તાર્કિક બોધ/૨. વિશ્વાનુભવસ્વપ્ન
← ૧. ક્રૂરચંદ અને સુરચંદનો સંવાદ | તાર્કિક બોધ ૨. વિશ્વાનુભવસ્વપ્ન દલપતરામ |
૩. લોકોને સુધારવાનું દૃષ્ટાંત → |
विश्वानुभव स्वप्ना विषे. २.
એક સમે રાત્રીમાં મને સ્વપ્ન લાગ્યું, કે જાણિયે હું, તથા મહેતાજી દુર્ગારામ મંછારામ, શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ, ભાઈ રણછોડ ઉદેરામ, હરીલાલ દામોદર, અને મનસુખરામ સુરજરામ વગેરે કેટલાએક મિત્રો મળીને પડતી રાતની વખતે શહેર બહાર ફરવા નિકળ્યા. તે વાતો કરતા કરતા આગળ ચાલ્યા, ત્યાં એક મોટું વન આવ્યું. તેમાં એક પુરૂષ દીઠો. તેને અમે પુછ્યું કે ભાઈ, તમે કોણ છો? તેણે જવાબ દીધો, કે હું કારીગર છું. અમે પુછ્યું કે તમારૂ નામ શું? અને તમે શી શી કારીગરી કરી જાણો છો? તે બોલ્યો કે, મારૂ નામ વિશ્વકર્મા. હું સુતાર, કડિયા, શલાટ, કુંભાર અને ચીતારા વગેરેનાં કામ ઝીણામાં ઝીણાં, અને મોટામાં મોટાં પણ કરેી જાણું છું. અમે કહ્યું કે યુરોપખંડમાં એવા એવા કારીગરો થઈ ગયા, અને હાલ પણ છે, કે એક સોપારીમાં અથવા સોપારી જેવડા લાકડામાં રાજાની ફોજ કોરવા ચાહે તો કોરી શકે, એવા નમુના કરીને કંઈકે દેખાડેલા પણ છે. તેમની પાસે સૂક્ષ્મદર્શક યંત્રો હોય છે. તે એવા કે સોપારી જેવડો પદાર્થ હોય, તે પાણી ભરવાના મોટા ગોળા જેવડા દેખાય છે. તેની મદદથી તેમાં સાત માળની હવેલી કોતરી હોય તેમાં કોતરી શકાય. અને કેટલાએક એવી કારીગરી બનાવે છે કે લાકડાનાં પુતળાં સામસામાં બેશીને શતરંજની રમત રમે છે. બરાબર તાળમાં વાજાં બજાવે છે, અને હિસાબ પણ ઘણી આપે છે. વળી પક્ષી બનાવેલાં હોય છે તે ઉડતાં ફરે, ચાંચે દાણા ચરે, પાણી પીએ, અને બરાબર પંખીના જેવા શબ્દ બોલે છે, કારીગરીથી દરિયો બનાવે છે. તેમાં આગબોટો એની મેળે ચાલી જાય, અને બલુન બનાવેલાં હોય, તે આકાશમાં ઉડતાં ફરે છે, એવા એવા યુરોપ ખંડના કારીગરો તો હદ વાળી નાખે છે. આવી કારીગરી તમે કરી જાણો છો?
વિશ્વકર્મા—ચાલો મારા ઘરમાં કારીગરી હું તમને દેખાડું. એમ કહીને પોતાના ઘરમાં અમને તેડી ગયો. તે ઘરમાં ઝીણીઝીણી રજ જેવી કે સૂર્યના ચાંદરડાંના ઉજાસમાં આપણા ઘરમાં દેખાય છે એવી રજ, ઉડતી હતી, બીજું કાંઈ અમે ત્યાં દીઠું નહીં.
પછી તેણે પોતાનો બનાવેલો સૂક્ષ્મદર્શક [૧] યંત્ર દરએક જણને એક એક આપ્યો. તે વડે અમે જોયું તો, ઝીણા ઝીણા રજના કણ જે ઉડતા હતા, તે અતિશે મોટા મોટા ગોળા જેવા દેખાવા લાગ્યા. તે બધાય સરખા મોટા નહોતા. એકબીજાથી નહાના મોટા હતા. એવા કરોડો ગોળા નિરાધાર ઉડતા ફરતા હતા. તેમાં કેટલાએક તેજસ્વી ગોળા અધર સ્થિર રહેલા, તે દરએકને આસપાસ ફરતા માટીના ગોળા ઘણી ઝડપથી રેંટીઆના પાંખા ફરે તેમ, ફરતા હતા. અમારી નજદીક એક સાધારણ માટીનો ગોળો હતો; તે સામી નજર ઠરાવીને અમે જોવા લાગ્યા; અહાહા! શું આશ્ચર્યકારી તેમાં કામ કરેલું હતું, કે તે જોઈને અમે દંગ થઈ ગયા. એ ગોળો સાધારણ મોટો હતો, તો પણ સોળ હજાર ગાઉ લાંબો એક દોરો હોય, ત્યારે એ ગોળાને ફરી વળે, એવડો એ ગોળો સૂક્ષ્મદર્શક યંત્રથી દેખાતો હતો.
