ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૨ જું

←  પ્રકરણ ૧ લું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૨ જું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૩ જું →


પ્રકરણ ૨ જું.



ફ્લૉરેન્સે પ્રથમનાં પાંચ વર્ષ ઇટાલીમાંજ કહાડ્યાં હતાં, પછીથી તેમનાં માતા પિતા ઈંગ્લેંડમાં ડાર્બીશાયરના રમણીય પ્રદેશમાં તેમજ હેમ્પશાયરમાં રહેતાં હતાં. ઉન્હાળાના દિવસ લીહર્સ્ટ (ડાર્બીશાયર) માં ગુજારતાં અને શિયાળામાં તથા વસંત ઋતુમાં ઍમ્બલી પાર્ક (હેમ્પશાયર) માં રહેતાં હતાં, એ વખતે રેલનો માર્ગ થયો નહોતો. તેથી પગરસ્તે ગાડી ઘેાડે બેસીને જતાં, બન્ને બાળક બહેનોને અત્યંત ગમત પડતી હતી, તેમજ કુદરતી દેખાવની રમણીયતા જોવાની પણ તક તેમને તે જ વખતે મળતી હતી. કુદરતી દેખાવ તરફ તથા ગામડાના લોકેાના આચાર વિચાર તરફ તેમને પ્રેમની લાગણી આવાજ પ્રસંગોથી ઉત્પન્ન થઈ હતી.

તેમનો સ્વભાવ બાળપણથી જ ઘણો મળતાવડો અને માયાળુ હતો. પોતાની પડોશમાં વસતાં ખેડુતો, મજુરો, તેમની સ્ત્રીઓ તથા બાળકો સર્વને તે સાંભળતાં, તથા તેમનાં દુઃખ કાંઈક અંશે ટાળવાને પ્રયાસ કરતાં.

આ રીતે બાળપણથી જ તે ગરીબ તથા ધનવાન વચ્ચેનો ભેદ સ- મજતાં નહિ. સર્વ મનુષ્ય બંધુ એક જ પરમેશ્વરની પ્રજા છે એમ જ તે જાણતાં; અને તે જ કારણને લીધે મોટી વયમાં તેમનામાં બંધુપ્રીતિ એટલી બધી ખીલી હતી.

માંદા મનુષ્યની સેવા કરવા તરફ તેમને પ્રથમથી જ પ્રેમ હશે એમ માલમ પડે છે. છેક નાની ઉમ્મરે જ્યારે એ ઢીંગલાંની રમત રમતાં ત્યારે તેમની ઢીંગલી હંમેશ કાયલી રહેતી, ને તે હંમેશ તેની સારવાર કર્યા કરતાં. ઘણી જ સાવચેતીથી ઋતુને યોગ્ય તેને વસ્ત્ર પહેરાવતાં, સુવાડતાં અને ખોરાક પણ સંભાળીને આપતાં, તેને સુવાડે ત્યારે પોતાની બહેનને કહેતાં કે "બહેન જો જે હોં; બહુ ગરબડ ના કરતી, નહિ તો મારી ઢીંગલી જાગી ઉઠશે." તેનાં એાશીકાં, ચાદર વગેરે સફાઈથી પાથરતાં. તેનું મન રંજન કરવાને નાના પ્રકારનાં રમકડાં તેની નજર આગળ મૂકતાં ને તેની તબીયત મહેનત કરીને સુધારતાં ને પાછી રોજ તે બિચારીને મંદવાડના બિછાનામાં સુવાડતાં, તેમની બહેન પાર્થીનોપમાં આ પ્રકારની લાગણી ના હોવાથી તે તેની ઢીંગલીને ગમે તે રીતે આડી અવળી પકડતી તેથી કોઈ દિવસ તેનો હાથ ભાંગતો ને કોઈ દિવસ તેનો પગ ભાંગતો. તે વખતે તેને પાછા મલમપટ્ટા કરવાને તે ફ્લૉરેન્સ પાસે જતી; તે ભલભલા હાડવૈદ્યને હઠાવે તેટલી કુશળતાથી તેનાં હાડકાં બે સાડતાં ને પાટા બાંધતાં.

