← પ્રકરણ ૧૪ પિતામહ
પ્રકરણ ૧૫
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૬ →






૧૫
 

પિતામહના દિલ અને દિમાગ પશ્ચાત્તાપના અગ્નિમાં શેકાતા હતા. તેમની મનોવ્યથા અપાર હતી. ક્ષણે ક્ષણે તેમની નજર સમક્ષ દ્રૌપદીનાં વસ્ત્રાહરણનાં દૃશ્યો ખડાં થતાં હતાં. તેમના કાનમાં વસ્ત્રાહરણનો ભોગ બનેલી દ્રૌપદીના કરુણ ચિત્કારો અથડાતા હતા.

‘પિતામહ, તમે કેમ શાંત છો ? તમારી નજર સમક્ષ તમારી કુલવધૂની લાજ લૂંટાય છે ને તમે શાંત કેમ છો ?’ કાન પર દ્રૌપદીના કરુણાભર્યા શબ્દો સતત અથડાતા અને તેમની મનઃશાંતિ તૂટી જતી. તેમની આંખમાં પાણી ભરાતાં હતાં.

તેઓ પોતાની જાતને જ પૂછતાં, ‘હા, તું કુંરુવંશનો રખેવાળ ત્યાં બેઠો હતો. તારી કુલવધૂનાં વસ્ત્રો પેલો દુઃશાસન ખેંચતો હતો. દ્રૌપદી લાજ સાચવવા પોતાની તમામ તાકાતથી સાડીને પકડી રાખતી. દુઃશાસન પણ તેની તમામ તાકાતથી સાડી ખેંચતો હતો. પેલો કર્ણ તેને ઉત્તેજતો હતો. દ્રૌપદી તારી મદદ માંગતી હતી ત્યારે તું નીચી મૂંડીએ મૂંગો મૂંગો કાન બહેરા કરીને બેઠો હતો.’

જાણે તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હોય એમ પોતાની જાતને કડવા વેણ સંભળાવી રહ્યા.

‘તું તો કુરુવંશનો રખેવાળ હતો, છતાં કુરુવંશની લાજ લૂંટાતી હતી ત્યારે તારું ક્ષાત્રતેજ શાંત કેમ હતું ? તારે ઊભા થઈને દુઃશાસનના હાથ પકડવા જોઈતા હતા. દુર્યોધનને પડકારવો જોઈતો હતો. ધૃતરાષ્ટ્રને તેની આંખ ન જોઈ શકે તેવા ભયંકર દૃશ્યો અટકાવવા ઢંઢાળવો જોઈતો હતો, પણ તું સાવ નિર્માલ્યની જેમ શાંત રહ્યો. દ્રૌપદીના કરુણાભર્યા શબ્દોની પણ કોઈ અસર તને થઈ જ નહિ ?’ પોતાના બે હાથ પહોળા કરી ટીખળ કરતાં હોય એમ બોલ્યો, ‘વાહ રે, પિતામહ ! તમે તો કુરુવંશના પિતામહ છો ને ?’ ખડખડાટ હસી પડ્યા.

પિતામહની સ્વસ્થતા પર પણ તેની અસર થઈ હતી. પશ્ચાત્તાપનો દવ સતત તેમને દઝાડતો હતો.

‘હા, હું જ નિર્માલ્ય બનીને બેઠો રહ્યો. પાંડવો પરાજીત હોવાથી દ્રૌપદીની લાજની રક્ષા કરવા અસમર્થ હતા, ત્યારે નોંધારી દ્રૌપદીની લાજની રક્ષા કરવાની જવાબદારી તમારી જ હતી ને પિતામહ ?’

‘તમે યુધિષ્ઠિરને જુગાર રમતાં કેમ અટકાવ્યો નહિ ? તમે દુર્યોધનની દુષ્ટતાથી અજ્ઞાત હતા ? અરે, જુગાર રમતાં યુધિષ્ઠિરની સામે દુર્યોધન નહિ પણ શકુનિ દાવ ખેલતો હતો. એ ભારોભાર અન્યાય સામે પણ તમે વાંધો કેમ ન ઉઠાવ્યો ?

