ન્હાના ન્હાના રાસ/અલી કોયલડી
← મોરલો | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ અલી કોયલડી ન્હાનાલાલ કવિ |
વસન્ત લ્યો → |
૨૫
અલી કોયલડી
ઉચાં આકાશ, ઉંચી વાદળી, અલી કોયલડી !
કાંઇ ઊંચા ત્હારા રણવાસ :
મીઠડું ટહૌકજે રે અલી કોયલડી !
વાજે વસન્તની વાંસળી, અલી કોયલડી !
કાંઇ જામે રસિકના રાસ :
મીઠડું ટહૌકજે રે અલી કોયલડી !
હઇડે મ્હારે હતું ગીતડું, અલી કોયલડી !
એ તો ગાયું ત્હેં આજે અમોલ :
મીઠડું ટહૌકજે રે અલી કોયલડી !
ઉરમાં મ્હારે એક મોરલી, અલી હોયલડી !
બોલી કાલા ઘેલા ત્હેના બોલ :
મીઠડું ટહૌકજે રે અલી કોયલડી !
બોલી ઘેલા ઘેલા મદબોલ,
બોલી કાલા કાલા બ્રહ્મબોલ
મીઠડું ટહૌકજે રે અલી કોયલડી !