ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જીવનના જય
← જાણતલ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ જીવનના જય ન્હાનાલાલ કવિ |
જીવનના જળ → |
જ્યહાં આગમનાં અજવાળાં વાય રે,
જય એહ જીવનના, જીવનના;
જ્યહાં પુણ્યપાંખે જગતને જીતાય એ,
જય એહ જીવનની, જીવનના;
જ્યહાં નિમિષમાં વિરાટને ઝંખાય રે,
જય એહ જીવનની, જીવનના.
મ્હેં તો ગગન મંહી નયનદોર નાંખિયા, હો નાથ !
મ્હેં તો હૈયાના હિન્ડોળ ત્યંહી બાંધિયા, હો નાથ !
મ્હેં તો અમૂર્તને મૂર્ત કરી સ્થાપિયા, હો નાથ !
જ્યહાં આંખડીમાં આંખડી ઘોળાય રે,
જય એહ જીવનના, જીવનના;
જ્યહાં પ્રીતમની પ્રેરણા પીવાય રે,
જય એહ જીવનના, જીવનના;
જ્યહાં પ્રેમની પૂર્ણિમા ઝીલાય રે,
જય એહ જીવનના, જીવનના.
♣