← પ્રકરણ ૮ પિતામહ
પ્રકરણ ૯
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૦ →






 


સત્યવતી ભારે દુર્ભાગી હતી. તે પોતે જ હૈયામાંની વેદના ઠાલવતાં ભીષ્મ સમક્ષ ઘણી વાર ઠાલવતી. ભીષ્મ તારા જેવો ઉદાર દિલ દીકરો હોવા છતાં હું દુર્ભાગી છું. તે તારા પિતાને ખાતર ગાદીનો ત્યાગ કર્યો, લગ્ન ન કર્યા, પણ જાણે તારા હક્ક પર તરાપ મારવા માટે ભગવાન મને શિક્ષા કરતો હોય એમ લાગે છે. નહિ તો મારા બંને પુત્રો આમ મને મૂકીને વિદાય કેમ થાય?

{gap}}સત્યવતીની આંખમાંથી અશ્રુધારા વહેતી હતા. ભીષ્મ તેને આશ્વાસન દેતો હતો. તે પણ સત્યવતીની હાલત જોતાં દ્રવી જતો હતો. ચિત્રાંગદ એક યુદ્ધમાં માર્યો ગયો, જ્યારે હસ્તિનાપુર પર આક્રમણ થયું ત્યારે ભીષ્મે ચિત્રાંગદને રણમેદાનમાં નહિ જવા સમજાવ્યું હતું. તેણે કહ્યું હતું, ‘ભાઈ, તમે મેદાનમાં ન જાવ. કોઈ પણ સંગ્રામમાં રાજવી લશ્કરને મોખરે હોતો નથી. મને જવા દો. હું હુમલાખોરને બરાબરનો પાઠ ભણાવીશ. તમે હજી યુદ્ધ કૌશલ્યમાં પારંગત નથી.’ પણ ભીષ્મની સલાહનો ચિત્રાંગદે સ્વીકાર કર્યો નહિ. તેણે જુસ્સાભેર ભીષ્મની સલાહનો ઇન્કાર કરતાં ગર્વભેર કહ્યું હતું, ‘મોટાભાઈ, હું પણ પૂરી તાલીમ પામ્યો છું. મને પણ પરાક્રમ બતાવવાની તક મળી છે. તો તમે મને જવા દો. તમે મારું કૌશલ્ય જોઈ પ્રસન્ન થશો.’

{gap}}સત્યવતી પણ પોતાના દીકરાની જગતમાં પ્રતિષ્ઠા સ્થાપિત થાય, દુશ્મનો તેના નામથી દાઝતા થાય તે જોવા માંગતી હતી. એટલે તેણે પણ ભીષ્મને ચિત્રાંગદને મેદાનમાં જવા દેવા સમજાવ્યો.

‘ભલે, મા, જેવી આપની ઇચ્છા!’ આખરે લાચારી વ્યક્ત કરતાં ભીષ્મે કહ્યું, ‘મારો ભાઈ વિજેતા બનીને આવશે ત્યારે તેને હું પણ હૈયાસરસો દબાવીશ. તેના વિજયનો આનંદ પણ હું માણતો હોઈશ.’

ચિત્રાંગદને દુશ્મનની તાકાત અને કુશળતા વિષે માહિતગાર કરતાં તેની સામે ક્યારે કયા શસ્રનો ઉપયાગ કરવો તેને વિષે સમજ આપતાં કહ્યું, ‘ભાઈ, દુશ્મનનો મુકાબલો કરતાં પહેલાં તેની નબળી બાજુ વિષે જરૂરી માહિતી મેળવી લેજે, ને બરાબર સમયસર ઘા કરજે. જા, વિજયી થા. ભગવાન તારું રક્ષણ કરશે.’

ભીષ્મના આશિષ વચનો સાથે ચિત્રાંગદ લશ્કરને મોખરે ઊભો. રણમેદાનમાં વિશ્વાસ સાથે તેણે પગ દીધો. તેને પોતાને પણ પોતાની શક્તિ, યુદ્ધ કૌશલ્ય્ બતાવવાની ઘણી જ ઉમેદ હતી.

દુશ્મનની તાકાત ચઢિયાતી હતી. શાન્તનુના શાસનકાળ દરમ્યાન કુશળે હસ્તિનાપુર પર બે વખત જોરદાર હુમલો કર્યો હતો. પરાજીત થઈને તેને પીછેહઠ કરવી પડી હતી, પણ હવે શાન્તનુ નથી. ભીષ્મ શાન્તનુ જેવો બળિયો છે, પણ તે મેદાનમાં નથી. નવો ચિત્રાંગદ ઊભો છે. એ જોતાં દુશ્મન પણ વધુ ઉત્સાહી બન્યો. હસ્તિનાપુરની તાકાત સામે જોરદાર હુમલો શરૂ કર્યો. ચિત્રાંગદે પણ હિમતપૂર્વક બહાદુરીથી દુશ્મનની તાકાતનો બરાબર મુકાબલો કર્યો હતા, પણ દુશ્મન તાકાત વિજયી બની. ચિત્રાંગદ રણમેદાનમાં મૃત્યુ પામ્યો. હસ્તિનાપુરનુ લશ્કર છિન્નભિન્ન થઈ ભાગી ગયું હતું.

{gap}}ચિત્રાંગદના મૃત્યુના સમાચારે હસ્તિનાપુરના રાજમહેલમાં ભારે સન્નાટો છવાઈ ગયો. ભીષ્મ પણ વિજેતા દુશ્મન હસ્તિનાપુરમાં પ્રવેશ કરે તે પહેલાં તેનો મુકાબલો કરવા હસ્તિનાપુરની બહાર જે સૈન્ય બચ્યું હતું તેને લઈને દુશ્મન આવી પહોંચે તે પહેલાં ખડો થતો. રણમેદાનમાં ચિત્રાંગદના મૃત્યુ પછી દુશ્મન હસ્તિનાપુરના દ્વાર ખખડાવવા અધીરો બન્યો હતો. તે પૂર ઝડપે હસ્તિનાપુર તરફ આવી રહ્યો હતો, પણ તેને ભીષ્મનો મુકાબલો કરવો પડશે તેવી કોઈ કલ્પના જ ન હતી એટલે ભીષ્મને જોતાં તેની ઝડપ ધીમી પડી. તેના વિજયનો ઉન્માદ પણ શાંત થયો.