‘હા, હા. વિદુરે યુધિષ્ઠિરને જુગાર રમવાની સલાહ આપી હતી. પણ જ્યારે ધૃતરાષ્ટ્રે તેને જુગાર રમવાની સલાહ દીધી ત્યારે તમારે ધૃતરાષ્ટ્રના ઊધડો લેવો જોઈતો હતો. એ વખતે તમે ધૃતરાષ્ટ્રના ઊધડો લીધો હોત તો અને પાંડવોને વનમાં જવા ના અને દ્રૌપદીની લાજ લૂંટવા જેવા બનાવો જોવા મળ્યા ન હોત. પણ ત્યારે દુર્યોધન તમારો મુકાબલો કરવા તૈયાર થાત ? જાણો છો ને દુર્યોધનને ? કેવા કડવા, અપમાનભર્યા શબ્દો તમારા વિષે ઉચ્ચારે છે તે ? જેમનું લૂણ ખાઓ છો તેમના જ તમે બેવફા બનો છો ખરું ને ? તમે અમારા આશ્રિત છો એ ભૂલતાં નહિ. આવા હૈયું વીંધી નાંખે તેવા શબ્દો દુર્યોધન બોલે છે. એ તમે જાણતાં હોવાથી કદાચ એ ભીતિએ તમને મૂંગા બનાવી દીધા હશે, ખરું ને ?’

જેમ જેમ વિચારના ઊંડાણમાં તેઓ ગરક થતાં તેમ તેમ તેમનો પસ્તાવો વધી પડતો હતો. તેઓ બીમાર પડ્યા, પથારીવશ થયા ને પોતાની નિષ્ફળતા પર સતત બળાપો કરતાં રહ્યા.

તેમની બીમારીના સમાચાર જાણતાં ધૃતરાષ્ટ્ર તમને મળવા ગયો. પિતામહ તેને જોતાં જ જાણે એકદમ સ્વસ્થ થયા હોય એમ પથારીમાં બેઠાં થયા. ધૃતરાષ્ટ્ર તેમને કોઈ પ્રશ્ન કરે તે પહેલાં જ તેઓ ઘૂરકી ઊઠ્યા:

‘ધૃતરાષ્ટ્ર, તારા દીકરા પાંડવોનું કાશળ કાઢવા માંગે છે ખરું ને ?’ ધૃતરાષ્ટ્ર પિતામહના પ્રશ્ન સાંભળતાં ડઘાઈ ગયો હોય એમ પિતામહને પૂછવા લાગ્યો, ‘તમે આવા શબ્દો કેમ બોલો છો પિતામહ ?’ પછી દુર્યોધનનો બચાવ કરી રહ્યો, ‘પાંડવો જુગાર રમવા તૈયાર કેમ થયા ? પહેલી વાર જુગારમાં બધું જ ગુમાવી દીધું. તે મેં દ્રૌપદીને પાછું દીધું પછી ફરીથી વનવાસની શરતે યુધિષ્ઠિર રમવા કેમ બેઠો ?’ તે પોતે હતાશ થયો હોય એમ બોલ્યો, ‘પછી હું શું કરું? યુધિષ્ઠિર આમ તો ધર્મની વાતો કરે છે ત્યારે જુગાર જેવા અધર્મનો સ્વીકાર કેમ કર્યો ?’

પિતામહ સમજતા હતા. ધૃતરાષ્ટ્રની દલીલોમાં ઘણું વજુદ હતું. ધૃતરાષ્ટ્રે પ્રથમ રમતમાં યુધિષ્ઠિર જે હારી બેઠો હતો તે બધું જ ધૃતરાષ્ટ્રે પાછું દીધું હતું. દુર્યોધન ત્યારે તેના પિતા પર ગુસ્સે પણ થયો હતો. ધૃતરાષ્ટ્રે દ્રૌપદીને જે દીધું હતું તે પાછું લેવાની તેની ઇચ્છા જ નહોતી. ત્યારે દુર્યોધને યુધિષ્ઠરને ફરી રમવાનું ઈજન દીધું. તેની શરત હતી, હારે તે બાર વર્ષ વનમાં જાય. એક વર્ષ ગુપ્તવાસ વેઠે ને ગુપ્તવાસ દરમ્યાન જો તે પકડાઈ જાય તો ફરી બાર વર્ષ વનમાં જાય.’ આ શરતની પાછળ દુર્યોધનની યોજના સ્પષ્ટ હતી. બાર વર્ષોના વનવાસ દરમ્યાન નિઃશસ્ત્ર નિરાધાર પાંડવોનો ખાત્મો બોલાવવાની તેની ગણતરી હતી.

છતાં યુધિષ્ઠિર ફરી જુગાર રમવા કેમ બેઠો ? પિતામહના મનમાં પણ ધૃતરાષ્ટ્રના પ્રશ્નો વાગોળાતા હતા. તે સાથે જ પોતાની સ્થિતિ વિષે પણ દુઃખી થતા હતા. નિદાન તેમણે તો સભામંડપ વચ્ચે ઊભા થઈ ફરી જુગાર રમવા તત્પર થયેલા યુધિષ્ઠિરનો હાથ પકડી તેને બેસાડી દેવો જોઈતો હતો.

