← પ્રકરણ ૧૩ પિતામહ
પ્રકરણ ૧૪
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૫ →






૧૪
 

‘પિતામહ, આપને જાણીને આનંદ થશે કે દુર્યોધને પાંડવોનાં મનમાં પાંડુના અવસાન અંગેની ગમગીની દૂર કરીને તાજગીભર્યા વાતાવરણમાં તેમના રાજ્યનો પ્રારંભ કરે એ માટે વાતાવરણમાં તેના પોતાના આરામ માટે બંધાવેલાં નવા મહેલમાં પાંડવો થોડો સમય વિશ્રામ કરે એવી ઇચ્છા પ્રદર્શિત કરી છે. વાતાવરણનું કુદરતી સૌંદર્ય પાંડવોની ગમગીની દૂર કરીને તાજગી બક્ષે એવી છે. ચોપાસ નર્યું સૌંદર્ય પથરાયેલું છે. વળી ત્યાંની પ્રજા પણ પાંડુના પુત્રોનું સન્માન કરવા ઉત્સુક છે. તો ભલે તેમને ગમે ત્યાં સુધી વારણાવતમાં રહે.’

પિતામહ સમક્ષ ધૃતરાષ્ટ્ર તેના પુત્ર દુર્યોધનની ઉદારતાના દર્શીન કરાવતો હોય એમ પાંડવોને વારણાવત મોકલવા માટેની દરખાસ્ત મૂકતો. જાણે બંને પિતાપુત્ર પાંડવોના હમદર્દ જ નહિ, પણ હિતેચ્છુ એવો દેખાવ કરતાં હતા.

ધૃતરાષ્ટ્રની દરખાસ્ત સાંભળતાં પિતામહ પણ પહેલાં તો આશ્ચર્યમાં ડૂબી ગયા. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન પ્રત્યેનો ભાવ પણ વધી પડ્યો. તેમણે સહર્ષ કહ્યું, ‘ધૃતરાષ્ટ્ર, ભાઈઓ વચ્ચે આવા ભાવ સદા રહે એમ હું ઇચ્છું છું.’

‘તો તમે યુધિષ્ઠિરને સમજાવશો ?’

‘એમાં સમજાવવાની શી જરૂર છે? યુધિષ્ઠિરને તેના કાકા અને ભાઈ પ્રત્યે ઘણો ભાવ છે. એટલે તેઓ આ દરખાસ્ત ખુશીથી સ્વીકારશે. ‘પિતામહે પણ આનંદભેર પાંડવો વતી ખાતરી દેતાં કહ્યું, ‘હા, કુંતી અને પાંડવો હજી પણ પાંડુના અવસાનથી ગમગીન છે. તેમને થોડો સમય કુદરતના સાંનિધ્યમાં રહેવાની તક મળતી હોય તો તેમણે તેનો સ્વીકાર કરવો જોઈએ.’

‘પ્રફુલ્લ ચિત્તે પછી તેમના નવા રાજ્યનો પ્રારંભ કરે.’ ધૃતરાષ્ટ્ર બોલી ઊઠ્યો, ‘જરૂરી તમામ સહાય કરવા દુર્યોધન તૈયાર છે.’ પિતામહ અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો આ સંવાદ એક બાજુ શાંતિથી બેઠેલો વિદુર સાંભળતો હતો. ધૃતરાષ્ટ્રની દરખાસ્ત વિષે તેના મનમાં અજાણતાં પણ શંકા જાગી. પાંડવોને વારણાવત મોકલવાની યોજના એ કોઈ દુષ્ટ બુદ્ધિનું કાવતરું હોય આવી શંકા પણ જાગી. તે સાવધ થયો. પિતામહે કુંતી સમક્ષ ધૃતરાષ્ટ્રની પાંડવો પ્રત્યેની લાગણી વિષે વાત કરતાં વારણાવતના મહેલમાં થોડો સમય આરામ કરવા જવાની ઇચ્છાને વ્યક્ત કરતાં કહ્યું,

‘ગમે તેમ તો પણ એક જ લોહી છે ને, કુંતી ?’ પિતામહે કહ્યું. ‘પાંડવો તેમના અલગ રાજ્યની સ્થાપના કરે તે પહેલાં તેઓ તનમનથી વધુ સ્વસ્થ હોય, વધુ તાજગીભર્યા હોય એ જરૂરી છે. ધૃતરાષ્ટ્રની સાથે હું પણ સંમત છું.’

કુંતી તો ધૃતરાષ્ટ્રની દરખાસ્ત વિષે સાંભળતાં એકદમ હર્ષાન્વિત બની ગઈ. તેણે ધૃતરાષ્ટ્રની પ્રસંશા ગીતાના પાઠ શરૂ કર્યા, ‘આખરે જેઠજી સમજે છે ને કે પાંડવોના પિતાના કારણે જ તેઓ ગાદી પર ગોઠવાયા અને દુર્યોધનને હસ્તિનાપુરનું રાજ્ય પ્રાપ્ત થયું છે. પછી પાંડવોની આટલી પણ કાળજી ન લે તો કેમ ચાલે ?

