← પ્રકરણ ૧૧ પિતામહ
પ્રકરણ ૧૨
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૩ →






૧૨
 

સત્યવતીની નિયોગની દરખાસ્ત સાંભળતાં બન્ને પુત્રવધૂઓ ખિજાઈ પડી. સત્યવતી પોતે જ તેના દીકરાની વિધવા પત્નીઓને અધર્મના માર્ગે દોરી રહી હતી. પરપુરુષગમન સામે તેમનો વિરોધ પણ સખ્ત હતો.

‘ના, ના, હજાર વાર ના. ભલે અમે નિઃસંતાન હોઈએ. ખોળા ન ખૂંદનારની ખોટ અમને જીવનભર દુઃખી કરશે. અમે એ દુઃખ બરદાસ કરશું, પણ નિયોગ દ્વારા ખોળામાંના ખૂંદનારને પ્રાપ્ત કરવાની અમારી ઈચ્છા નથી.’ ને ઘૃણાસ્પદ સ્વરે પૂછી રહી, ‘સાસુમા, તમે જાતે થઈને તમારી પુત્રવધૂઓ ને અધર્મના પાપના માર્ગે દોરવા કેમ તૈયાર થયા છો?’

સત્યવતી આવી વિષમ પરિસ્થિતિ પેદા થવાની શક્યતા વિષે શંકાશીલ હતી જ એટલે પુત્રવધૂઓનાં રોષભર્યાં વેણ સામે તે હિમશી શાંત હતી. ક્યારેક પુત્રવધૂની દલીલ સામે મુસ્કાન પણ કરતી હતી.

‘હવે તમે મને સાંભળશો ?’ બન્ને પુત્રવધૂઓ ઘણું ઘણું બોલી ગઈ હતી. સત્યવતીએ શાંતિથી, પૂરી ખામોશીથી તેમને સાંભળી હતી. જ્યારે તેઓ શાંત થયા ત્યારે સત્યવતીએ પ્રશ્ન કર્યો :

‘શું સંભળાવો છો તમે ? નિયોગની વાત પડતી મૂકી દો મા.’ અંબિકા પૂછી રહી.

‘તમે જો શાંતિથી સાંભળવા હવે તૈયાર હો તો કહું !’ સત્યવતીએ જવાબ દીધો, ‘મારી વાત સાંભળો પછી તમે મારા નિર્ણયનો સ્વીકાર કરવા તૈયાર થશો.’ તેણે પોતાની આશા વ્યક્ત કરી.

‘કહો તો ખરા, પછી નિર્ણયની વાત છે ને મા ?’

‘હા, મારે પણ નિયોગના માર્ગે તમારા ખોળા ભરાય તે જોવાની તાતી જરૂર પાછળ ચોક્કસ કારણો છે. હું તમને પાપના માર્ગે અધર્મના માર્ગે દોરી જવા માગતી નથી. મારો માર્ગ કર્તવ્યનો છે. ફરજને અદા કરવા માટે જે કરવું પડે તે કરવાનો છે.’ સત્યવતી જુસ્સાપૂર્વક બોલતી હતી. તેણે કહ્યું, ‘મેં દુર્ભાગીએ મારા બન્ને પુત્રો ગુમાવ્યા. મહારાજા શાન્તનુના દીકરા ભીષ્મ તેની પ્રતિજ્ઞાને દૃઢતાપૂર્વક વળગી રહે છે. પરિણામે કુરુવંશનો અહીં જ અંત આવે છે.’ બોલતાં બોલતાં સત્યવતીની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેતો થયો. સત્યવતીની આંખમાંથી વહેતાં થયેલાં અશ્રુપ્રવાહે પુત્રવધૂઓના દિલમાં હમદર્દી થઈ. તેઓ પણ અસ્વસ્થ બની રહી.

ભીની આંખ સાફ કરતાં સત્યવતીએ તેનું કથન આગળ ચલાવ્યું. તેણે કહ્યુ, ‘માત્ર કુરુવંશના અંતનો જ પ્રશ્ન હોત તો હું મારા દુર્ભાગ્યને દોષ દઈ સદ્‌ગત સ્વામીની ક્ષમા માંગીને જીવતી રહેત. તેના કરતાં પણ વધુ ગંભીર પ્રશ્ન હસ્તિનાપુરની પ્રજાનો છે. બન્ને પુત્ર ગાદી પર હતા ત્યારે હસ્તિનાપુરની પ્રજા નિરાધાર ન હતી. ગાદીપતિ તેમના રક્ષણ માટે જવાબદાર હતો, પણ હવે તો ગાદી જ સૂની પડી છે. ગાદી પોતે પણ કોઈના સહવાસની પ્રતિક્ષા કરે છે.’ ફરી તેની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતો થયો. વ્યથાપૂર્ણ હળવા હિબકાં પણ ભરી રહી ને ગદ્‌ગદ સ્વરે બોલી, ‘મારે હસ્તિનાપુરની ગાદીનો વારસ જોઈએ છે. આ વારસ તમારે જ દેવાનો છે, બહારથી શોધવાનો નથી.’