અફસોસ, પોતે જ જ્યાં નિર્બળ હતા ત્યાં ધૃતરાષ્ટ્રને દોષ દેવાની વાત જ ક્યાં હતી?

પિતામહના દિલદિમાગની સળગતી આગને જાણે શાંત થવા ન હોય એમ ધૃતરાષ્ટ્રની વિદાય પછી દુર્યોધનના નાનો ભાઈ વિકર્ણ પિતામહ સમક્ષ ઊભો.

વિકર્ણ જુગારની રમત વખતે સભામંડપમાં હાજર હતો. દુર્યોધન યુધિષ્ઠિરની સામે પોતે દાવ ખેલવા બેસવાને બદલે શકુનિની બેસાડ્યો ત્યારથી તેના મનમાં રોષ હતો. જ્યારે શકુનિની રમતનો યુધિષ્ઠિર ભોગ બની રહ્યો ત્યારે તેની અકળામણ વધી પડી. તેણે અવાજ ઉઠાવ્યો પણ દુર્યોધને તેને ચૂપ કરી દેતાં તેણે સભામંડપમાંથી વિદાય લીધી. વિકર્ણના અવાજની, પોતે તેની વિદાયની ગંભીરતા પિતામહ કેમ પિછાની શક્યા નહિ ? તે કેમ મૂંગા મૂંગા આ દૃશ્યો જોઈ રહ્યા તેનું આશ્ચર્ય તેને થતું હતું. એટલે તે પિતામહ સમક્ષ ફરિયાદ કરવા આવ્યો હતો.

વિકર્ણને જોતાં પિતામહ લજ્જાના ભારથી ઝૂકી ગયેલી ગરદનને પ્રયત્નપૂર્વક ઊંચી કરીને તેને આવકાર દેતાં પોતાનો અફસોસ ઠાલવી રહ્યા.

‘અત્યારે ક્યાંથી વિકર્ણ ?’ અસ્વસ્થ મને પિતામહે તેને પ્રશ્ન કર્યો, કાંઈ કામ છે? હમણાં તો હું બીમાર છું એટલે કાંઈ જ કરી શકું તેમ નથી ભાઈ !’ દબાતાં સ્વરે પિતામહે સ્પષ્ટતા કરી.

‘ના, પિતામહ ! હું કોઈ કામ લઈને આવ્યો નથી.’ વિકર્ણે જવાબ દીધો. પછી કટાક્ષ કરતો હોય એમ ઉમેર્યું, ‘હવે મને તમે કાંઈ કરી શકો તેમ પણ ક્યાં છો ?’

આ કટાક્ષ પિતામહની વજ્ર જેવી છાતીને પણ વીંધી ગયો. તેમણે પૂછ્યું, ‘એમ કેમ બોલે છે, વિકર્ણ ?’

‘તો શું બોલું પિતામહ!’ વિકર્ણ પણ જાણે દુઃખી હોય એમ પૂછી રહ્યો. પછી કહ્યું, ‘ઘેર ચેન પડતું ન હતું. મનોવ્યથા ઘણી વધી પડી હતી એટલે શાંત્વન મેળવવા અહીં આવ્યો.’

‘શી મનોવ્યથા છે તને ?’ પિતામહે આતુરતાપૂર્વક પ્રશ્ન કર્યો.

‘મનોવ્યથા તો ઘણી છે, પિતામહ !’

‘હા, પણ કહે તો ખરો ? કોઈ ઉકેલ મળી પણ આવે.’

‘ના, અસંભવ. હવે ઉકેલની વાત જ નથી.’ વિકર્ણ પણ વ્યથાપૂર્ણ સ્વરે બોલતો હતો.

વિકર્ણની વ્યથા, નિરાશા જોઈ પિતામહની જિજ્ઞાસા વધી પડી.

‘છતાં પણ કહે તો ખરો ?’

‘શું કહું પિતામહ ?’ પોતાનો મનોસંતાપ વ્યક્ત કરતાં વિકર્ણે પૂછ્યું, ‘દ્રૌપદીના ચીર ખેંચાયા ત્યારે તમે અને દ્રોણાચાર્ય શાંત કેમ રહ્યા?’ વળી કટાક્ષ કર્યો, ‘દુર્યોધનનો ભય હતો તમને ?’

