દીનાનાથની ઢાળો/ઢાળ ૭મી
← ઢાળ ૬ઠ્ઠી | દીનાનાથની ઢાળો ઢાળ ૭મી કેશવલાલ ભટ્ટ |
ઢાળ ૮મી → |
(ઢાળ સાતમી)
જોને જોને જાગી, જીવન વીતી જાય છે રે;
મિથ્યા માયામાં શું ઠાલો, ઠોઠ ઠગાય છે રે. એ ટેક.
ધામ ધરા ધન ક્યાં છે તારા, પીડા કરનારા છે પ્યારા;
અંતે તે છે ન્યારા, કોણ સ્હાય છે રે. જોને૦ ૧
મારૂં મારૂં મિથ્યા કરતો, ફુલણજી થઈને તું ફરતો;
સ્વાર્થ નથી લવ સરતો, ઊંધો ધાય છે રે. જોને૦ ૨
અંધ થઈ અવડો આથડતો, જ્યાં ત્યાં ઠોકર ખાતો પડતો;
હર્ષ શોકથી રડતો, બહુ રગડાય છે રે. જોને૦ ૩
આજ જાળ કરી દે અળગી, વ્હાલા કેમ રહ્યો છે વળગી;
ઘર ઉઠ્યું છે સળગી, શું મલકાય છે રે. જોને૦ ૪
વિષયોમાં રમ શું રમવાયા, એથી કોઈ નથી જ ધરાયા;
દોષ દૃષ્ટિથી ડાહ્યા, શાંત થવાય છે રે. છે રે. જોને૦ ૫
અમૃત જે લાગે છે આગળ, તે વિષરૂપ બને છે પાછળ;
છટકેલા છળકપટ વડે દંડાય છે રે. જોને૦ ૬
દુઃખદાઈ સંસાર ઠર્યો છે, વિનય વિવેક વિચાર કર્યો છે.
સમજે તેજ તર્યો છે, ઇતર તણાય છે રે. જોને૦ ૭
સમદમ સાધન સુખના સજવા, કામ ક્રોધ લોભને તજવા
કેશવ હરિને ભજવા, એ જ ઉપાય છે રે. જોને૦ ૮