કુંતીની દલીલ પિતામહ સ્મિત વેરતાં સાંભળી રહ્યા. ‘ગમે તેમ પણ કુરુવંશના ઉજ્જવળતાના મને આજે દર્શન થયાં, કુંતી.’ તેમણે પ્રત્યુત્તરમાં પોતાનો મનોઆનંદ વ્યક્ત કરતાં કહ્યું ને સહર્ષ ઉમેર્યું, ‘હવે કોઈ તાકાત હસ્તિનાપુર સામે આંગળી ઊંચી કરી શકશે નહિ. પાંચ નહિ, સો નહિ, પણ એકસો પાંચ કુરુવંશના સંતાનો એ ઊંચી થયેલી આંગળીનો કૂચો વાળી દેશે.’

વિદુરનું મન શંકાથી ભરેલું હતું, ધૃતરાષ્ટ્રની તે સાવ નજદિક હતો. ધૃતરાષ્ટ્રનો તેના પર વિશ્વાસ પણ હતો એટલે યુધિષ્ઠિરના જન્મના સમાચાર જ્યારે ધૃતરાષ્ટ્રને મળ્યા ત્યારે ધૃતરાષ્ટ્રે હૈયાવરાળ ઠાલવી હતી. તેનાં દર્શન કરતાં વિદુર ઠરી ગયો હતો.

ધૃતરાષ્ટ્રે ત્યારે વિદુરને કહ્યું હતું, ‘વિદુર, હસ્તિનાપુરની ગાદી યુધિષ્ઠરને કેમ દેવાય ? આ ગાદી તો મારી છે. ભલેને મારો વિધિવત્ રાજ્યાભિષેક થયો ન હોય, પણ પ્રત્યક્ષ રાજા તો ધૃતરાષ્ટ્ર છે ને ? પછી ગાદીવારસ પણ ધૃતરાષ્ટ્રનો દીકરો જ હોય ને?’ સાથે અફસોસ પણ ઠાલવતો હતો, ‘ગાંધારી બે વર્ષથી ગર્ભ ધારણ કરી રહી છે, પણ પ્રસૂતા થશે જ ને ? હસ્તિનાપુરની ગાદીનો વારસ યુધિષ્ઠિર નહી પણ ગાંધારીનો પુત્ર જ હશે.’

વિદુરના મનમાં ત્યારે ધૃતરાષ્ટ્ર વિષે જે ચિત્ર અંકિત થયું હતું તે વિચિત્ર હતું. એ ચિત્ર અત્યારે વધુ સ્પષ્ટપણે તેના મનોપ્રદેશમાં અંકિત થતું હતું.

પાંડવોને વારણાવત મોકલવા પાછળ ચોક્કસ કોઈ મેલી રમત છે એમ પણ તેને સમજાતું હતું, એટલે તે પિતામહને સાવધ રહેવા સમજાવતો હતો.

‘પિતામહ, મને તો ધૃતરાષ્ટ્રની દરખાસ્તમાં કોઈ અમંગળ ઘટનાની શંકા આવે છે.’ વિદુરે પોતાની શંકા વિષે જાણ કરતાં કહ્યું, ‘કદાચ પાંડવોનો કાંટો દૂર કરવાનો બેત હોઈ શકે.’

વિદુરની શંકાનો લાંબો ઉપહાસ કરતાં હોય એમ પિતામહ હસી પડ્યા. પછી ઠપકાભરી ભાષામાં તેમણે વિદુરને સમજાવ્યું, ‘ભાઈ-ભાઈને વિષે લાગણીભર્યું વર્તાવ કરે તેમાં શંકાને ક્યાં સ્થાન છે ?’ ને ઉમેર્યું, ‘બધું. શાંતિથી પતી ગયું છે. ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની ગાદી જોઈતી હતી તે પ્રાપ્ત થઈ. પાંડવો તો હજી હવે પોતાની ગાદી માટેના સ્થાનની પસંદગી કરશે. તેને સહાય કરવા પણ ધૃતરાષ્ટ્ર તૈયાર છે. પછી શંકાને સ્થાન ક્યાં છે ?’

પિતામહના લાંબા પ્રવચન છતાં પણ વિદુરના મનની શંકા શાંત થતી ન હતી, તેણે ફરીથી આગ્રહપૂર્વક કહ્યું, ‘તમે હમણાં પાંડવોને વારણાવત જવાની સલાહ ન આપશો.’

‘કેમ ? શો વાંધો છે ? દુર્યોધનનો નવો મહેલ તૈયાર થઈ ગયો હોય તો પાંડવો ભલે જાય.’ પિતામહે કહ્યું. પિતામહની દલીલથી વિદુર મનમાં ખિજાયો હતો. કદાચ તેમના સ્થાને કોઈ બીજી વ્યક્તિએ આવી દલીલ કરી હોત તો તે ઉશ્કેરાઈ પણ ગયો હોત. પણ પિતામહની દલીલ સામે ગંભીરતા ધારણ કરી શાંત રહ્યો હતો.

‘પણ થોડાં અઠવાડિયાં મોડા જશે તો ?’ વિદુર તેની શંકાના નિવારણ માટે પ્રયાસ કરતો હતો. તે ધૃતરાષ્ટ્ર ન જાણે તેમ વારણાવત જવા ઇચ્છતો હતો, પણ તેની યોજના જાહેર થવાના ભયે તે પિતામહને કહી શકતો ન હતો.

કુંતી પણ ઉપસ્થિત હતી. વિદુરના મનની શંકાથી તે પણ થોડીઘણી શંકાશીલ બની હતી. તેણે કહ્યું, ‘ભલે હમણાં જવાની ઉતાવળ નહિ કરીએ.’ ને વિદુરને પૂછ્યું, ‘હવે શાંતિ થઈ ?’