‘બસ, ત્યાં જ થોભી જા.’ હસ્તિનાપુરના દરવાજા પ્રતિ આગળ વધતા દુશ્મનને ભીષ્મે પડકાર દીધો ને દુશ્મન શસ્ત્ર ઉઠાવીને પ્રહાર કરે તે પહેલાં ભીષ્મે દુશ્મન દળ પર આક્રમણ કર્યું. આક્રમણનો વેગ એટલો ઝડપી હતો કે દુશ્મન શસ્ત્ર ઉઠાવે તે પહેલાં તો દુશ્મનદળનો ભીષ્મની સેનાએ કચ્ચરઘાણ કાઢી નાખ્યો. દુશ્મન આ અચાનક હુમલાથી બેબાકળો બની ગયો. તેને ભીષ્મની તાકાતની જાણ હતી. પરાજીત શાલ્યરાજને હેમખેમ પાછા ફરવા દેવાના બદલે બંદિવાન બનાવી હસ્તિનાપુરમાં લઈ ગયો હોવાની પણ તને જાણ હતી. એટલે પોતાના સૈન્યના કચ્ચરઘાણ પછી તે હવે સલામતી ખાતર મેદાનમાંથી ભાગી છૂટ્યો. ‘જાન બચી, લાખો પાયા !’

ભીષ્મ તેની પાછળ દોડવા માંગતો ન હતો. વિજેતાને નામોશીભરી પીછેહઠ કરવી પડી એ કાંઈ સામાન્ય ઘટના તો ન હતી ને?

હસ્તિનાપુરને બચાવવાના હેતુથી ભીષ્મે શસ્ત્રો ધારણ કર્યાં હતાં, ને સિદ્ધિ પ્રાપ્ત થયા પછી પરાજીતની પાછળ દોડવાની ભીષ્મને કાંઈ જરૂર જણાતી ન હતી. ચિત્રાંગદ રણમેદાનમાં ખપી ગયો, પણ નામોશીનો ટિકો ભીષ્મે તેના લલાટે લાગવા દીધો નહિ તેથી સત્યવતીને આનંદ હતો. દીકરો ગુમાવ્યા છતાં રાજ્ય સલામત રહ્યું એ જ ઘણી મહત્ત્વની વાત હતી. સત્યવતીના દિલમાં દીકરો ગુમાવ્યાનું ઘણું દુઃખ હતું. તે વ્યથિત પણ હતી. હવે હસ્તિનાપુરની સૂની પડેલી ગાદી પર વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કરવાની જરૂરત પણ તે સમજતી હતી.

તેણે ભીષ્મને દુશ્મનસૈન્યની સામે હસ્તિનાપર રક્ષા કરી ચિત્રાંગદના કપાળે કાળો ટિકો લાગવા દીધો નથી એથી સંતોષ છે. મહારાજા શાન્તનુનું નામ તમે જ ઉજ્જવળ રાખ્યું તેનો પણ આનંદ છે. હવે પછીનું કર્તવ્ય પણ તમારે જ અદા કરવાનું છે ને?’

‘જાણું છું, મા !’ ભીષ્મ સત્યવતી પ્રતિ આદરભાવ ભરી નજર નાખતાં બોલ્યો, ‘હસ્તિનાપુરનું રક્ષણ કરવું એ મારો ધર્મ હતો. પિતાનું ઋણ ચૂકવવાની એ ઘડી હતી.’ ને સખેદ બોલ્યો, ‘ભાઈ ચિત્રાંગદે મારું માન્યું હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત !’

‘ખરું, ચિત્રાંગદની માતા ભલે માછીમાર હોય પણ પિતા તો ક્ષત્રિય હતા ને ? પિતાનું ગરમ લોહી તેની નસોમાં પણ દોડતું હતું ને? એટલે તે શાંત કેમ રહે? તે જીવતો હોય ત્યારે મોટાભાઈને શા માટે હસ્તિનાપુરના રક્ષણની જવાબદારી ઉઠાવવી પડે?’ બોલતાં બોલતાં સત્યવતીની ગરદન ગૌરવભેર ઊંચી થઈ.

‘હવે વિચિત્રવીર્યનો જ રાજ્યાભિષેક થશે ને ભીષ્મ ?’ સત્યવતીએ પ્રશ્ન કર્યો.

‘હા, ચિત્રાંગદનો કોઈ વારસ હોત તો જુદી વાત હતી. પણ હવે તો વિચિત્રવીર્યને જ ગાદી સુપ્રત કરવી પડશે.’ ભીષ્મે સત્યવતીની વાતનું સમર્થન કરતાં પૂછ્યું, ‘આપ શોકમુક્ત થાઓ એટલે રાજ્યાભિષેક વિધિ શરૂ થાય.’

‘શોક ?’ ગમગીન વદને સત્યવતી પૂછી રહી, ‘શોકના આવરણ હેઠળ હસ્તિનાપુરની ગાદી સૂની ક્યાં સુધી રહે, ભીષ્મ ?’ ને વ્યથાપૂર્ણ સ્વરે બોલી રહી, ‘દીકરો ગુમાવ્યાનું દુઃખ તો માના હૈયે સદાકાળ રહે, પણ તેથી રાજ્ય સુનું કેમ રહે?’ ને પ્રયત્નપૂર્વક સ્વસ્થતા ધારણ કરતાં કહ્યું, ‘તમે જ રાજ્યાભિષેકની તૈયારી કરો, વિચિત્રવીર્યને હું જણાવી દઉં છું.’

