તાર્કિક બોધ/૯. બાલકના અભ્યાસની ચાલતી રીત

← ૮. વંશપાળ અને યમરાજ તાર્કિક બોધ
૯. બાલકના અભ્યાસની ચાલતી રીત
દલપતરામ
૧૦. અદબ વિષે →



बाळकना अभ्यासनी चालती रीत विषे. ९.

ગુજરાતમાં બાલકને ભાષાનું જ્ઞાન, તથા વિચારશક્તિ ઉઘડવા વાસ્તે જુના વિદ્વાનોએ કેટલીએક યુક્તિઓ ચલાવેલી દેખાય છે. તે યુક્તિયો જેટલામાં ગુજરાતી ભાષા બોલાય છે. તેટલા આખા ગુજરાત દેશમાં ફેલાયેલી છે; પણ તે હાલ સાધારણ રમત જેવી લાગે છે. જો તે વિષે વિચાર કરીએ, તો માલુમ પડે, કે એ યુક્તિઓ ડાહ્યાં માણસોએ વિચારીને ગોઠવેલીયો છે. એ યુક્તિયોથી બાળકએ માબાપ, બોલતા, સ્મરણમાં રાખતાં અને મનમાં વિચાર કરતાં શિખવે છે, આખી દુનિયામાં એવા જ ઘાટની જુદી જુદી જુક્તિઓ હોય છે.

બાળક ચાર પાંચ મહિનાનું હોય, ત્યારે તેને પદાર્થ સામી તથા માણસ સામી નજર માંડતા શિખવે છે. તે ઘૂઘરો બજાવીને, તેના ઘોડીએ લટકતું ઝુમર, ટાચકા, વગેરે બજાવીને નજર મમ્ડાવે છે. તથા કામી વસ્તુ હાથમાં પકડતાં શીખવે છે. એવા પદાર્થોથી તે બાળકને રમત થાય છે, અને અભ્યાસ પણ થાય છે. વળી માણસ સામી નજર માંડતા શિખવે છે ત્યારે તે બાળકની નજર સામી પોતાની નજ્ર રાખીને, ઝા, ઇત્યાદિ શબ્દો બોલીને તેને હસાવે છે. તથા આંગળીઓ વડે ચંદ્ર બનાવીની, તે સામી નજર ઠરાવા શિખવે છે.

પછી જયારે નજર માંડતાં શિખ્યું , એટલે એક એક અથવા બબે અક્ષરના જરૂરના ઉપયોગિ શબ્દો તેને શિખવે છે. તે એવા કે, પાણીને બદલે 'ભૂ' શિખવે છે. મા, બા, જી, તાત્યા, મામા, બાપા, કાકા ઇત્યાદિ શબ્દો શિખવે છે. એટલું શિખ્યા પછી ટુંકાં ટુંકાં વાક્યો મિઠાસ ભરેલાં તથા તેને રમૂજ થાય એવાં શિખવે છે; તે એવાં કે —

“પાગલોપા રે, પાગલોપા, મામાને ઘેર જમવા જા”

“મામો પીરસે દહિંને દૂધ, મામી પીરસે ખાટી છાશ”

“માનું ઘર કેટલે દીવા બળે એટલે.”

એ વાક્યો બોલીને પગલાં માંડતાં પણ શિખવે છે. વલી અર્થ મળતો આવે નહિ પણ મિઠાસ ભરેલાં વાક્યો બોલીને તેના તાળ પ્રમાણે બરાબર બોલતાં શિખવવા સારૂ તાળનો અક્ષર બોલતાં જ આંગળીઓનો ટકોરો મારતાં શીખવે છે; તેથી તેને હાથની ચાળવણી પણ આવડે છે. તે બોલે છે કે “ અડકણ દડકણ દહિનાં ટાંકા; દહિં દડૂ કે, પીલૂ પાકે.” “શરવણ બેઠા, દેરા પૂજે; ઉલ મૂલ, કાતળિયો ખજૂર” “સાકર કે શેલડી સિંદૂર.”

ઘણું કરીને આવી બાબતો, બાળકને રમત કરતાં શિખવે છે. પછી જ્યારે બોલતાં આવડ્યું એટલે સ્મરણશક્તિ વધારવા સારૂ ટુંકી ટુંકી કહાણીઓ શિખવે છે. તેમાં ચાંદા સૂર્યની વાત છે. તે સૌથી પહેલો પાઠ ગણાય છે. એ વાતમાં વાક્યોની ગોઠવન એવી રીતે કરી છે, કે પહેલા વાક્યનો શબ્દ બીજા વાક્યમાં, અને બીજાનો ત્રીજામાં, એ રીતે સગળાં વાક્યો સંકળાયેલા છે. કારણકે આ વાક્ય પછી કિયું વાક્ય છે, તે બાળકને સહેલી રીતે યાદમાં રહી શકે. તે વાત નીચે લખ્યા પ્રમાણે છે.:—

“ચાંદો સૂરજ લડી પડ્યા, લડતાં લડતાં કોડી જડી”
“કોડી તો મેં ગાયને બાંધી, ગાયે મને દૂધ આપ્યું.”
“દૂધ તો મેં મોરને પાયું, મોરે મને પીછી આપી.”
“પીંછી મેં પાદશાહને આપી. પાદશાહે મને ઘોડો આપ્યો.”
“ઘોડો મેં બાવળિએ બાંધ્યો, બાવળે મને શૂળ આપી”
“શૂળ તો ટીંબે ખોશી, ટીંબે મને માટી આપી”
“માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો.”
“ઘડો મેં મહાદેવને ચડાવ્યો, મહાદેવે મને ભાઈ આપ્યો”
“ભાઈ મેં ભોજાઈને આપ્યો, ભોજાઈએ મને લાડવો આપ્યો”
“લાડવો મંછી બેહેનને વાસ્તે રાખ્યો હતો, તે કાળિયો કુતરો ખાઈ ગયો”

એમ કહીને હસે છે. એ કહાણી શિખવાથી તેમાં જેટલાં શબ્દો છે, તે અર્થ સુદ્ધાં બાળકને યાદ રહે છે. અને રમત પણ થાય છે.

