← માણી આવ્યાં તુલસી-ક્યારો
ભાસ્કરની શક્તિ
ઝવેરચંદ મેઘાણી
લગ્ન:જૂનું અને નવું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ નવમું
ભાસ્કરની શક્તિ

સૂર્યોદયનું વર્ણન કરી શકાય છે. સૂર્યાસ્તને પણ શબ્દચિત્રમાં ઉતારી શકાય છે. પણ માથા પર આવેલા મધ્યાહ્નના સૂર્યનું તેજ તેમ તેનો પ્રતાપ પ્રચંડ હોવા છતાં તેનું સ્વરૂપ આલેખવું વિકટ છે.

એવું જ કઠણ કામ ભાસ્કરની ઓળખાણ આપવાનું છે. ભાસ્કર કોલેજમાં નહોતો છતાં કોલેજના પ્રોફેસર વીરસુતનો પ્રાણસંબંધી બની શક્યો હતો. ભાસ્કર સ્ત્રી-શિક્ષણમાં ઊતર્યો નહોતો છતાં કન્યાઓનાં એકોએક છાત્રાલયોની ભોંય ભાસ્કરભાઈના પગતળિયાંથી ઘસાઈ ગઈ હતી. ભાસ્કરભાઈને બેંકમાં ખાતું નહોતું, મિલની મજૂરની પ્રવૃત્તિ નહોતી, સિનેમાની વાર્તા લખવાની નહોતી, છાપામાં લેખ પણ લખવાની આવડત નહોતી; છતાં ભાસ્કરભાઈને બેન્કના યુવાન નોકરો ઓળખતા, ને તેમના આવવાની અઠવાડિયામાં એક વાર તો રાહ જોતા. મિલ-પ્રવૃત્તિમાં પણ ભાસ્કરનો અનાદર, ભરચક કામ વચ્ચે ય કોઇથી થઇ શકતો નહિ. સિનેમાના ઉદ્યોગમાં જવાની ભલામણો જુવાનોને ભાસ્કરભાઈ પાસેથી જડતી.

ભાસ્કર ભાષણો કરતો નહિ, છાપામાં અહેવાલો મોકલતો નહિ, જાહેર ધમપછાડાની કોઈ પણ પ્રવૃત્તિમાં એ પગ મૂકતો નહો, છતાં એ સચરાચરમાં સર્વવ્યાપક જેવો કેમ હતો તે કોઇ પૂછશે. એ વ્યાપક એટલા માટે હતો કે એ મોતીઓમાં થઈને પરોવાયે જતા સોયદોરા સમાન હતો. મોતીડાંને મુકાબલે દોરો બહુ મામુલી વસ્તુ છે. છતાં એ સર્વ મોતીને પોતાના ઉપર એક વાર અવલંબન લેવરાવી સદાને માટે અધીન બનાવી દેનાર શક્તિ છે. ભાસ્કર એ દોરાની માફક અનેક યુવાનોનું પ્રેરણાબિન્દુ એટલા માટે હતો કે એ છૂપી શક્તિઓને ચીંથરે વીંટ્યા રત્નો સમાન જુવાનોને હાઇસ્કુલો, કોલેજો કે મજૂર ગુમાસ્તાઓની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાંથી શોધી કાઢતો; ને ચીપીઆ વતી ઝવેરી હીરો ઉપાડે એમ પોતાની લાગવગના ચીપીઆમાં ઉપાડી લેતો.

કોઇને સ્કોલરશીપ અપાવી અટકેલો અભ્યાસ એ ફરી શરૂ કરાવતો, તો કોઇને નાહક બાપનાં નાણાં બરબાદ કરવાના ભણતરમાંથી ખેસવી લઈ છાપાંની અથવા મજૂરની ઓફિસમાં ગોઠવી દેતો. ગુમાસ્તાગીરી કરતો અમુક જુવાન તો ચિત્રકાર થવા લાયક છે એટલી ખબર એને કોણ જાણે ક્યાંથી પડી જતી, ને એ જાણ થયા પછી આઠ જ દિવસે એ જુવાન તમે કોઈક આર્ટીસ્ટની કલાશાળામાં રંગરેખાઓ દોરતો જોઈ લ્યો.