‘શાંતિ ક્યાંથી થાય ભાભી ?’ દંતાવલી વચ્ચે અધરોષ્ઠને દબાવતાં વિદુર બોલી રહ્યો, ‘ધૃતરાષ્ટ્રને તમે જાણતાં નથી. પિતામહ તો તેમના જેવા જ બીજાને પણ જુએ છે. હું તો ધૃતરાષ્ટ્રની રગરગનો જાણકાર છું, પિતામહ !’

વિદુર જ્યારે બોલતો હતો ત્યારે પિતામહ ધ્યાનપૂર્વક તેની સામે જોઈ રહ્યા હતા. વિદુર વિષે તેમના મનમાં ભારે આદરભાવ હતો. તે ભાગ્યે જ બોલતો. પણ જ્યારે બોલતો ત્યારે તેના શબ્દોનું વજન પડતું હતું. પિતામહના મન પર વિદુરના શબ્દોનું વજન પડતું હતું. તે પણ વિદુરની શંકા વિષે ગંભીર હતા.

‘વિદુર, તારી શંકા અસ્થાને તો નહિ જ હોય. પણ હવે બીજો માર્ગ શો ? ધૃતરાષ્ટ્રની વાત મેં માન્ય રાખી. હવે તેને ના પણ કેમ કહેવાય ?’ પિતામહે પ્રશ્ન મૂક્યો ને ઉમેર્યું, ‘ના ભણવા જતા ધૃતરાષ્ટ્રને માઠું લાગે. ભાઈ, તું જાણે છે કે હજી પાંડવો માટે જે કાંઈ લેવાનું છે તે તેની પાસેથી લેવાનું છે. હસ્તિનાપુરનો રાજા તે છે એટલે તેને નિરાશ કરવાની જરૂર નથી.’

‘જાણું છુ પિતામહ !’ વિદુરે પિતામહની ચિંંતા વિષે કહ્યું, ‘તમે ચિંંતિત છો, પણ હું ના ભણવાનું કહેતો નથી. તમારી ચિંંતા સકારણ છે. હું તો તત્કાલ થોભી જવાની સલાહ આપું છું.’

‘પછી ?’

‘પછી હું વારણાવત જઈને દુર્યોધને નવા બંધાવેલા રાજભવનની તપાસ કરી આવું. પછી જવાની ગોઠવણ કરો એટલી જ મારી વાત છે.’ વારણાવત જઈ તપાસ કરવાની વિદુરની વાતે પિતામહના મનમાં શંકા જાગ્રત કરી. તેમને પણ શંકા થઈ કે, કદાચ વિદુરની વાતમાં તથ્ય હોઈ શકે. પાંડવોને અર્ધું રાજ્ય આપવું પડે તેના કરતાં પાંડવોનો જ નાશ થાય તો હસ્તિનાપુરનું આખું રાજ્ય તેને જ મળે તેવી કોઈ દુષ્ટ વિચારણા હોય. પણ તરત જ એમના મનમાં પ્રશ્નો ઊઠ્યા, ધૃતરાષ્ટ્ર આવો વિચાર કરી જ કેમ શકે ? હસ્તિનાપુરનું રાજ્ય ખોબા જેટલું હતું. તેનો વ્યાપ, વિસ્તાર તો પાંડુએ જ કર્યો ને યુદ્ધોમાં તેની જિંંદગી તબાહ થઈ એ પણ તે ભૂલી ગયો હશે ?

શંકા-કુશંકાનાં વાદળો પિતામહના મનોપ્રદેશ પર જામતાં હતાં. વિદુર પિતામહની અનુમતી માંગતો તેમની સામે બેઠો હતો. તેઓ કોઈ નિર્ણય પર આવી શકતા નહોતા. વિદુરની વાતો પર તેમને વિશ્વાસ હતો, પણ ધૃતરાષ્ટ્ર આવી યોજના કરે એ વાતનો સ્વીકાર કરવા તેઓ તૈયાર નહોતા.

વિદુર અને પિતામહને ગંભીર મૌન ધારણ કરી બેઠેલા જોઈ કુંતીના મનમાં પણ સળવળાટ થવા લાગ્યો. તેને પણ વિદુરની શંકા વિષે સમાધાન જોઈતું હતું. એટલે મૌન અને નિરવતાનો ભંગ કરતાં તેણે વિદુરને કહ્યું, ‘હા, દિયરજી ! તમે તપાસ કરી આવો પછી જવાનો નિર્ણય કરશું.’ અને પિતામહને જણાવ્યું, ‘પિતામહ, તમે ચિંતા છોડો. હું જાતે ધૃતરાષ્ટ્ર પાસે જઈને હમણાં વારણાવત જવાની કોઈ ઉતાવળ નથી, પછી નિરાંતે જઈશું એમ જણાવી દઉં છું. તમે ચિંંતા ન કરશો.’

‘ચિંંતા કરવાથી તો થતી નથી ને કુંતી ?’ પિતામહે પ્રશ્ન કર્યો, ‘કારણ પેદા થાય ત્યારે ચિંંતા થાય.’

‘ધૃતરાષ્ટ્ર કહે એટલે તરત જ જવું પડે એવું ઓછું છે?’ કુંતી કહી રહી, ‘હમણાં પાંડવોની તાલીમ પૂરી થઈ નથી. એ પૂરી થતાં જઈશું એમ તો કહી શકાય ને?’ કુંતીની દલીલ જોરદાર હતી. તેણે ઉમેર્યું, એ દરમ્યાન વિદુરજી તેમની શંકાનું સમાધાન શોધી લેશે ને અમને પણ નિરાંત થશે.’

