← પ્રકરણ-૧.૩ દિવાસ્વપ્ન
પ્રકરણ-૧.૪
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૧.૫ →


: ૪ :

બીજે દિવસે સવારે સૌ છોકરાઓ મોં મલકાવતા મલકાવતા, હું વર્ગમાં આવ્યો કે તુરત જ ઉપરાછાપરી પડતા પડતા મને વીંટી વળ્યા અને બોલ્યાઃ “ચાલો માસ્તર સાહેબ, હવે વાર્તા કહો.”

મેં કહ્યું: “પહેલાં હાજરી, પછી થોડીએક વાતચીત ને પછી આપણી વાર્તા.”

ખીસામાંથી ચાકનો ટુકડો કાઢી વર્ગમાં વર્તુળ આકાર કાઢ્યો ને કહ્યું: “જુઓ, આની ઉપર રોજ આવીને બેસવું.” બેસી દેખાડી કહ્યું: “ આવી રીતે. આ જગા મારી. અહીં બેસી હું વાર્તા કહીશ.”

બધા ગોઠવાઈ ગયા. મેં જગા લીધી. હાજરી પૂરીને વાર્તા શરૂ કરી. સૌ અભિમુખ હતા. વાર્તા લલકારી મંત્રમુગ્ધ પૂતળાં જેમ સૌ સાંભળતા હતા. વચ્ચે વાર્તા અટકાવીને કહ્યુંઃ “કેમ તમને વાર્તા કેવી ગમે છે ?”

“અમને વાર્તા બહુ ગમે છે.”

“તમને વાર્તા સાંભળવી ગમે છે તેમ વાંચવી પણ ગમે કે ?”

“હા, અમને વાંચવી પણ ગમે, પણ એવી ચોપડીઓ જ ક્યાં છે ?”

“પણ વાર્તાની ચોપડીઓ હું તમને લાવી આપું તો વાંચો કે નહિ?”

“ વાંચીએ, વાંચીએ.”

એક ચતુર જણ કહે: “પણ તમારે વાત કહેવાની તો ખરી જ! અમારે એકલી વાંચવાની એવું નહિ.”

મેં કહ્યું: “ઠીક.” પછી મેં વાર્તા આગળ ચલવી.

ધંટ વાગ્યો ને વાર્તા અટકી. બધા મારી ફરતા વીંટળાઈ વળ્યા. કોઈ તે મારી સામે હેતથી જોઈ રહ્યા. કોઈ મારા હાથને હળુ હળુ અડતા હતા. કોઈ મનમાં મસ્ત હતા.

મેં કહ્યું: “જાઓ, ભાગી જાઓ... શાળામાંથી ભાગો.”

છોકરાઓ કહે: “નહિ જઈએ. વાર્તા કહો તો સાંજ સુધી બેસીએ.”

છોકરાઓ ગયા ને શિક્ષકો મારી પાસે આવ્યા. તેઓ કહે: “ભાઈસા'બ, આ તો ભારે કરી ! અમારા વર્ગના છોકરાઓ પણ વાર્તા માગે છે. આજકાલ તેઓ ભણવામાં ચિત્ત જ રાખતા નથી. વારેઘડીએ કહે છે કે અમારે તો વાર્તા સાંભળવા જવું છે; નહિતર તમે વાર્તા કહો.”

મેં કહ્યું: “થોડીએક કહેતા જાઓ તો ?”

તેઓ કહે: “ પણ એવું આવડે છે કોને ? એકે ય વાર્તા આવડતી હોય તો કે ?”

હું મનમાં હસી રહ્યો.