બાળકપણથી બિમાર માણસની સેવા કરવાનો તેમને શોખ હતો, તે, નીચેની વાત ઉપરથી માલુમ પડશે.

"એક દિવસ ગામના પાદરી સાથે ઘોડા ઉપર બેસીને તે ફરવા જતાં હતાં. તે પાદરીને પણ અનાથ તથા માંદાં લોક પ્રત્યે અત્યંત દયાની લાગણી હતી. અને તે ફ્લૉરેન્સની વૃત્તિ સમજતો હતો અને તેને તેવાં કાર્યમાં ઉત્તેજન આપતો હતો.

હવે એવું બન્યું કે એક રૉજર નામનો વૃદ્ધ ભરવાડ તેનાં ઘેટાંનાં ટેાળાંને એકઠાં કરતો હતો.

પાદરીએ ઘોડો થોભાવીને તેને પૂછયું, "અલ્યા, તારો કૂતરો ક્યાં છે ?"

તે બિચારાએ જવાબ દીધો કે, "શેરીના છેકરાએાએ તેના તરફ પથરા મારીને તેનો એક પગ ભાંગી નાખ્યો છે. હવે મને નથી લાગતું કે એ બિચારો કેાઈ દિવસ સાજો થાય. તેથી હું તો એને ગળે ફાંસો દઈને એની પીડાનો અંત લાવવાનો વિચાર કરૂં છું."

પાદરીની પાસે ઉભેલી છોકરીએ ઝીણે સ્વરે પૂછયું, "અરેરે ! બિચારા કૅપ (કૂતરાનું નામ) નો પગ વળી શાથી ભાંગ્યો, રૉજર ! એને બિચારાને કાંઈક તો ઉપચાર કરી જોયો હોય તો ઠીક, મને જોવા તો દે, એ કયાં છે?"

“બહેન તારાથી કાંઈ વળવાનું નથી." તે વૃદ્ધ ભરવાડે જવાબ દીધો. “મારો તો વિચાર આજે એને ગળે ફાંસો દઈને મારી નાંખવાનો છે, એટલે એ બિચારો પીડામાંથી તો છુટે. હું તો એને તબેલામાં બાંધીને બહાર નીકળ્યો છું.”

કુતરાને આટલી વેદના થતી સાંભળીને ફ્લૉરેન્સને એટલી દયા આવી કે ફરવા કરવાનું સર્વ એક બાજુએ મુકી દઈને બારોબાર તે તબેલા માં ગઈ. ત્યાં જઈને જોયું તો એ કુતરો તો બિચારો અત્યંત પીડામાં ગરકાવ થઈને પડી રહ્યો હતો. તેને તેણે થોડીવાર સુધી તો માયાળુ હાથથી પંપાળ્યા કીધું અને લાડથી બોલાવ્યો. એટલાથીજ જાણે એ કુતરાનું અર્ધું દુઃખ ઓછું થયું હોય તેમ તેણે આંખ ઊંચી કરીને તેના સામું ઉપકારવૃત્તિથી જેયું. મોટી ઉંમરે જ્યારે તે નર્સ થઈને ક્રાઈમીઆની લઢાઈમાં ગઈ ત્યારે સેંકડો માંદા સિપાઈઓ એજ પ્રકારની ઉપકારવૃત્તિની નજરથી તેના તરફ જોતા. તેણે આખો દિવસ તે કુતરા પાસે બેસીને ગરમ પાણીમાં પોતાં નીચોવી નીચોવી શેક કર્યો. છેવટ સંધ્યાકાળે તેના પગનો સોજો ઉતરી ગયો અને તેના મોં ઉપર હોંશિઆરી આવી. રૉજર તેા તેને ફાંસો દેવાનું દોરડું હાથમાં લઈને દીલગીર ચહેરે આવ્યો. આવીને જુવે છે તો કૅપને તો હોંશિઆર થએલો પુંછડી હલાવતો જોયો. પોતાના વહાલા જાનવરને સાજો થએલો જોઈને રૉજરની ખુશીનો પાર રહ્યો નહિ. એ તો ફ્લૉરેન્સને પગેપડીને તેનો ઉપકાર માનવા લાગ્યો.