સત્યવતી ઘણું બોલી ગઈ. દિલની વ્યથા પણ તેણે ઠાલવી. છેલ્લે તેનો નિર્ણય પણ સ્પષ્ટપણે જણાવી દીધો ને શાંત ગંભીરપણે પુત્રવધૂઓ પ્રતિ મીટ માંડી રહી હતી.

ગંભીર શાંતિ છવાઈ રહી હતી. સત્યવતી પૂર્ણ સ્વસ્થતાથી શાંતિ ધારણ કરી, પુત્રવધૂનું મન જાણવા પ્રયત્ન કરતી હતી. ‘તમારો ખોળો ભરાશે, તમે રાજમાતા બનશો. કુરુવંશને જીવતદાન દેનાર દાતા પણ હશો. કહો, તમને મારી વાતનો મર્મ સમજાય છે ?’

બંને પુત્રવધૂનાં દિલ પણ હલબલી ઊઠ્યાં હતાં.

‘આ પાપનો માર્ગ નથી, આ વ્યભિચાર તથી, પણ આપદ્‌ધર્મ છે. કુળ અને રાજ્યની રક્ષા માટેનું આ બલિદાન છે. એક રીતે એ પુણ્ય કામ પણ કરી શકાય.’ સત્યવતીએ ગંભીર ચિંતનમાં પડેલી પુત્રવધૂઓને છેલ્લી વાત સંભળાવી, ‘તમે ના ભણશો તો એક દિવસ આપણને સૌને અહીંથી કોઈ બીજી હકૂમત હાંકી કાઢશે એ પણ નિશ્ચિત છે. સૂના તખ્ત પર આસન જમાવવા કોણ તૈયાર ન થાય ?’ સત્યવતી કામયાબ બની. પુત્રવધૂઓ તેની દરખાસ્ત સાથે સહમત થઈ. બંને પુત્રવધૂની નજર હવે ભીષ્મ પ્રતિ હતી. અંબિકા અને અંબાલિકા ભીષ્મ જેવા પ્રતાપી પુરુષના સહવાસ માટે ઝંખતી હતી. પણ જ્યારે રાત્રિની નિંદામાં પોઢેલાં અંબિકાના શયનકક્ષમાં વેદવ્યાસે પ્રવેશ કર્યો ત્યારે તેને જોતાં જ અંબિકા ગભરાઈ ગઈ.

અંબિકાના શયનકક્ષ સુધી વ્યાસને મૂકવા સત્યવતી જાતે આવી હતી. શયનકક્ષમાં વ્યાસ પ્રવેશ કરે તે પહેલાં સત્યવતીએ તેને સલાહ આપતાં જણાવ્યું હતું કે, ‘અત્યારે વહુ નિંદ્રાધીન હશે. તેને પ્રેમસંવાદથી જગાડજે, તેની સાથે પ્રણયગોષ્ટિ કરજે, તેને પ્રસન્ન કરજે, તેની લાગણીઓને પંપાળજે. પોતાને ખોળામાં ખૂંદનારો પ્રાપ્ત થવાનો છે તેનો આનંદ પણ તેના શુષ્ક, નિરસ, ઉદાસીન ચહેરા પર પથરાઈ જવો જોઈએ.’

માતાની શિખામણનો અમલ કરતાં પોતાની હાજરીથી ગભરાઈ ગયેલી અંબિકાને પ્રેમભીના શબ્દોથી રીઝવવા તેણે પ્રારંભ કર્યો. તેણે માતાએ શીખવેલાં પ્રણય શબ્દોનો ધોધ વહાવ્યો, પણ અંબિકાના દિલમાં કોઈ ઉન્માદ જાગ્યો જ નહિ, ચિત્તશૂન્ય બની તે એકદમ કેટલીય ક્ષણો કાળા ડિબાંગ વાદળો જેવા કાળા દેહવાળા ભય પમાડે તેવા બેડોળ ચહેરાવાળા વ્યાસ સામે જોઈ રહી. ‘મને માતાએ નિયોગ માટે મોકલ્યો છે, પ્રિયે!’ વ્યાસે હળવેથી અંબિકાની પડખે આસન જમાવતાં તેના ખભા પર પોતાનો વજનદાર હાથ મૂકતાં કહ્યું. તેની લાગણીઓને ઉત્તેજતા પ્રારંભ કરતાં કહ્યું, ‘હું મહાપંડિત છું. વેદોનો મેં અભ્યાસ કર્યો છે. લોકો મારો ભારે આદર-સત્કાર કરે છે.’

આટલી પોતાની પિછાન દીધા છતાં અંબિકા તેને કોઈ પ્રતિભાવ દેતી ન હતી.

‘જરા મારી સામે તો જુઓ પ્રિયે ?’ એમ બોલતાં બીજી દિશા તરફ મોં કરીને બેઠેલી અંબિકાની ચિબુક પકડી તેના મોંને પોતાની નજર સમક્ષ લાવતાં અંબિકાએ બે હાથે પોતાનું મોં ઢાંકી દીધું.

