તાર્કિક બોધ/૧. ક્રૂરચંદ અને સુરચંદનો સંવાદ

← પ્રસ્તાવના તાર્કિક બોધ
૧. ક્રૂરચંદ અને સુરચંદનો સંવાદ
દલપતરામ
૨. વિશ્વાનુભવસ્વપ્ન →



तार्किक बोध.

ભુજંગી છંદ

મચો યે મયાળૂશુણો મિત્ર મારા; પ્રજાના જનોને ગણો પૂર્ણ પ્યારા;
તમે બોધ તાર્કીક ચિત્તે વિચારો, સ્વદેશી જનોને સુ રીતે સુધારો. ૧
સજોરે સુધારો તજો વાત આડી, સુધારાથિ થૈ આજુઓ આગગાડી;
જુનો રાહ મુંબૈ જતાં જે ન છોડે, કહો તે કદી જૈ શકે કષ્ટ થોડે ? ૨

क्रूरचंद, सुरचंद विषे. १.

પંજાબનો રહેવાશી ક્રૂરચંદ, અને ગુજરાતનો સુરચંદ, એ બંને રોજગાર વાસ્તે પરદેશ જતાં રસ્તામાં એકઠા થયા. તેઓ ચાલ્યા જતા હતા તે માર્ગને એક પડખે સુકા તળાવમાં વગર બાંધેલો કૂવો હતો, તેમાંથી કોઈ એક માણસે બૂમ પાડીને કહ્યું કે "અરે મને આમાંથી કોઈ કાઢો" તે સાંભળીને ક્રૂરચંદે તો મનમાં કંઈ ધાર્યું નહીં, પણ સુરચંદે જોયું તો, પાણી પીવા ઉતરતાં ખશી પડેલો. અને ગભરાયેલો આદમી તે કુવામાં દીઠો. પછી તેણે ક્રૂરચંદને બોલાવ્યો. તેણે પણ આવીને જોયું.

સુરચંદ—આપણે બંને જણ મળીને તતબીરથી આને બહાર કાઢીએ. ક્રૂરચંદ—મારે એની કે એના બાપની ગરજ નથી. એની મેળે ઘણોયે નીકળશે. આપણે શા વાસ્તે ખોટી થવું જોઈએ ?

સુરચંદ—ત્યારે તમારે જવું હોય તો જાઓ, પણ હું તો એને બહાર કાઢ્યા વિના આવીશ નહિ.

પછી તો ક્રૂરચંદને પણ રોકાવું પડ્યું. કારણ કે, રસ્તામાં એકલા જતાં તેને ચોર વગેરેની બીક લાગી. પછી બંને જણાયે પ્રયત્ન કરીને, પેલાને બહાર કાઢ્યો. એટલે તે બંનેનો તેણે ઉપકાર માન્યો. અને ઘણા સ્નેહથી ભેટીને બીજે રસ્તે જવું હતું ત્યાં ચાલ્યો ગયો.

સુરચંદે વધારે મહેનત કરી માટે તેના ઉપર તેણે વધારે પ્યાર જણાવ્યો, તેથી ક્રૂરચંદે જાણ્યું કે, આ માણસ સુરચંદનો ઓળખીતો છે; માટે તેણે આટલી બધી મહેનત લીધી. પછી બંને જણા રસ્તે ચાલતાં વાતો કરવા લાગ્યા.

ક્રૂરચંદ—એ માણસ તમારો ઓળખીતો જણાય છે ?

સુરચંદ—હા, ભાઈ, ઓળખીતો તો ખરો.

ક્રૂરચંદ—એ તમારા શેઠનું માણસ છે ? કે તમારા રાજાનું છે ?

સુરચંદ—અમારા રાજાનું માણસ છે.

ક્રૂરચંદ—એ કાંઈ રાજાનો વધારે માનીતો છે ?

સુરચંદ—હાજી, ઘણો વધારે માનીતો છે.

ક્રૂરચંદ—ત્યારે તો તમે તેને વાસ્તે આટલી મહેનત કરો તેમાં શી નવાઈ ? અને મેં પણ જાણ્યું હતું કે કાંઈ ગરજ વિના આટલી મેહેનત કોઈ કરે નહિ.

સુરચંદ—હા, ગરજ તો ખરી.

ક્રૂરચંદ—એનું નામ શું ?

સુરચંદ—નામ તો હું જાણતો નથી.

ક્રૂરચંદ—ત્યારે તમે તેને ક્યારે મળ્યા હતા ?

સુરચંદ—હું એને આજ જ મળ્યો છું. તે પહેલાં કોઈ દિવસ મળ્યો નથી.