હવે પિતામહ પણ વિશેષ દલીલ કરવા ઇચ્છતા નહોતા, તેમણે કુંતીની વાતનો સ્વીકાર કરતાં કહ્યું, ‘ભલે, તમે જ ગોઠવણ કરી લેજો. ધૃતરાષ્ટ્રને પણ કોઈ ઉતાવળ ન હતી. જોકે દુર્યોધન ઉતાવળો થતો હતો. તેણે મંત્રી પુરોચનને પણ તાકીદ કરી: ‘હવે વારણાવતના રાજભવનની કામગીરી સત્વરે પૂર્ણ કરો. મારા ભાઈઓ ત્યાં રહેવા જવાના છે. કોઈ કમીના તેમને ન જણાય તેવી બધી જ વ્યવસ્થા થઈ જવી જોઈએ.’

પુરોચન દુર્યોધનને વિશ્વાસ દેતો હતો ‘રાજભવન સંપૂર્ણ - રીતે વસવાટ માટે સજ્જ છે. છતાં પાંડવો ત્યાં વસવાટ કરશે એટલો સમય હું ત્યાં રહીશ. તેમની જરૂરત પૂરી કરી દઈશ. તમે ચિંંતા ન કરો, મહારાજા !’

‘મહારાજા, હમણાં ન કહો હજી વાર છે.’ દુર્યોધને મુશ્કાન કરતાં પુરોચનને કહ્યું, ‘હમણાં તો ભાઈઓની ખિદમત કરવા દે ને ભાઈ ?’

વિદુર થોડા દિવસમાં વારણાવતની મુલાકાતેથી પાછો ફર્યો. તેની વારણાવતની મુલાકાત વિષે દુર્યોધન અજાણ હતો. તે જાણે નહિ તેની વિદુરે પૂરતી કાળજી લીધી હતી.

‘કહો વિદુરજી, હવે પાંડવો વારણાવત જવાની તૈયારી કરે ને?’ પિતામહ વિદુરની સમક્ષ ઉપસ્થિત થતાં પૂછી રહ્યા.

‘ભલે જાય !’વિદુરે અનુમતી આપી, પણ તેનામાં કોઈ ઉત્સાહ ન હતો. તેના ચહેરા પર ખિન્નતા હતી. તેણે વધુમાં કહ્યું, ‘પાંડવોની સાથે મારે થોડો વખત વારણાવતના રાજભવનમાં રહેવું પડશે.’

‘તમે શા માટે રહેવા જાવ?’

‘જરૂર છે, પિતામહ !’ વિદુરે આગ્રહ જારી રાખતાં કહ્યું, ત્યાં પાંડવો તદ્દન અજાણ્યા, લોકો પણ તેમને જાણે નહિ. વળી રાજભવનમાં તેમને કોઈ તકલીફ હોય તો તેનું નિવારણ કરવા પણ મારી જરૂર પડે. એટલે થોડો સમય રોકાઈને પાંડવોને ત્યાં જ બધું બરાબર ગોઠી જાય પછી હું પાછો ફરીશ.’

‘પણ ધૃતરાષ્ટ્ર હા ભણશે ?’

‘શા માટે હા ન ભણે?’ વિદુરે કહ્યું, ‘હું જાતે જ મોટાભાઈને સમજાવીશ. પાંડવો વ્યવસ્થિતપણે ત્યાં ગોઠવાઈ જાય એ માટે તેમને મૂકવા હું જવાનો છું. એમ કહી તેમની રજા લઈશ. પછી ચિંંતા ખરી ?’ પિતામહ વિદુરની બુદ્ધિપ્રતિભા પર ખુશ થયા. તેમને ખાતરી હતી કે વિદુર સમજપૂર્વકનો દાવ ખેલે છે. તેની શંકા વધુ દૃઢ થઈ હશે એટલે પાંડવોની સાથે જવાની તે તૈયારી. કરે છે.’ મનોમન પિતામહ વિદુરની પ્રસંશા કરતાં રહ્યા.

આખરે કુંતી અને પાંડવો વારણાવત જવા તૈયાર થયાં. ધૃતરાષ્ટ્રે તેમને સલાહ દીધી, ‘જો ભાભી, તમે જરા પણ ઉતાવળા ન થતાં, પાંડવોના મનમાં પાંડુના અવસાનની જે વેદના છે, જે હતાશા છે, તે દૂર થાય નહિ ત્યાં સુધી પાછા ફરવાની કોઈ ઉતાવળ ન કરતાં.’ ને ઉમેર્યું, ‘હમણાં દુર્યોધનને પણ આરામ કરવા ત્યાં દોડી જવાની જરૂર નથી. હું તેને સમજાવીશ. તમે ને પાંડવો નિરાંતે ત્યાં અનુકૂળ હોય ત્યાં સુધી રહેજો.’

