← ગામડિયા નિહારિકા
ચીલો સમાર
રમણલાલ દેસાઈ
બાલવીર →


ચીલો સમાર

‘તારી વાંકી કટાર ક્યાં ભાંગી ?
ગ ર સિ યા ર ણ શૂરા.
તારી તેજે ઝબોળી તલવાર–
કીધ એના કોણે ચૂરા ?’

‘મારી વાંકી કટારે લોહી ના રેડ્યાં;
મારી તાતી તલવારે રણ ના ખેડ્યાં;
મારા ગામડાંનો મારગ ગોઝારો,
પડે માણકીનો પગ ના એકધારો.
એ મારગે ભાંગી મારી કટાર;
તોડી એ મારગે તેજી તલવાર.’

‘તારી ગાવડીના ઝાંઝર ઝમકે નહિ,
તારી આંખો શેં આજે ચમકે નહિ ?
અરે ગાયના ગોવાળ !
ગાયના ગોવાળ !
તારી કડિયાળી ડાંગ આજ ખણકે નહિ.’

‘મારી ગોરીનો પગ આજ મચકાયો,
મારી આંખે તે મેહુલો છલકાયો.
ગોઝારા ગામનો ગોઝારો મારગ !
મારું ગોવાળું ત્યાં ભૂલી આવ્યો.’

‘તારા ધોરીના છૂટ્યા અછોડા,
૫ ટે લ !
તારા હળના તે તૂટ્યા અંકોડા,
૫ ટે લ !

ભૂખી ભોમ આજ માનવી ભૂખે મરે !
જગના ઓ બાપ ! કેમ બ્હાવરો ફરે ?’

‘મારા હાથીશા ધોરી આજ ખૂંપ્યા,
કે મારગ ગોઝારો.
મારાં લાકડાં ને હળ આજ તૂટ્યાં,
કે દુઃખનો ક્યાં આરો ?

ભૂખી ધરતીમાં હવે શું ઓરું ?
માવડી ભૂખી ! ભૂખ્યાં છોરુ.
ગોઝારા માનવીનો ગોઝારો મારગ;
મૂરખા તે માનવીનો વાંકલો મારગ;
રડતા તે માનવીનો કળતલ મારગ;
મારી ખેતી હું આજ ત્યાં ભૂલી આવ્યો.’

‘શાને વગેરે અલ્યા શૂરા એ રાહ ?
જરા ચીલો સમાર કોક વાર, ઓ ગરાસિયા !
તારો ગિરાસ ઘેર આવશે.

શાને રડે મોંઘો મારગ, ગોવાળ ?
જરા ચીલો સમાર કોક વાર, ગરાસિયા !
તારું ગોવાળું ઘેર આવશે.

શાને તું બાવરો, ઓ ભૂમિના બાળ !
જરા ચીલો સમાર કોક વાર, ભોમરસિયા !
અન્નપૂર્ણા ઘેર આવશે.’