વિકર્ણના પ્રશ્ને પિતામહની મનોવ્યથા અનેકગણી વધી પડી. તેમના ચહેરા પર ગમગીની હતી. વિકર્ણ પણ પિતામહની આ હાલત જોતાં સ્તબ્ધ બન્યો. પોતે પિતામહને દઝાડવા તો માંગતો ન હતો, છતાં તેના પ્રશ્નથી પિતામહની અસ્વસ્થતા અવશ્ય વધી પડી. તેને પણ પસ્તાવો થતો હતો.

‘પિતામહ, મારા પ્રશ્નથી આપને દુઃખ થયું. ખરું ને?’ ગદ્‌ગદ કંઠે પિતામહની ક્ષમા યાચતો હોય એમ એણે, ‘નાના મોંએ ઘણું બોલ્યો. મને ક્ષમા કરો!’

વિકર્ણની દુઃખભરી વાણી સાંભળતાં પિતામહે પણ સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. પ્રયત્નપૂર્વક ચહેરા પર હાસ્ય જમાવ્યું ને બોલ્યા, ‘વિકર્ણ, તારા પ્રશ્નથી મને કોઈ દુઃખ થતું નથી, ઊલટું મને તારી વાતમાં તથ્ય પણ લાગે છે.’

‘એટલે તમને દુર્યોધનનો ભય હતો ?’ વિકર્ણે સાશ્ચર્ય પ્રશ્ન કર્યો.

‘ના, દુર્યોધનનો મને શો ભય હોય ? તું જેવી કલ્પના કરે છે તેવી કલ્પના બીજા પણ કરતાં હશે ને ? તેને વિષે વિચારું છું ત્યારે મને પણ એમ થાય છે કે વિકર્ણ જે કરી શક્યો તે હું ન કરી શક્યો. કેવી કમનસીબી છે?’

‘તમે શાંત કેમ રહ્યા ? મને એ સમજાતું નથી કે કુરુવંશના ધ્રુવતારક જેવા પિતામહ દ્રૌપદીના વસ્ત્રાહરણ જેવાં નિર્લજ્જ દૃશ્યો શાંતિથી જોઈ કેમ રહ્યા ?’ તેમનું ક્ષાત્રતેજ ઝંખવાયું કેમ ?

‘વાત સાચી છે, વિકર્ણ !’ વ્યથાભરી વાણીમાં પિતામહ બોલતા હતા, ‘મને તો આ બધી જ ઘટના વિનાશના સંકેત સમી ભાસે છે. કદાચ તેનો સંકેત મારા મૌનમાં હોય તો કોણ જાણે ?’

પિતામહના દિલની વ્યથા ખૂબ વધી ગઈ હતી. તેમણે વિકર્ણને કહ્યું, ‘જ્યારે જ્યારે જરૂર જણાઈ છે ત્યારે ત્યારે હું તારા બાપા અને ભાઈને ચેતવું પણ છું. પાંડવોને અર્ધું રાજ્ય આપવાની ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી. દુર્યોધન હસ્તિનાપુરનો મહારાજા રહે ને પાંડવોને માટે તે તેમના જીવનનિર્વાહ માટે વ્યવસ્થા કરે તેવી. વાતો તેઓ કરતા હતા ત્યારે મારો રોષ વધી પડ્યો. મેં તરત જ કહ્યું, “ધૃતરાષ્ટ્ર, હસ્તિનાપુરનો રાજા તું નથી, પાંડુ છે. તે તેના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર યુવરાજ છે એ હકીકત મારે જાહેર કરવી પડે તેવી સ્થિતિ જો તમે પેદા કરવા ઈચ્છતા હો તો મારે ન્યાય ખાતર કાલે જ એવી જાહેરાત કરવી પડશે. પછી તમે ને તમારા પુત્રો બધા પાંડવોના આશ્રિત બની જશો. સમજો છો ખરા ને?” ‘મારી આ વાત ધૃતરાષ્ટ્રને ગળે ઊતરી હશે એટલે બીજા દિવસે તેણે પાંડવોને અર્ધું રાજ્ય આપવાની તૈયારી બતાવી.’

‘પણ દુર્યોધને તે છીનવી લીધું ને?’ વિકર્ણે પ્રશ્ન કર્યો ને સાથે જ ચિંતા પણ વ્યક્ત કરી રહ્યો. તેણે કહ્યું, ‘ઈન્દ્રપ્રસ્થમાંથી બધી સંપત્તિ હવે હસ્તિનાપુર ભેગી કરવાની દુર્યોધનની યોજના છે.’ ને પૂછ્યું, ‘તમે કદાચ જાણતાં નહિ હો પણ ઇન્દ્રપ્રસ્થમાં જ્યારે રાજસૂય યજ્ઞ વખતે દુર્યોધને ઇન્દ્રપ્રસ્થની જે જાહોજલાલી જોઈ, યુધિષ્ઠિરના રાજદરબારનો જે વૈભવ જોયો ત્યારથી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી.’ પછી હતાશ થતો હોય એમ બોલ્યો, ‘હવે ઇન્દ્રપ્રસ્થ ખાલીખમ થશે ને હસ્તિનાપુરનો વૈભવ વધી જશે.’

