ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૫ મું

←  પ્રકરણ ૧૪ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૧૫ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૧૬ મું →


પ્રકરણ ૧૫ મું.

મિસ નાઇટીંગેલ ક્રાઇમીઆથી પાછાં ફર્યા ત્યારે સર્વેએ એમ જ કલ્પના કરી હતી કે ઇંગ્લાંડમાં રહીને પણ તે નર્સનું કામ ચાલુ રાખશે અને ઇંગ્લંડમાં ચાલતી નસીંગ પદ્ધતિમાં સુધારા કરશે. જો મિસ નાઈટીંગેલની તબિયત સારી રહી હોત તો પરોપકારનું કામ ચાલુ રાખત જ. તેમની ઈચ્છા તો ઘણી જ હતી. પણ તબિયતે કહ્યું કર્યું નહિ. થોડોક વખત આરામ લીધા પછી તબિયત પાછી ઠેકાણે આવશે, અને ત્યાર પછી નર્સોની કેળવણીનું કામ એ પાતે માથે લેશે એમ સર્વેનું ધારવું હતું. પણ કમનસીબે દિવસ જતાં એમનો રોગ ઘટવાને બદલે વધવા લાગ્યો, અને ફરીથી કાંઈ પણ શ્રમ પડે એવા કાર્યમાં તેમનાથી જોડાવાનું અસંભવિત થઈ પડયું.

આટલી નહાની વયમાં આવી કાર્યપરાયણ સ્ત્રીને રેાગને વશ અશક્ત થઈને ૫ડી રહેવાનું ઘણું જ ભારે પડયું. અને તેમની મોટી મેાટી આશાએાનો ભંગ થવાથી તેમને ઘણો જ શેાક થયો. તે છતાં ઘણી હીંમતથી એ આફત સહન કરી અને પથારીમાં સુઈને પણ લોકનું ભલું કરવાને ચુક્યાં નહિ, એક પણ દિવસ તે કામ કર્યા વગર બેસી રહેતાં નહિ કામ એ જ એમનું જીવિત હતું.

ઘણો ખરો વખત તે લડનમાં જ રહેતાં; કારણ કે મોટાં શહેરમાં તેમને કામને અવકાશ વધારે મળતો.

સેાલ્જરેનાં દુઃખ નિવારણ કરવાં, લશ્કરી હોસ્પીટલોમાં સુધારા કરવા તે એમની મોટી ઈચ્છા હતી. અને તે માટે તે ઘણો ખરો વખત એ જ બાબતમાં ગુંથાએલાં રહેતાં, સરકારમાં તેમની આબરૂ એટલી બંધાઈ ગઈ હતી કે તેમની માગણીને હંમેશ માન અપાતું. તેમની સુચનાથી ઘણાકને પેનશન મળ્યું હતું; ઘણીક વિધવાઓ ને અનાથ બાળકોને અાશરો મળ્યો હતો. આવી રીતે અનેક પરમાર્થનાં કામ તેમણે ઘરમાં બેઠે બેઠે કર્યા હતાં.

જ્યારે ઇ. સ. ૧૮૫૪ માં લોકોને કાને તેમનું નામ પહેલવહેલું પડયું ત્યારે તો તેમને વિષે કોઈને કાંઈ ખબર નહોતી. પણ હવે જ્યારે બધાંને માલૂમ પડયું કે એતો એક ઘણા જ ધનવાન અને આબરૂદાર ગૃહસ્થનાં પુત્રી છે ત્યારે તો તેમની પાસે પૈસાની મદદ અસંખ્ય લોકોએ માગવા માંડી. સહુને સરખી તો કાંઈ તેમનાથી મદદ કરી શકાય જ નહિ, પણ તેમનાથી બન્યું તેટલું કર્યું.

તેમના ફંડની સર્વ વ્યવસ્થા કરવાને ટ્રસ્ટીઓ નીમ્યા, કારણ કે તેમની તબિયત તો ઘણીજ અશક્ત હતી. કોઇ કોઈ વખત તે ફક્ત તેમાં સલાહ આપતાં, અને અંતઃકરણથી નર્સીંગના કાર્યને ફતેહ ઈચ્છતાં.

