ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/પ્રકરણ ૧ લું

ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૧ લું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૨ જું →


मिस फ्लॉरेन्स नाइटींगेलनुं जीवनचरित.



પ્રકરણ ૧ લું.



ફલોરેન્સ નાઇટીંગેલનો જન્મ ઈટલીના રમણીક ફ્લૉરેન્સ નગરમાં ઈ. સ. ૧૮૨૦ ના મે મહીનાની ૧૨ મી તારીખે થયો હતો. તેમનું કુટુંબ પ્રથમ શૉર નામે ઓળખાતું હતું. તેમના પિતાનું નામ વીલીઅમ ઍડવર્ડ શૉર હતું, પરંતુ જ્યારથી તેમને લીના પીટર નાઇટીંગેલની જાગીર મળી ત્યારથી નાઇટીંગેલનું નામ તેમણે ધારણ કર્યું હતું. તેમના પિતાનું કદ ઘણું ઉંચું હતું અને શરીર પાતળું હતું. તે સ્વભાવે ઘણાજ નમ્ર અને એકમાર્ગી હતા. તેમણે એડીનબરોમાં અને કેમ્બ્રિજની ટ્રીનીટી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો, અને અનેક ઠેકાણે પ્રવાસ કરીને મનને સંપૂર્ણ કેળવ્યું હતું. મિ. નાઇટીંગેલના કેળવણી તથા સુધારાના વિષયના વિચાર તેમના વખતના પ્રમાણમાં ઘણા આગળ વધેલા હતા. રમત ગમતનો તેમને ઝાઝો શોખ ન હતો. વિદ્યા ઉપર તેમને વિશેષ પ્રેમ હતો, તેમજ કળા તથા હુન્નરમાં તે નિપુણ હતા. તેમને પોતાના અસલના કુટુંબનું સારી પેઠે અભિમાન હતું.

પોતાની જાગીરમાં વસતા લોકોનું ભલું કરવાને તે સદા ઈંતેજાર રહેતા. ગામડાના લેાકેાની કેળવણી પાછળ તેમણે પુષ્કળ પૈસો ખર્ચ્યો હતો, અને એમને લીધેજ એ ગામડીઆએ થેોડું ઘણુંએ વાંચતાં લખતાં શીખ્યા હતા. ધર્મ ઉપર પણ તેમને પૂર્ણ શ્રદ્ધા હતી, અને ક્રીશ્ચીઅન ધર્મનો પ્રચાર કરવાનો તે અત્યંત પ્રયાસ કરતા.

ફ્લૉરેન્સની માતાનું નામ ( તેમના પિતાના ઘરનું ) મિસ ફ્રાન્સિસ સ્મિથ હતું. તેમના પિતા મિ. વીલીઅમ સ્મિથ પચાસ વર્ષ સુધી પાર્લા- મેંટમાં નૉરીચ તરફના મેંબર હતા. તે વખતના પ્રમાણમાં તેમના બહુ ઉદાત્ત અને સ્વતંત્ર વિચાર હતા. ધર્મ અને પરોપકારનાં કાર્યમાં બહુજ ખંતથી ભાગ લેતા હતા. મિસિસ નાઈટીંગેલ ( ફ્લોરેન્સની માતા ) નો સ્વભાવ ઘણી રીતે તેમના પિતા જેવો હતો.

અનાથ લોકેાને તે હંમેશ મદદ કરતાં. તે જાતે જાજરમાન અને ખુબસુરત ચહેરાવાળાં હતાં. તેમના સર્વ આચાર વિચાર એક નિપુણ ગૃહિણીને યોગ્યજ હતા. હજી સુધી ગામના લોકો એમને યાદ કરે છે.

ફ્લૉરેન્સમાં અનાથ લોકો માટે દયા તથા પ્રચલિત રૂઢિની વિરુદ્ધ પરોપકાર કરવાની વૃત્તિ હતી. તે તેમની માના કરૂણાળુ સ્વભાવને લીધેજ હતી. તેમના પિતાનો મત એવો હતો કે, સ્ત્રીઓને ઊંચા પ્રકારની કેળવણી આપવી. લખવું, વાંચવું, શીવવું, ગુંથવું એટલાથી સ્ત્રી કેળવણીની સમાપ્તિ થતી નથી. માતા તરફથી ફ્લૉરેન્સમાં દયાનો ગુણ આવ્યો હતો, અને પિતા તરફથી વિદ્યા ઉપર પ્રીતિ આવી હતી. મિ. નાઇટીંગેલને માત્ર બેજ સંતાન હતાં, ફ્રાન્સિસ પાર્થીનોપ, જે પાછળથી લેડી વર્ની નામે ઓળખાઈ અને બીજી તેના કરતાં એક વર્ષ ન્હાની ફ્લૉરેન્સ.