ક્રૂરચંદ—તો તેની પાસે પટો, કે મહોર છાપ વગેરે ગાંઈ જણાતું નહોતું, અને તમે શાથી જાણ્યું કે તે રાજાનું માણસ છે ?

સુરચંદ—એના દરેસ તથા આકાર ઉપરથી. કેમકે અમારા રાજાના માનીતા નોકરો એવા આકારના છે. અને તેઓનો દરેસ સૂત્રનો કે ઉનનો હોય છે.

ક્રૂરચંદ—એવાં કેટલાં માણસો રાજાનાં છે ?

સુરચંદ—વસ્તીનો હિસાબ ગણતાં રાજાનાં બહુ માનીતાં છેક થોડાં હોય છે, તે તમે જાણતા જ હશો.

ક્રૂરચંદ—વસ્તીના લાખમે હિસ્સે રાજાનાં એવાં માનીતાં હશે ?

સુરચંદ—ના ભાઈ, આવાં માનીતાં તો કરોડના કે અબજના હિસ્સાથી પણ છેક થોડા જ છે.

ક્રૂરચંદ—તે રાજાનું નામ શું ?

સુરચંદ—તમે કદાપિ જાણતા નહિ હો પણ તે રાજા તમને ઓળખે છે. અને આજે જે બનાવ બન્યો તે વાત બધી, એ રાજાની આગળ જાહેર થશે.

એવું સાંભળીને ક્રૂરચંદના મનમાં ધાશકો પડ્યો. અને ઘણા ભયથી તેનું શરીર થર થર ધ્રુજવા લાગ્યું. અને ધાર્યું કે, કોઈ વખતે મારે તે રાજાના ગામમાં જવું પડશે, અને જો રાજા મને ઓલેખતો હશે. તો આ વાતથી મારા ઉપર ઘણો ઘુસે થશે. કેમકે તેના નોકરને કુવામાંથી કાઢવાની મેં પ્રથમ ના પાડી હતી.

ક્રૂરચંદ—ભાઈ મહેરબાની કરીને મને કહો, કે તે કયા રાજાનું માણસ છે ?

સુરચંદ—સર્વ જગતનો રાજા જે પરમેશ્વર છે, તેના રાજ્યમાં અસંખ્યાત પ્રાણીઓ છે. કે જેની ગણતી કોઈનાથીથઈ શકે નહિ. પણ તે રાજાના સઉથી વધારે માનીતાં તો માણસો છે ! તે આ દુનિયામાં આશરે એક જ અબજ છે. અને હું એ રાજાનો ઓશીઆળો છું, માટે મારે આટલી મહેનત કરવી પડી. કેમેકે આ વાત એ રાજાની અજાણી રહેવાની નથી. માટે તે મહેનતનો બદલો આપણને જરૂર મળશે. એવું સાંભળીને ક્રૂરચંદનું મન નરમ થયું. અને સમજ્યો કે કોઈ રાજાના કે શેઠના માણસને ઉગાર્યાથી તેનો ધણી ખુશી થઈને ઇનામ આપે છે. તો સર્વે મણસો ઉપર પરમેશ્વરની વધારે મેહેરબાની છે, માટે તેનો બચાવ અથવા ઉપકાર કરવાથી પરમેશ્વર તે બદલો આપ્યા વિના કેમ રહેશે ?

દોહરો

માણસ ઉપર મન થકી, કરો કૃપા ધરિ કામ;
તો થાશે ત્રિભુવન ધણી, રાજી દલપતરામ. ૧

છી ક્રૂરચંદ અને સુરચંદ આગળ ચાલ્યા; ત્યાં સુરચંદે પૂછ્યું કે ભાઈ; મેં સાંભળ્યું છે કે અનંતકોટિ બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડ શેને કહેવાય ? અને અનંતકોટિ બ્રહ્માંડો ક્યાં હશે ? તે મેહેરબાની કરીને મને સમજાવો.

સુરચંદ—બ્રહ્મ અને અંડ, એ બે શબ્દો મળી બ્રહ્માંડ શબ્દ થયો છે. બ્રહ્મનો મૂળ ધાતુ બૃહત. એટલે મોટું ઇંડું. અથવા બ્રહ્મ એટલે ઈશ્વર એટલો તેનો અર્થ છે અને તેનો ભાવાર્થ એ છે કે પૃથ્વી ઇંડાને આકારે છે, માટે પૃથ્વીના ગોળાનું નામ જ બ્રહ્માંડ છે. અને તેના ઉપર ચૌદલોક કલ્પેલા જણાય છે. અને રાત્રીયે આકાશમાં કરોડો તારા દેખાય છે, એ જ અનંતકોટિ બ્રહ્માંડ છે. તે વિષે એક વાત કહું તે સાંભળ.