ઇંગ્લંડની સ્ત્રીઓ તે વખતે નર્સનો ધંધો કરવાને ઘણી આતુર નહોતી, કારણ કે બધા લોકો સ્ત્રીઓ કાંઇ પણ ધંધો કરે તે મતની વિરૂદ્ધ હતા. જુવાન છોકરીએાનાં માબાપ પણ તેમને શીખવા મોકલતાં ડરતાં હતાં, કોઈ કહેતાં કે ગૃહસ્થની સ્ત્રીને એવું કામ છાજે જ નહિ, ને એ કામથી તો સુગ લાગે, અને તેમની ગૃહસ્થાઇને નાનમ લાગે.

મિસ નાઇટીંગેલ વારંવાર આવી તરેહની ચર્ચા અને તકરારોના જવાબ શાંતપણે વાળતાં હતાં અને સ્ત્રીઓને તથા તેમનાં માતાપિતાને સમજાવતાં કે નર્સીંગનું કામ જો અંત:કરણથી લાગણીપૂર્વક કરશો તો ઘણું જ પુણ્ય થશે. કારણ કે એ મહાન પરોપકારનું કાર્ય છે. દુઃખીનાં દુ:ખ નિવારણ કરશો તો તમારો આત્મા પ્રસન્ન થશે. સ્ત્રીઓ આળસમાં વ્યર્થ કાળ ગાળે છે, અને ઘણીક સ્ત્રીઓ વિના કારણે પરાધીનપણાનું દુઃખ વેઠે છે, ત્યારે આવાં કામમાં આગળ પડવાથી નુકશાન શું છે ? એ ધંધામાં પૈસા પણ મળે ને ઉઘમ પણ મળે માત્ર સારા કુળની સ્ત્રીઓ એ કાર્ય ઉપાડી લે તો કાર્યને ધણું જ ઉત્તેજન મળે. ક્રાઈમીઆથી પાછાં આવીને જયારે મિસ નાઈટીંગેલથી ફરી હરી શકાયું નહિ ત્યારે તેમણે પોતાનાં લખાણોથી જન સમૂહને મદદ કરવા માંડી; હોસ્પીટલોમાં સુધારા કરવાની અગત્ય, માંદાની માવજત અને ઘરની અારોગ્યતા એ વિષયો ઉપર કેટલાએક નિબંધો લખ્યા.

તેમનાં લખાણો ઘણાં સરળ અને લેાકેાપયેાગી છે. શીખામણની વાત જેવાં તેમનાં લખાણો નથી પરંતુ લોકના મનપર ઉંડી અસર કરે એવાં છે.

એમનું 'નર્સીંંગ' ઉપરનું પુસ્તક તો દરેક સ્ત્રીને વાંચવા લાયક છે. બાળકોને ઉછેરવામાં, માંદાની માવજત કરવામાં તે ઘણુંજ ઉપયોગી થઈ પડે એવું છે. આ વિષયમાં આપણા લોકોમાં ઘણું જ અજ્ઞાન જોવામાં આવે છે, તેથી માંદાં માણસને ઘણીવાર નુકશાન થાય છે, તાજી હવાની, સૂર્યના પ્રકાશની, ગરમીની કેટલી અગત્ય છે, મંદવાડનાં બીછાનાં આગળ શાન્તિની કેટલી જરૂર છે, કેવા પ્રકારનો ખોરાક માંદા માણસને આપવો જોઈએ એ બાબતો જાણવાની સર્વ સ્ત્રીઓને સરખી અગત્ય છે. છોકરીઓને ભૂગોળ, ખગોળ શીખવાની જેટલી જરૂર છે તેના કરતાં શારીરિક નિયમો જાણવાની ઘણી વધારે અગત્ય છે. આપણી સ્ત્રીઓ શરીરની બરદાસ કરતાં શીખશે તો જ છોકરાં તંદુરસ્ત રહેશે, ને તો જ આપણી પ્રજા સુધરશે. એકવાર તંદુરસ્તી ખરાબ થઈ એટલે ગમે તેટલો પૈસો ખરચશો પણ તે હાથમાં આવશે નહિ.

માંદગી વખતે જે જે સાવચેતી રાખવાની ખાસ અગત્ય છે તેને માટે થોડી સામાન્ય સુચનાઓ મિસ નાઇટીંગેલે એમના પુસ્તકમાં આપી છે, તેમાંની થેાડી નીચે પ્રમાણે છે.

