← પ્રકરણ-૧.૫ દિવાસ્વપ્ન
પ્રકરણ-૧.૬
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૧.૭ →


 : ૬ :

વાર્તા માટે વર્ગના વિદ્યાર્થીઓ ગોળાકાર ગોઠવાઈને બેઠા હતા. મેં પાટિયા પર લખ્યું:

આજનું કામ:-

હાજરી
વાતચીત
વાર્તા

હાજરી લીધા પછી વાતચીત કાઢી. મેં કહ્યું: “ચાલો જોઈએ, તમારા નખ કેટલા વધ્યા છે? બધા ઊભા થઈને હાથ બતાવો.”

એકેએક છોકરાના નખ વધ્યા હતા. નખમાં ખૂબ મેલ હતો.

મેં કહ્યું: “તમારી ટોપીઓ હાથમાં લો ને જુએ, કેટલી મેલી અને ફાટલી તૂટલી છે?”

સૌએ ટોપીઓ તપાસી. કોઈકની જ ટોપી સારી હતી.

મેં કહ્યું: “જુઓ, તમારા કોટનાં બુતાનો પૂરતાં છે?”

બધાએ કોટ સામે જોયું બેચાર જણનાં જ પૂરાં બુતાનો હતાં.

પછી મે કહ્યું: “આજે હવે વધારે તપાસ નહિ, હવે વાર્તાનું ખેાટી થાય છે.” આમ કહી વાર્તા શરૂ કરી.

વાર્તા વચ્ચે એક છોકરો કહે: “વાર્તાની ચોપડીઓનું શું થયું?”

મેં કહ્યું: “એકબે દિવસમાં લાવીશ. જેઓને વાર્તાની ચો૫ડીઓ વાંચવી ગમતી હોય તેઓ હાથ ઊંચા કરે.”

એકેએક વિદ્યાર્થીએ હાથ ઊંચા કર્યા.

મેં પૂછ્યું: “તમે વાર્તાની જે જે ચોપડીઓ વાંચી હોય તેમનાં નામ બોલો, ” કોઈ બેપાંચ જણાએ બેચાર વાર્તાઓ વાંચેલી. ચોથા ધોરણ સુધી પહોંચેલા પણ સૌએ પાઠ્યપુસ્તકની બહાર કંઈ જ નહિ એવું વાંચેલું.

મેં પૂછ્યું: “તમે કોઈ માસિકો વાંચો છો ?” બે જણાએ કહ્યું: “અમે 'બાલમિત્ર' વાંચીએ છીએ.”

મેં કહ્યું: “ઠીક ત્યારે આપણે વાર્તાઓ લાવીશું, તમે વાંચજો. તમે વાંચી વાંચીને ધરાઈ જાઓ એટલી બધી વાર્તાઓ લાવીશું.”

બધા ખૂબ ખુશ દેખાયા. પછી વાર્તા આગળ ચાલી તે ધંટ વાગ્યા સુધી. રજા થઈ ને મે કહ્યું: “સૌ એક વાત સાંભળતા જાઓ. ગોળ ઉપર બેસીને સાંભળો. આ નખ કઢાવી લાવજો, હો. જાતે કઢાય તો જાતે કાઢજો, નહિતર બાપાને કહેજો, નહિતર હજામ આવે ત્યારે લેવરાવી લેજો.”

એક કહે: “આપણે તો મોંઢેથી કાપી કાઢવાના.”

મેં કહ્યું: “ના ભાઈ, એમ ન કરતા. નખ કાં તો નરેણીથી કે છરીથી લેજો.”

પછી મેં કહ્યું: “આપણે એક ગમ્મત કરીશું ?”

બધા કહે: “શું ?”

“તમારે ટોપી વિના નિશાળે આવવું. આવી ગંદી ટોપી શા માટે ! ને ટોપીનો વળી શો ખપ છે !”

સૌ હસી પડ્યા. બધા કહેઃ “ઉઘાડે માથે તે શાળામાં અવાય? મોટા માસ્તર વઢે ને !”

