← પ્રકરણ-૨.૫ દિવાસ્વપ્ન
પ્રકરણ-૨.૬
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૨.૭ →


 : ૬ :

એક દિવસ એક પરમહંસ બાવા આવ્યા. તેમની સાથે હેડમાસ્તર હતા. હેડમાસ્તરે તેમનું એાળખાણ કરાવ્યું: “આ મહારાજજી ધર્મોપદેશનું કામ કરે છે. રાજ્યની દરેક શાળામાં તેઓને ઉપદેશ કરવાની સગવડતા મળી છે. આજે તેઓ આપણા સાહેબની ચિઠ્ઠી લઈ આ શાળામાં ઉપદેશ કરવા આવ્યા છે.”

મેં મહારાજજીને આદરપૂર્વક નમસ્કાર કર્યા, ખુરશી ઉપર બેસાર્યા ને કહ્યુંઃ “વારુ મહારાજજી, આપ આપનું કામ શરૂ કરો.”

છોકરાઓ તો સાધુ મહારાજના મૂંડેલ શિર તરફ તથા મોં તરફ જોતા હતા. મહારાજનું પાતળું શરીર, હાથમાં કમંડળ, કાંતિવાળી મુખમુદ્રા, આ બધું વિદ્યાર્થીઓ કૌતુકથી ધારી ધારીને જોતા હતા.

મેં વિદ્યાર્થીઓને કહ્યું: “સ્વામીજી ઉપદેશ કરવાના છે. તમે સૌ ધ્યાનથી સાંભળજો.”

છોકરાઓ હવે તો મારી આજ્ઞામાં સમજતા હતા. તેઓ શાંતિથી બેઠા.

સ્વામીજી ઉપદેશ કરવા લાગ્યાઃ “દેખો વિદ્યાર્થીઓ, આ જગતમાં સૌથી મોટો ઈશ્વર છે. આ દુનિયાને એણે પેદા કરી છે. એનાથી આ જગત છે. એ આપણું આદિકારણ છે.”

આમ ઈશ્વર મહિમા ચાલવા માંડ્યો. હું તો ચૂપ બેઠો હતો. વિદ્યાર્થીઓ શાંત હતા. પણ ધીમે ધીમે તેઓ અશાંત થતા હતા. કોઈ આળસ મરડવા લાગ્યા, કોઈ પાટી ઉપર કાંકરાથી ચિહ્ન કે મીડાં કરવા લાગ્યા, કોઈ ચો૫ડી ઊંચીનીચી કરવા લાગ્યા, કોઈની આંખ જરા જરા લાલ બની, કોઈ ટચલી આંગળી બતાવી બહાર ગયું; એક ગયો તેની પાછળ બીજો ગયો. એકબે જણ વાતો કરવા જતા હતા પણ ત્યાં તો મેં ચૂપકીની નિશાની આપી ને તેઓ ચૂપ થઈ ગયા.

મેં મહારાજને વિનંતી કરી કહ્યું: “કંઈક સહેલી વાત કરો તો તેઓ સમજશે.”

એમ તો સ્વામીજી સરલ હતા. તેઓએ હિંદુ ધર્મ અને તેના ગ્રંથો અને તેમાં શું આવે છે તેની વાત ઉપાડી. પણ તેમાં યે છોકરાઓને રસ ન આવ્યો. હું મનમાં વિચાર કરતો હતોઃ “આમ ધર્મોપદેશ થાય ! ધર્મનું તત્ત્વ જે અતિ ગૂઢ છે, અને જેને જાણતાં જીવન આખાને સમર્પી દેવું પડે છે, તે આમ આપી શકાય ! આનું નામ ધર્મશિક્ષણ કે ધર્મની માહિતી ! વળી આ ધર્મની માહિતી એ શું જીવ વિનાનું ખોળિયું નહિ ?”

મારા મનમાં વિચાર ચાલતા હતા ત્યાં તો સ્વામીજીએ શ્લોકો બોલવા માંડ્યા. છોકરાઓ તો જેમતેમ કરી ઝીલતા હતા, પણ સમજતા ન હતા, તેથી તેએા વધારે તો ગંમત ખાતર અવાજ કાઢતા હતા.

સાચે જ સ્વામીજી તો ગંભીર હતા. તેઓને મન આ કાર્ય આવશ્યક અને પવિત્ર જ હતું. તેઓ પોતાનું કર્તવ્ય બરાબર જ કરતા હતા; પણ છોકરાઓ પૂરતું આ ભેંશ આગળ ભાગવત હતું.