૧. હોસ્પીટલમાં તેમજ ખાનગી ઘરોમાં જ્યારે ભારે મંદવાડ હોય ત્યારે બનતા સુધી એકને એક માણસને માથે બરદાસનો બોજો ના રાખવા જોઈએ. આ વાત ઘણી જ જરૂરની છે; કેમકે થાકીને કામથી કંટાળી ગએલું માણસ તદ્દન નિરૂપયોગી છે. આખા દિવસ જેને કામ પડે તેને સ્વાભાવિક રીતે આરામ જોઈએ જ. તેમ જ દર્દીને એકલો પણ રહેવા દેવાય નહિ, માટે વારાફરતી બે જણ ચાકરી કરનાર જાઇએ.

૨ દર્દીની પાસે ઘણો ખખડાટ કે અવાજ થવા દેવો ના જોઇએ. જે દર્દીની બરદાસ કરતું હોય (નર્સ ) તેણે એવી રીતનાં કપડાં લતાં પહેરવા કે ઓરડામાં મૂકેલા સામાનમાં ભરાઈ ના જાય ને જેથી સામાન પડી ના જાય અને ખખડાટ ના થાય. ભારે માંદગી વખતે સહેજ પણ અવાજથી દર્દી ચમકી ઉઠે છે ને કોઈ વખત એવા અવાજથી જીવને ઈજા થાય છે. દર્દીના એારડામાં ચાલવું પણ એવી રીતે કે જેથી ૫ગલાનો અવાજ સંભળાય નહિ.

કપડાં સ્વચ્છ, અને સાદાં પહેરવાં, એારડામાં ઘણી ઉઠબેસ કરવી નહિ. દર્દીની સાથે વાત કરતી વખતે હાથના ચાળા બહુ કરવા નહિ. જેમ બને તેમ જે કહેવું હોય તે થોડા શબ્દોમાં કહી દેવું અને તે પણ શાંતપણે કહેવું અને મન દૃઢ રાખવું.

૩ દર્દીના ઓરડામાં સુંદર શોભિતી વસ્તુઓ, વિધવિધ જાતની વસ્તુઓ, અને ચિત્ર વિચિત્ર રંગની વસ્તુઓ રાખવામાં આવે તો તેથી દર્દીના મન ઉપર કાંઈ આશ્ચર્યકારક અસર થાય છે. એવા ઉપાયો ઘણીવાર દર્દીના દુઃખમાં ઘટાડો કરે છે, અને કાંઈ નહિ તો એટલું તો થાય છે કે તેમનાં મન પ્રફુલ્લિત રહે છે. વાતચીત કર્યા કરતાં એવી વસ્તુઓથી દર્દીનું મન રંજન વધારે થાય છે; અને તેટલી ઘડી તો તે પોતાનું દુઃખ ભુલી જાય છે અને મન સ્વસ્થ રહે છે.

પણ તેમાં એક વાત લક્ષમાં રાખવાની છે. વસ્તુઓ બતાવવી તે બધી સાથે લાગી બતાવવી નહિ–વધારો ધટાડો કરવો. તે એકદમ ના કરવો. રફતે રફતે કરવો. એક દિવસે દર્દીને દસ પંદર છબીઓ બતાવી હોય તેના કરતાં જો રોજ અકેકી નવી છબી બતાવી હોય તો તેને વધારે પસંદ પડે.

૪ દર્દીની પાસે સુંદર ફુલની કલગી કે થોડાં છૂટાં કૂલ રાખવાથી નુકસાન થાય છે, એમ જે ધારણા છે તે તદ્દન ખોટી છે. તેમાંથી ઝેરી હવા નીકળે છે એમ કહેવાય છે. પરંતુ એ ઝેરી હવાનું પ્રમાણ એટલું થોડું છે કે એક નાની કીડી પણ તેથી મરી જાય નહિ. વળી દર્દીને કયો રંગ વધારે ગમે છે તે જાણવું જોઈએ, નહિ તો જો તેને અણગમતા રંગની વસ્તુ આપી હોય તે કદાપિ નુકસાન થવા સંભવ છે. ઘણી નાજુક તબિયત થઈ ગઈ હોય ત્યારે આવી ઝીણી બાબતો પર ખાસ લક્ષ રાખવાની જરૂર છે. ક્ષય રેાગના લાંબા મંદવાડમાં આવી બાબતો પર બહુ જ લક્ષ આપવું જેઈએ.