મેં કહ્યું: “હું કાલથી ઉઘાડે માથે આવીશ ને તમે પણ આવજો.”

છોકરાઓ કહે: “પણ બાપા ના પાડશે તો ?”

“તો કહેજો કે એ તો નકામો ભાર છે. ને ગંદી ટોપી એાઢવી તે કરતાં ન એાઢવી સારી.”

વળી મેં કહ્યું: “આ કોટનાં બુતાનો ટંકાવી લેજો. આમ તો સારું નથી લાગતું.” સૌ મનમાં વિચાર કરતા કરતા ઘેર ગયા.

મને હેડમાસ્તર સાહેબ મળ્યા. તેઓ કહે: “અરે ભાઈ, તમે તે કંઈકનું કંઈક કરો છો. આ બધા ચાળા શીદને કરો છો: નખ ઉતરાવવાના, ને બુતાન ટકાવવાના ને એવા બધા ! ભણાવવાની નવી રીતો કેળવવા આવ્યા છો તો એ જ કરો ને ! આ તો માબાપો કરશે નહિતર આપણે શું ? ને ઉઘાડે માથે તો છોકરાઓને શાળામાં આવવા ન દેવાય. એ તો અસભ્યતા ! એ બાબતમાં ઉપરી સાહેબનો હુકમ જોઈશે.”

મે કહ્યું: “સાહેબ, આ જ ભણતરની નવી વાતો અને નવી રીતો છે, મેલાઘેલા ને ઢંગધડા વિનાના છોકરાઓનું પહેલું ભણતર વળી બીજું કયું હોય ! વળી જુઓ ને, એ બધા મેં કહ્યું તેથી શરમાયા તો છે જ. તેમને એમ તો લાગ્યું જ છે કે આમ ગંદા ન રહેવાય. મારી તો ખાતરી છે કે ધણાએ સાફસૂફ રહેવા પ્રયત્ન કરવા લાગશે. બાકી ટોપીઓની બાબતમાં હું ઉપરી સાહેબનો મત જાણીશ; અને અલબત્ત, તેઓનો હુકમ નહિ મળે તો તો એ ફેરફાર બંધ રહેશે.”

હું ઘેર ગયો, ને તુરત જ ઉપરી સાહેબને ત્યાં ગયો.

“કેમ ? આજે અત્યારે ક્યાંથી ?”

“જી, એક બાબતમાં પૂછવાનું છે.”

“પૂછો, શું છે ?”

“વર્ગમાં હું અને છોકરાઓ ઉઘાડે માથે આવી ન શકીએ ?”

“શા માટે ?”

“છોકરાએાની ટોપીઓ એટલી બધી ગંદી છે ને જાતજાતની છે કે તેઓ ટોપી વિના જ આવે તો શું ખોટું ? આ ઉંમરે તેમને માથે એ ભાર ન હોય તો નહિ સારું ?”

“પણ લોકોને એ વિચિત્ર અને હસવા જેવું લાગશે.”

“લોકોને તો એમ લાગશે જ. આપની મરજી શી છે ?”

“મને લાગે છે કે આપણે આપણા આ પ્રયેાગમાં આવી સામાજિક બાબતોને ન સ્પર્શીએ. આપણે તો શાળાની ચાર દિવાલોમાં બેસીને શિક્ષણમાં કેવા સુધારા કરી શકીએ છીએ તે જોવાનું હોય. ટોપીબોપીનું જવા દો ને !”

મને ઉપરી સાહેબનો વિચાર ટૂંકો લાગ્યો. પણ મને થયું કે હમણાં એનો આગ્રહ જવા દઈએ. હમણાં લોકો અને ઉપરીની સામે ન થઈએ.

મેં કહ્યું: “પણ બધા છોકરાઓ ઉઘાડે માથે બેસીને કામ કરે તેમાં વાંધો નથી ને ?”

સાહેબે કહ્યું: “ના, જરા યે નહિ. આપણાં વર્ગમાં તો તમે તમને ગમે તે સુધારા કરો ને ! જો એમ કરતાં લોકો તે ઝીલી લે તો ટોપી પહેરાવવાનો મારો આગ્રહ તો નથી જ.”