‘શું કહે છે તું વિકર્ણ ?’ વિકર્ણની વાત સાંભળતાં પિતામહ ધ્રૂજી ઊઠ્યા અને પૂછ્યું, ધૃતરાષ્ટ્ર પણ સંમત હતો.’

‘તદ્દન સાચું કહું છું, પિતામહ !’ વિકર્ણે કહ્યું, ‘પેલા દુષ્ટ બુદ્ધિ શકુનિની યોજના છે. હવે તેનો અમલ પણ થશે.’

રોષભર્યા નેત્રે પિતામહ બોલ્યા, ‘નહીં, નહીં, એવો અનર્થ ન થઈ શકે, મારે ધૃતરાષ્ટ્રને ચેતવવો પડશે.’

‘તમારી ચેતવણીની કોઈ અસર ભૂતકાળમાં થઈ છે ખરી ? કે હવે થશે?’ વિકર્ણે શંકા વ્યક્ત કરતાં કહ્યું, ‘માત્ર શબ્દોની સખ્તાઈ હવે કામ નહિ આવે, પિતામહ !’

‘તો શું કરું ભાઈ ?’ જાણે હતાશામાં ઘેરાઈ ગયા હોય એમ પિતામહ પૂછી રહ્યા. પોતાની અશક્તિનો એકરાર કરતાં કહી રહ્યા, ‘હું એકલો શું કરું ? મારી ઉત્તરાવસ્થા છે એ તો જાણે છે.’

વિકર્ણ પણ પિતામહની અશક્તિ વિષે અજ્ઞાત નહોતો. છતાં તેની દૃઢ માન્યતા હતી કે જો પિતામહ ધૃતરાષ્ટ્રની નીતિ-રીતિનો ખુલ્લો વિરાધ કરે તો હસ્તિનાપુરમાંથી તેમને સમર્થન મળતાં વાર નહિ લાગે. આ સમર્થનની અવગણના કરવાની ધૃતરાષ્ટ્ર હિંમત પણ નહિ કરે. એટલે તેણે પિતામહની નજદીક પહોંચીને કહ્યું, ‘પિતામહ, આપની શક્તિ જાતે ક્ષીણ થઈ હોય પણ આપનું ક્ષાત્રતેજ હજી ઝંખવાતું નથી. મને યાદ છે આપને આપની પ્રતિજ્ઞામાંથી ચલિત કરવા માટે સત્યવતીએ ઘણાં પ્રયત્નો કર્યા. પ્રલોભનો પણ સામે હતા છતાં આપ હિમાલયના ખડગ જ રહ્યા. જો આપ પ્રલોભનને વશ થયા હોત તો આજે ધૃતરાષ્ટ્ર પણ નહોત.’ પછી ઉત્તેજિત સ્વરે બોલ્યા, તમે આજે પણ એ જ પિતામહ છો. આપે જો ધાર્યું હોત તો જુગારને અટકાવી શક્યા હોત. ધૃતરાષ્ટ્રને સભામંડપમાં આકરા વાણીપ્રવાહથી ઘાયલ પણ કર્યા હોત ને પેલા શકુનિને હસ્તિનાપુરમાંથી હાંકી કાઢ્યો હોત. તમે ઊભા થઈને ગર્જના કરી હોત તો દુઃશાસન દ્રૌપદીના ચીરના છેડા પણ પકડી શક્યો ન હોત.’ ઘણું ઘણું બોલી ગયા પછી જાણે ખૂબ શ્રમિત થયો હોય એમ વિકર્ણ આખરી શબ્દ બોલી રહ્યો, ‘પણ તમે કાંઈ કર્યું જ નહિ ને મહાઅનર્થ સર્જાયો.’

પોતાના મનની શંકા વ્યક્ત કરતો હોય એમ વિકર્ણ બોલ્યો, ‘હવે તમારી વાત કોઈ કાને ધરશે પણ નહિ.’

‘તો હું શું કરી શકું ? જેવાં તેમના કિસ્મત ?’ પિતામહ પણ ખેદપૂર્વક કહી રહ્યા, ‘તેઓ હાથે કરીને જ જો વિનાશ નોતરતા હોય તો હું શું કરી શકવાનો હતો ?’

