← જીવનના જળ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
જીવન્‌સંગમ
ન્હાનાલાલ કવિ
જુગ જાગે →


૩૬, જીવનસંગમ




જગને આરે પ્રેમપંખીના જીવનસંગમ થાય;
આયુષ્યભરમાં એક વાર તો રસના રાસ રમાય;
હો ! જીવન જીવનમાં ઢોળાય.
જગને અારે પ્રેમપંખીના વિ.

રસને આરે પ્રેમપંખીના જીવન્‌સંગમ થાય;
આયુષ્યભરના આત્મઆત્મના રસના રાસ રચાય;
હો ! આત્મન આત્મનમાં ઢોળાય.
રસને આરે પ્રેમપંખીના વિ.

ભલે નારી હો, ભૂલકણ નર હો;
ચકવા-ચકવી વિરહી ભલે હો;
બે ય સુપર્ણા સયૂજા સખાઓ એક ડાળ સોહાય;
હૃદયના અમર ઉત્સવો ગાય.
રસને આરે પ્રેમપંખીના વિ.

ગંગોત્રીથી ગંગા પ્રકટી જળલહરે લહરાય,
જમનોત્રીથી જમના જન્મી કંઈ કંઈ વમળે વ્હાય,
પ્રયાગતીર્થ પુજ્યજળોના પૂરમાં પૂર પ્રેાવાય,
પુણ્યોદકના જીવન્‌સંગમે પૃથ્વી પાવન થાય
જીવનના અદ્દભુત ગીત ગવાય

ધરતીને ખેાળે સ્વર્ગ સ્થપાય,
જીવનના જયના ગીત રચાય
આયુષ્યભરમા એક વાર તો રસના રાસ રમાય,
જગને આરે પ્રેમપંખીના જીવનસ ગમ થાય.