સ્વામીજીએ શ્લોકોનો અર્થ આપવા માંડ્યો. છોકરાએાને તે સાંભળવો પડ્યો. સ્વામીજીએ અર્થ પાટિયા પર લખ્યો ને છોકરાઓને તે ઉતારી લેવા કહ્યું. પછી સ્વામીજીએ કહ્યું: “આ શ્લોક રોજ સવારે ઊઠીને બોલવો; સાંજે સુતી વેળા બોલવો. તેથી બુદ્ધિ વધશે, બળ વધશે, તેજ વધશે.”

મારા વર્ગના દસદસ બારબાર વર્ષના છોકરા ! એમને શી પડી હતી ધર્મની ને શ્લોકની ! પણ તેઓએ શ્લોક ઉતાર્યો ને અર્થ ઉતાર્યા.

મારા વિચાર આગળ વધતા હતા: “આ ધાર્મિક શિક્ષણને બીજે ક્યાંયે આપવાની જગા નથી રહી તે હવે શાળામાં આવે છે ! આગળ તો દેવમંદિરમાં પ્રવચનો થતાં ને ઘરમાં માબાપો તે પ્રમાણે વર્તતા હશે ને એ રીતે ઘરના આચારો છોકરાઓને ધાર્મિક શિક્ષણરૂપ થતા હશે. પણ લોકોને હવે ધાર્મિક પ્રવચનો સાંભળવા અવકાશ નથી, કે મોટાંઓ તો હવે ખાઈપી ઊતર્યાં એટલે, કે શાથી, આ વાત શાળામાં આવી હશે?” પણ વિચારસરણી અધૂરી રહી ને ધંટ વાગ્યો.

થાકી ગયેલા છોકરાઓ સ્વામીજીને નમસ્કાર કરીને ગયા. હું અને સ્વામીજી રહ્યા. મેં કહ્યું: "મહારાજ ! આજે મારે ત્યાં જ ભિક્ષા લેવા કૃપા કરો.”

અમે જમતાં જમતાં વાતમાં ને વાતમાં ધાર્મિક શિક્ષણના પ્રશ્ન ઉપર આવ્યા. મહારાજજી કહે: “દેખો ભાઈ, આજકાલ ધર્મ જેવી વસ્તુનો લોપ થતો જાય છે માટે પહેલેથી જ ધાર્મિક શિક્ષણના સંસ્કાર પાડવા પડશે.”

મેં કહ્યું: “પણ મહારાજજી! આ કુમળાં મગજો ઈશ્વર, આત્મા, ધર્મ એવા કઠણ વિષયોને કેમ ઝીલે! આપે જ ન જોયું કે તેઓને રસ ન હતો, ને તેઓ સભ્યતાની ખાતર જ બેઠા હતા !”

મહારાજજી કહે: “હા, એ વાત તો સાચી છે. છોકરાઓને રમવા - કૂદવા - ખેલવાનું ગમે છે. વાર્તા કહીએ તો તે પણ ગમે છે. પણ આ વસ્તુ ગમે કે ન ગમે પણ તેમને કહેવી જોઈએ; મોઢે કરાવવી જોઈએ.”

“પણ સ્વામીજી ! ધર્મ મોઢામાં નથી રહેતો. ધર્મ તો જાગૃતિ છે; અને તે તો અંતરમાંથી જાગે ત્યારે ખરો. એ તો ત્યારે જાગે કે જ્યારે તેની ભૂખ લાગે. તે માટે પણ વખત આવે ત્યારે. સ્વામીજી ! આપને એમ નથી લાગતું કે આ બધું અકાળે લાદવા જેવું છે ?”

સ્વામીજી જરા વિચારમાં પડ્યા. મેં આગળ કહ્યું: “સ્વામીજી ! ધર્મ વાત સત્ય છે; તે જીવનતરણિ છે, મનુષ્યનું જીવનલક્ષ તરવું છે. પણ એમ નથી કે એ બધું ભારે કઠિન છે ? સામાન્ય બુદ્ધિની પણ બહાર છે? તે માટે કેટલી યે પૂર્વતૈયારી જોઈએ ?” સ્વામીજી કહેઃ “હા, એ વાત ઠીક છે, પણ...”

મેં જરા વચ્ચેથી કહ્યુંઃ “ધર્મ શાકમૂળા નથી કે બજારુ વસ્તુ નથી. ચોપડીમાં છપાય છે તે ધર્મ નથી. આપને એમ નથી લાગતું કે આવી મહત્ત્વની વાતને વધારે ને વધારે ગૂઢ રાખવી જોઈએ ? વધારે ને વધારે ગુપ્ત રાખવી જોઈએ ? ને ભારે શ્રમ પછી જ તે મળવી જોઈએ ?”

સ્વામીજી: “હા, એ માટે તે આપણા પૂર્વજોને ગુરુઆશ્રમે રહેવું પડતું હતું ને ધર્મ સમજવા માટે કાયાને નિચોવી નાખવી પડતી હતી."