એટલું કરીને જ એ ન અટકી જતો. પોતાની નજરમાં બેસી ગયેલા યુવાનનો યોગ્ય માર્ગ કરાવી આપવા એ છેક ભાવનગર ને વડોદરાના મહારાજા સુધી, મહાસભાના પ્રધાનો સુધી, જાપાની અને અંગ્રેજ વેપારીઓની હિંદી પેઢીઓ સુધી પતવ્યવહારની ધારા ચલાવતો, જાતે મળવા જતો, કોઈ મિત્રની મોટર હડફેટે ચડી ગઈ તો ઠીક છે, નહિતર ખિસ્સામાં ટ્રામના પણ પૈસા ન હોય તેવી અનેક વારની સ્થિતિમાં અથાક પગલે ગાઉઓના અંતરો પગપાળો કાપતો, અમદાવાદ મુંબઇ અથવા વડોદરામાં ભટકતો, ગમે તેમ કરીને પણ પોતાના પ્રીતિપાત્ર યુવાનનો એ વિકાસનો માર્ગ ઉઘાડી દેતો. એ જ એની સત્તા હતી ને એ જ એનું શાસન હતું. સંખ્યાબંધ યુવાનો એની અદબ કરતા, એનો ઠપકો સાંભળી રહેતા ને પોતાના સાંસારિક જીવનમાં એની ડખલ થતી તે સામે હરફ પણ ન ઉચ્ચારી શકતા તેવા પણ કેટલાક હતા.

વિશેષ પણ એક કારણ હતું.

યુવકો અને યુવતીઓ ઉપર ભાસ્કરની મજબૂત સત્તાનું સૌથી મોટું કારણ આ હતું : કુંવારાઓને એ પરણાવી આપતો. માબાપોએ કરી આપેલાં જૂનાં વેવિશાળોમાંથી એ જુવાનોને બહાર કઢાવી શકતો અને જૂના વખતનાં કજોડાં લગ્નથી ગળોગળ આવી રહેલા ત્રાસ ત્રાસ પોકારી ચૂકેલા ભાઇઓને એ વકીલો પાસે લઈ જઈ નવાં સંસ્કારી લગ્નો કરવાની કાયદેસર સલામતીઓ સૂઝાડતો.

સ્ત્રીઓની તેમ જ પુરુષ વિદ્યાર્થીઓનાં છાત્રાલયોમાં એ એટલા ખાતર જ જતો આવતો. કઈ વ્યક્તિ કયા ગુપ્ત સિતમો ભોગવી રહેલ છે તેની જાણ એને જલદી આવી જતી. છૂપાં આંસુઓનાં પાતાળ-તળ પારખનારો એ પાણીકળો હતો.

'તારા દિલમાં કશુંક મોટું દુઃખ છે. તું ભલેને છુપાવી રાખે.' એટલા એના બોલ સાંભળ્યા પછી અને એ બોલતી વેળાના એના મૃદુમધુર ને સહાનુભૂતિભરપૂર મુખભાવ નિહાળ્યા પછી એની પાસે અંતર ન ખોલી નાખે તેવાં જડ યુવક કે યુવતી કોઈ ન જડે. પોપટની પેઠે પ્રત્યેક જણ પોતાની ગુપ્ત મનોવેદના ભાસ્કરભાઈ પાસે ધરી દેતાં; ને ભાસ્કર એ બધું સાંભળ્યા પછી જરીકે ગદ્ગદિત નહોતો બની જતો; કહેનારની દયા ખાવાના શબ્દો બોલવા નહોતો માંડતો, પણ દિલસોજી ભરપૂર નેત્રે પોતાની શુભ્ર દંતાવળ દેખાડતું સહેજ હાસ્ય કરીને કહેતો, 'બસ, એમાં રડવાનું શું છે? રસ્તો જ કાઢવો જોઇએ.' ને રસ્તો પોતે કાઢી આપ્યે જ જંપતો. કોઈ સુમનને એ કહેતો કે તારે માટે સુનીતા જ બંધ બેસતું પાત્ર છે; તો કોઈ ચંપકને એ કહેતો કે તું દેવયાની સાથે સુખી નહિ થઈ શકે, તારે માટે તો ચંદન જ લાયક છે. રમણને એ ચેતવતો કે તું પ્રમીલામાં શું મોહાયો છે? એ છોકરી તારા જેવા શાંત માણસને સાચવી નહિ શકે, તું હેરાન હેરાન થઈ જઈશ: તારે લાયક તો લીલા જ છે.

ભાસ્કરની આ મેળવણી એની શેહમાં આવેલા બધા જ યુવાનોને બુદ્ધિમાં તેમ જ અંતરમાં ઊતરતી કે કેમ તે તો નક્કી નથી કહી શકાતું; છતાં ભાસ્કરની પસંદગીનું ઉથાપન કોઈએ કર્યાનું અમને સાંભરતું નથી.

