← પાર ઉતારો નિહારિકા
ઈશ કે અલ્લા?
રમણલાલ દેસાઈ
મનને →




ઈશ કે અલ્લા ?


૦ ગઝલ ૦

ઊઠે આવાઝ કાબાથી :
સુણે પંડિત ! ‘યા અલ્લા !’
ઊઠે એ શબ્દ કાશીથી :
સુણો ‘ૐકાર’ અય મુલ્લાં !
 
અયે કાઝી ! અહો બ્રાહ્મણ !
બતાવો ભેદ ક્યાં ભાળ્યો?
કહો એ ઈશ કે અલ્લા
વસે ક્યાં? ક્યાંઈ નિહાળ્યો ?

ચરાચરમાં રમે તેને
પુકારી રામ પૂજે છે!
કહેશો કે યવનહૃદયે
કદી ના રામ ગુંજે છે ?

કહો છો પાક અલ્લાની
રહમ દુનિયા ભરી ફેલે !
પૂછું, કાફર જિગરમાં શું
રહમ દરિયાવ ના રેલે ?

ન પૂછો પંડિતોને, ના
પકડશો કાઝીના છલ્લા.
મિલાવી હાથ ને હૈયાં
પુકારો : ઈશ એ અલ્લા!