← પ્રકરણ-૨.૪ દિવાસ્વપ્ન
પ્રકરણ-૨.૫
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૨.૬ →


 : ૫ :

મેં વિચાર્યું : “ઇતિહાસના શિક્ષણનો પાયો વાર્તા દ્વારા નાખ્યો છે. હવે કવિતાના શિક્ષણનો પાયો હું લોકગીતના ગાન દ્વારા નાખું. મેં ખૂબ વિચાર કરી એમ નક્કી કર્યું હતું કે પહેલા છ માસ મારે પાયાનું કામ કરવું, અને પછીના વખતમાં મારે તે ઉપર રીતસરના ભણતરનું ચણતર કરવું.”

વિદ્યાર્થીને આમ કંઈક નવું આવે એટલે હસાહસ અને ગંમત ને મશ્કરી તો ખરીજ. મે લોકગીતોની શરૂઆત કરી: “ચાલો જુઓ, હું તમને ગવરાવું તેમ તમે ગાઓ.”

મેં શરૂ કરાવ્યું:

કાનો કાળજડાની કોર છે,
બહેની મારો કાનો કાળજડાની કોર છે.

પણ કોઈ ઝીલી શકયું નહિ.

મને નવાઈ લાગીઃ ચોથા ધોરણના છોકરાઓ આટલું પણ ન ઝીલી શકે ! પણ એમને એવી ટેવ જ ન હતી. મેં બીજું લીધું:

મારો છે મોર, મારો છે મોર;
મોતી ચરંતો મારો છે મોર.

હવે કંઈક ચાલ્યું.

પણ એટલા બધા છોકરાએાએ કાચુંપાકું ગાન ઉપાડ્યું કે શાળામાં તે હોહો થઈ રહ્યું !

પાસેથી શિક્ષક આવ્યા ને કહ્યું: “ભાઈ, બસ રાખો આ અવાજ ! કાનપડ્યું સંભળાતું નથી !”

એક શિક્ષક કહેઃ “એ ભાઈ, રોજ ને રોજ કંઈક નખરાં તો કાઢવાનાં જ કે ! અમારા છોકરાને સુખેથી ભણાવવા દેવા છે કે નહિ ? તમારે તો કાંઈ નહિ. અખતરામાં ફાવ્યા તો ઉપરી કહેશે કરો આ પ્રમાણે ને તે પ્રમાણે; ને નહિ ફાવો તો બગલથેલો લઈને ક્યાંક ઊપડી જશો !”

હેડમાસ્તર આવ્યા: “અરે લક્ષ્મીરામભાઈ, આ તે શું કાંઈ ધૂડી નિશાળ છે કે મોપાટ જેમ કવિતાઓની મોપાટ લેવરાવો છો ! જો નવા અખતરા થાય છે ! આ તો બાપદાદા યે જાણે છે.”

બધા જતા રહ્યા પછી મને થયું: “આ તો માર્યા ! સહગાનને હમણાં કોરે મૂકીએ. ગાનશ્રવણ કાઢીએ.”

મેં છોકરાઓને કહ્યું: “ઊભા રહો, હું ગાઉ ને તમે સાંભળજો.”

મેં 'નથ ઘડી દે સોનારા રે મારી નથ ઘડી દે સોનારા' ગાયું. મારો રાગ તો જાણે ગધેડું મોહિત થાય એવો ! પણ હવે બસૂરો નહિ એટલે ચાલ્યું તો ખરું. મને થયું કે રાગ સારો હોત તો ઠીક હતું, પણ મેં ઢબથી ને અભિનયથી ગાયું. એમ તો મેં અભિનયનો અભ્યાસ કરેલો. કેટલાક છોકરાઓને ગમ્યું; પણ કેટલાક તો આળસ મરડવા લાગ્યા ને ચાળા કરવા લાગ્યા. બાકી ચંપક જેવા તે બાડી આંખ કરી જાણે કે મશ્કરી જ કરતા હતા ! મારી નજર બહાર તે ન હતું. પણ તે તો હું હાથમાં લઈજ રહ્યો હતો.

જેમને ગાન સાંભળવું નહોતું ગમતું એમ લાગ્યું તેમને મેં કહ્યું: “તમે જુદા બેસો. પાટીમાં તમને ગમે તે લખો કે ચિત્ર કાઢો.”

બીજું ગાન ગાયું; રસ વધ્યો. પાછું ત્રીજું ચલાવ્યું. સૌથી વધારે બીજું ગાન ગમ્યુ ને તે વારે વારે ગાયું. જેમ જેમ ગવાતું ગયું તેમ તેમ રસ વધ્યો. છોકરાઓને મેં કહ્યું: “જુઓ, મારું ગીત સાંભળજો પણ બોલશો નહિ. શાળાના કંપાઉંડમાં તો બોલશો જ નહિ.”

બે દિવસ થયા ને છોકરાઓ 'નથ ઘડી દે' ગાવા લાગ્યા. પણ મારો સખ્ત હુકમ કે કંપાઉંડની બહાર ! ગામના માણસો વાતો કરવા લાગ્યાઃ “આ કવિતા વળી કઈ જાતની ?”

ભાણો દરજી કહે: “આ તે નવરાતરમાં ભવાઈમાં બોલે છે એ.”

રઘો કહેઃ “ત્યારે આ માસ્તર ભવાયા હશે કે ભવાઈ શીખવવા આવ્યા છે !”

છોકરાઓની માતાઓ કહે: “આ નિશાળમાં બાયડીઓનાં ગીતો શા સારુ ગવરાવો છો ?”

આાપણે તો આ બધું કાન તળે જ કાઢતા હતા. એવું સાંભળીએ તો ચાલે જ ક્યાં ? આપણે તો ઝુકાવવું જોઈએ. નવા ચીલાઓ એમ જ પડે.

રોજ રોજ નવી નવી કવિતાઓ છોકરાઓ પાસે ગાવા લાગ્યો ને તેમને ગમતી કવિતાઓ નક્કી કરવા લાગ્યો. એમ કરતાં પાંચપંદર ગીતો તો ઘણાને મોઢે થઈ ગયાં. હા, બેચાર છોકરા એવા હતા જેમને સંગીત ન ગમતું, તેએા તે વખતે વાંચતા કે લખતા; અને હું તેમની ચિંતા ન કરતો.

મારા મનમાં હું દાંડિયારાસને પણ દાખલ કરવાનો વિચાર કરી રહ્યો હતો.

હમણાં શાળામાં લગભગ આ પ્રમાણેનું કામ ચાલતું હતું: વાર્તાનું કથન, વાચનાલય, આદર્શ વાચન, રમતો, ડિકટેશન, કવિતાશ્રવણ, સ્વચ્છતા અને પ્રાર્થના.