ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દામ્પત્યના બોલ
← ત્રિલોકના તોરણ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ દામ્પત્યના બોલ ન્હાનાલાલ કવિ |
દિલડોલાવણહાર છો → |
૩૫, દામ્પત્યના બોલ
મધુરી શી મોરલીના મધુર કલ્લોલ,
એવા સખિ! દંપતીના જીવનના બોલ
સન્ધ્યા સોહાગ ભરી આવે સલૂણી,
ચન્દા ને સૂરજ હરખાય,
તેજના કિરણ કાંઈ તેજમાં ઢળાય, એવા
એકબીજામાં ઢોળાય,
ડાળીએ–ડાળીએ પાંદડા પ્રોવાય,
એવા સખિ ! દેહ ને પ્રાણ બે ગૂંથાય
મધુરી શી મોરલીના વિ. વિ.
લોહ કે પત્થરને પારસ પરસે
થાય કંચન મહામોલ
નરનો દેવ થાય નારીપરસથી
એ નારી પારસને તોલ,
ફૂલડે ફૂલડે જેવા પરાગ,
એવા સખિ ! નરનારીના અનુરાગ
મધુરી શી મોરલીના વિ વિ
સુખની સોહાગણ જગની વાડી,
મહિ ઉગી બે ચન્દનવેલ.
મેઘની ધાર સમી પાર ગૂંથી રચ્યો
મેઘ શો મંડપમહેલ
જેવી જગે હૈયાની નીતરે ધાર,
એવા સખિ ! ગૃહ કુળ ને સંસાર
મધુરી શી મોરલીના મધુરા કલ્લેાલ,
એવા સખિ ! દંપતીના જીવનના બોલ.
♣