ભીષ્મ માની ઇચ્છાનો અમલ કરવા સજ્જ થયો. તેણે રાજ્યાભિષેક વિષેની મંત્રીમંડળને જાણ કરી ત્યારે મંત્રીએ દરખાસ્ત મૂકી, ‘ભાઈ, તમે જ હવે હક્કદાર ને તમે જ પાટવી છો. તમારી પ્રતિજ્ઞાનું તમે ચિત્રાંગદને ગાદી સુપ્રત કરીને પાલન પણ કર્યું છે. હવે તમે પ્રતિજ્ઞાના બંધનમાંથી મુક્ત છો ! એટલે તમે જ હવે ગાદી પર આવો.’ તેની દલીલને વધુ જોરદાર બનાવતાં કહ્યું, ‘તમે જો દુશ્મનનો મુકાબલો કર્યો ન હોત તો હસ્તિનાપુર પર તેનો વાવટો ફરકતો હોત. બધા કેદી હાલતમાં જીવતાં હોત, પણ તમે જ તેને પરાજીત કરી હસ્તિનાપુરને બચાવી લીધું. હસ્તિનાપુરની ગાદી પર તમારા જેવા તેજસ્વી, પ્રતાપી પુરુષની જરૂર છે. એક ચિત્રાંગદ ગયો. હવે વિચિત્રવીર્ય આવશે તો તે પણ શું કરી શકવાનો હતો?’ ખિન્ન સ્વરે મંત્રી હળવેથી બોલ્યો, ‘ક્ષત્રિયાણીનું ધાવણ જોઈએ.’

તે વધુ કાંઈ બોલે તે પહેલાં ભીષ્મે રોષપૂર્ણ ચહેરે સખ્ત શબ્દોમાં કહ્યું, ‘મંત્રીજી, મારી મા વિષે હવે કોઈ અઘટિત શબ્દ ઉચ્ચારશો નહિ. તે મારી મા છે. હું એ સહન નહિ કરું.’ ને ઉમેર્યું, ‘હવે પછી કાંઈ પણ બોલતા નહિ. કોઈ દલીલની જરૂર નથી,મંત્રીજી.’

ભીષ્મની તાકીદ પછી મંત્રી પણ ચૂપ થઈ ગયો. ભીષ્મે સૂચના આપી, ‘હવે વિચિત્રવીર્યના રાજ્યાભિષેકની તૈયારી કરો.’ ને મંત્રીને વિશ્વાસ દીધો, ‘ગાદી પર ગમે તે હોય પણ તે મારો ભાઈ છે. તેની હકૂમતને આંચ પણ હું કેમ આવવા દઉં ?’

‘જેવી આપની આજ્ઞા !’ મંત્રીએ ભીષ્મની આજ્ઞાનો સ્વીકાર કરતાં કહ્યું, ‘તમે તમારી પ્રતિજ્ઞામાં આટલા બધા દૃઢ છો જાણીને મને આનંદ થયો.’ ને ઉમેર્યું, ‘મર્હુમ મહારાજાએ તમને ભીષ્મનું જે સંબોધન કર્યુ છે તે સાચે જ યથાર્થ છે.’

વિચિત્રવીર્યના રાજ્યાભિષેકની તૈયારી થઈ રહી હતી. હસ્તિનાપુરની જનતા પણ ઉત્સવનો આનંદ માણી રહી હતી, ત્યારે રાજમહેલના એક ખૂણામાં ચિત્રાંગદની પત્ની અંબિકા ચોધાર આંસુ વહાવતી. ભગવાનની તસ્વીર સામે બે હાથ જોડી વંદન કરતી. નિરાશાભરી નજરે દીતભાવે વેદના સૂરે બબડતી હતી, ‘મારા ખોળામાં એક દીકરો હોત તો? હસ્તિનાપુરની ગાદીનો એ વારસ હોત, ને એક દિ હું રાજમાતા પણ બની જાત.’ પણ ફૂટેલાં ભાગ્ય પર જોરજોરથી પોતાના બંને હાથ ઠોકતી દર્દભર્યા શબ્દો બોલી રહી: ‘ખોળો ખાલી મૂકીને તમે કેમ ચાલ્યા ગયા, ચિત્રાંગદ ?’

ચિત્રાંગદ તેને જવાબ દેવા ત્યાં ન હતો. તેની વ્યથાપૂર્ણ નજર સામે નવા મહારાજા વિચિત્રવીર્યનો જયઘોષ કરતાં સેવકો દોડતા હતા. વિચિત્રવીર્યના રાજ્યાભિષેકની તૈયારીમાં સત્યવતી પણ ઊલટભેર ભાગ લઈ રહી હતી. તેનું વ્યથાપૂર્ણ સ્મિત પણ તેના ચહેરા પર પથરાતું હતું. બીજી ક્ષણે નિસાસો નાંખતા બબડતી, ‘જુવાનજોધ દીકરાના અવસાનનો કોઈ ખેદ પણ જણાય છે મહારાણીના ચહેરા પર ? જાણે લગ્નનો આનંદ માણતી હોય એમ મહારાણી બનીઠનીને ઘૂમી રહ્યાં છે.’

અંબિકા ભલે શોકમગ્ન હોય, પણ તેનેય આ રાજ્યાભિષેકના આનંદમાં ગમ સાથે સામેલ થવું જ પડ્યું. મહારાણી સત્યવતી તેને ખેંચી ગઈ. વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક થયો. હસ્તિનાપુરના નવા મહારાજા વિચિત્રવીર્યના જયઘોષથી આભ ભરાઈ ગયું. ઉત્સવ પણ રંગભર્યો બની રહ્યો. સત્યવતીના આનંદને કોઈ જ સીમા ન હતી. મનોમન તે ભીષ્મની પ્રશંસા કરતી હતી. ‘ભીષ્મ તેની પ્રતિજ્ઞાને સંપૂર્ણપણે વફાદાર ન હોત તો વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક શક્ય ન હોત.’

