← પ્રકરણ-૧.૪ દિવાસ્વપ્ન
પ્રકરણ-૧.૫
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૧.૬ →


: પ :

બીજો દિવસ રવિવારનો હતો. તે દિવસે હું ઉપરી સાહેબને મળવા ગયો.

ઉપરી સાહેબે કહ્યું: “હેડમાસ્તર કહેતા હતા કે તમે તો બધો વખત વાર્તા કહ્યા કરો છો.”

મે કહ્યું: “હા સાહેબ, હમણાં તો વાર્તા ચાલે છે.” સાહેબે પૂછ્યું: “પણ પછી પ્રયોગો ક્યારે કરશો ? ને અભ્યાસ પૂરો કેમ થશે ?”

મે કહ્યું: “પ્રયોગ તો સાહેબ ચાલુ જ રાખ્યો છે. વિદ્યાર્થીઓને અને શિક્ષકને પરસ્પર નજીક લાવવામાં વાર્તા કેટલી અદ્ભુત જાદુભરી વસ્તુ છે તેનો હું જાતઅનુભવ કરી રહ્યો છું. પહેલે દિવસે જેઓ મને સાંભળતા ન હતા ને જેઓ મને હૂહૂ ને હોહો કરી મૂંઝવી રહ્યા હતા તેઓ વાર્તા સાંભળવા મળી છે ત્યારથી શાંત બન્યા છે. મારા તરફ પ્રેમથી જુએ છે. મારું કહ્યું માને છે. કહું છું તેમ બેસે છે ને “ચૂપ રહો, ગડબડ નહિ” એમ તો કહેવું જ પડતું નથી ! ને નિશાળમાંથી તે હાંકયા પણ જતા નથી.”

ઉપરી સાહેબ કહેઃ “વારુ, એ તો જાણ્યું; પણ હવે નવી રીતે શીખવવાનું ક્યારે શરૂ કરવાનું છે ?”

મેં કહ્યું: “કેમ સાહેબ, શીખવવાની આ નવી જ રીત છે ના ! વાર્તા દ્વારા આજે વ્યવસ્થા શીખવાઈ રહી છે; અભિમુખતા કેળવાઈ રહી છે, ભાષાશુદ્ધિને અને સાહિત્યનો પરિચય અપાઈ રહ્યો છે. કાલે વળી બીજું પણ શીખવવાનું ચાલશે.”

ઉપરી સાહેબ કહે: “પણ જોજો, એમ વાર્તામાં વરસ વહ્યું ન જાય ! ”

મેં કહ્યું: “હા જી, હરકત નહિ.”