વેદવ્યાસને પ્રેમના કોઈ પાઠ મળ્યા જ ન હતા. નારી સહવાસની કલ્પના પણ કરી શકતા ન હતા, એટલે સત્યવતીએ પઢાવેલો પાઠ ભણતાં મુશ્કેલી પણ પડતી હતી. પોતે કેટલું બધું બોલ્યો ? અંબિકાને પ્રસન્ન કરવા તેણે કેટલો પ્રયત્ન કર્યો ? પણ અંબિકાના હૈયામાં કોઈ ઊમળકો ઊઠતો જ ન હતો, એથી વેદવ્યાસ પણ મૂંઝાતા હતા.

‘ત્યારે હું વિદાય થાઉં એમ જ ને?’ આખરે પોતાની સામેથી નજર ફેરવી બેઠેલી અંબિકાને વ્યાસે પૂછ્યું ને ઉમેર્યું ‘પછી માનો ઠપકો મારે સહન કરવો પડે નહિ.’

અંબિકા પણ હળવે હળવે મનને શાંત કરવા પ્રયત્ન કરતી હતી. તેણે પૂછ્યું, ‘માએ તમને મોકલ્યા છે અહીં ?’

‘હા. માની આજ્ઞાનું પાલન કરવા માટે તો હું તપ, ધર્મ, ધ્યાન, યજ્ઞ ને વેદોનો અભ્યાસ છોડી અહીં આવ્યો છું.’ વેદવ્યાસે સ્પષ્ટતા કરતાં કહ્યુ, ‘મને પણ અધર્મ આચરવો ગમતો નથી, પણ આ તો આપદ્ ધર્મ છે. માની આજ્ઞાનું પાલન કરવાનો મારો નિશ્ચય છે.’

‘પણ અમે તો ભીષ્મને ઈચ્છતા હતા.’ અંબિકાએ કહ્યું.

‘મને તેની જાણ નથી, પણ મને તેડવા માએ મોકલ્યો. ભીષ્મ જ આવ્યો હતો. વ્યાસે સ્પષ્ટતા કરતાં કહ્યું ને પછી ઉમેર્યું, ‘કદાચ ભીષ્મે ના પાડી હશે. વેદવ્યાસ જેવા તપસ્વી પ્રતિભાવના પુરુષના જેવા મહાપ્રતાપી દીકરા મેળવવા માએ મને બોલાવ્યો હશે.’

ફરી પૂછ્યું, ‘કહો તમારી શી ઇચ્છા છે ?’ જ્યારથી સત્યવતીએ તેના મનમાં આશાની જ્યોત પ્રગટાવી છે ત્યારથી તે પણ ખોળાના ખૂંદનારની પ્રતિક્ષા કરતી હતી. તેને પણ રાજમાતા બનવાની ખ્વાહિશ પણ હતી.

સત્યવતીનો રાજમાતા તરીકેનો પ્રભાવ તેની નજર સમક્ષ હતો. રાજમહેલમાંતા જાણે રાજમાતાનું સામ્રાજ્ય હતું. હવે તે પણ સ્વપ્ના સેવતી હતી. પોતાનો દીકરો હસ્તિનાપુરની ગાદી પર હોય પોતે રાજમાતા તરીકે મહેલમાં પ્રભાવ પાથરી શકે.

દિવસો થયા તે રાજમાતાના સ્વપ્નામાં રાચતી હતી. એ સ્વપ્નાં સાકાર બનાવવા વેદવ્યાસનો સહવાસ માણવા તત્પર થઈ. તેણે મનમાં ભીષ્મ વિષે ક્રોધ પણ કર્યો. ભારે હઠીલો છે, જેઠજી ! પોતાના કુળનો વંશ રાખવાને ગાદીને સલામત બનાવવા ભાભીઓ સાથે નિયોગ કરવાની ના પાડતાં તેમને જરા પણ વિચાર નહીં આવ્યો હોય ? માતાને એમના હઠાગ્રહને કારણે આવા કાળા ડિબાંગ જેવાને બોલાવવો પડ્યો હશે ને?’

આખરે અંબિકા તૈયાર થઈ. તેણે બધા સમય આંખો બંધ રાખી કાળા ડિબાંગ સામે દૃષ્ટિપાત કરવાની પણ તેની ઇચ્છા ન હતી. નિયેાગ એ તેને માટે માત્ર આપદ્ ધર્મ હતો. તેમાં તેની કાંઈ ઇચ્છા કે ઉત્સાહ પણ નહોતો.

સવારે વ્યાસે અંબિકાના શયનકક્ષમાંથી બહાર ડગ દીધા ત્યારે કેટલીય આંખો તેના પ્રતિ મંડાઈ હતી. અંબિકાની દાસી પણ કાળાડિબાંગ જેવા વ્યાસ સામે ભક્તિભાવ ભરી નજર માંડી રહી હતી. પોતાને પણ આવા પુણ્યશાળી પુરુષ જેવો પ્રતાપી દીકરો હોય તો ? મનનો આવેગ વધી પડ્યો. વ્યાસ સમક્ષ પહોંચી જવા તે ઉતાવળી થઈ. આગળ ડગ દેતાં વ્યાસનાં ચરણામાં પડીને તેને ઈજન દઈ રહી.