‘ધન્ય, ધન્ય, ગંગાપુત્ર ભીમ ધન્ય!’ હર્ષ્યાન્વિત બનતાં સત્યવતી એકલી એકલી બબડતી હતી.

તેણે વિચિત્રવીર્યને સલાહ દીધી, ‘જો બેટા, મોટાભાઈની સલાહની કદી અવગણના કરતો નહિ.’ ને પછી સખેદ કહેતી, ‘ચિત્રાંગદે જો ભીષ્મની સલાહ માનીને રણમેદાનમાં જવાની ઇચ્છાનો ત્યાગ કર્યો હોત તો તેને જિંદગીથી હાથ ધોવા ન પડ્યા હોત.’ ને સાથે જ પોતે પણ ભીષ્મની સલાહ સમજી શકી નહિ. ચિત્રાંગદને દુશ્મનનો મુકાબલો કરવા જવાની રજા આપી તેનો અફસોસ કરતાં બોલી રહી, ‘હું પણ ભીષ્મની વાત સમજી શકી નહિ. મને પણ મારો ચિત્રાંગદ પરાક્રમ બતાવે તે ગમતું હતું. પરાક્રમી રાજા તરીકે ચોપાસ તેની કીર્તિ ફેલાઈ તેની ઝંખના કરતી હતી. એટલે મેં પણ તેને દુશ્મનોનો મુકાબલો કરવા ઉત્તેજન દીધું.’ પછી ભગ્નાવશ બનતાં બોલી, ‘મૂઈ હુંં જ મારા દીકરાના મૃત્યુ માટે જવાબદાર છું ને ?’

પણ હવે અફસોસ કરવાની જરૂર શી છે ? સત્યવતી જાતે જ તેના મનદુઃખને હળવું બનાવવા પ્રયત્નશીલ હતી. હવે તો વિચિત્રવીર્ય હસ્તિનાપુરના મહારાજા છે. પોતે તો રાજમાતા તરીકે સન્માનિત છે એવા વિચારે તે દુઃખનો ભાર હળવો કરતી હતી.

પણ તેના દુર્ભાગ્યની ઘડીઓ હજી ઘૂમતી હતી. વિચિત્રવીર્ય મહારાજા બન્યો તેનો મનોઆનંદ લૂંટાઈ જતો હતો.

એક મધરાતે વિચિત્રવીર્યની પત્ની અંબાલિકાએ સત્યવતીના દ્વાર ખખડાવ્યાં. આંસુભીની આંખે અને કરુણાભર્યા સ્વરે તેણે સત્યવતીને વિચિત્રવીર્યની માંદગીના સમાચાર દીધા, ‘મા, મહારાજા ઘણાં ગંભીર બીમાર છે. થોડા દિવસથી તેઓ બીમાર તો છે જ, રાજવૈદની દવા પણ ચાલે છે, પણ બીમારીનો જુસ્સો હળવો થતો જ નથી. રાજવૈદ પણ પોતાની નિષ્ફળતાથી મૂંઝાય છે, ને મહારાજા અત્યારે બેભાન હાલતમાં છે.’ આંસુભરી આંખે ને દર્દઘેરા શબ્દોએ અંબાલિકા પ્રાર્થતી હતી, ‘મા, તમે કાંઈ કરો, એમને બચાવો મા! તમારા ચરણોમાં પડું છું… મા !’

અંબાલિકાની વેદનાભરી વાણી કાકલૂદીથી સત્યવતી પણ હલબલી ઊઠી. તેનો માતૃપ્રેમ પણ ઉત્તેજિત બન્યો. તે દોડતી અંબાલિકાનો હાથ પકડીને વિચિત્રવીર્ય પાસે પહોંચી ગઈ.

પલંગમાં વિચિત્રવીર્ય બેભાન હાલતમાં પડ્યો હતો. રાજવૈદને તત્કાલ તેડું થયું હોવાથી તેઓ પણ માવજતમાં પરોવાયા હતા. વિચિત્રવીર્ય સામે થોડી ક્ષણો દર્દભીની નજર માંડી રહ્યા પછી સત્યવતીએ રાજવૈદને પૂછ્યું, ‘શું થયું છે મહારાજાને ? કેમ દવા કઈ અસર કરતી નથી? હવે શો ઉપાય છે?’

રાજવૈદ પણ હતાશામાં હતાં. તેનો કોઈ કીમિયો કામ આવતો ન હતો. તેણે છેલ્લા ત્રણ દિવસમાં તેની જાણમાં ને બીજા દર્દીઓ પર સફળતાપૂર્વક અજમાવેલો કીમિયો પણ વિચિત્રવીર્ય પર અજમાવ્યો, પણ નિષ્ફળતા જ મળી. વિચિત્રવીર્ય તેના દેહમાંના વિવિધ દર્દો વિષે વૈદ સમક્ષ ફરિયાદ કરતો હતો.

‘હમણાં દર્દ હળવું થશે મહારાજ, ધીરજ ધરો!’ વૈદ પોતાના સફળ કીમિયાનો ઉપયેાગ કરવાની તૈયારી કરતો હતો. તેણે દર્દી ને વિશ્વાસ દીધો, ‘આ ઓસિડયું તૈયાર કરું છું. મહારાજ બે વખત તેનું સેવન કરશે એટલે દર્દ જાણે સદાને માટે ભાગી જશે. ફરીથી દેખાશે પણ નહિ.’

વૈદ તેનાં ઓસિડયાં ખલમાં ઘૂંટતો હતો. વિશ્વાસનું વાતાવરણ જમાવવા અંબાલિકાને પણ વિશ્વાસપૂર્વક કહેતો, ‘રાણીસાહેબા ! તમે નચિંત રહો. મહારાજા પૂર્વવત્ સાજાસમા થઈ જશે.’

અંબાલિકા પણ દવા ઘૂંટતા વૈદ સામે શ્રદ્ધાપૂર્વક નજર નાખતી બેસી રહેતી.

