નિહારિકા/ગામડિયા
← ચાલ્યો તું તો શહેરમાં ! | નિહારિકા ગામડિયા રમણલાલ દેસાઈ |
ચીલો સમાર → |
ગામડિયા
ગામડિયા હો ! ગામડિયા !
પુષ્પપ્રફુલ્લિત ગામડિયા !
ગામડિયા હો ! ગામડિયા !
કુદરત અંકિત ગામડિયા !
મોર તમારે આંગણિયે;
બુલબુલ બેસે નાવણિયે;
કોકિલ ડાળે ઝૂલંતી,
રસના ટહુકા રેલંતી.
રંગ ઝીલો ઓ ગામડિયા !
રસ પી લ્યો ઓ ગામડિયા !
ગામડિયા હો ! ગામડિયા !
પ્રકૃતિપૂજિત ગામડિયા !
ગામડિયા હો ! ગામડિયા !
સ્વચ્છ શુભોભિત ગામડિયા !
ગામડિયા હો ! ગામડિયા !
ગાતા રણગીત ગામડિયા !
આળસ સામે યુદ્ધ મચે.
વેરઝેર શું અંગ મચે.
દૈન્ય ડરાવણ હો બંકા !
મર્દ બની ગજવો ડંકા.
રાજ ધરંતા ! નહિ રંકા
ગામ અને કુંદન લંકા.
હઠ કરી ને આગળ ધપતા
હજી ધસઓ ઓ વીરવંકા !
ગામડિયા ! હો ગામડિયા !
મારગ લાંબા છે પડિયા !
ગામડિયા ! હો ગામડિયા !
રખે ઘડીપળ આખડિયા !
રોગભોગ નવ મર્દ બને.
દરિદ્રતા નવ વીર કને.
ગામડિયા નીતનીત શોધંતા
જ્ઞાન તણા મહા અંજનને.
ગામડિયા ઝગ ઝગમગશે !
આનંદે ધસમસ ધપશે !
હિંદતણી આશા કલગી સમ
ગામડિયા નવ ડગમગશે.
.