કુંતીની પડખે ઊભેલા યુધિષ્ઠિરના માથા પર હાથ મૂકી વાત્સલ્ય ઢોળતો હોય એમ અંધ ધૃતરાષ્ટ્ર તેને સમજાવતો હતો ‘જો દીકરા, તમે બધા સંપૂર્ણપણે સ્વસ્થ થાવ. પછી જ પાછા ફરજો. અહીં આવ્યા પછી નવા રાજ્યની રચનામાં તમને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડશે. જોકે હું અને દુર્યોધન તમને બનતી બધી જ મદદ કરીશું. નવું પાટનગર પણ તમારે બનાવવું પડશે જ ને? તેની કાંઈ ચિંંતા ન કરો. બધું જ થઈ રહેશે.’

યુધિષ્ઠિરે આભારવશ વડીલની અદા રાખીને કહ્યું, ‘બધું તમારે જ કરવાનું છે ને વડીલ ? અમારા માટે તો તમારો જ સહારો છે ને કાકા ?’

‘હા, હા, હું બેઠો છું ત્યાં સુધી તમારી બધી જ ચિંંતા મારે કરવાની હોય એ હું જાણું છું.’ મુશ્કાન કરતાં ધૃતરાષ્ટ્રે વિશ્વાસ દીધો.

સૌ વારણાવત પ્રતિ કૂચ કરી રહ્યાં.

‘વિદુર, તું પણ એમની સાથે જા, તેમને નવા, અજાણ્યા સ્થાને કોઈ પરિચિતના સહારાની પ્રારંભમાં જરૂર પડે એટલે તું ત્યાં હો તો તેમને પણ થોડી રાહત રહે.

ધૃતરાષ્ટ્રે વિદુરને પાંડવો સાથે જવાની આજ્ઞા કરી.

‘જેવી આપની આજ્ઞા, મોટાભાઈ!’ વિદુરે ધૃતરાષ્ટ્રની આજ્ઞા માથે ચઢાવતાં કહ્યું, ‘હું પાંડવોની સાથે જાઉં છું. પછી પાછો ફરીશ.’

‘પાછા ફરવામાં ઉતાવળ ન કરતો. તેમનું ગોઠવાઈ જાય પછી જ ભાભીને પૂછીને પાછો ફરજે.’ ધૃતરાષ્ટ્રે સલાહ આપી.

વિદુરને પાંડવોની સાથે મોકલવાની વાત દુર્યોધનને ગમતી ન હતી. તેણે દલીલ પણ કરી, ‘કાકાને નાહક દોડાવવાની શી જરૂર છે, પિતાજી ? ત્યાં મંત્રી પુરોચનને ભાઈઓની સેવામાં ગોઠવ્યો જ છે ને ?’

ત્યાં કુંતી બોલી ઊઠી, ‘ભલે હમણાં વિદુરજી અમારી સાથે આવે. થોડો વખત અમારી સાથે રહેશે પછી પાછા ફરશે.’ ને ઉમેર્યું, ‘હમણાં તેમને કામ પણ શું છે?’

‘ભલે વિદુરને જવા દે, દુર્યોધન !’ ધૃતરાષ્ટ્રે આદેશ દેતાં દુર્યોધનને કહ્યું, ‘હમણાં અહીં પણ તેનું શું કામ છે? ભલે થોડો વખત પાંડવોની સાથે રહે. તેમની જરૂરતોનો તેને ખ્યાલ આવે ને તે પૂરી પણ કરી શકે ને ?’

વિદુર પાંડવોની સાથે વારણાવતમાં ગયો. પછી પિતામહની ચિંતા સકારણ બની રહી. હવે તે વિદુરના પાછા ફરવાની રાહ જોતાં હતા. વિદુર પાસેથી તે હકીકત જાણવા માંગતા હતા. જેમ જેમ તેમની ઇંતેજારી વધતી હતી, તેમતેમ તેમની ચિંંતા પણ વધી રહી. તેમના મનમાં પણ તર્કવિતર્કો થયા કરતા હતા. આ તર્ક વિતર્કોમાં ધૃતરાષ્ટ્રની કોઈ મેલી રમતનો આભાસ પણ થતો હતો.

ઘણી રાહ જોવડાવ્યા પછી વિદુર પાછો ફર્યો. પિતામહ સમક્ષ તેમણે ગંભીરતાથી મનની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું, ‘પિતામહ, હું જો ગયો ન હોત તો પાંડવો કદી પાછા ફરી શક્યા ન હોત. ને ઉમેર્યું, ‘મારી શંકા અકારણ ન હતી.’

બોલતાં બોલતાં વિદુરનું હૈયું ભરાઈ આવ્યું. તેના કંઠે ડૂમો બાજી ગયો ને આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતો થયો.

વિદુરની હાલત જોતાં પિતામહ પણ દ્રવી ઊઠ્યા. તેમના મનના તરંગો, કલ્પના અને તર્કો વધી પડ્યાં.

તેમણે વ્યથાપૂર્ણ સ્વરે ચિત્કાર કર્યો, ‘ધૃતરાષ્ટ્ર આવો નરાધમ, દુષ્ટ નીકળ્યો?’

‘ના, પિતામહ, ધૃતરાષ્ટ્ર કદાચ વારણાવતના રાજભવનની ખૂબીઓથી અજ્ઞાત હશે.’ પિતામહની શંકાનું નિવારણ કરતાં વિદુર બોલ્યા, ‘તેઓ બિચારા અંધ છે. દીકરો દુર્યોધન દોરે તેમ દોરાય છે. તેમને ગતાગમ પણ શી પડે ? સાચી વાત કરે પણ કોણ ?’

‘તો આ કાવતરું દુર્યોધનનું જ હશે ખરું ને?’