પણ વૈદના કીમિયાને વિચિત્રવીર્યની બીમારીએ દાદ દીધી નહિ. વૈદની આશાભરી દૃષ્ટિમાં પણ હવે હતાશા વ્યાપી રહેતી હતી, ને પોતાની પાસેની બીજી દવા ઘૂંટવા બેસી ગયો.

જેમ જેમ દિવસો પસાર થતા હતા તેમ તેમ વિચિત્રવીર્યની માંદગી લંબાતી હતી. એ રાત્રે તો અંબાલિકા સાથે વાતો કરતાં બેભાન બની જતાં અંબાલિકા ચીસ પાડી ઊઠી. તેની ચીસ સાંભળતાં દાસ-દાસીઓ દોડી આવ્યાં.

‘જાવ, વૈદને તત્કાળ લઈ આવો.’ અંબાલિકાએ હુકમ કર્યો ને સેવકો વૈદને બોલાવવા દોડ્યા. વૈદ પણ ગાભરો ગાભરો આવી પહોંચ્યો. મહારાજાને બેભાન હાલતમાં જોતાં તે દવા તૈયાર કરવા લાગ્યો.

અંબાલિકા સત્યવતીને જાણ કરવા દોડી. સત્યવતીના સહારાની તેને પણ જરૂર હતી. દિવસો થયા તે પણ વ્યથાપૂર્ણ જીવન જીવતી હતી. સત્યવતીની હાજરી તેને માટે થોડા ઘણાં પ્રમાણમાં આશ્વાસનસમ હતી.

સત્યવતીએ વૈદને પ્રશ્નો કર્યા ને વૈદે તેના જવાબમાં બીમારીનું વિશ્લેષણ કરતાં કહ્યું, ‘મહારાજાને માનસિક રોગ છે. શારીરિક કોઈ બીમારી નથી એટલે તે બેભાન થઈ ગયા છે. ચિંતા ન કરો, બાસાહેબ! હમણાં દવા આપું છું ને કલાકમાં તેઓ ભાનમાં આવી જશે.’

‘સારું ત્યારે, હું પણ અહીં જ બેઠી છું. સત્યવતીએ બેઠક જમાવતાં કહ્યું.

વૈદ ઘણી બધી જહેમત કરતો હતો, પણ વિચિત્રવીર્ય ને વળગેલી બીમારી દૂર થવા માંગતી જ ન હોય એમ વૈદના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. સત્યવતી વૈદની નિષ્ફળતા પામી ગઈ હતી, પણ તેના મનોપ્રદેશમાં વૈદે વિચિત્રવીર્ય ની માંદગીનું પૃથક્કરણ કરતા માનસિક તનાવ જણાવ્યો તેને વિષે સત્યવતી ગંભીરતાથી વિચારતી હતી. વિચિત્રવીર્ય ને વળી માનસિક તનાવ શો હોઈ શકે ? રાજ્યના વહીવટમાં કોઈ એવા ગંભીર પ્રશ્નો ઊભા થયા નથી. કોઈના આક્રમણમાં ભય નથી તેમ વિચિત્રીવીર્ય પોતે પણ કોઈનો મુલક પચાવી પાડવા માટેની ઇચ્છા પણ કરતો નથી. હસ્તિનાપુરને વળી બીજાના મુલક પડાવી લેવાની ખ્વાહિશ શાને હોય ?

‘તો માનસિક તનાવનું કોઈ કારણ તો હશે જ ને?’ ગંભીરતાથી સત્યવતી વિચારતી હતી. લાંબી વિચારણા પછી એક તર્ક ઊઠ્યો, ‘કદાચ ભીષ્મ અને વિચિત્રવીર્ય વચ્ચે કોઈ પ્રશ્ન અંગે વિવાદ જાગ્યો હોય ને તેમાંથી મનદુઃખ ઊભું થયું હોય તો માનસિક તનાવ સ્વાભાવિક છે. પણ એવી કોઈ દુર્ઘટનાની તેને જાણ નથી. ભીષ્મ તો તરત જ તેનું ધ્યાન ખેંચ્યા વગર રહે જ નહિ. પણ—’ આ કલ્પનાતંતુ આગળ લંબાય તે પહેલાં તે સ્વગત બબડી, ‘ના, ના, ભીષ્મ વિષે કોઈ અનિષ્ટ કલ્પના કરવી ન જોઈએ. ભીષ્મ તેની પ્રતિજ્ઞાને પૂરતો વફાદાર છે. એટલે તો મારા દીકરા ગાદીપતિ થયા. ભીષ્મ બંને દીકરાઓનાં વહીવટને સફળ બનાવવા સતત જહેમત પણ કરે છે. તેને વિષે કોઈ દૂષિત વિચાર મારા મનમાં ઉદ્ભવવો જ ન જોઈએ.’ મનોમન તે પસ્તાવો પણ કરી રહી.

હવે વૈદ પણ થાક્યો હતો. તેના સર્વોત્તમ ઓસડિયાં ને સર્વોત્તમ ઉપચારો વિચિત્રવીર્યની બીમારીને દફે કરવામાં નિષ્ફળ જતા હતા. હવે તો તેની મૂંઝવણ પણ વધી પડી હતી. અંબાલિકા પણ વૈદની હતાશાને પામી ગઈ હોય તેમ દર્દનાક સ્વરે વૈદને પ્રાર્થતી હતી, ‘મારા સ્વામીને બચાવો વૈદરાજ, તમારો ઉપકાર કદી નહિ ભૂલું.’ તેની આંખમાંથી અશ્રુપ્રવાહ પણ વહેતો હતો.