તે ઉપર સમુદ્રો, પર્વતો, અને મોટા મોટા દેશ દીઠા, તેમાં માટીનાં ઝાડ, પશુ અને માણસોના જેવા પુતળાં પણ હતાં, તે એક એક જાતમાંથી બીજાં નવાં પેદા થતાં હતાં, અને નાશ પામતાં હતાં. તેઓની આંખો ચામડાંની હતી, તોપણ તેજસ્વી પદાર્થના તેજની કિરણો તેઓની આંખ પર પડતી ત્યારે આસપાસની મોટી મોટી ચીજો, છેક નજદીકમાં હોય તેમાં પણ જે સામી દૃષ્ટિ કરે તેટલી જ દેખી શકતાં હતાં. અમે બોલીએ એ તેઓ સાંભળવી શકતા નહોતા. વિશ્વકર્માને અથવા અમને એ બીચારાં દેખી શકતાં નહોતાં. પણ તેઓ માંહો માંહી વાતચીત કરતાં હતાં તે અમે સાંભળી શકતાં હતા. માટે કાન ધરીને અમે સાંભળવા લાગ્યા. તો પૂરી રમુજ જેવી વાત અમે સાંભળી.
કેટલાંએક પુતળાં તેમાંની જગ્યા સારૂ, પદાર્થ સારૂ અથવા પોતાના હુકમમાં બીજાં પુતળાંઓને રાખવા સારૂં સામસામાં લડી મરતાં હતા. ત્યારે એક પુતળું બોલવાની હુશીઆરીવાળું હતું. તે બીજાંને એવું કહેતું હતું કે, આ સઘળાનો બનાવનાર હું છું. અને તમને સમજાવા સારૂં હું પેદા થયો છું, માટે મારૂ કહ્યું નહિ માનો તો હું તમારા જીવને શરીરમાંથી નીકળ્યા પછી શીક્ષા કરીશ.
વળી બીજું પુતળું કહેતું હતું કે, આ સઘળું બનાવનાર જે છે, તેની પાસેથી હું આવ્યો છું, માટે હું કહું તેમ તમે કરો. પછી કેટલાંએક એવાની વાતો માનતાં હતાં, અને કેટલાએક તેઓના સામે થઈને લડાવા અથવા નિંદા કરવા લાગતાં હતાં. પેલાઓને એમ કહેવાનું કારણ એટલું જ જણાતું હતું કે, સઘળાં અમારૂં કહ્યું માનીને એક જાતમાં સંપીને રહે, અને એક બીજાનું નુકશાન કરે નહિ તો ઘણું સારૂં.
પણ એમ બોલનારા ઘણા થયા, અને તેઓનાં મત કેટલીએક વાતે મળતાં રહ્યાં નહિ, તેથી એક બીજાના મતનાં પુતળાં પોતાનાં મત કબુલ કરવા સારૂં સામસામાં વૈર કરવા લાગ્યાં. અને ઘણાં તો લડીને કપાઈ મુઆં. એ પુતળાં, વિશ્વકર્માનું અશલ નામ તો શું હશે તે જાણતાં નહોતાં. પણ તેની રચના ઉપરથી અનુમાન કરીને એટલું કહેતાં હતાં કે, આપણો બનાવનાર કોઈક છે. પછી તેનાં કલ્પિત નામ પાડીને કેટલાએક પ્રાર્થના કરતાં હતાં. વિશ્વકર્માને જોવાની, અને બોલાવવાની ઇચ્છાથી કેટલાંએક તો લાંઘણો કરતાં, ક્લેશ કરતાં, અને રોતાં હતાં. પણ વિશ્વકર્મા રહ્યો રહ્યો તે તમાસો જોયા કરતો હતો. એ કાંઈ જવાબ દેતો નહોતો. અને જવાબ દીધાથી તેઓ સમજી શકે એવું પણ જણાતું નહોતું. તેથી કેટલાંક તો એમ કહેતાં હતાં કે આપણો પેદા કરનાર કોઈ નથી. આ તો સ્વાભાવિક ઉત્પતિ અને નાશ થતો આવે છે.