પિતામહ ખૂબ શ્રમિત થયા હતા. તેમણે આડે પડખે થતાં કહ્યું, ‘વિનાશ કાળે વિપરિત બુદ્ધિ !’

તેમણે આંખો મીંચી દીધી. હતાશાભરી વાણીમાં બોલ્યા, ‘વિકર્ણ, તું સભામાંથી ઊઠીને ચાલ્યો ગયો. તું જુવાન હતો. મારાથી એમ સભામાંથી વિદાય કેમ થવાય ?’

‘તો નિર્લજ્જ દૃશ્યોના સાક્ષી પણ કેમ બનાય પિતામહ ?’ વિકર્ણના અવાજમાં ઉત્તેજના હતી. તેણે કહ્યું, ‘તમે કુરુવંશના વડીલ છો. તમે જ આ અનર્થ અટકાવી શક્યા હોત. તમે શાંત રહ્યા તેનો અર્થ ધૃતરાષ્ટ્ર તમારી અનુમતી છે એવો ગણશે. દુર્યોધન પણ પિતામહની સંમતિ માની ખુશ થતો હશે.’

‘ખોટી વાત, હું કદી સંમત થતો નથી.’

‘તમે કહો છો ને ? પણ હસ્તિનાપુરનો સામાન્ય માનવી તો તમારી અનુમતી જ માની બેસે ને ? દ્રૌપદીની કાકલૂદીઓ છતાં તમારું રૂંવાડું પણ ફરક્યું નહિ. તેનો અર્થ સામાન્ય માનવી તો તમારી અનુમતી હતી એવો જ અર્થ કરે ને ?’ વિકર્ણ ઉશ્કેરાટમાં બોલતો હતો.

વિકર્ણની દલીલોમાં જુસ્સો હતો. પિતામહ તેના જુસ્સા સમક્ષ શાંત હતા. તેમને પણ તેમના મૂંગા વલણ વિષે પસ્તાવો તો થતો જ હતો. વિકર્ણની વાણી તેમનાં દિલદિમાગને બરાબર સ્પર્શી ગઈ હતી. તે અનુત્તર બેઠા હતા. વિકર્ણ હવે પોતાની ભૂમિકા બરાબર અદા કરવા કૃતનિશ્ચયી હોય એમ હજી પણ ભૂતકાળમાં જે પિતામહ તેણે જોયા હતા એ પિતામહની તસ્વીર તાજી કરવાનો તેનો પ્રયત્ન ચાલુ હતો.

નિઃશબ્દ બેઠેલા પિતામહને વિકર્ણ યાદ અપાવતો હોય એમ કહી રહ્યો, ‘યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે પહેલું પૂજન કૃષ્ણનું થાય એવા આપના નિર્ણય સામે શિશુપાલ અને જરાસંધે ઓછો ઉત્પાત મચાવ્યો હતો ? તમે કેવા સ્થિતપ્રજ્ઞ હતા ! કૃષ્ણે શિશુપાલનું મસ્તક ધડથી જુદું કર્યું. ત્યારે પણ તમે સ્વસ્થ હતા. એ ભૂતકાળના પિતામહને હું જોવા આતુર છું. પણ દ્રૌપદીના ચીર ખેંચાય ત્યારે પિતામહ શાંતિથી આ ભીષણ દૃશ્ય જોઈ રહ્યા હતા એ માનવા કોણ તૈયાર હેાય ?’ નિસાસો નાખતાં વિકર્ણ બોલ્યો, ‘હકીકત કહે છે કે ભૂતકાળના પિતામહ ત્યાં હાજર નહોતા.’

‘વિકર્ણ, તારા વેણ મારા કાળજાને વીંધે છે. તારી વાતમાં ઘણું તથ્ય છે. પણ શું કરું? ધૃતરાષ્ટ્ર મારું માનવા જ તૈયાર ન હોય તો ? છતાં મને થોડો ઘણો વિશ્વાસ છે કે હું જીવતો કૌરવો સાથે બેઠો છું એટલે દુર્યોધન હજી પણ મર્યાદામાં રહેશે.’

વિકર્ણ જાણે ઠઠ્ઠા કરતો હોય એમ હસતાં હસતાં બોલ્યો, ‘હવે દુર્યોધને તેનાં દુષ્ટ કર્મો વિષે બેમર્યાદા બની જશે. આ બનાવે તેનો વિશ્વાસ પણ વધી જશે ! પિતામહ તેને કાંઈ જ કહી શકે તેમ નથી.’