મેં કહ્યું: “ પણ આજે તો આપણે ઘેર ઘેર ને શાળાએ શાળાએ ઉપદેશ દઈ લોકોને ધર્મની લહાણી કરવા નીકળ્યા છીએ !”

સ્વામીજી: “પણ આ તો કલિયુગ છે. આજે કોણ ગુરુ પાસે આવે એમ છે !”

મેં કહ્યું: “તો પડ્યું રહ્યું, ધર્મ વેચવાથી કે ભેટ ધરવાથી નહિ આવે.”

સ્વામીજી: “ત્યારે ?”

મે કહ્યું: “મને લાગે છે કે ધર્મોપદેશ નાનાં બાળકો પાસે ન કરાય. તેમને તો આજે સ્વસ્થ શરીર, તંદુરસ્ત મન, નિર્મળ બુદ્ધિ, અથાક ક્રિયાશક્તિ, એ આપવાં જોઈએ. તેમને બધી રીતે બળવાન કરવાં જોઈએ.”

સ્વામીજી કહે: “હં, બળવાન હોય તે જ આત્માને પકડી શકે છે. ”

મે કહ્યું: “જેમ એક કાળે યૌવન ફાટી નીકળે છે તેમ એક કાળે ધર્મજિજ્ઞાસા ફાટી નીકળશે એમ મારું માનવું છે. અકાળનો ગૃહસ્થાશ્રમ જેવો આ અકાળનો ધર્મ પરિચય લાગે છે. ધર્મને પહેલેથી જ રોજની વાતનો ને શ્લોકનો કરી નાખવાથી તો ઊલટી તે વિષેની ખરી જિજ્ઞાસા મંદ થાય છે. ઠીક છે, એ પણ એક છે, એમ રહે છે; ને તેને લીધે ૬૦ વર્ષ સુધી પણ માણસ કર્મકાંડના શ્લોક બોલનારા ને ધર્મશરીરના કોષ્ટકોના ધર્મ પાળનારા રહે છે. ”

સ્વામીજીઃ “એ તે વાત સાચી. મારું પણ એવું માનવું છે. મને પણ આટલા અનુભવથી એમ તો લાગતું જ હતું કે આ રોજના સહવાસથી થોડા વખતમાં વિદ્યાર્થીને આવા વિષયો પર કંટાળેા આવશે. મને એમ તો સમજાયું છે કે આપણે કોઈ બીજી રીતે ધાર્મિક શિક્ષણ આપીએ.”

મેં કહ્યું: “માફ કરશે, મહારાજજી ! મારું તો કહેવું છે કે ધર્મને આપણે જીવવા પ્રયત્ન કરીએ. માબાપો પ્રયત્ન કરે; શિક્ષક પ્રયત્ન કરે. પાઠ્યપુસ્તકોમાં ધાર્મિક પુરુષ ને પ્રસંગોની વાતો બીજી વાતો જેમ આવે. વખતે બીજી વાર્તાઓ જેમ પુરાણ ને ઉપનિષદની વાર્તાઓ પણ કહીએ. ઇતિહાસના પુરૂષોની જેમ વાર્તાઓ કહીએ તેમ ધર્માત્માઓની પણ કહીએ. આટલા સંસ્કાર કહો તો સંસ્કાર ને આટલી પૂર્વતૈયારી કહો તો પૂર્વતૈયારી બસ છે. બાકી બધું કર્મકાંડ ને શ્લોકો, ને તે યાદ કરાવવા ને બોલાવવા, ને ધર્મશિક્ષણ ને ધર્મો ને તેનાં પુસ્તકોની સ્મૃતિ ને એ બધું ધાર્મિક શિક્ષણને નામે રહેવા દઈ એ તો ?”

સ્વામીજી કહે: “ત્યારે મારે ધંધો શો કરવો ?”

મેં કહ્યું: “શિક્ષણનો, આપ પણ મારી જેમ શિક્ષણ આપવા બેસો.”

સ્વામીજી કહે: “પણ સ્વામી થઈને શિક્ષકનું કામ કરવું ?”

મેં કહ્યું: “શિક્ષણનું કામ જ તમારું છે. તમે જો શિક્ષણનું કામ લો તો સારા શિક્ષકોનો અભાવ દૂર થાય ને સાચું કામ થાય.” સ્વામીજીએ હસતાં હસતાં હાથ ધોયા.

ત્યારથી સ્વામીજી ને હું ખૂબ પરિચયમાં આવ્યા છીએ. તેઓ નવીન શિક્ષણના વિચારો વાંચી રહ્યા છે ને હું તેમની પાસેથી ધર્મગ્રંથોનો અભ્યાસ કરું છું.