પછી “ચકલી લાવી ચોખાનો દાણો, અને ચકલો લાવ્યો માનો દાણો” એ વાતનો બીજો પાઠ ગણાય છે. પછી સોનબાઈની વાર્ત્તા,અ ને કુશકીબાઈની વાર્ત્તા ઇત્યાદિ ઘણી કહાણિયો બાળકોમાં ફેલાએલી છે.

વિચાર શક્તિ ઉઘડવા સારુ ચાર વાઘની, નવ કાંકરીનેં બે વાઘની; તથા બત્રીશ કાંકરી નેં બે વાઘ વગેરેની રમતો એક બીજીથી ચડતી ચડતી છે.

ચાર વાઘની રમત નવ કાંકરી ને બે વાઘની રમત
બત્રીશ કાંકરી, ને બે વાઘની રમત

વળી, હાથ પગ હલાવવા સારૂ મોઈડંડાની, ભમરડીની, ચકરડી તથા ગેડી દંડાની રમતો છે; તેથી નિશાન પાડવા પણ શિખાય છે. વળી, સામસામી મીર બાંધીને , ગબડી વગેરેની કેટલી એક રમતો રમાય છે, તેથી ઠરાવ પ્રમાણે ચાલવાની ટેવ પડે છે, એ સગળી રમતો બાળકોએ કલ્પીને બનાવેલી નથીલ; પણ કોઈ ડાહ્યા માણસોએ બનાવેલી છે. અને તે ઉપયોતી પણ છે. પણ જો તે એક જ લતે વળગીને ઘણો કાળ વ્યર્થ કાઢે; તો ખોટી ટેવ કહેવાય.

જેમ ઓષડ ઘણું ઉપયોગી છે, પણ હદથી વદારે ખવાય તો અવગુણ કરે છે. તેમ હરેક બાબત હદથી જાદે થાય, તે અવગુણકારી છે.

કવિતાનો અભ્યાસ પણ નહાનપણથી શિખવવાની યુક્તિઓ અસલથી ચાલી આવે છે. તે એવી રીતે કે, જ્યારે બાળકો ભેળાં થઈને બેસે છે, ત્યારે એક બીજાને પ્રશ્ન ઉત્તર પુછે છે; તેમાં કેટલાએક અર્થાલંકારના પ્રશ્ન છે, અને કેટલાએક શબ્દાલંકારના પ્રશ્ન છે.

અર્થાલંકારના પ્રશોત્તર

પ્રશ્ન
ઉત્તર
૧. એક કોડીમાં બત્રીશબાવા દાંત
૨. રણવગડામાં લોહીનાં ટીપાં ચણોઠિયો
૩. રણવગડામાં હોલા હીંચે નાળિયેર

શબ્દાલંકારના પ્રશ્નોત્તર

પ્રશ્ન
ઉત્તર
૧. બોખો હાથી પાઈ આપો કુવામાં પડ્યો ચોખો
ને હાથી પાયો બોખો
૨. લંકાનો લોટ લાવી આપો

રાતાં બગલાં રને પળ્યાં,
પાણી દેખી પાછાં વળ્યાં;
એક બગલાનો ભાંગ્યો હોઠ,
લાવ્યાં રે લંકાનો લોટ

૩. મીયઆંનો હોકો ફોડી આપો

એક કોઠામાં બત્રીશ કોઠા,
તેમાં રમે નાના-મોટા;
નહાને મોટે નાંખી ગોળી.
ભાગીરે હરણાંની ટોળી;
હરણખાય હેરા ફેરા,
ભાંગ્યા રે દીલ્લીના દેરા;,
દીલ્લી ઉપર આણદાણ;
ભાગીરે લોઢાની માણ;
માણ ઉપર મોતી,
બીબી આવે રોતી;
બીબીના હાથમાં ધોકો,
ફોડ મીયાંનો હોકો.

ઇત્યાદિ પ્રશ્નોત્તર, બાળકો પોતાની ખુશીથી શિખે છે. જેને આવડે નહિ તે દીલગીર થાય છે. અછી જઈને પોતાની માને કહે છે કે, તું મને શિખવ, એટલે હું બીજા બાળકોને જીતું, જ્યારે બાળકો એકઠાં થઈને આવી રીતે રમતાં હોય, ત્યારે કેટલાએક માણસો જાણે છે કે આ અમસ્તી રમત કરે છે; પણ એમ નથી. જેમ નિશાળમાં અભ્યાસ કરે છે, તેમ જ એ પણ અભ્યાસ કરે છે. અને તેથી બુદ્ધિ ઉઘડે છે, એમ જાણવું. જે બાળકને કાંઈ કહાણી, કે રમત આવડી નહિ, અને છોકરાં ભેળું રમવાને જવા દીધું નહિ, તે ઘણું કરીને બોબડું બોલે છે. અને તેની વિચારશક્તિ ઉઘડતી નથી. માટે નહાનાં બાળકોને એકઠાં થઈને રમવા દેવાં, પણ તેઓ એક બીજાને ગાળો દેતાં, કે ખોટી રમતો રમવા શિખે નહિ, એવી તેઓના ઉપર સુરત રાખવી. અને તેઓને અદબ રાખતાં શિખવવું.

ક્રૂરચંદ—અદબ એટલે શું ?

સુરચંદ—અદબ એટલે મર્યાદા. તે વિષે કહું તે સાંભળ.