‘મારે ત્યાં પણ એક રાત્રિ મહેમાન બનો તો ?’ એ કરુણાભર્યા શબ્દોમાં કાલાવાલા કરવા લાગી, 'હું અભાગણી એક એવા મહાજ્ઞાની પ્રતાપી દીકરાની ઝંખના કરું છું.' લજ્જાના ભારે ઝૂકી ગયેલી ગરદન ઊંચી કરતાં ધ્રૂજતા સ્વરે બોલી, ‘ક્ષમા કરશો, શાપ દેતાં નહિ. મારી માંગણીનો સ્વીકાર થશે ખરો ?’

વેદવ્યાસ માતા સત્યવતી સમક્ષ ઉપસ્થિત થવા ઉતાવળા હતા. તેમણે દાસીના જવાબમાં સ્મિત વેરતાં કહ્યું : ‘માતાની મંજૂરી હશે તો જરૂર આવીશ.’

દાસીના દિલમાં વિશ્વાસની ઝલક આવી. સત્યવતીની મંજૂરી મેળવવા પોતે પણ માતાને ખુશ કરશે જ તેવો તેનો આશાવાદ નિરર્થક તો ન હતો. સત્યવતીની તે પ્રીતિપાત્ર દાસી હતી એટલે તેની માંગણી મંજૂર થવા વિષે કોઈ શંકા નહોતી.’

અંબિકા, અંબાલિકા અને દાસી સાથેના નિયોગ પછી વેદ-વ્યાસ પાછા ફરતાં સત્યવતી સમક્ષ ઉપસ્થિત થતાં કહ્યુ, ‘મા, આપની આજ્ઞાનો અમલ કર્યો. હવે પ્રાયશ્ચિત્ત કરવા જવાની રજા આપો.’

પ્રાયશ્ચિત્ત શબ્દે સત્યવતી હલબલી ઊઠી. વ્યથાપૂર્ણ સ્વરે બોલી, ‘પ્રાયશ્ચિત્ત? શાનું પ્રાયશ્ચિત્ત? આ મારા ભાઈઓની પત્ની છે એ તો તમે જાણો છે ને?’ ને ઉમેર્યું. ‘કુરુવંશ ખતમ થઈ જતો તમે અટકાવ્યો. હસ્તિનાપુરની ગાદી માટેના વારસના જન્મદાતા બની તમે ઉપકાર કર્યો છે. તેમાં પ્રાયશ્ચિત્તનો કોઈ પ્રશ્ન જ નથી.’

વેદવ્યાસ માતાની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયો ત્યારે તેના દિલમાં કંપ થતો હતો. અંબિકા અને અંબાલિકાના વ્યવહારે તે દાઝી ઊઠ્યો હતો. અંબિકાએ જેટલો સમય પોતે તેની સાથે રહ્યો તેટલો સમય આંખો બંધ રાખી હતી. ગમે તેમ પણ તેનેય માતા બનવાની ઇચ્છા ગમતી ન હોય એમ તેને લાગતું હતું.

અંબાલિકા તેને જોતાં ધ્રૂજી ઊઠી હતી. તેનાં અંગેઅંગ ધ્રૂજતાં હતાં. તેના મનમાં પણ વેદવ્યાસ વિષે કોઈ પ્રેમભાવ નહોતો. માત્ર માતાની ઇચ્છાનું જાણે પાલન કરતી હાય એમ કશો ઉત્સાહ વિના જાણે વર્ષોથી બીમાર હોય તેવો। વ્યવહાર રાખતી હતી.

જ્યારે દાસી તેના પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરતી હતી. તેના પૂજન કર્યાં હતાં. તેની સેવામાં ઉપસ્થિત હતી.

આમ ત્રણેના ભિન્ન ભિન્ન વ્યવહાર હતા. વેદવ્યાસ આવા ભિન્ન ભિન્ન વ્યવહારનું પરિણામ માતાને જણાવી તેના દિલમાં અત્યારથી જ ચિંતાની ચિનગારી સળગતી કરવા ઇચ્છતા ન હતા. એટલે તેણે નિયોગના ભાવિ પરિણામ વિષે મૂંગા રહેવાનું ઉચિત માન્યું, પરસ્ત્રી સાથેનો સંબંધ એ પાપકૃત્ય છે એમ તો તેઓ માનતા હતા. એટલે તેમણે પ્રાયશ્ચિત્ત કરવાનો પણ નિર્ણય કર્યો હતો. જેની સત્યવતીને જાણ કરી તે ભારે પગલે પાછા ફરવાની તૈયારી કરતા હતા.

સત્યવતીના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું : ‘મા, તપસ્વીના તપોભંગ કરવા દેવો સ્વર્ગની સુંદરીઓને ધરતી પર મોકલે છે. વિશ્વામિત્ર જેવા તપસ્વી લપસી પણ પડે છે. મારે માટે કોઈ સ્વર્ગની સુંદરી ન હતી. માતાની આજ્ઞા – પ્રથમ વાર અને હવે છેલ્લી વારની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું શક્ય ન હતું. એટલે તમારી આજ્ઞાને આપદ્‌ધર્મ માનીને વ્યવહારમાં મૂકી. પણ મા, મારું દિલ સાધુનું છે. મારું મન તપસ્વીનું છે. તેને માટે આ કર્મ પાપના બોજ સમું છે. મારે એ બોજ હળવો કરવો જ જોઈએ. એ બોજ તળે હું દટાઈ જવા માંગતો નથી. જેમ તમારી આજ્ઞાનું પાલન કરી તમને સંતોષ દીધો, તેમ હવે આ પાપનો બોજ હળવો કરવા મારે પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈશે. એ વિના હું જીવી શકીશ નહિ.’ બે હાથ જોડી સત્યવતીને વંદન કરતાં ગંભીરતા ધારણ કરતાં બોલ્યો, 'મા, મને પ્રાયશ્ચિત્ત કરવાનું બળ પ્રાપ્ત થાઓ એવી આશિષ આપો.’