લગ્નની વાટાઘાટ ભાસ્કર જ કરી આવતો, તિથિ પણ બેઉની સગવડ વિચારીને ભાસ્કર જ નક્કી કરતો; 'સિવિલ મેરેજ' નોંધાવવા માટેની બધી જ પત્રવ્યવહાર વિધિ ભાસ્કરને શિરે રહેતી. પરણનાર યુવાનને અને યુવતીને તો એ છેલ્લી ઘડી સુધી કનડગત કરતો નહિ. તેઓ ગામમાં હોય કે જુદાં જુદાં પરગામ હોય, બેઉ લગ્નતિથિની આગલી સાંજે એકાએક ટ્રેનમાં ઉતરી પડે. કેમ જાણે કશું જ ધાંધલ કે ધમાલ છે જ નહિ એવા પ્રશાંત રોજિંદા વાતાવરણમાં બેઉ જણાં હાજર થઈ જાય, ને વળતા દિવસે ચોકસ કલાકે સરકારી તેમ જ ધાર્મિક ક્રિયાઓ ટૂંકસર વિધિથી પતાવીને કશું જ જાણે કે બન્યું નથી એટલું હળવુંફૂલ હૈયું લઈને પરણનારાં સંસાર શરૂ કરી લે, કે પછી જરૂર પડે તો તે ને તે જ દિવસ રાતની ટ્રેનોમાં બેઉ પરણનારાં પોતપોતાનાં અલગ અલગ કાર્યસ્થાને પરગામ પહોંચી જઈ પૂર્વવત્ પ્રવૃત્તિ ચાલુ રાખે.

બનતું એવું કે ભાસ્કરે મેળવી આપેલાં આવાં યુવાન જોડાંમાં નબળો હમેશાં સ્ત્રીનો પક્ષ ગણીને ભાસ્કર તે પ્રત્યેકની કાયમ સાચવણ રાખતો. આ લગ્નો નવયુગી ગણાતાં, ને લગ્ન કરનાર છોકરીઓ પણ ઘણે ભાગે રળતી કમાતી થઈ ગયેલી જ હતી, છતાં તેના સ્ત્રીધનની રકમ તો ભાસ્કર છોકરાઓ પાસેથી છોડાવતો ને બેન્કમાં મુકાવતો. આવાં લગ્નો બંડખોર ને ક્રાંતિકારી હોવાથી ઘણે ભાગે તો છોકરો છોકરી બેઉનાં માવતરો એમાં ભાગ લેવાં આવતાં નહોતાં, તેથી ભાસ્કરની જવાબદારી વધતી હતી. છોકરાઓ પોતાની પત્નીઓને એમની ઇચ્છા વિરૂદ્ધ પાછાં મા બાપને ઘેર ન મોકલી આપે, અથવા છોકરાઓ પોતાનાં ભાઈબહેનો વગેરે સગાંને તેડાવી પત્નીઓ પર એ સૌની રસોઈ ઇત્યાદિ સરભરાનો બોજો ન ખડકે, તેની ભાસ્કર સતત તકેદારી રાખતો.

પરિણામે પતિ-પત્નીઓ વચ્ચે અણબનાવ, અબોલા કે ચણભણ થતી ત્યારે (બેશક ક્રાંતિઅકરી લગ્નમાં વિશેષ થાય જ.) બેઉનું ફરિયાદ કરવા ઠેકાણું ભાસ્કરભાઈ હતા; બેઉનો ન્યાય તોળનાર પણ ભાસ્કરભાઈ હતા. બેઉને સજા ભોગવાવનાર જેલર પણ ભાસ્કરભાઈ હતા.

આ બધું કરવામાં કેટલાક ઉપલક દૃષ્ટિથી જોનારાઓને વહેમ આવતો કે ભાસ્કર મેલો હતો, દંભી ને ઢોંગી હતો, પક્કો ને પ્રપંચી હતો. પણ એ ખરૂં નહોતું. ભાસ્કર પૂરેપૂરો પ્રમાણિક અને સહૃદયી હતો.

ભાસ્કરને અમદાવાદમાં આવ્યે છએક વર્ષો થયાં હતાં. પણ એનું ત્યાં કોઇ સગું નહોતું. એ ક્યાંઇક પરપ્રાંતોમાં રહીને આવ્યો હતો. વળી ધૂમકેતુ શી પ્રકૃતિનો હોઇ, વારંવાર બહાર ઊપડી જતો, મહિનાઓ સુધી એનો પત્તો ન લાગતો. એના કુટુંબસંસાર વિષેનો ભેદ કોઇ જાણતું નહિ; કોઇ પૂછતું પણ નહિ.