વૈદ પણ દ્રવી ઊઠતો હતો. તે અંબાલિકાને શાંત્વન દેતો હતો, ‘હું મારાથી બનતાં બધા જ પ્રયત્નો કરું છું.’ પોતાની પાસેની એક જડીબુટ્ટી તેની સામે ધરીને કહી રહ્યો, આ જડીબુટ્ટીનો છેલ્લો સહારો છે.’ તે જડીબિટ્ટી વિષેની સિદ્ધિઓ-સફળતા વિષે બ્યાન કરતાં કહેતો, ‘આ જડીબુટ્ટીએ છેલ્લો સહારો લીધો છે, બા સાહેબ!’ પછી વિશ્વાસ સ્થાપિત કરવા મથતો હોય એમ કહેતો, ‘એક વખત સદ્‌ગત મહારાજાને આ જડીબુટ્ટીથી તંદુરસ્તી પ્રાપ્ત થઈ હતી. એટલે હવે આ જડીબુટ્ટીની અજમાયશ કરું છું. પ્રભુની દયા હશે તો મહારાજ ફરી હરતાંફરતાં તંદુરસ્ત થઈ જશે.’

વૈદ તેની જડીબુટ્ટીનો ઉપયોગ કરતો હતો. અંબાલિકા તેના પ્રતિ આશાભરી મીટ માંડી રહી હતી. વૈદ પણ જડીબુટ્ટીનો ચમત્કાર જોતો બેઠો હતો, પણ તેનો ઉત્સાહ ઠરી ગયો. જડીબુટ્ટીની અસર તત્કાલ થવી જોઈએ. પાંચ-દશ મિનિટમાં જ દર્દીના નયનો ઊઘડવા જોઈએ. વધુ દશ મિનિટમાં તે સ્વસ્થતાપૂર્વક વાત કરવો જોઈએ. પણ વિચિત્રવીર્ય પર તેની કોઈ જ અસર જણાતી ન હતી. કેટલોય સમય આશાભરી દૃષ્ટિ માંડી રહ્યા પછી જ્યારે કોઈ અસર જણાઈ નહિ ત્યારે વૈદ ઊભો થયો. તેણે ખિન્ન સ્વરે અંબાલિકાને કહ્યું, ‘બા, હવે તમે બીજા કોઈને બોલાવો. મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા છે.’

વૈદ વિદાય થયો ને અંબાલિકા પણ વ્યથાભરી સત્યવતીના આવાસ ભણી દોડી. સત્યવતીને વૈદની નિષ્ફળતા વિષે જણાવી બીજા કોઈ વૈદને લઈ આવવા પ્રાર્થના કરી. સત્યવતી પણ ગભરાઈ ગઈ હતી. તેણે તત્કાલ ભીષ્મને બોલાવ્યો. ભીષ્મ વિચિત્રવીર્યની બીમારી વિષે જાણતો હતો. એકબે વાર તે જાતે બીમાર વિચિત્રવીર્ય પાસે ગયો પણ હતો, ત્યારે વિચિત્રવીર્યે તેની સાથે વાતો પણ કરી હતી. એટલે સામાન્ય બીમારી છે એવા વિશ્વાસે ભીષ્મ નિરાંત અનુભવતો હતો.

જ્યારે સત્યવતીએ વેદનાભરી વાણીમાં વિચિત્રવીર્યની હાલત વિષે જણાવ્યું ત્યારે ભીષ્મ પણ હલબલી ઊઠ્યો. તેમાં પણ રાજવૈદે અંબાલિકા સમક્ષ પોતાની નિષ્ફળતા સાથે જ બીજાને બોલાવવાની સલાહ આપી હોવાની વાત જાણતાં તે પણ મૂંઝાતો હતો. હસ્તિનાપુરમાં વૈદો તો ઘણા હતા, પણ બધા જ વૈદોમાં રાજવૈદ જ વધુ કુશળ હતો. એટલે હવે કોનો આશરો લેવો તેની સૂઝ તેને પડતી ન હતી.

‘ભીષ્મ ! ભાઈ!’ આંસુની અખંડ ધારા વહેતી કરતી સત્યવતી ભીષ્મને કહી રહી હતી. ‘કોઈ પણ ઉપાયે મારા વિચિત્રવીર્યની જિંદગી બચાવવી જ જોઈએ.’

‘જાણું છું, મા !’ ભીષ્મ પણ દ્રવી ઊઠ્યો હતો. તેણે વિશ્વાસ દીધો, ‘બીજા વૈદને તત્કાળ લઈ આવું છું. મા, તમે શાંત રહો. ઈશ્વરની ઈચ્છા હશે તો સૌ સારું થશે.’

ભીષ્મ બીજા વૈદને પણ લઈ આવ્યો. તેણે પણ ઘણાં ઘણાં ઉપચારો કર્યા. તેને માટે પણ આ માંદગી ભાવિની ઉજ્જવળતાને પામવા માટેની એક તક હતી. જો તે વિચિત્રવીર્યને માંદગીમાંથી હેમખેમ બેઠો કરી શકે તો રાજવૈદનું સ્થાન તેને માટે નક્કી જ હતું. એ સ્થાન પામવા માટેની આ તકને સફળ બનાવવા તે પણ ઘણાં ઘણાં પ્રયત્ન કરતો. અરે! રાત્રિ પણ તે બીમાર સાથે જ ગાળતો, પણ તેનેય નિરાશ થવું પડ્યું. તે પણ વિદાય થયો. હવે માત્ર કોઈ ચમત્કાર થાય તો જ વિચિત્રવીર્ય સ્વસ્થ થઈ શકે. એવો કોઈ ચમત્કાર થયો જ નહિ ને વિચિત્રવીર્ય પણ વિદાય થયો.

સત્યવતીને બીજા દીકરાના અવસાનનો સખત આઘાત લાગ્યો. તેનાં સ્વપ્નાં રોળાઈ ગયાં હતાં. તેની મનોવ્યથા પણ ઘણી હતી. ભીષ્મ તેને આશ્વાસન દેતાં કહેતો, મા ! ઈશ્વરની ગતિનો કોઈ પાર પામ્યું છે? આપણે લાચાર છીએ.’