કેટલાંક ધારતાં હતાં કે આપણો જીવ જેવાં કર્મ કરે , તે પ્રમાણે વારે વારે એક શરીરમાંથી નીસરીને ઝાડ, પશુ કે માણસ જેવાં પુતળાંમાં પેસે છે. અને એકલાંએક ધારતાં હતાં કે, આપણાં શરીરમાં, અને ઝાડ, પશુના શરીરમાં જુદી જુદી જાતના જીવ છે. ઝાડ પશુ મરે એટલે તેમાંથી જીવ પણ મરી જાય છે. અને માણસ જેવા પુતળાંનો જીવ મરતો નથી. તથા ફરીથી જનમતો પણ નથી. એ રીતે જુદા જુદા વિચારથી સઉ અનુમાન કરતાં હતાં. તે જોઈને -
દુર્ગારામ—અરે અરે આ કેવા ઠગ છે ? કે, કેહે છે જે હું તમારો પેદા કરનાર છું. વળી એક કહે છે કે હું પેદા કરનારની પાસેથી તમને સમજાવવા આવ્યો છું.
વ્રજલાલ—એ શું ખોટું બતાવે છે ? સગળાં સંપીને ચાલે, અને સુખમાં રહે કોઈએક બીજાનું નુકશાન કરે નહિ, તે સારૂં સારી શીખામણ આપે છે.
દુર્ગારામ—શું ધૂળ સુખમાં રહેશે ? એવા જુદા મતથી માંહો માંહી વૈર કરીને, કપાઈ મુઆં. અને ઉલટું નુકશાન થયું. માટે તે કરતાં તો એવાં એવાં પેદા ન થતાં હોય તો સારૂં. અને કેટલી બધી જુઠી ગપ ચલાવીને બિચારાંને ભોળવીને ભમાવે છે ?
રણછોડ—ચમત્કારી વાતો કહ્યા વિના તેનું કહ્યું શી રીતે માને ?
હરિલાલ—એ પુતળાંમાં, ઝાડમાં, અને પશુઓમાં જીવ હશે કે શું હશે ? અને જીવ હોય તો કેવો હશે.
દુર્ગારામ—સંચાની ઓફીસમાં તમે નથી દીઠું ? કે બાફના યંત્રમાંથી એક ઉત્ક્ષેપક શક્તિ એટેલે ધક્કાનું જોર ઉત્પન્ન થાય છે. એહ જોરથી કેટલીક શારડીઓ વીંધવા મંડે છે; કર્વત કાપવા મંડે છે; હથોડા ટીપવા મંડે છે. અને ચરખા વગેરે ફરવા મંડે છે. તેમ જ વિશ્વકર્માએ એવી ગોઠવણી કરી રાખેલી છે, તેથી ઇલેક્ટ્રીકસીટી જેવા કોઈ પદાર્થના જોરથી આ સગળો ખેલ બને છે. અને સગળામાં એક જાતનું જોર છે. પછી વધતું જોઈએ ત્યાં વધતું અને ઓછું જોઈએ ત્યાં ઓછું છે, એનું જ નામ ચૈતન્ય શક્તિ અને એનું જ નામ જીવન છે. એમાં કાંઈ બીજું નથી, અને કેટલાક તો ધારે છે કે તે ચૈતન્ય શક્તિ એ જ વિશ્વકર્મા છે.
દલપતરામ—મને લાગે છે કે વિશ્વકર્મા, અને જીવ તે તો જુદા હશે, તે જીવ કોઈ દહાડે વિશ્વકર્મા જેવા શક્તિમાન થઈ શકે નહિ. અને તેઓ ગમે તેવા નામથી વિશ્વકર્માની પ્રાર્થના કરે છે, તે વિશ્વકર્મા સાંભળે છે. માટે તેઓને કાંઈ સારૂં ફળ આપતો હશે ખરો. અને નરસું કરનારને શિક્ષા પણ કરતો હશે.
મગનલાલ(શ્રાવક)—ત્યારે તો બિચારા વિશ્વકર્માને ઘડી એકની નિરાંત નહિ. માટે હું તો ધારૂં છું કે આ ખેલ નવો બનેલો નથી. કોઈ બનાવનાર નથી. એ તો હંમેશાની આવીને આવી રચના છે અને જેવું કર્મ કરે તેવું ફળ તેને તેની મેળે મળે છે. જેમ અફીણ ખાય તે તેની મેળે મરે. એને બીજો કોઈ મારનાર હોય તો જ મરે એમ નથી. તેમ કર્મ ફળ દાતારની જરૂર નથી, તેની મળે તે પામે.