‘તો કુરુવંશનો આખરી અંજામ પણ નિશ્ચિત હશે.’ પિતામહે દુઃખભર્યા સ્વરે કહ્યું, ‘હું પણ તેની જ ચિંતામાં છું. કોઈ પણ રીતે જો કુરુવંશ સલામત હશે તો આવા આપસમાંના કલહ-ઝઘડા-વેર શાંત થશે.’ ઊંડાણમાંથી નિસાસો નાખતાં બોલ્યા, ‘વિકર્ણ, એવી આશા પર તો હું જીવન ખેંચી રહ્યો છું.’

‘ના, પિતામહ, ના. તમે ભલે આશાવાદી હો પણ દુર્યોધન તમને સાચવી રહ્યો છે, કારણ કે તમારી અને દ્રૌણાચાર્યની આડમાં તે તેની મેલી મુરાદ પ્રાપ્ત કરવા માંગે છે.’ વિકર્ણે પિતામહને આંચકો આપવાનો પ્રયત્ન કર્યો, ‘તમારી સુખસગવડો, તમારી જરૂરતો, તમારા પ્રત્યેનો દેખીતો આદરભાવ તેની પોતાની સ્વાર્થવૃત્તિની નીપજ છે.’

‘તો મારે તેનો ત્યાગ કરવો એમ તું કહે છે?’ પિતામહ અકળામણ ઠાલવતાં હોય એમ પૂછ્યું.

‘તમે તેનો ત્યાગ કરવા માંગો તોપણ દુર્યોધન તમને જવા દે તેમ નથી. તેને પોતાનાં દુષ્ટ કૃત્યો માટે કોઈ ઢાલ જોઈએ છે.’ વિકર્ણ પણ પિતામહ સમક્ષ તેના દિલનો ગમ ઠાલવતો હતો. પિતામહ પૂરી ગંભીરતાથી તેને દાદ દેતા હતા. તેઓ વિકર્ણના કથનનો મર્મ બરાબર સમજતા હતા.

તેમણે વિકર્ણને શાતા આપતાં કહ્યું, ‘હવે પાંડવો તેમનો વનવાસ પૂરો કરી પાછા ફરે અને પછી સૌ શાંતિથી પોતપોતાનું સંભાળી લે એટલે કુટુંબ કલેશનો પણ અંત આવે એ જોવાની મારી ઇચ્છા છે.’

વિકર્ણને પિતામહની ઇચ્છાનો પ્રતિકાર કરવા પડ્યો. તેણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ‘પિતામહ ! મારે મારા મોટાભાઈ વિષે કડવા શબ્દો બોલવા પડે છે. તમે હજી દુર્યોધનને પૂરી રીતે જાણતા હો એમ લાગતું નથી.’

‘કેમ એમ બોલે છે, વિકર્ણ ?’

‘તો શું કહું ?’ મનનો અફસોસ ઠાલવતો હોય એમ વિકર્ણ બોલ્યો, ‘દુર્યોધન તમારી ઇચ્છા પૂર્ણ થવા દે તેમ હું માનતો નથી.

‘એટલે ?’

‘એટલે દુર્યોધન પાંડવોને તેમનું રાજ્ય આપવા કદી પણ તૈયાર થશે નહિ.’

‘શું કહે છે તું ?’ અચંબો પામતાં પિતામહે પૂછ્યું ને ઉમેર્યું, ‘પણ ધૃતરાષ્ટ્ર તો છે ને? તે કેમ આવો અન્યાય સહન કરે ?’

‘ધૂળ અને ઢેફા !’ વિકર્ણે કહ્યું, હવે ધૃતરાષ્ટ્રનું કાંઈ ઊપજે તેમ નથી. દુર્યોધન હવે સર્વેસર્વા છે પિતાજી બિચારા અંધ એટલે બીજું કરે પણ શું?’

‘તો તો આ કલહ કુટુંબને ભરખી જનારો દવ પેટાવશે.’ ગમભર્યા સ્વરે પિતામહે ભવિષ્ય વાણી ભાખતાં કહ્યું ને દુઃખભર્યા સ્વરે ઉચ્ચાર્યું, ‘તેના કરતાં મરી જવું શું ખોટું ?’

વિકર્ણે ફરી પિતામહને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘તમે જ્યાં સુધી નિર્બળ-શાંત હશો ત્યાં સુધી દુર્યોધન તેની પ્રચંડલીલા કરતો જ રહેશે. તેના મનમાં તમારા વિષે કોઈ આદરભાવ હોય એમ માનશો નહિ.’