સત્યવતી વેદવ્યાસ સમક્ષ ગંભીરતાપૂર્વક દૃષ્ટિ માંડી રહી. તેના મનમાં પણ રમખાણ જાગ્યું હતું. પોતાની જાત પ્રત્યે મનોમન ફિટકાર વર્ષાવતી રહી, પોતે કેવી અભાગી છે ? તેણે પેાતાના સુખ ખાતર ભીષ્મનો હક છીનવી લીધો. આજીવન બ્રહ્મચારી બનાવી સંસારસુખથી વિમુખ કર્યો. પણ ઈશ્વરને તે મંજૂર ન હોય તેમ મારા બબ્બે પુત્રો અકાળે અવસાન પામ્યા ને કુરુવંશનુ નિકંદન જવા બેઠું ત્યારે તેને સલામત રાખવા પુત્રવધૂને નિયોગનો ભોગ બનાવીને આ વેદવ્યાસ મારો ત્યજી દીધેલો દીકરો જેની મેં ક્યારેય, કદી પણ ભાળસંભાળ લીધી નથી. તેના ઘડતરમાં માતા તરીકે મારું કોઈ પ્રદાન પણ નથી. એણે તેની માતાને જોઈ પણ નથી, છતાં તેણે મારી વાત માની લીધી ને મારી ઈચ્છાનું પાલન કર્યું. હવે તેને પણ પ્રાયશ્ચિત્ત કરવાની વેળા આવી છે.

વિચારના વમળમાં ઘૂમતી સત્યવતીના ક્રોધનો આવેગ વધી પડતાં બે હાથે પોતાના ભાગ્ય પર જોરથી ઘા કરતાં ઉગ્રતાથી બબડી : 'હતભાગની ! મત્સ્યગંધામાંથી તું સત્યવતી બની. ઝૂંપડામાંથી તું મહેલમાં વૈભવ માણી રહી, પણ કેવો અધર્મ આચર્યા છે દુર્ભાગી ! એક તપસ્વીના તપોભંગ માટે તું જ જવાબદાર છે ! ને ! આના કરતાં ઝૂંપડામાં રહી, કોઈ માછી યુવક સાથે લગ્ન કર્યા હોત તો આ બળાપો તો ન હોત ને?

ઉદાસીન વદને મૂંગા મૂંગા મનોતાપમાં શેકાતી સત્યવતીને ફરી વેદવ્યાસ કહી રહ્યા, ‘મા, આજ્ઞા આપો. મારું તપ સફળ થાય. પ્રાયશ્ચિત્તના પવિત્ર જળથી હું દોષમુક્ત થાઉં.’

આખરે સત્યવતીની રજા મળતાં વેદવ્યાસ રાજમહેલમાંથી પોતાની તપોભૂમિ પર પહોંચી પ્રાયશ્ચિત્ત કરવા વિદાય થયા.

‘અરે, શાનો ગજબ થયો ? મૂઓ આંધળો જન્મ્યો જ ન હોત તો ? આ વેઠ હવે મારે કરવાની?’

પોતાની કુંખે જન્મેલા આંધળા દીકરા સામે જોઈ અંબિકા ચોધાર આંસુ સારતી હતી.

સત્યવતી પણ પારાવાર વેદના વેઠતી હતી. હસ્તિનાપુરની ગાદી પર આ આંધળાનો અભિષેક કેમ થઈ શકે?’

તો અંબાલિકાનો પુત્ર રોગિષ્ટ હતો. તેના દૂબળા દેહ સામે જોતાં સત્યવતી પણ વ્યથિત હતી, પણ એક વાતનો સંતોષ હતો. હસ્તિનાપુરની ગાદી પર આંધળો નહિ, પણ આ રોગિષ્ટ દીકરો બિરાજશે ને બાકીની જવાબદારીઓ તો ભીષ્મ અદા કરે જ છે ને?’

યથાસમયે રાજગાદી કોને સુપ્રત કરવી એ પ્રશ્ન ઊભો થયો. ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે તો ધૃતરાષ્ટ મોટો હોવાથી તેનો જ રાજ્યાભિષેક થવો જોઈએ. પણ તે અંધ હતો ને રાજના કારોબારને સંભાળી શકે તેમ ન હતો એટલે રોગિષ્ટ દેહવાળા પાંડુ પર સૌની નજર હતી.

ભીષ્મ સત્યવતીને મંત્રીંગણ અને દરબારીઓનુ મંતવ્ય રજૂ કરતાં પૂછી રહ્યા, ‘મા, તમે જે નિર્ણય કરો તેનો અમલ થશે જ. ભલે મંત્રીગણને તે માન્ય ન હોય. પણ મા, તમે રાજ્યના હિતને લક્ષમાં રાખજો.’

