← બાલ ઈચ્છા નિહારિકા
જીવનનાં તેજ
રમણલાલ દેસાઈ
ઘંટી →


જીવનનાં તેજ


૦ લય-હું તો ઝબકી જાગી આજ ૦

જીવનનાં તેજ છવાયાં આજ,
આવો ભેગાં રમીએ.
કંઈ ઈન્દ્રધનુષ ચિતરાયાં આજ,
રંગીન ગરબે ફરીએ.

એકલ મહા તેજમાંથી રંગતનાં બુંદ ઝીણાં
ઝરમર વરસંત સલૂણાં આજ,
રંગીન ગરબે ફરીએ —જીવનનાં.

પુષ્પો વેલડીઓ વૃક્ષો માનવ ને દેવકાયા,
એ રંગત માંહી સમાયાં આજ,
આવો ભેગાં રમીએ ―જીવનનાં.

સૂરની સૂરાવલી માંહે સંગીત સંતાયુ મીઠું;
એક તત્ત્વ રમંતું દીઠું આજ,
રંગીન ગરબે ફરીએ ―જીવનનાં.

જીવનની જ્યોત જાગી, सोह़भ् सोह़्म् રઢ લાગી;
કો એકલ નાળી વાગી આજ,
આવો ભેગાં રમીએ —જીવનનાં.