આાટલા સાધારણ બનાવથી ઉછરતી ફ્લૉરેન્સના હૃદયમાં એક જુદી જ લાગણી ઉત્પન્ન થઇ. કુતરાની આંખમાં તેણે એટલી ઉપકારવૃત્તિ જોઇ કે તેને લાગ્યું કે જો મુંગાં પશુ આટલી લાગણી ધરાવી શકે તો મનુષ્યનું કાંઈ ભલું કર્યું હોય તો કેટલું સારૂં ?

આ બનાવ પછી તે હંમેશ ગરીબ મનુષ્યનું કોઇપણ પ્રકારે ભલું કરવાને ઉત્સુક રહેતી. આસપાસ વસતા ખેડુતો પણ તેમના પ્રત્યેની તેની વર્તણુંક જોઇને તેને પોતાનાં દુઃખની વખતે મિત્ર તરીકે બોલાવતા, અને હંમેશ તેને કેટલી આશીશ દેતા. સર્વેને તેના ઉપર શ્રદ્ધા પણ તેટલીજ હતી, અને સહેજ જરુર પડતી તો તેને પગે પડતા જતા.

તેનાં માતા પિતા પણ આ બાબતમાં તેને ઉત્તેજન આપતાં. મુંગાં પશુ અને દુઃખિત મનુષ્ય ઉપર તેને હંમેશ ઘણીજ દયા આવતી.

તેની માની સાથે ગરીબ લોકોને કાંઈ કાંઈ દાન કરવાને તે જાતેજ જતી. મિસિસ નાઇટીંગેલ લીહર્સ્ટની આસપાસ વસતા ગરીબ લોકો ઉપર ઘણીજ માયા રાખતાં અને તેમને માટે કાંઈ દવા દારૂ તથા સ્વાદીષ્ટ ખાવાનાં વિવિધ પ્રકારની વાનીઓ પોતે જાતે બનાવીને મોકલતાં. નહાની ફ્લૉરેન્સ પોતે ઘોડા ઉપર બેસીને ફુલ ફળાદિ એ લોકોનાં મન પ્રફ્ફુલિત કરવાને આપી આવતી.

તેને જેવી પ્રાણી ઉપર પ્રીતિ હતી તેવીજ ફુલ બગીચા ઉપર પણ હતી. ફ્લૉરેન્સ અને પાર્થી બંને બહેનોના જુદા જુદા નહાના બગીચા હતા. તેમાં તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે ક્યારા ખોદાવતાં, અને વૃક્ષ વેલા રોપતાં, પોતે જાતે નહાના ઝારા લઇને પાણી પાતાં. ફ્લૉરેન્સે આગળ જતાં જે મહાન કાર્ય માથે લીધું તેને યોગ્ય જ તેમને પ્રથમથી કેળવણી મળી હતી.

સૃષ્ટિના રમણીય દેખાવો અને જગ્યામાંજ તે મોટી થઈ હતી, અને માંદા અને ગરીબ લોકોની સેવા કરવાનું પણ શીખી હતી, તેમજ પ્રચલિત રૂઢી કરતાં તેમના વિચાર ઘણા વધારે આગળ વધેલા હતા. આવી રીતની યોગ્ય કેળવણી સિવાય તે ઘાયલ થએલા લશ્કરી સિપાઈઓની સેવા કરવાને તથા તેમની હોસ્પીટલોની સર્વ વ્યવસ્થા કરવાને કદી લાયક થાત નહિ, અને તે કાર્યમાં અગ્રસ્થાન લઈ શકત નહિ.