‘હા!’ વિદુરે પિતામહની કલ્પનાને અનુમતી દેતાં કહ્યું. ‘પણ હવે ચિંતાનું કોઈ કારણ નથી. મેં પાંડવો ગમેતેવી આફતમાંથી પણ સરળતાથી બચી શકે તેવી પાકી વ્યવસ્થા કરી છે.’ ને પછી ઉમેર્યું, ‘એ વ્યવસ્થા દુર્યોધનના મંત્રી પુરોચનની જાણ બહાર કરવાની હતી એટલે થોડો વધુ સમય ત્યાં રોકાવું પડ્યું.’

‘શાબાશ, વિદુર !’ વિદુરની હકીકત જાણ્યા પછી પ્રસન્નતા અનુભવતાં પિતામહ બોલ્યા ને પૂછ્યું,‘શી વ્યવસ્થા કરી છે તેં ?’

જુઓ, પિતામહ, દુર્યોધને જે રાજભવન બંધાવ્યું છે તે તેના પોતાના ઉપયોગ માટે નહિ.’

‘ત્યારે દુર્યોધનના આરામ માટે બંધાવ્યું હોવાની ધૃતરાષ્ટ્રની વાત ખોટી એમ ?’ પિતામહ સાશ્ચર્ય પૂછી રહ્યા. ‘ધૃતરાષ્ટ્રે મને એમ કહ્યું હતું કે દુર્યોધને પોતાના આરામ માટે વારણાવતમાં રાજભવન બંધાવ્યું છે. તેમાં પાંડવો પ્રથમ રહે ને આરામ કરે તેવી તેની ઈચ્છા છે.’ વાત કરતાં એકદમ રોષપૂર્ણ સ્વરે પિતામહ બોલી ઉઠ્યા, ‘એ હકીકત જુઠ્ઠી કહી હરામખોર આંધળાએ.’

વિદુરે પિતામહના રોષને શાંત કરતાં કહ્યું, ‘પણ ધૃતરાષ્ટ્ર શું કરે? તેને દુર્યોધને જે જણાવ્યું હશે તે તમને કહ્યું હશે. તેઓ જાતે તો કાંઈ જોવા ગયા નથી ને ?’

‘પછી ?’

‘એ રાજભવનની દીવાલોમાં લાખનાં પૂરણ થયાં છે.’

‘લાખનાં પૂરણ ? શા માટે ?’ પિતામહ બરાડી ઊઠ્યા.

લાખ હોય એટલે એકાદ અંગારો પણ રાજભવનને અગ્નિની પ્રચંડ જ્વાલાઓમાં ધકેલી દે ને રાજભવનનો સર્વનાશ થાય. તેમાં આરામ કરનારા પણ ભરખાઈ જય.’ વિદુરે વારણાવતના રાજભવનની વિષે જણાવતાં પિતામહ ચોંકી ઊઠ્યા ને તેમનું દિલ દ્રવી ઊઠ્યું, કરુણાભર્યા દિલે ખિન્ન સ્વરે બોલ્યા, ‘પાંડવોને અર્ધું રાજ્ય આપવું ન પડે એટલા માટે જ આવો ઘાટ ઘડ્યો હશે પેલા હરામખોર દુર્યોધને ?’ એકદમ ઊભા થતાં કહી રહ્યા, ‘હું દુર્યોધનનો હમણાં જ હિસાબ લઉ છું.’

ત્યાં વિદુરે બે હાથ જોડી તેમને પ્રાર્થના કરતાં કહ્યું, ‘ના, પિતામહ ! હમણાં કોઈ વાત કરશો નહિ. જે થાય તે જોયા કરો.’ ને ખાતરી દેતાં ઉમેર્યું, ‘પાંડવોને કોઈ જફા થવાની નથી. તેમની સાથે ગોઠવણ કર્યા પ્રમાણે તે ત્યાંથી સલામત રીતે બહાર નીકળી ગંગા પાર કરીને એકાદ વર્ષ હસ્તિનાપુરમાં દાખલ થાય નહિ.’

‘શા માટે હસ્તિનાપુર ન આવે ?’ રોષભરી વાણીમાં પિતામહ પૂછી રહ્યા.

જો પાંડવ બચી ગયા છે એમ દુર્યોધન જાણશે તો તેમને મોતને ઘાટ ઉતારવાના બીજા દાવ ખેલશે ને પાંડવો અજાણતાં આફતમાં મુકાશે.’ વિદુરે ભય વ્યક્ત કરતાં ઉમેર્યું, ‘એટલે એકાદ વર્ષ પછી તે પાછા ફરે ત્યારે તેમને તેમનું અર્ધું રાજ્ય અપાવી દેવું જોઈએ.’

‘હા, જુદા થાય પછી નિરાંતે રહી શકે તો ખરા?’ વિદુરની સલાહનો સ્વીકાર કરતાં પિતામહ બોલ્યા.

‘નિરાંત ! પાંડવો નિરાંતે રહે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી.’ પિતામહના આશાવાદનો પ્રતિકાર કરતાં વિદુર બોલ્યો, દુર્યોધનની દુષ્ટતાથી હું અજ્ઞાત નથી.’ ને નિસાસો નાંખતાં ઉમેર્યું, ‘ગાંધારી ભાભીએ આંખે પાટા ભલે બાંધ્યા, પણ ભાવિ તેઓ જોઈ શકે છે.’ ને કહ્યું, ‘દુર્યોધનના જન્મટાણે જ તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું હતું, આની ડોક મરડી નાંખો. કુળનો વિનાશ કરશે આ પાપી !’ પણ ધૃતરાષ્ટ્રે તેને હૈયે વળગાડતાં ગાંધારીને કહ્યું હતું, ‘ના, હવે હસ્તિનાપુરની ગાદી યુધિષ્ઠરને મળી રહી. મારો દુર્યોધન જ ગાદી પર બિરાજશે.’