સત્યવતી પણ જાણતી હતી. ધૃતરાષ્ટ્ર મોટો હોવાથી પ્રણાલિકા પ્રમાણે રાજગાદીનો તે હક્કદાર છે. પણ જેને જોવા નજર નથી તે રાજ્યનો વહીવટ કઈ રીતે ચલાવશે ? ‘ભીષ્મ, તમારી દલીલમાં ઘણું તથ્ય છે એટલે હક્કદાર ભલે ધૃતરાષ્ટ હોય, પણ તે અંધ છે એટલે તેનો રાજ્યાભિષેક થઈ શકે જ નહિ.’ તે પછી ઊંડાણમાંથી નિસાસો નાંખતાં કહી રહી : ‘જેવાં તેનાં કર્મ.’

હસ્તિનાપુરની ગાદી પર પાંડુનો રાજ્યાભિષેક થયો. ભીષ્મની રાહબરી હેઠળ પાંડુએ ઘણાં પરાક્રમો કર્યા. હસ્તિનાપુરની સત્તાના સીમાડા વધાર્યા. હસ્તિનાપુરની રાજ્યની તિજોરીનાં તળિયાં દેખાતાં હતાં તે તિજોરી ધન, ઝવેરાતથી છલકાવી દીધી.

પરાક્રમી પાંડુના લગ્ન પણ ભીમે જ ગોઠવ્યા. ભોજરાજની રાજકુમારી કુંતી સાથે તેના લગ્ન થયા. માદ્રી દેશની રાજકુમારી માદ્રીના લગ્ન પણ પાંડુ સાથે ગોઠવ્યા.

ઘણાં ઘણાં પરાક્રમોથી હસ્તિનાપુરની તાકાત ને ગૌરવ પાંડુએ વધાર્યાં હતાં, પણ જુવાનીની તમામ શક્તિ વેડફી નાખી હતી. જન્મથી જ રોગિષ્ટ પાંડુએ પરાક્રમોની સફળતા ભલે પ્રાપ્ત કરી, પણ દેહનાં કૌવત-શક્તિ ગુમાવી બેઠો હતો.

હવે તે દરબારમાં પણ જઈ શકતો ન હતો. ભીષ્મ પાંડુની શારીરિક બેહાલી વિષે સવિશેષ ચિંતાતુર હતો. તેની તબિયત સુધારવા માટેના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. ભીષ્મની ઉદાસીનતા વધી પડતી હતી.

તેની સારવારમાં રહેલા વૈદે કુંતી અને માદ્રીને તાકીદ કરી હતી, ‘સોળ શણગાર સજી તમે કોઈ મહારાજ પાસે જશો નહિ. તેઓ ઉત્તેજિત થાય તેવી કોઈપણ પ્રક્રિયા કરશો નહિ.’ ને પછી ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું, ‘તેઓ ઉત્તેજિત થશે. તો કદાચ જોખમ થશે.’

ભીષ્મ, સત્યવતી પણ વૈદની સૂચના પછી વધુ ગંભીર બની ગયા હતા. સત્યવતી બધો જ વખત તેની જાતને જ દોષિત કરાવતી હતી. ભીષ્મે તેને સમજાવતો, હૈયાધારણ દેતો કહેતો, ‘ના, મા, ના ! તમે અકારણ વિલાપ કરેા છે. પાંડુએ કેવા પ્રચંડ સાહસો કર્યાં છે ? તેણે પિતાજીના રાજ્યની સીમા કેટલી બધી વધારી દીધી ? હસ્તિનાપુરની તાકાત પણ કેટલી મોટી બની રહી છે, મા’ પછી પૂછતો, ‘પછી ભાઈ, પાંડુને સંપૂર્ણ આરામની જરૂર પણ પડે જ ને?’

‘જાણું છું. ભીષ્મ, બધું જ જાણું છું !’ દુઃખભર્યા સ્વરે સત્યવતી બોલતી હતી, ‘પણ મારું દુર્ભાગ્ય તો જુઓ ભીષ્મ, તમારા હક્ક પર મેં તરાપ દીધી તેનું કેવું પરિણામ હું ભોગવી રહી છું ?’ તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી થઈ. ગદ્‌ગદ કંઠે બોલી, પાંડુને કાંઈ થયું તો ?’હિ

તેણે મોટાં ડૂસકાં પણ દેવા માંડ્યાં.

ભીષ્મ પણ ખિન્ન બની ગયો. વૈદની સૂચના પછી ભીષ્મના મનમાં પણ ભીતિ હતી, ‘કદાચ પાંડુ ઢળી પડશે તો?’

વૈદની સલાહનો મર્મ તેમણે તારવ્યો. તેમણે વ્યથાભરી સત્યવતી સમક્ષ વાત મૂકી, ‘મા, તમે જો રજા આપો તો પાંડુને હિમાલયની ગોદમાં, ઋષિઓના આશ્રમના સાંનિધ્યમાં થોડો સમય આરામ કરવા મોકલીએ.’

