ન્હાના ન્હાના રાસ/વસન્તમાં, સખિ!
← સૂનાં સૂનાં સ્નેહધામ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ વસન્તમાં, સખિ! ન્હાનાલાલ કવિ |
સંભારણાં → |
૪૦
વસન્તમાં, સખિ!
ફૂલડે નમેલી ફોરે છ વેલી,
માઝમ રાત અલબેલી,
રસની હેલી રે હેલી વસન્તની, સખિ !
સુણું છું આછેરાં કે કદિ ઘેરાં,
પ્રભુનાં તેજ શાં અનેરાં,
રસિકો કેરાં રે ગીતો વસન્તનાં, સખિ !
કોકિલ કુંજે, ગહન નિકુંજે,
ડોલન્ત મ્હોરના પુંજે,
વનમાં ગુંજે રે પંખી વસન્તનાં, સખિ !
જપી નામમાલા, સ્મરી સ્મરી વ્હાલા,
ભરી સુર સ્નેહના રસાલા,
વાય કો બાલા રે વેણુ વસન્તની, સખી !
લોક ઉલ્લાસે, વિશ્વ વિલાસે,
સોહન્ત ચન્દ્રિકા ઉજાસે,
આત્મા ન હાસે રે કહે કાં વસન્તમાં ? સખિ !