← જીવન્‌સંગમ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
જુગ જાગે
ન્હાનાલાલ કવિ
જુગપલટાના રાસ →


૬ર, જુગ જાગે




હાં રે જુગ જાગે, રે ! જુગ જાગે;
હાં રે વ્રજરાજ કેરી વાંસલડી વાગે;
રે ! જુગ જાગે.

હાં રે એ તો ઉભો કદંબ કેરે ઝાડે;
હાં રે મધુરમધુરી શી મોરલી વગાડે;
રે ! જુગ જાગે.

હાં રે દિશાવન એ ઝીલે, ને ઝીણું ગુંજે;
હાં રે પડ્યો પડઘો ત્રિલોક કેરી કુંજે
રે ! જુગ જાગે.

હાં રે ઘેરાં ઘેરાં જમનાજીનાં પાણી;
હાં રે ઘેરી છાયા મંહી શ્યામની ઢોળાણી
રે ! જુગ જાગે.

  હાં રે વહે અવનીમાં આભ શાં અન્ધારાં;
હાં રે શરદચન્દનીની વરસે ત્યહાં ધારા;
રે ! જુગ જાગે.

હાં રે વિશ્વ ભરી એ અનન્ત ગીત ગાજો;
હાં રે મ્હારાં પોપચાંને પાયણે વિરાજો;
રે ! જુગ જાગે.

હાં રે જુગ જાગે, રે ! જુગ જાગે.