એ રીતે અમારી પણ જુદી જુદી કલ્પના પડી. પછી વિશ્વકર્માએ અમારા હાથમાં, હતા તેથી પણ ઘણી ભારે કિમતના સૂક્ષ્મદર્શક, અને પારદર્શક યંત્રો આપ્યા. તે વડે અમે જોયું તો, તે આખા ગોળા ઉપર અસંખ્ય રચનાઓ અમે દીઠી હતી તેવી જ અસંખ્ય ચમત્કારી રચનાઓ એક એક પુતળાંની, ઝાડની અને એક એક પશુની અંદર અમે દીઠી. પુતળાંના પેટમાં જીવતાં કરમિયાં, અને કરમિયાના પેટમાં ઝીણા કીડા દીઠા. એક સળી ઉપર તેમાંથી પાણીનો છાંટો લીધો તે છાંટામઆં અસંખ્ય જંતુ દીઠા. તે સગળાનું વરણનકરતાં સૈકડો વર્ષ વીતી જાય. અને વરણન કરવા શબ્દો પણ મળે નહિ. અને અમારી અક્ક્લ પહોંચી શકે એવું અમને ભાશું નહિ. અહાહાહા. અમે તો વિસ્મિત થઈ ગયા. એટલામાં મારી આંખ ઉઘડી ગઈ. અને હું જાગ્યો. પછી વિચાર કરવા લાગ્યો કે, આ તે સ્વપ્નમાં મે શું દીઠું ? વિચાર કરતાં મને સમજાયું કે ઈશ્વરે મને અનંત કોટિ બ્રહ્માંડ દેખાડ્યાં પછી રાત્રીએ આકાશમાં જે તારામંડળ મેં દીઠું તે શી વસ્તુઓ છે, તે વિષે હું સારીપેઠે સમજો.
પણ એટલી વાતનો મને પસ્તાવો રહ્યો કે, મારાથી વિશ્વકર્માને પુછાયું નહિ કે, આ પુતળાં જુદાં જુદાં મત બતાવે છે, તેમાં તારૂં મત કેવું છે ? અને તું કેવી રીતે ખુશી છું. તે કાંઈ પુછી શકાયું નહિ, પણ આ સ્વપ્નથી મને એટલો ફાયદો થયો એક ધર્માભિમાનથી પર ધર્મના લોકો સાથે અદાવદ રાખવી નહિ. સઉને પોતાના ભાઇયો જેવા જાણવા. અને સઉનું ભલું ઇચ્છીને સારો બોધ આપવો એવો ઠરાવ મારા મનમાં નક્કી થયો.
એ સાંભળી ક્રૂરચંદે કહ્યું કે હવેથી હું પણ સર્વ ધર્મના, અને સર્વ જાતિના માણસો ઉપર સરખી પ્રીતિ રાખીશ.
પછી તો બંને જણા શીરોઈના પહાડમાં જઈ ચડ્યા. ત્યાં ઘણા ભીલ લોકો છેક દરીદ્ર અવસ્થામાં રહેલા જોઈને સુરચંદને દયા આવી. તેણે ક્રૂર ચંદને કહ્યું કે આ લોકો વિદ્યા ભણ્યા નથી તેતેહે આવી નબળી અવસ્થામાં રહેલા છે. માટે તેઓને સુધારીએ તો ઇશ્ચર આપણા ઉપર પ્રસન્ન થશે, માટે એક તરફના ભીલોને સુધારવા હું જાઉં, અને બીજી તરફનાને સુધારવા સારૂ તમે જાઓ. ક્રૂરચંદે કહ્યું કે આપણે તેઓના રૂડા વાસ્તે કહેશું, તે વાત તેઓ તરત માનશે એમાં કાંઈ શક નથી. એમ કહીને ક્રૂરચંદ એક તરફના ભીલોને સમજાવવા ગયો. અને મેલડી, વગેરે ભૂતને માનનારા ભીલોને કહેવા લાગ્યો કે તમારા વહેમ મુકી દઈને તમે વિદ્યા ભણો. અને તમારી મેલડીથી તમે બીતા હો તો તેનું થાનક હું ખોદી નાખું, જોઈએ તે મને શું કરી શકે છે ? એવું સાંભળીને ભીલ લોકોને બહુ રીસ ચડી અને ક્રૂચચંદને મારવા લાગ્યાં. ત્યારે ક્રૂરચંદ નાશીને સૂરચંદ પાસે આવ્યો અને બધી હકીગત કહી. સુરચંદે કહ્યું કે ભાઈ, લોકોને કેવી રીતે સુધારવ તે વિષે એક કલ્પિત દૃષ્ટાંત કહું તે સાંભળ.
- ↑ જ્ઞાનદૃષ્ટિ