ. પછી ઠગસાચે રાજા પાસે અરધી જારની ચિઠ્ઠી લખાવી લીધી. અને તે બજારમાં વેચીને નાણાં લીધાં. ત્યારે તેને મિત્રે એકાંતમાં હસતાં હસતાં કહ્યું કે એ દગો કરવાથી તમે ઈશ્વરના ગુનેહગાર ખરા કે નહિ ? ત્યારે ઠગસાચે કહ્યું કે એમાં શેના ગુનેહગાર ? આપણે કાંઈ જુઠું બોલ્યા નથી. આપણે તો અરધી જાર ખાણમાં નાખી હતી તે કહી. પણ રાજાએ સમજ્યા વિના અરધી ખાણ લખી આપી, તે તો તેની ચુક છે તેમાં આપણે શું ?

વળી એક સમે તેણે રાજાને કહ્યું, કે મને રાજગાદી ભોગવવાની ઘણી તૄષ્ણા રહી ગઈ. ફક્ત એક વર્ષ સુધી, કે એક માસ, કે એક દિવસ, અથવા એક ઘડી સુધી પણ હું સંપૂર્ણ અખત્યારથી ગાદી ભોગવું ત્યારે જ મારી તૃષ્ણા મટે. છેલી વારે કહ્યું કે "લીંબુ ઉછાળરાજ્ય" એટલે લીંબુ ઉછાળીએ તે પાછું ભોંઈ પડે, એટલી વાર સુધી પણ રાજગાદી ભોગવવાનું મારા મશીબમાં હોત, તો ઘણું સારૂં.

પછી રાજાને તેની દયા આવી. અને કહ્યું, કે "લીંબુ ઉછાળરાજ્ય" હું તને બખશીશ આપું છું. પછી ઠગસાચે તે બાબતનો દસ્તાવેજ સહી સીક્કા સુધાં કરાવી લીધો. રાજાએ કહ્યું કે તારી મરજીમાં આવે, તે દિવસે એટલી વારનું રાજ્ય તું માગી લેજે. ઠગસાચે કહ્યું કે સારૂં મુહૂર્ત જોઈને માગી લઈશ. પછી તેણે પેલા પોતાના મિત્ર બ્રાહ્મણને બોલાવીને બધી વાત વાત સમજાવી. અને એક દસ્તાવેજ લખીને તેને આપી મુક્યો. અને કહ્યું કે હું રાજગાદીએ બેસું ત્યારે તું મને આશીર્વાદ દઈને આ લેખ રજુ કરજે. પછી મુહૂર્ત જોઈને ઠગ સાચે રાજાને કહ્યું કે, ફલાણે દિવસે પહોર ચડતાં મને રાજગાદીનો માલેક કરવો જોઇએ.

પછી રાજાએ પેાતાના સર્વે કારભારીઓને આ વાત જાહેર કરી ત્યારે કેટલાએક કારભારીઓએ કહ્યું, કે સાહેબ, આ વાત ઘણી અયોગ્ય છે. તોપણ રાજાએ કહ્યુ કે હું જે બોલ્યો, તે કદી ફરનાર નથી.

પછી ઠરાવેલી વખતથી અગાઉ સર્વે કારભારીઓને ગાદી આગળ હાજર રાખ્યા. અને તમામ દફતરો હાજર રાખ્યાં. અને ઠગસાચાને રાજ્યગાદી ઉપર બેસારીને લીંબુ ઉછાળ્યું. એટલે પેલે બ્રાહ્મણે તેને આશીર્વાદ દઈને, પેલો દસ્તાવેજ રજુ કર્યો. ઠગસાચે તે ઉપર સહી કરી. અને લીંબુ હેઠું પડ્યું કે તરત રાજગાદીએથી હેઠો ઉતર્યો.