પિતામહ માટે વિદુર જે કાંઈ કહેતો હતો એ બધી જ હકીકતો નવી હતી. તે પણ વિસ્મય પામ્યા.

સમય ઝડપથી પસાર થતો હતો. ધૃતરાષ્ટ્ર અવારનવાર વિદુરને કુંતી અને પાંડવો વિષે પૃચ્છા કરતો હતો. વિદુર તેને વિશ્વાસ દેતો હતો. વારણાવતની જનતાએ પાંડુના પુત્રોનું જે ઉમળકાભેર સ્વાગત કર્યું તેનું વિસ્તારથી વર્ણન પણ કરતો હતો. ત્યારે ધૃતરાષ્ટ્ર આનંદ પામતો હતો. તેના દિલમાં ભાવિની અમંગળ ઘટના વિષે કોઈ સંકેત પણ નહોતો.

ત્યાં એક સવારે હસ્તિનાપુરમાં સમાચાર ફરી વળ્યા : વારણાવતના રાજભવનને પ્રચંડ આગની જ્વાલાએ ભરખી લીધું. પાંડવો અને કુંતી પણ તેમાં હોમાઈ ગયાં.

આ સમાચારે સન્નાટો ફેલાયો. ધૃતરાષ્ટ્રે મોટા સાદે પોક મૂકવા માંડી, ‘મારા દીકરાઓને આગ ભરખી ગઈ.’ એમ બોલતાં તેણે જ છાતી કૂટવા માંડી.

દુર્યોધન પણ અશ્રુ પાડતો, જોરજોરથી કલ્પાંત કરતો, મોટે સાદે બોલતો, ‘એ, મારા બાંધવો, તમે ક્યાં ગયા ? શું થઈ ગયું ?’ પાંડવોના અવસાનના સમાચારે હસ્તિનાપુરમાં ગમગીની વ્યાપી રહી હતી.

પિતામહ પૂછતાં, ‘દુર્યોધન, તેં તપાસ કરાવી છે ખરી?’

‘હા, પિતામહ, હા. રાજભવનની આગમાં પાંચ પુરુષો અને એક સ્ત્રી શેકાઈને ભડથું થયાં છે. મેં પૂરતી તપાસ કરાવી છે. એ પાંડવો અને કુંતીમા સિવાય બીજું કોણ હોય ?’

પિતામહ આ કલ્પાંતના કરતૂતો જોઈ ખિન્ન બની ગયા હતા. તેમના ચહેરા પર ઉદાસીનતા હતી. હૈયાફાટ વલોપાત કરતાં ધૃતરાષ્ટ્રને શાંત્વન દેતાં કહી રહ્યા, ‘મને શંકા છે, કદાચ પાંડવો સલામત પણ હોય.’

‘ના, પિતામહ, ના. પાંડવો જ અગ્નિદેવની જ્વાલાઓમાં હોમાઈ ગયા છે.’ ધૃતરાષ્ટ્ર જવાબ દેતો ને પછી જોરજોરથી ઠૂંઠવો મૂકતો.

વિદુર પણ શાંત હતો. તે મનમાં હસતો હતો. તેણે જ પિતામહને ખાતરી આપતાં કહ્યું, ‘પિતામહ, તમે પાંડવો વિષે કાંઈ જ ચિંતા ન કરશો. તે સલામત ગંગા પાર કરીને વનમાં પહોંચી ગયા હશે. યથા સમયે જરૂર પાછા આવશે જ.’

પિતામહને વિદુરના વચનોમાં વિશ્વાસ હતો, છતાં આગમાં ભડથું થયેલાં પાંચ પુરુષો અને એક સ્ત્રીના શબો વિષેની વાત તેમના મનમાં પણ શંકાનાં જાળાં હલાવતી હતી.

સમય જતાં પાંડવો ઉપસ્થિત થશે જ એવો વિદુરના વિશ્વાસ વિષે શ્રદ્ધા પણ હતી. તે પોતે વનમાં તપાસ પણ કરાવતાં હતા. પછી જ્યારે પંચાલના રાજવીની દીકરી દ્રૌપદીના સ્વયંવરમાં ગયેલા રાજાઓ નિષ્ફળ ગયા ત્યારે બ્રાહ્મણ જુવાને સફળતા મેળવીને રાજાઓની સામે હિંમતપૂર્વક લડનાર જુવાન વિષેની હકીકત તેમણે જાણી ત્યારે તેમના હોઠ પર સ્મિત ફરકી રહ્યું.

‘જોયું ને પિતામહ !’ વિદુર પિતામહને કહેતો હતો, દ્રૌપદીના સ્વયંવરમાં જ્યાં ભલભલા રાજાઓ નિષ્ફળ ગયા ત્યાં બ્રાહ્મણ જુવાને પરાક્રમ કર્યું. એ બ્રાહ્મણ જુવાન અર્જુન સિવાય બીજું કોણ હોય ? બ્રાહ્મણ જુવાન પર એક સામટા તૂટી પડેલા રાજાના મુકાબલો કરનાર ભીમ સિવાય બીજું કોણ હોય ?’