ભીષ્મની વાત સત્યવતીને તરત જ જચી ગઈ. તેણે જાણવા માંગ્યું, ‘પછી રાજગાદીનું શું?’

‘એ માટે વ્યવસ્થા થઈ શકે તેમ છે.’ એમ બોલતાં ભીષ્મે સૂચવ્યું, ‘વિદુરજી, પાંડુની ગેરહાજરીમાં વહીવટ સંભાળે, રાજગાદી પર તો પાંડુ છે જ. તેની ગેરહાજરીમાં વિદુરજી ભલે વહીવટ સંભાળે. જરૂર હશે તો પાંડુની અનુમતી પણ લેવા કોઈકને દોડાવી શકાશે.’

સત્યવતી પણ ભીષ્મની દરખાસ્ત સાથે સંપૂર્ણ પણે સહમત થઈ. પાંડુ પણ હવે રાજવહીવટથી થાકી ગયો હતો. બીમાર હોવા છતાં પણ રોજ કોઈ ને કોઈ પ્રશ્ન વિષે ચર્ચા કરવા માટે મંત્રી દોડતાં આવતાં હતાં. પાંડુ વધુ શ્રમિત થતો હતો. તે પણ હવે સંપૂર્ણ પણે ફારેગ થવા ઇચ્છતો હતો. તેણે ભીષ્મ સમક્ષ વાત મૂકી, ‘મને હવે અહીંથી જવા દો, પિતામહ !’ પાંડુએ ભીષ્મને પિતામહનું સંબોધન કર્યું ને પછી ભીષ્મને પિતામહના નામે જ બધા ઓળખતા થયા. પિતામહ પાંડુની વાત સાથે સહમત થયા. તેમને પણ ભય હતો. રોજિંંદા વહીવટી પ્રશ્નોનાં કારણે કદાચ પાંડુની તબિયત વધુ બગડશે એટલે જેમ બને તેમ જલદીથી પાંડુ કોઈ શાંત, એકાંત સ્થાને પહોંચી જાય. ત્યાં સંપૂર્ણ આરામ કરે તે જરૂરી હતું.

હિમાલયની તળેટીમાં ઋષિમુનિઓના સાંનિધ્યમાં જ તેને માટેની ગોઠવણ કરી. પાંડુ, કુંતી અને માદ્રી હિમાલયની ગોદમાં ઋષિમુનિઓની તપોભૂમિમાં વસવાટ કરવા પહોંચી ગયાં.

પાંડુની ગેરહાજરીમાં રાજ્ય કારોબાર સંભાળવા ભીષ્મે વિદુરને જણાવ્યું પણ વિદુરે ના ભણી. મને આવા કામમાં રસ નથી. હું તો તમે કહો તે કરું છું. કારોબાર વિષેની મને કોઈ સમજ પણ નથી.’

વિદુરની ના પછી હવે ધૃતરાષ્ટ્ર પર જ ભીષ્મની નજર હતી. ધૃતરાષ્ટ્ર જો અંધ ન હોત તો ગાદી તેને જ પ્રાપ્ત થઈ હોત. પાંડુની ગેરહાજરીમાં રાજકારોબાર કોઈકે તો સંભાળવો જ જોઈએ.

‘તો હવે તમે તૈયાર થાવ, ભીષ્મ !’ સત્યવતી ભીષ્મને કહી રહી, પાંડુ સ્વસ્થ થઈને પાછો ફરે નહિ ત્યાં સુધી તમે ગાદી પર બેસો.’ પછી હળવેથી સ્મિત રેલાવતાં બોલી, ‘આખરે ગાદીના સાચા અધિકારી તો તમે જ છો ને ? તો થોડો સમય તમે સંભાળો.’

‘ના, મા, એવી કોઈ વાત કરશો નહિ.’ ભીષ્મ બોલ્યા. વધુમાં સ્પષ્ટપણે જણાવી દીધું, ‘જેનો ત્યાગ કર્યો તેની સામે દૃષ્ટિપાત કરવાની મારી ઇચ્છા નથી. મને ક્ષમા કરી, મા !’

‘તો હવે ધૃતરાષ્ટ્ર જ બાકી રહ્યો ને?’ સત્યવતી સચિંંત બોલી ને ઉમેર્યું, ‘તે આંધળો છે એટલે તે કારોબાર શી રીતે સંભાળી શકશે ?’ પ્રશ્ન કર્યો.

ભીષ્મના મનમાં ચિંંતા હતી. ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે પેલી કહેવત પ્રમાણે જેનો આગેવાન આંધળો તેનું લશ્કર કૂવામાં જ પડે. પાંડુ વનમાં ગયો છે ને અંધ ધૃતરાષ્ટ્ર ગાદી પર બેઠો છે, તેની જાણ થતાં પાંડુની તાકાતથી જેઓ હજી પણ થરથરે છે તેઓ હિંમતવાન બનીને કદાચ હસ્તિનાપુર પર આક્રમણ કરે તો અંધ ધૃતરાષ્ટ શું કરી શકવાનો હતો ? તેની આજ્ઞા પ્રમાણે જ સેનાપતિને વ્યૂહરચના કરવાની હોય. એ વ્યૂહરચનામાં તેણે પણ ભાગ લેવો જોઈએ. પણ હતાશા ઠાલવતાં ભીષ્મ સ્વગત બોલી રહ્યો. ‘અંધ ધૃતરાષ્ટ્ર શું કરવાનો હતો ? તેની સમજ પણ કેટલી ?’