દસ્તાવેજમાં લખ્યું હતું કે મેં તને આ રાજગાદી હમેશાં ભોગવવા કૃષ્ણાર્પણ આપી છે. પછી ઠગ સાચે રાજાને કહ્યું કે સાહેબ, આ રાજગાદી ઉપર થઈ ગયેલા રાજાઓમાંથી કોઈએ પચાશ વર્ષ, કોઈએ પચીશ વર્ષ, અને કોઈએ પાંચ મહિના અખત્યાર મેળવ્યો હશે. પણ તેઓમાંના હરકોઈએ કરી આપેલા દસ્તાવેજો તમારે પાળવા પડે છે. તે જ રીતે રાજગાદીના માલેકપણાથી મેં જે દસ્તાવેજ કરી આપ્યો, તે તમારે પાળવો પડશે.

ઇનસાફની રીતથી રાજા બંધાઈ ગયો, તેથી કશું બોલી શક્યો નહિ. અને ઠગસાચે પેલા બ્રાહ્મણને કહ્યું, કે તું ગાદી ઉપર બેશ. પછી તે ગાદી ઉપર બેઠો. અને ચાર ઘડીમાં તો તેણે ખજાનામાંથી વીશ લાખ રૂપૈયા દાન પુન્ય વાસ્તે, તથા સરદારોને, અને કારભારીઓને વહેંચી દીધા. કેટલાએક સમજુ કારભારીઓએ તેમાંનું કશું લીધું નહિ. અને નોકરી ઉપરથી હાથ ઉઠાવાનું કહીને ચાલ્યા ગયા. અને રાજા, તથા તેનું કુટ કુટુંબ, અને સમજુ પ્રજાનાં મન ઘણા ગભરાટમાં પડ્યાં. અને કોઈને કશો ઉપાય સુજ્યો નહિ. સઉ છેક નિરાશી થઈ બેઠાં.

ઠગસાચો હિંમતથી બોલવા લાગ્યો, કે રાજમહેલ ખાલી કરીને, તેને સ્વાધીન કરવો પડશે. પછી મી. વાસુદેવજી જેવો એક વકીલ ઘણો હુશીઆપ હતો. તેણે રાજાને તથા પ્રધાન વગેરેને, એકાંતે બોલાવીને કહ્યું, કે ઇનસાફની રીતે હું તમારું રાજ્ય પાછું અપાવું એવો નકી દીલાસો આપીને, પાછા કચેરીમાં આવ્યા અને ઠગસાચે બ્રાહ્મણને લખી આપેલો દસ્તાવેજ વકીલે વાંચવા લીધો. તેમાં લખ્યું હતું કે, “હું તને રાજગાદી હમેશાં વાસ્તે કૃષ્ણાર્પણ આપું છું.”

વકીલે તે બ્રાહ્મણને કહ્યું, કે મહારાજ, તું ફક્ત રાજગાદીનો માલેક છે. માટે આ તારી ગાદી માથે ઉપાડીને લઈ જા. અને તે ગાદીનો હમેશાં ભોગવટો કરજે. એમ કહીને તે ઠગસાચાના મિત્રને હાથે ઝાલીને ઉભો કર્યો. અને ગાદી લઈને તેના માથા માથા ઉપર મુકી. તે ગાદી લઈને પેલે જવા માંડ્યું. ત્યારે વકીલે કહ્યું કે ખજાનાનું નાણું ખરચવાનો અખતીયાર તને કેણે આપ્યો હતો ? હવે તે નાણાનો જવાબ દઈને જા. પછી તેને કેદ કર્યો.

ક્રૂરચંદ—ભાઈ તમારી વાતો સાંભળીને મારું મન ધરાઈ જતું નથી. અને વધારે સાંભળવાની મને આતુરતા થાય છે માટે હવે મને એટલું કહો, કે હાલમાં કિયા કિયા નઠારા જુના ચાલ મટ્યા, અને કિયા નઠારા ચાલ હજી સુધી આપણા દેશમાં ચાલે છે ?

સુરચંદ—સાંભળ, તે વાત કહું.