‘જાણું છું, ભીષ્મ ! જાણું છું !’ અશ્રુભીની આંખો સાફ કરતાં સત્યવતી દર્દભીના સ્વરે કહી રહી. ‘કોઈના હક્ક, અધિકાર છીનવી લઈને પોતે તેનો ઉપભોગ ક્યાં સુધી રહેવાનો હતો ? ઈશ્વરનો ન્યાય ભલે મને ન ગમે, પણ તેનો ન્યાય તો સાચો જ છે ને?’

ભીષ્મ સત્યવતીના વચનોનો મર્મ બરાબર સમજી ગયો હતો, પણ તેનો આનંદ તે માણતો ન હતો. સત્યવતીના શબ્દો તેના દિલ પર ભારે ચોંટ મારતા હોય એમ થોડીક ક્ષણો તે હલબલી ઊઠ્યો ને સત્યવતી પ્રતિ પ્રશ્ર્નાથ દૃષ્ટિ માંડી રહ્યો.

‘મા, આ તમે શો બકવાસ કરો છો?’ તેણે પૂછ્યું, ‘મારા ભાઈઓએ કયાં કોઈનો હક્ક છીનવી લીધેા હતા? તેઓ પોતે જ હક્કદાર હતા. તેમણે તેમના હક્કો ભોગવ્યા તેમાં ઈશ્વરના ન્યાયની વાત ક્ચાં આવી?'

'ભીષ્મ, તું ભલે તારા છીનવાઈ ગયેલા હક્ક વિષે શાંત હો, તારા પિતાની જિંદગી કાજે તેં ભલે તારા હક્કનું બલિદાન દીધું પણ હકીકતમાં તો તારો હક્ક છીનવાઈ જ ગયો હતો ને? તું ભલે એમ માનતો ન હોય પણ લોકો તો એમ જ માને ને?'

'લોકો શા માટે એવી કલ્પના પણ કરે? ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય રાાન્તનુના જ સંતાનેા છે. શાન્તનુનો એ અધિકાર હતો કે, પોતાના ગાદીવારસ તેને ઠીક લાગે તેને બનાવે. તેમણે ચિત્રાંગદને ગાદીવારસ બનાવ્યો, યુવરાજપદે સ્થાપ્યો તેમાં બીજાઓ શા માટે ટિકા કરે?' બોલતાં બોલતાં ભીષ્મ પણ દ્રવી ઊઠ્ચો હતો. સત્યવતી પ્રત્યે તેણે હંમેશા પૂજ્યભાવ જ રાખ્યો હતો. તેને પોતાની માતા જ માની હતી. તેની કોઈ પણ ઇચ્છાની પોતે ક્યારેય અવગણના પણ કરી ન હતી, છતાં સત્યવતીના મનમાં આવો ભાવ કેમ જાગ્યો હશે?

તેણે સત્યવતીને પ્રશ્ન કર્યો, 'મા, તમારા દિલમાં આજે આવો ભાવ કેમ જાગ્યો ? મારી કોઈ ઊણપ છે? મેં તમને કદી દુભવ્યાં છે, મા ?’ ભીષ્મ ગદ્દગદ કંઠે પૂછતો હતો.

ભીષ્મની હાલત જોતાં સત્યવતી પણ દ્રવી ઊંઠી. તેણે ઊભા થઈ ભાંગી પડેલી હાલતમાં બેઠેલા ભીષ્મના મસ્તક પર પ્રેમાળ હાથ મૂકી તેને હૈયાધારણ દેતાં કહી રહી, ‘ ભીષ્મ ! તમને દુભવ્યા તેનો મને ધણો જ અફસોસ છે. તમે મારા પ્રત્યે પુત્રવત્ ભાવ જ રાખ્યો છે તે હું જાણું છું. તમે કદી પણ મારી આજ્ઞા અમાન્ય કરી નથી તે પણ હું જાણું છુ. જે કાંઈ બન્યું તેનો અફસોસ કરતાં મારા મનમાં અપરાધભાવ જાગ્યે તેને હું વાચા આપું છું. તમને કોઈ દોષ દઈ શકે તેમ નથી. તમે મારા બંને પુત્રોને બંધુભાવથી જાળવ્યા, તેમના માટે તમે ઘણાં ઘણાં પુરુષાર્થો પણ કર્યાં, એ પછી મારા દિલમાં તમારા વિષે કોઈ શંકા પણ કેમ જાગે ?' તેણે આવેશમાં આવી ભીષ્મના કપોલપ્રદેશ પર ચુંબન દેતાં કહ્યું, ‘હવે આજની સ્થિતિનો જ આપણે વિચાર કરવો જોઈએ. તમારી સલાહની મને ખૂબ જ જરૂર છે, ભીષ્મ !

'સલાહ નહિ, આજ્ઞા કહો મા. તમારો ભીષ્મ તમારી આજ્ઞાનું કદી પણ ઉલ્લંઘન નહિ કરે મા ! ખાતરી છે ને ?'

‘હા, ખાતરી જ કેમ, પૂરતો વિશ્વાસ પણ છે, ભીષ્મ !'

'તો કહો, શું ઈચ્છો છો ?'

'ઇચ્છા તો એટલી જ છે કે હવે હસ્તિનાપુરની ગાદીનો વારસ હોવો જોઈએ. બંને ભાઈઓ નિઃસંતાન ગુજરી ગયા છે એટલે આપણી સમક્ષ વિકટ સમસ્યા ઊભી થઈ છે. કુરુવંશનો વેલો વધતો જ રહેવો જોઈએ અને હસ્તિનાપુરની ગાદી સૂની ન રહેવી જોઈએ.' ને ઉદ્વેગપૂર્ણ સ્વરે ખાલી, ‘મને બે દીકરા ગુમાવ્યા તેના અફસોસ છે, પણ તેના કરતાંય કુરુવંશ અને ગાદી સૂની રહે તેને વિશે વિશેષ ચિંંતા છે.' ને ભીષ્મને પ્રશ્ન કર્યો, 'તમે કોઈ માર્ગ બતાવશો?'

