← પ્રકરણ-૪.૬ દિવાસ્વપ્ન
પ્રકરણ-૪.૭
ગિજુભાઈ બધેકા
૧૯૪૨


: ૭ :

આજે શાળાનો મેળાવડો હતો. દર વર્ષે આવો મેળાવડો પરીક્ષા પછી થાય છે. જે વિદ્યાર્થીઓ ઊંચે નંબરે પાસ થયા હોય તેમને આજે ઈનામો આપવાનાં હતાં. ગામના શેઠશ્રીમંતો અને અમલદારો હાજર હતા. આ પ્રસંગનો કાર્યક્રમ મને ગોઠવવા સાહેબે કહ્યું હતું. મેં મારા જ વિદ્યાર્થીઓને તે કામ સોંપ્યું હતું. જે કંઈ કર્યું હતું તે મારી સૂચનાસલાહથી તેમણે જ કર્યું હતું.

પ્રથમ દાંડિયારાસ શરૂ થયા. અર્ધા કલાક સુધી તેઓએ. ઝુકઝુકાટી બોલાવી. પછી શરતોની રમત ચાલી - દોડવાની, ઠેકવાની ત્રણ પગની, જમરૂખની, ખુરશીની વગેરે વગેરે. લોકો એકધ્યાનથી રમત જોઈ રહ્યા હતા. રમતો પૂરી થઈ એટલે મૂક અનુકરણ નાટક શરૂ કર્યું. કોઈ ગામના શેઠનું, કોઈ વિદ્યાધિકારીનું, કોઈ ફોજદારનું, કોઈ દેશનાયકોનું સુંદર અનુકરણ વિધાર્થીઓ બતાવી ગયા. ત્યાર પછી વિદ્યાર્થીઓ પોતે બનાવેલાં ચિત્રો લઈને આવ્યા. ને નમી નમીને દરેક ગૃહસ્થને એક એક આપ્યું. આખો એારડો વિદ્યાર્થીએાનાં ચિત્રો જોવામાં રોકાઈ ગયો હતો.

હવે ઈનામ આપવાનું કાર્ય હતું. દર વર્ષે ૧૨૫ રૂપિયા ઇનાંમના અપાતા હતા. હોશિયાર વિદ્યાર્થીઓ વચ્ચે તે વહેંચવાના હતા.

વિદ્યાધિકારી સાહેબ ઊભા થયા ને હમેશના રિવાજ મુજબ તેમણે બે બોલ કહેવા માંડ્યાઃ-

“આજના ઇનામનો મેળાવડો હું જુદી જાતનો લેખું છું. આ મારી બાજુમાં બેઠેલા ભાઈએ મને ઈનામની બાબતમાં નવો પાઠ આપ્યો છે. આ વખતના ૧૨પ રૂપિયાનાં હું જુદાં જુદાં ઇનામ નથી આપતો પણ એ નવો પાઠ આપનાર ભાઈને નામે શાળામાં એક વાચનાલય ઉઘાડું છું. દર વર્ષે આ ઇનામો વાચનાલયમાં જાય એવો હુકમ મેં ઉપરી સત્તા પાસેથી મેળવ્યો છે, એ જણાવતાં મને આનંદ થાય છે. ઇનામ વ્યક્તિગત આપવાથી વિદ્યાર્થીઓમાં અભિમાન અને નિરાશા થાય છે. ઇનામી રકમનો સૌને લાભ મળે એવી આ વ્યવસ્થા છે. મને ઇનામની નિરર્થકતા બતાવનાર અને આ સદ્પ્રયોગ બતાવનાર ભાઈનો હું અહીં જાહેરમાં આભાર માનું છું."

“આ પ્રસંગે જણાવી દઉં કે આ ભાઈ મારી પાસે ચોથા ધોરણનો અખતરો કરવા વર્ષ પૂર્વે આવેલા. હું તે વખતે તેમને વેદિયા ધારતો હતો. 'આવા ઘણા પડ્યા છે, ને કસોટીએ ચઢાવતાં ભાગી જશે.' એમ માની મેં તેમને પ્રયોગ કરવાની રજા આપી. મારે કહેવું જોઈએ કે મને તેમાં વિશ્વાસ ન હતો; પણ મારે કબૂલ કરવું જોઈએ કે તેમણે સફળ પ્રયોગ કર્યો છે. તેમણે મારા વિચારોમાં ફેરફાર કર્યો છે; અને મારા અંતરમાં મને સંભળાયું છે કે પ્રાથમિક શાળાની આ જૂની ઘરેડનો હવે અંત લાવવો જોઈએ. અમારા જેવા શિક્ષકો અને અધિકારીઓએ હવે રાજીખુશીથી રજા લઈ આ નવી પેઢીના કેળવણીના કલ્પક વિચારકોને જગા આપવી જોઈએ."

“હું મારો આનંદ શી રીતે વ્યકત કરું ! આ તેમના વર્ગના વિદ્યાર્થીઓ સામે જુઓ. તેઓ કેટલા વ્યવસ્થિત, તંદુરસ્ત અને આનંદી છે! તેમની શક્તિ કેટલી વધી છે તેનો હું સાક્ષી છું. તેમનાં માબાપોનો એમના વિષેનો સંતોષ મેં વારંવાર સાંભળ્યો છે.”

વિદ્યાધિકારીનું ભાષણ પૂરું થયું. સૌ વિખેરાયા. હું ઘેર આવ્યો.



****
સ્વ. ગિજુભાઈના મનોરથેા

મેં મારો એ સંકલ્પ જાહેર કર્યો છે કે જેનું આ ખરું સન્માન છે તે બાળકોને ચરણે આ થેલી શોભે; તેમનું જ સન્માન હજી વધારવાને આ નાણાં વપરાય.

આટલા થોડાક હજાર રૂપિયામાં આપણે બાળકો માટે શું કરી શકીએ ? લગભગ કંઈ જ નહિ. ગુજરાત ધારે તો તે લાખો રૂપિયાથી બાલસન્માન કરી શકે; તેની શક્તિ ઘણી જબ્બર છે. ગુજરાતને આંગણે એકાદ બાલસન્માન મંદિર હોય, એકાદ બાલશિક્ષણ વિદ્યાપીઠ હોય, એકાદ બાલજ્ઞાનકોષ હોય ત્યારે ગુજરાતે બાળકોનું સાચું સન્માન કર્યું કહેવાશે. હું તો એમ સમજું છું કે આવી એકાદ કલ્પના પાર પાડવાને માટે ગુજરાત તત્પર થઈ શકે અને મને આપવામાં આવેલી આ સન્માન થેલીની રકમ તો ગુજરાત બાલસન્માનની કોઈ જબ્બર યેાજના ઉપાડે તેમાં મામૂલીમાં મામૂલી રકમ તરીકે નોંધાય.

સૌ પ્રાંતોમાં ગુજરાત આજે આગળ છે, જીવંત છે. એની આગળ આવા ગાંડાઘેલા તરંગો મૂકતાં મને જરા પણ સંકોચ થતો નથી. ઈશ્વરની દયા વડે મારા આવા તરંગો ગુજરાતમાં કંઈક વાસ્તવિકતાને પામ્યા છે એટલે ઊંલટું આ મનેરથો રજૂ કરતાં મને આનંદ થાય છે.

(સન્માનથેલી અર્પણ સમારંભ પ્રસંગે આપેલા ભાષણમાંથી)