બંને બહેનો લગભગ સરખી વયની હતી તેથી પોતાનો અભ્યાસ સાથે જ કરતાં. તેમને શિક્ષણ આપવાને માટે એક સ્ત્રીશિક્ષક રાખી હતી, અને તેમના પિતા દેખરેખ રાખતા. મિ. નાઇટીંગેલના વિચાર ઘણા ઉદાત્ત હતા, કલાકૌશલ્યનો તેમને શોખ હતો, અને પોતાને એક પણ પુત્ર ના હોવાથી પુત્રીઓને ઊંચી કેળવણી આપવાનો તેમનો દૃઢ નિશ્ચય હતો; અને તેમને તરત જ માલુમ પડયું કે ફ્લૉરેન્સને તો જે શીખવ્યું હશે તે શીખી શકશે. તે દરેક કામ નિયમપૂર્વક કરાવતા. ઘરમાં શિક્ષણ લેવાથી બાળકીઓને રસળવાની ટેવ ના પડે તે માટે તે હમેશ ઘણા જ સાવચેત રહેતા. અભ્યાસ તથા રમત ગમત માટે ચોક્કસ કાયદા કર્યા હતા અને સહેજ પણ બેદરકારી માટે હમેશ શિક્ષા થતી. નિયમસર અને વ્યવસ્થિત રીતે કાર્ય કરવાની ટેવ ફ્લૉરેન્સને આ પ્રમાણે બાળપણથી જ પડી હતી. અને તેથીજ ક્રાઇમીઆની લઢાઈ વખતે સ્કયુટેરાઈની હોસ્પીટલનું પ્રથમથી મંડાણ માંડીને ચલાવવાનું વિકટ કામ તે હીંમતથી અને સહેલાઈથી કરી શકયાં હતાં.

બુદ્ધિની કેળવણીના અનેક વિષયમાં તેમજ જુદી જુદી ભાષાઓ શીખવામાં બાળપણથી જ ફ્લૉરેન્સે કુશળતા બતાવી હતી. સંગીત વિદ્યા અને ચિત્રકામમાં પણ સારી નિપુણતા મેળવી હતી. પરંતુ એ વિષયોમાં પાર્થી તેના કરતાં વધારે કુશળ હતી. પિતા પાસેથી ફ્લૉરેન્સ સાયન્સના સામાન્ય નિયમ, ગ્રીક, લૅટીન અને ગણિત વિદ્યા એટલું શીખી હતી. મહાન ગ્રંથકર્તાનાં પુસ્તકોનો અભ્યાસ પણ તેમની જ પાસે કર્યો હતો. થોડી ઘણી નવલ કથાઓ પણ ફુરસદની વેળાએ બંને બહેનોએ વાંચી હતી.

બંને બહેનો જેવી રીતે અભ્યાસક્રમ નિયમસર કરતી તે જ પ્રમાણે ફરવા હરવાનું અને રમત ગમત પણ નિયમસર કરતી. સાંજ સવાર પોતાના પાળેલા કૂતરાને લઈ ઘોડા ઉપર બેસીને વગડામાં કે બાગબગીચામાં બંને જણ ફરવા જતાં ઉન્હાળાના દિવસેામાં તાપને લીધે અભ્યાસક્રમ જરા મંદ ચાલતો, પણ તેને બદલો શિયાળામાં વાળતાં.

મિસિસ નાઇટીંગેલ પોતાની પુત્રીઓની ગૃહકેળવણી ઉપર દેખરેખ રાખતાં. ફ્લૉરેન્સ બાર વર્ષની થઈ તે પહેલાં તેને શીવતાં અને થોડું ઘણું ભરતાં ગુંથતાં આવડતું. વ્યવહારિક કાર્યોમાં શી રીતે યોગ્ય થવાય અને સુજ્ઞ અને સુઘડ ગૃહિણી કેવી રીતે થવાય એ સર્વ કેળવણી તેમની માતા તરફથી તેમને મળી હતી.