‘વિકર્ણ, તું જે કહે છે તે તદ્દન સાચું છે. મારે જ હવે વધુ સજ્જ અને જાગ્રત થવું જોઈશે.’ પિતામહ બોલી રહ્યા, ‘કુરુવંશના રક્ષણ કાજે મારે જ હવે ધૃતરાષ્ટ્રને સમજાવવો પડશે.’

‘પણ દુર્યોધનનું શું કરશો ?’

દુર્યોધનને પણ સમજાવીશ. હવે તેણે પણ કુરુવંશની રક્ષા કાજે સમજવું પડશે.’

‘તમે માનો છો કે દુર્યોધન તમારી વાત માન્ય રાખશે ?’

‘રાખવી જ જોઈએ.’ પિતામહે વિશ્વાસપૂર્વક કહ્યું ને પછી હતાશાભર્યા સ્વરે કહ્યું, ‘નહીં માને તો તેનો સર્વનાશ થશે.’

વિકર્ણ પણ હવે વધુ દલીલ કરવા ઇચ્છતો નહોતો. તેને પણ પિતામહની વેદના સમજાતી હતી. તેની આશા પિતામહની તાકાત પર હતી, પણ તેણે જોયું કે પિતામહ હવે કાંઈ જ કરી શકે તેમ નથી. કુરુવંશની રક્ષા કાજે તેણે તેના હક્કનો ત્યાગ કર્યો. લગ્નજીવન પર પ્રતિજ્ઞાનું તાળું લગાવી દીધું ને પિતામહનો હવે કોઈ પ્રભાવ જણાતો નહોતો.

વિદાય થતાં તેણે પિતામહને આદ્રસ્વરે પ્રાર્થના કરી : ‘પિતામહ, કુરુવંશના રક્ષણ માટે સૌની દૃષ્ટિ આપના પર છે. આપ જો વધુ તાકાતથી દુર્યોધન અને તેની ચંડાળ ચોકડી પર અંકુશ નહિ જમાવી શકો તો કુરુવંશનો વિનાશ કોઈ અટકાવી શકશે નહિ. દુર્યોધન પાંડવોને તેમના હક્કનું પાછું દેવા તૈયાર નહિ જ થાય. ને પરિણામે પાંડવોને આખરી માર્ગ સ્વીકારવો જ પડશે.’

તેણે પિતામહની વિદાય લીધી. પિતામહ તેની પૂંઠ પાછળ દૃષ્ટિપાત કરી રહ્યા. વિકર્ણ સાચું જ કહેતો હતો. તેમના મનમાં ઘર્ષણ જાગ્યું. પોતે જો નિર્બળ ન હોત તો દુર્યોધનની કપટ યોજના છિન્નભિન્ન કરી શક્યા હોત. જુગાર રમવા બેઠેલા યુધિષ્ઠિરનો હાથ પકડી તેને ઊભો કર્યો હોત તો આજની સ્થિતિ પેદા થઈ ન હોત, પણ પોતે જ નિર્બળ હતા. દ્રોપદીના કાલાવાલા અશ્રુભીની આંખો ને દર્દભરી વાણી પણ તેમના દિલના પત્થરને પીગળાવી શકી નહિ.

ક્રોધાવેશમાં પોતાના કપાળ પર હાથ પછાડતાં પોતાની જાતને જ જાણે ઠપકાવતાં હોય એમ બોલ્યો, ‘પિતામહ, તું તારો ધર્મ ચૂક્યો. અધર્મને, અન્યાયને, કપટજાળને તું જોતો રહ્યો. તારું ક્ષાત્રલોહી વૃદ્ધાવસ્થાને કારણે ઠંડુ પડી ગયું હશે એટલે તું બધો જ સમય મૂંગો રહ્યો. તારું રૂંવાડુ પણ ફરક્યું નહિ.’

‘પણ હવે ?’ તેમની વિચારધારા આગળ ચાલતી હતી. ‘હવે જાગ્રત થવું પડશે. દુર્યોધનનો આશ્રિત ભલે હોઉં પણ પાંડવો સામેના તેના કપટને હું હવે સહન કરી શકીશ નહિ. પાંડવો પાછા ફરે એટલે તેમનું રાજપાટ તેમને પાછું મળે એ માટે હું ધૃતરાષ્ટ્રને સમજાવીશ. દુર્યોધનને પણ દબાવીશ. હવે પાંડવોને કોઈ અન્યાય થવા નહિ દઉં.’

વિચારના વમળમાં ગોથા ખાતાં ખાતાં પિતામહ ઢળી પડ્યા. તેમની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેતો હતો. તેમના હોઠમાંથી શબ્દો સરી પડતા હતા, ‘ના. હવે પાંડવોને અન્યાય નહિ થવા દઉં.’