← ૯. બાલકના અભ્યાસની ચાલતી રીત તાર્કિક બોધ
૧૦. અદબ વિષે
દલપતરામ
૧૧. ઠગસાચાની વાત →



अदब विशे. १०.


હરેક માણસની મર્યાદામાં રાખવી, તે અદબ કહેવાય છે. પોતાનાથી મોટું માણસ અથવા અધિકારવાળું માણસ હોય, તેને તેના અધિકાર પ્રમાણે માન આપવું એટલે, તે આવે ત્યારે સામાં ઉભા થઈને, સલામ કરીને તેનું સન્માન કરવું. માર્ગે ચાલતાં તેને રસ્તો આપવો. આંખ ચડાવીને તેના સામું બોલવું નહિ. તથા તેના દીલને ખોટું લાગે તેવું બોલવું નહિ; તે અદબ કહેવાય.

જે વધારે અદબવાળું માણસ હોય તે વધારે લાયકીવાળું ગણાય છે. અને કેટલાંએક એવા માણસો હોય છે કે; કોઈ શ્રીમંત ગાડીમાં બેશીને જતો હોય તેને રસ્તો આપતાં આનાકાની કરે છે. અને જાણે છે કે, રસ્તા ઉપર મારો અને તેનો સરખો હક છે. માટે હું કોરાણે ખશીને તેને શા વાસ્તે રસ્તો આપું ? અને તેને લાગતાં વચનો શા વાસ્તે ન કહું ? મારે તેના બાપની શી ઓશિયાળ છે ? એવું ધારે છે તો તે ઉપરથી તેની હલકાઈ જણાઈ આવે છે. અને શ્રીમંત પરમેશ્વરની ઇચ્છાથી મોટો અધિકાર મળેલો છે. માટે તેની અદબ તોડતાં પરમેશ્વર્ની મરજી કરતાં ઊલટું કર્યું કહેવાય. જેમ શ્રીમંતને માન આપવું તેમ જ વૃદ્ધ માણસને, સ્ત્રીજનને અને વિદ્વાનને પણ અદબથી માન આપવું યોગ્ય છે.

નહાના બાળકને, અને ચાકરને પણ ટુંકારાથી બોલાવીએ નહિ, તેને પણ માન દઈને બોલાવીએ, તેથી આપણું મોહો શોભે છે. અને ટુંકારો કરવાથી તેને તો કાંઈ વળગતું નથી; પણ આપણી શોભા ઘટે છે. પુંઠ પછવાડે પણ કોઈની ટુંકારે વાત કરવાની ટેવ રાખવી નહિ. અદબ છે તે માણસનું ભૂષણ છે. અદબથી મિત્રતા વધે છે. અને સઉ લોકો તેનું સારૂં ચહાય છે. અદબની પેટીમાં સુખના બીજ ભરેલાં છે.

કદાપિ, કોઈ મોટા માણસે આપણને હલકું વચન કહ્યું, તો તે સાંખી રહેવાથી આપણું માન ઘટશે નહિ, પણ તેના સામું લડવાથી માન ઘટશે. તેમજ કોઈ હલકા માણસે આપણને અયોગ્ય વચન કહ્યું, તો પણ સાંખી રહેવાથી આપણો ક્ષમાગુણ આપણને ઘણી શોભા આપશે; અને જો તેના સામા થઈને આપણે પણ તેના જેવા હલકા બોલ બોલીએ, તો આપણે પણ તેની હારમાં હલકા ગણાઈએ. અને તેના મોઢાના વધારે હલકા બોલ સાંભળવા પડે.

જ્યારે આપણે આપણા અધિકારના કામ ઉપર હઇએ, ત્યારે તો જેવા અધિકારવાળું માણસ આપણી પાસે આવે, તેના અધિકાર પ્રમાણે તેને માન આપીએ પણ ખાનગી વખતે તો તેના અધિકાર કરતાં પણ જાસ્તી માન આપીએ. પોતાના બાળકને નહાનપણમાંથી અદબ રાખવાની ટેવ પાડીએ. કોઈ બોલાવે તો જી, કહીને હુંકારો દેતાં શિખવીએ. કોઈની વાત ટુંકારે કરે તો ઠપકો દઈએ.