મેં કહ્યુંઃ “વારુ સાહેબ, હવે એક બીજી વાત પૂછવાની છે. મારે મારા વર્ગમાં એક નાનું એવું પુસ્તકાલય રચવું છે. એ માટે મને પૈસા મળી શકે ?”

સાહેબ કહે: “પૈસા તો શી રીતે મળે? આપણે પ્રયોગ તો એક રીતે મારી અને તમારી વચ્ચે છે. બજેટમાં જે પૈસા છે તેથી જ આપણે શાળા ચલાવવાની છે. તમારી શાળાના તમારા વર્ગને ભાગે જે આઠબાર આના આવે તેમાં બધી રમત કરવાની છે.”

મે કહ્યું: “ત્યારે?”

સાહેબે કહ્યું: “ત્યારે હમણાં તો વિચાર પડી મૂકવો.”

મેં કહ્યુંઃ “એક બીજી યોજના છે. આપ મંજૂર કરો તો થાય. એ યેાજના એ છે કે દરેક છોકરાને પાઠયપુસ્તકો તો લેવાં જ પડે છે. ગુજરાતી ચોથી ચોપડી, તેના અર્થો અને ઇતિહાસની ચોપડી તો બધા છેકરાએાને ખરીદવાની જ હોય છે.”

“હા; તો ?”

"તો હું એમ કરવા માગું છું કે છોકરાઓ પાસે પાઠ્યપુસ્તકો લેવરાવવાં જ નહિ; પણ તેના કુલ ખર્ચ જેટલી જે રકમ થાય તે એકઠી કરી તેનાં સારાં સારાં વાંચવા યોગ્ય પુસ્તકો લેવાં અને તેનું પુસ્તકાલય બનાવવું.”

“વારુ; પણ પછી પાઠ્યપુસ્તકો વિના શી રીતે ભણાવશો?”

“તેનો વિચાર મેં કરી રાખ્યો છે. એમાં ભણાવવાની પદ્ધતિફેર ઉપર મારો આધાર છે. આપને હું કરી બતાવીને વધારે સારી ખાતરી આપી શકીશ.”

“એ તો ઠીક; જાણે કે તમારો પ્રયેાગ છે ને તમારે પરિણામ પણ બતાવવું છે. પણ મારે જરા ચેતવણી તો આપવી જ જોઈએ કે જોજો, છોકરાઓ રખડે નહિ, પ્રયોગમાં તમારી સાથે તો હું છું જ; પણ જરા છાતી થડકી જાય છે.”

મેં કહ્યું: “સાહેબ, એકવાર જોઈએ તો ખરા ! આપણો પ્રયત્ન છે તે ઈશ્વરેચ્છાએ ઠીક જ થશે.”

“વારુ, પણ વર્ષ આખરે આ તમારા પુસ્તકાલયનું શું થશે? સૌને ચોપડીઓ વહેંચી આપશો ને ?”

“હા, એક રીતે તો ચોપડીઓ આખા વર્ગની છે ને તે વર્ગને પાછી જ મળવી જોઈએ. પણ જો માબાપને સમજાવી શકીશ કે તેઓ પાછી ન માગતાં વર્ગના પુસ્તકાલયમાં જ રહેવા દે, તો વર્ગનું પુસ્તકાલય કાયમ થશે ને દર વર્ષે તેમાં નવાં વાંચવાનાં પુસ્તકો ઉમેરાશે.”

“કોણ જાણે લોકોને તમારી વાત ગળે ઊતરે તો ! બાકી વિચાર તો સુંદર છે. જરૂર એને તક તો આપો જ આપો. પણ સવાલ પાછો એમ થાય છે કે ભણાવતી વખતે તમે પાઠ્યપુસ્તક વિના શી રીતે ચલાવશો ?”

“એનો વિચાર મેં ગોઠવી રાખ્યો છે."

ઉપરી સાહેબની રજા લઈ હું ઘેર ગયો.