તેના ચહેરા પર ચિંતાની રેખાઓ રમતી હતી. સત્યવતી પણ દ્વિધામાં હતી. ભીષ્મના ચહેરા પરની ચિંતા જોઈ તેણે કહ્યું, ‘ભીષ્મ, પ્રશ્ન ઘણો જ વિકટ છે ખરું ને ?’

‘હા, મા ! પણ બીજો વિકલ્પ શો છે?’ ભીષ્મે જવાબ દીધો.

‘વિકલ્પ તા છે જ, પણ ભીષ્મ તૈયાર નથી એટલે મૂંઝવણ છે.’ સત્યવતીએ તેના મનોભાવ ઠાલવતાં ફરી ભીષ્મને આગ્રહ કર્યો, ‘થોડા સમય માટે તમે જ સંભાળો તો? આપદ્‌ધર્મ છે. તમે ક્યાં હંમેશ માટે ગાદીપર બેસો છો? માત્ર થોડા સમય માટે તમારે જવાબદારી સંભાળવી જોઈએ.’ કાકલૂદી કરતી હોય એમ દ્રવિત સ્વરે કહી રહી, ‘ભીષ્મ, તમે હઠાગ્રહી ન બનો. આફતની ક્ષણોમાં તમારે થોડા ઉદાર પણ થવું જોઈએ’

સત્યવતીના સતત આગ્રહ છતાં ભીષ્મ તેમના નિર્ણયમાં મક્કમ હતા. ‘પ્રતિજ્ઞાપાલનમાં કોઈ અપવાદ ન હોય, મા ! તેનું સંપૂર્ણ પણે પાલન થવું જ જોઈએ.’

‘તો હવે ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક કરો.’

‘રાજ્યાભિષેક નહિ, માત્ર ગાદી સંભાળે.’ભીષ્મે સત્યવતીની સલાહનો વિરોધ કરતાં કહ્યું, ‘જો પાંડુએ ગાદીત્યાગ કર્યો હોય તો ધૃતરાષ્ટ્રનો તમે કહો છો તેમ તેનો રાજ્યાભિષેક જરૂર કરવો જોઈએ. પાંડુ આરામ કરવા હિમાલયની તળેટીમાં ગયો છે. એટલે રાજા તો પાંડુ જ રહે છે. ધૃતરાષ્ટ્ર માત્ર પાંડુની ગેરહાજરીમાં ગાદી સંભાળે એ જરૂરનું છે.’

‘ભલે એમ રાખો. સત્યવતી ભીષ્મની વાત માન્ય કરતાં બોલી ને પૂછ્યું, ‘આંધળાની લાકડી તો તમે જ બનશો ને?’

‘ના, મા. હું નહિ, પણ વિદુર બનશે.’

‘વિદુર તૈયાર થશે ખરો?’

‘તૈયાર થવું જ પડશે.’

‘તો તેને બોલાવો ને તેની મંજૂરી મેળવી લો.’ વિદુર ભીષ્મની વાતનો સ્વીકાર કરતાં અચકાતો હતો. તેને રાજકાજમાં કોઈ જ ઉત્સાહ નહોતો. રસ નહોતો એટલે તે તૈયાર થતો નહોતો.

ભીષ્મે તેને સમજાવ્યો, ‘પાંડુની ગેરહાજરી કોઈ પણ રીતે જાહેર થવી ન જોઈએ. એ માટે તારે ધૃતરાષ્ટ્ર સાથે જ રહેવું પડશે.’

આખરે વિદુર તૈયાર થયો ને હસ્તિનાપુરની ગાદી પર ધૃતરાષ્ટ્રે આસન સભાળ્યું.

ભીષ્મે ધૃતરાષ્ટ્રના હાથમાં રાજ્યની ધૂરી મૂકતાં કહ્યું, ‘પાંડુ સ્વસ્થ થઈ પાછો ફરે ત્યાં સુધી આપણા પિતાજીની ગાદી તમે સંભાળો. વિદુર તમારી સાથે જ હશે. જરૂર પડે તો મને પણ બોલાવજો. પાંડુની સિદ્ધિઓની બરાબર જાળવણી કરવી જરૂરી છે.’

ધૃતરાષ્ટ્ર માટે આ પરમ આનંદની ઘડી હતી. પોતાનો જ હક્ક હોવા છતાં પોતાની અંધ સ્થિતિનો લાભ લઈને પાંડુને ગાદી દીધી. આખરે તેનો હક્ક હતો. તેને ગાદી સુપ્રત કરવી પડી ને? મનના આનંદ દબાવીને ગંભીરતાથી ધૃતરાષ્ટ બોલ્યો, ‘પિતામહના સાંનિધ્યનું બળ મને હંમેશા પ્રેરણા દેશે. વિદુર મારો ભોમિયો બનશે પછી હસ્તિનાપુરની ગાદી પર કોઈ ભય, જોખમ હશે નહિ.’

ધૃતરાષ્ટ ગાદી પર બેઠો.