તેમજ મહેતાજીઓએ નિશાળીઆઓને અદબ રાખતાં શિખવવી જોઈએ કેમકે અદબવાળા માણસને જોઈને, લોકો એવી અટકળ કરે છે કે, આ કોઈ ઉમદા માબાપનું ફરજંદ છે. અથવા કોઈની સારી સોબતથી કેળવાયેલું માણસ છે. સભામાં લાંબા પગ કરીને બેસવું નહિ. પગ ઉપર પગ ચડાવીને, કે ઢીંચણ બાંધીને બેસવું નહિ. ઉઘાડે માથે કે અંગરખું પહેર્યાં વિના સભામાં, કે કોઈને ઘેર જવું નહિ.

મોટા લોકો બેઠા હોય તેના થડમાં ખુરશી ખાલી દેખીને, તે ઉપર જઈને બેસવું નહિ; પોતાના અધિકાર્ પ્રમાણે બેસવું. પોતે ખુરશી ઉપર બેઠા હોઈએ, અને માન આપવા યોગ્ય બીજું કોઈ માણસ આવે, તો તે ખુરશી તેને આપવી. કેમકે તમે બીજાને માન આપશો, તો તમને માન મળશે. અને તમે માનને ખેંચી તાણીને લેવા ચાહશો, તો માન તમારાથી વેગળું નાશી જશે. સભામાં મોટા લોકો વાતો કરતા હોય, તે વચ્ચે વગર પુછ્યે બોલ બોલ કરવું નહિ. મોટા સાથે વાદ વદવો નહિ.

અદબનાં વાક્યો યાદ રાખવાં. અને બોલવા ચાલવામાં હંમેશાં તેનો ઉપયોગ કરવો. તે વાક્યો નીચે પ્રમાણે.

મહેરબાન સાહેબ પધારો. આપ અમારા મુરબ્બી છો. સેવક સરખું કામકાજ ફરમાવવું, આપનો મેળાપ થવાથી આજ હું ઘણો સંતોષ પામ્યો. આ પાનબીડું આપ આરોગો. આ જળપાન કરો. આપનાં પગલાં થવાથી આજ મારૂં ઘર પવિત્ર થયું.

કોઈની મારફતે કાંઈ મંગાવું હોય, ત્યારે "મારે વાસ્તે ફલાણું મોકલજો" એમ લખવું નહિ; પણ અદબથી લખવું ત્યારે આમ લખવું કે, " સેવક વાસ્તે એક ફલાણી ચીજ મોકલશો તો ઘણી મહેરબાની" "તસદી માફ કરવી"

ઈસ્વીશન ૧૮૫૮ની સાલમાં જ્યારે હું મુંબઈ ગયો હતો, ત્યારે બારોનેટ સાહેબ ખરશેદજી જમશેદજી જીજીભાઈએ પોતાના મકાનમાં બોલાવા સારૂં મને એક પત્ર લખી મોકલ્યો હતો, તેમાં ઘણી લાયકી ભરેલા શબ્દો લખેલા, અને છેવટ સહી એવી રીતે કરેલી હતી કે-

“લ. સેવક ખરશદજી જમશેદજીનો સલામ” એ પત્ર વાંચીને તે સાહેબની લાયકીનો ચમત્કાર મારા રોમ રોમમાં પસરી ગયો. કારણકે મારા જેવા તો તે સાહેબના સેવકોને ઘેરે સેવકો છે. અને જે સાહેબને મહારાણીજી વિક્ટોરીઆની તરફતી મોટું માન મળેલું છે. તે સાહેબ, ઉપર લખ્યા પ્રમાણે નમ્રતા રાખી શકે છે, એ કાંઈ થોડી વાત નથી. તે સાહેબની સહીનો પત્ર યાદગીરીને વાસ્તે મારી ફાઈલમાં મેં સંગ્રહ કરી રાખ્યો છે. અને એવી લાયકીવાળા ગૃહસ્થો મુંબઈમાં ઘણાં જોવામાં આવ્યા. તેમાં પારશી ગૃહસ્થોની લાયકી તો પરમસીમા છે.

અરે મિત્ર, આપણે પણ એવી લાયકી મેળવવા શિખવું જોઈએ અને નહાની વયમાંથી પોતાની બરાબરીના છોકરાઓ સાથે બોલતાં ચાલતાં, અને અદબથી પત્ર લખતાં શિખવું કે જેથી મોટી ઉમરમાં અદબ તોડવાની ટેવ રહે નહિ.