દુર્યોધન અને ધૃતરાષ્ટ્રને પણ હવે ખાતરી થઈ કે લાક્ષાગૃહમાં પાંડવો બળી ગયાની વાત ખોટી હતી.

ધૃતરાષ્ટ્રે પિતામહ સમક્ષ સખેદ કહ્યું, ‘પિતામહ, પરમાત્માની કૃપા તો જુઓ ! પાંડવો સલામત છે. દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુને સફળતા મેળવી.’ બે હાથ જોડી ભગવાનને ગદ્‌ગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યો. દુર્યોધન તેની યોજનાની નિષ્ફળતા વિષે ગંભીર હતો, પણ બાહ્ય દેખાવ આનંદનો કરતો હતો. આમ છતાં પાંડવોનો નાશ કરવા તે બીજી યોજના વિષે પણ ગંભીરતાથી વિચારતો હતો.

પાંડવોએ હવે દુષ્ટ બુદ્ધિ ધૃતરાષ્ટ્ર અને મહાપાખંડી દુર્યોધનથી દૂર રહેવાની જરૂરત પર ભાર મૂકી રહ્યા.

‘ભલે જુદું પાટનગર વસાવતાં સમય જાય પણ હવે દુર્યોધનની સાથે રહેવાની હું તમને સલાહ આપતો નથી.’ પિતામહ યુધિષ્ઠિરને કહી રહ્યા હતા. ‘હા, ધૃતરાષ્ટ્ર કાકો છે. તમારા પર દીકરા જેવા પ્રેમ ઢાળે છે પણ એ બધા હાથીના દાંત છે. તેના પેટમાં પીડા છે એટલે તેનો પણ વિશ્વાસ રાખવાની જરૂર નથી સમજ્યા ભાઈ?’

ધૃતરાષ્ટ્રે પાંડવોને અર્ધું રાજ્ય આપવાની જાહેરાત કરી તે સાથે જ સ્પષ્ટતા કરી, ‘પાંડવો તેમના પિતાની ગાદી પરનો હક્ક નહિ કરી શકે. આ ગાદી પાંડુની નથી. હવે મારી છે એટલે આ ગાદી પર મારો પુત્ર દુર્યોધનનો જ અધિકાર સ્વીકારવો પડશે.’

પિતામહે દેખીતો અણગમો બતાવ્યો. કુટુંબમાં ક્લેશ પેદા ન થાય એ હેતુથી ધૃતરાષ્ટ્રની જાહેરાતને તેમણે વધાવી લેતાં પૂછ્યું, ‘તો પાંડવોની ગાદી ક્યાં રાખવી ? નવું પાટનગર ક્યાં વસાવવું એ તો કહો?’

ધૃતરાષ્ટ્ર તેના મન સાથે દુર્યોધનની યોજનાને કામિયાબ બનાવવા ગંભીર મથામણ કરતો હતો. પછી હળવેથી બોલ્યો, ‘પાંડવો તેમની રાજધાની ખાંડવવનમાં જ વસાવે તો?’

પિતામહ ધૃતરાષ્ટ્રની આ ખાંડવવન વિષેની દરખાસ્ત વિષે ગંભીર હતા. ખાંડવવનમાં રાજધાની વસાવવાનું કામ આસાન નહોતું, પાંડવોના જાનનું જોખમ પણ હતું. તેઓ તેનો સ્વીકાર કરતાં અચકાતાં હતાં. ત્યાં યુધિષ્ઠિરે ઊભા થઈ ધૃતરાષ્ટ્રને બે હાથ જોડી વંદન કરતાં તેમની દરખાસ્તનો સ્વીકાર કરતાં કહ્યું :

‘વડીલ, આપની ઇચ્છા મને માન્ય છે.’

‘ધન્ય યુધિષ્ઠિર, ધન્ય !’ ધૃતરાષ્ટ્રના મનનો આનંદ સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો. યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રની દરખાસ્તનો સ્વીકાર કર્યા પછી પિતામહ શાંત રહ્યા. તે જાણતા હતા કે ખાંડવવનમાં રાજધાની સ્થાપવામાં રહેલા જોખમોથી ધૃતરાષ્ટ્ર સારી પેઠે પરિચિત હોવા છતાં તેણે પાંડવોને રાજધાની સ્થાપવાની સૂચના કરી તેની પાછળ ધૃતરાષ્ટ્રનો બદઇરાદો સ્પષ્ટ હતો.

યુધિષ્ઠિર ભયસ્થળોથી અજ્ઞાત નહોતો, પણ ધૃતરાષ્ટ્રે કોઈ વિવાદ સિવાય પાંડવોને રાજ્યનો અર્ધો ભાગ આપ્યો. તેને તેનું ઘણું જ મહત્ત્વ હતું.

‘પિતામહ, વડીલ કાકાની ઇચ્છા પ્રમાણે અમે ખાંડવવનમાં જ ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરીશું.’

પાંડવો ભારે પુરુષાર્થ દ્વારા ધૃતરાષ્ટ્રની સૂચના પ્રમાણે ખાંડવવનના ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી. ધૃતરાષ્ટ્રે જ યુધિષ્ઠિરના માથે રાજ્ય મુગટ મૂક્યો. પાંડવોના રાજ્યનો પ્રારંભ થયો.