ખભા ઊંચા કરતાં ભીષ્મે જવાબ દીધો, 'હું શો માર્ગ બતાવું મા ! મને તેને વિશે વિચારવાની પણ જરૂર શી છે?'

'શું કહો છો તમે?' અચંબાભરી સત્યવતી પૂછી રહી.

'તમે બેઠાં છો, પછી તમારે જ જે યોગ્ય અને વ્યાજબી હોય એ નિર્ણય કરવો જોઈએ.' ભીષ્મે કહ્યું.

'તમે માનશો ખરા ?'

'મા, તમને હજી પણ ભીષ્મનો વિશ્વાસ નથી ?' સત્યવતીના પ્રશ્નથી આધાત અનુભવતો હોય એમ ભીષ્મે પ્રશ્ન કર્યો.

'વિશ્વાસનો પ્રશ્ન જ નથી, ભીષ્મ ! '

'તો શું છે, મા?' 'વિકટ સમસ્યા છે. તેમાં તમારા સહકારની જરૂર છે.’

'સહકાર નહિ મા, તમે આજ્ઞા કરો. તેનું પાલન ભીષ્મ જરૂર કરશે.'

'તો સાંભળો, ભીષ્મ !' પૂર્ણ સ્વસ્થતા જાળવતાં સત્યવતી સહેજ ટટ્ટાર થતાં બોલી, ‘હવે આ બધી જ સમસ્યાનો ઉકેલ તમે લાવી શકેા છો !'

'એટલે?' સાશ્ચર્ય ભીમે પૂછ્યું,

'હસ્તિનાપુરની ગાદી તમે જ સંભાળળો. તમારી હતી તે તમને પાછી મળે છે. ગાદીનો વારસ જ નહિ, પણ કુરુવંશનો વેલો વધતો રહે એ માટે તમે લગ્ન કરી લો.' જાણે સહજભાવે બોલતી હાય એમ સત્યવતી ભીષ્મને કહી રહી. તેણે ઉમેર્યું, 'મારી આજ્ઞા માનવી હોય તો માનો.’.

સત્યવતીની આજ્ઞા સાંભળતાં ભીષ્મના રોમરોમ સળગી ઊઠ્યા. માતાની આજ્ઞાની તેમણે કદી અવજ્ઞા કરી જ નથી, પણ હવે અવજ્ઞા કરવી જ પડશે તેનું ભારોભાર દુઃખ હોય એમ થોડીક ક્ષણો ચેતનવિહીન ક્ષુબ્ધપણે ઊભા રહ્યા.

સત્યવતી પણ ભીષ્મ સામે આશાભરી દૃષ્ટિ માંડી રહી હતી. બંને વચ્ચે ગંભીર શાંતિ હતી.

'બોલેા, માની આજ્ઞાનું પાલન કરવા તમે ટેવાયેલા છો એટલે આ આજ્ઞાની અવગણના તો નહિ જ કરો તેવો વિશ્વાસ છે.' સત્યવતીએ શાંતિનો ભાગ કરતાં કહ્યું.

'માફ કરો મા, તમારી આજ્ઞાની અવગણના કરતાં જે પાપ મને લાગે તે પ્રતિજ્ઞાનેા ભંગ કરતાં જે પાપ લાગે તેના કરતાં ધણું હળવું હશે. એ પાપની સજા ભોગવી લઈશ, પણ પ્રતિજ્ઞાભંંગ કદી નહિ થાઉં.'

‘પણ કુરુવંશનો તમે અંત લાવી દેશો? હસ્તિનાપુરની ગાદી સૂની રહેવા દેશો? હસ્તિનાપુરનો કોઈ રાજા-મહારાજા નહિ હોય ? કોઈ યુવરાજ પણ નહિ હોય ?' સત્યવતીનો આક્રોશ વધી પડ્યો. તેણે પૂછ્યું', ‘શાન્તનુનો મોટો પુત્ર હોવા છતાં આવું દુર્ભાગ્ય સર્જાશે.' સત્યવતી જાણે હૈયાની અકળામણ ઠાલવતી હોય ને પશ્ચાત્તાપ કરતી હોય એમ ગોલી, ‘મહારાજા શાન્તનુ મત્સ્યગધાના સૌદર્ય પર મોહી પડ્યા હતા. તેનો લાભ મારા બાપે લીધો ત્યારે હું પણ અસમજ હતી. મારે પણ મહારાણી બનવું હતું એટલે બાપની હઠની હું અવગણુના કરી શકી નહિ. તમે મહારાજની ઈચ્છા પૂર્ણ કરવા બાપની શરતોનો સ્વીકાર કરી પ્રતિજ્ઞા લીધી. પણ હવે?'

વેદનાભર્યો શ્વાસ ખેંચતા બોલી, 'ભીષ્મ, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. તમે ગાદીત્યાગ કરીને મારા બંને પુત્રોને ગાદી દીધી. પણ કમભાગ્યે તે મૃત્યુ પામ્યા. તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. હવેનો ધર્મ જુદો છે.'

‘ના, મા, ના! ભીષ્મ દેવેાની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞામાંથી સહેજ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. ગાદી અને લગ્ન મારા માટે જિંદગીના અંત સુધી વર્જ્ય છે, મા!'

સત્યવતી સમક્ષ મસ્તક નમાવી દીનભાવે ભીષ્મ બોલતો હતો. 'મા, મને ક્ષમા કરો. તમારી આજ્ઞાની અવગણના કરતાં મને ખૂબ દુ:ખ થાય છે. મા, પ્રતિજ્ઞાભંગ થઈ હું રાજવૈભવ ભોગવવા ઇચ્છતો નથી. '

સત્યવતી નિઃશબ્દ સ્તબ્ધ હતી.

ભીષ્મ બે હાથ જોડી સત્યવતીની ક્ષમા માંગતા ઊભા હતા.