જે માણસ સારા માણસની નિંદાના શબ્દો બોલે છે. તે તો પોતાનું નાક કાપીને, સામાને અપશુક દેખાડાતો હોય એવું છે. જેમ કે એક ગૃહથ કાંઈ સારા કામ વાસ્તે ઘણાં હર્ષ સાથે ઘેરથી નીકળ્યો. તે પોતાને આંગણે ઉભો રહીને સારાં શુકન મળવાની વાટ જોતો હતો. ત્યારે તેના ઉપર ઇરષા રાખનાર એક માણસ હતો, તેણે એવો વિચાર કર્યો કે એને કોઈ રાંડી રાંડ અથવા નાકકટું માણસ સામું મળે તો ઠીક; કેમકે તેથી તેને અપશુકન થાય, અને દીલગીરી ઉપજે, પછી પેલાને કોઈ સારાં શુકન મળતાં હતાં, તે જોઈને ઇર્ષાવાળો નાકકટો અકળાયો. ને પોતાનું નાકકાપીને તે ગૃહસ્થના સામો જઈને તેને અપહુકન કર્યાં. તેથી પેલાનું તો કાંઈ કામ બગડ્યુ નહિ, પણ ઇરષાવાળો નાકકટો કહેવાયો. સૂર્યના સામી ધૂળ નાખે, તે સૂર્યને લાગતી નથી, પણ નાખનારની આંખમાં જ પડે છે. તેમજ અદેખાઈથી નિંદા કરનારનું હલકાપણું દેખાય છે. સારા માણસના મહોમાં હલકા શબ્દો શોભતા નથી. અને કુતરાં ભસતાં હોય, તેના સામાં હલકા માણસનાં છોકરાં ભસે છે, પણ સારા માણસો ભસતાં નથી.

એક શાહજાદો ચાલ્યો જતો હતો. ત્યાં રસ્તા વચ્ચે એક ગધાડો ઊભો હતો, તેને શાહજાદે કહ્યું કે તમે કોરે ખસો, તે સાંભળીને બીજે માણસે પૂછ્યું, કે તમે ગધેડાને કેમ માન આપો છો? ટુંકારો કેમ કરતા નથી ? ત્યારે શાહજાદે કહ્યું કે, ટુંકારે બોલવાથી મારી જુબાન બગડે; અને કોઈ વખતે મીજલશમાં પણ એવો શબ્દ બોલી જવાય. અને આ ગધાડાને તો કાંઈ માન કે અપમાનની ખબર નથી, પણ હલકો શબ્દ બોલવાથી મારી હલકાઈ જણાય. માટે નાદાન માણાસના બોલનો ઉત્તર વાળે નહિ, અને ગંભીરતાથી સહન કરે તેની શોભા વધે છે.

મુંબઈના જામે જમશેદ પત્રમાં દરરોજ શેખ શાદીની એક કહેવત છપાય છે, તે ઉપલી વાતને લાગુ પડે છે.

બેત

"કહેવું નહિ તારે જ્યાં સુધી, કે વચન ન હોય સારો;
"ઉત્તર દેજે તેહને, જેને તું જાણે કે નથી નઠારો. ૧

વળી બે દોહરા કહું તે સાંભળ
પરમેશ્વર જો પાધરો, શત્રૂથી શું થાય?
પથરા ફેંકે પાપિ તે, ફૂલ થઈ ફેલાય. ૧
પરનું બિગાડતાં પડે, જોખમ આપ જરૂર;
પ્રજાળતાં શિવપુત્રને'[], પ્રજળ્યું લંકાપુર. ૨


સુરચંદ : કહે છે કે ભાઈ બેઅદબી બોલનારા નિર્લજ લોકોની સોબત કરવી નહિ. અને વળી કેટલાએક સત્યવાદીનું ડોળ દેખાડતા હોય, પણ પોતે ઠગ સાચા જેવાહોય છે, એવાને તરત ઓળખી લેવા. અને પછી તેઓનો વિશ્વાસ ન કરવો.

ક્રૂરચંદ—ઠગ સાચો કોણ હતો તેની સાચી વાત મને કહો.

સુરચંદ—ઠગ સાચાની વાત સાંભળ, હું તને કહું.




  1. હનુમાનને