૫ ખોરાક લેવા સંબંધી મિસ નાઇટીંગેલ સુચના કરે છે કે દર્દીને પુષ્ટિકારક ખોરાક આપવામાં ઘણી સંભાળ લેવી જોઈએ. થોડા થોડા પ્રમાણમાં પણ દિવસમાં વધારે વાર પુષ્ટિકારક દવા આપવી જેઈએ. ઘણીવાર દર્દી ચા પીવા માગે છે; પણ માણસો તેમને આપતાં નથી. પરંતુ ચાથી તો ઘણીવાર સારી ઉંઘ આવે છે: મન તાજું થાય છે, થાક ઉતરી જાય છે, અને શરીરમાં કૌવત આવે છે. અનુભવથી જે વસ્તુ માફક આવી હોય તે આપતાં ડરવું નહિ, કાંઈ પણ વસ્તુ વધારે જથ્થામાં આપવી નહિ એટલું યાદ રાખવું.

૬ પથારી નરમ અને સ્વચ્છ રાખવી, અને બનતા સુધી જમીન ઉપર પથારી રાખવી નહિ, શરદીના દિવસમાં એાઢવાનાં કપડાં ગરમ રાખવાં, પણ થોડાં રાખવાં દર્દીની પથારી સાફ કરવાનું કામ બનતા નુંધી નાકરને ના સોંપવું. ઓરડામાં જે જગ્યાએ સારૂ અજવાળું પડતું હોય ત્યાં ખાટલો રાખવો, અને એવી જગ્યાએ રાખવો કે બારીમાંથી બહાર દૃષ્ટિ પડી શકે; કારણ કે દર્દી હમેંશ પ્રકાશથી ખુશ થાય છે.

૭ માણસ જયારે સખત બીમારી ભેાગવતું હોય તે વખતે આસપાસના લોકોએ તેના દર્દ વિષે વાત કરવી નહિ; તેમ જ તેને જલદી આરામ થઈ જશે એવી આશાઓ પણ આપવી નહિં; કેમકે તેથી દર્દીના મનને કાંઈ પણ ખુશી કે સંતોષ થતો નથી. બેશક, દાક્તરોએ તો આશા ને ધીરજ બતાવવી જ જોઈએ: પણ જે માણસોને અનુભવ ના હોય તેમણે એવી વાત કરવી વ્યર્થ છે. કેમકે દર્દીને સાંભળીને માત્ર કંટાળો જ ઉપજે છે. એવાં માણસોને બનતા સુધી દર્દી સાથે વાત જ ના કરવા દેવી. એકંદર આડેાશી પાડોશી, સગાં સંબંધી સાથે ઘણીવાર વાતચીત કરવા દેવી નહિ, એ નર્સની ફરજ છે.

૮ દર્દીના ચહેરાની તેમ જ એના હલનચલનની ઘણી સુક્ષ્મ દ્દષ્ટિથી તપાસ રાખવી જરૂરની છે. કઈ બાબતની તપાસ રાખવી જોઈએ, અને તે કેવી રીતે રાખવી તે જાણવાની ઘણી જરૂર છે. જે કાંઈ ફેરફાર માલૂમ પડે તે નોંધી રાખવા અને દાકતર આવે ત્યારે તેને જણાવવા દર્દીના મોં આગળ ખરી વાત કહેતાં ઘણી મુસીબત પડે છે. તે માટે ઘણી સાવચેતીથી તેની સાથે બોલવું જોઈએ. દાકતરને હકીકત કહેવી તે ઘણી જ સંભાળથી કહેવી. એમાં જરા પણ ગફલત થવી ના જોઈએ. જો કાંઈ યાદ રહે એવું ના હોય તો નોંધ પુસ્તક રાખવું. એકંદર રીતે દર્દી પાસે ઘણાં સાવધાન થઈને રહેવું જોઈએ.

૯. દર્દીની સાથે વારંવાર પુછપરછ કરવી નહિ. તેનો ચહેરો જોઇનેજ જાણી લેવું જોઈએ કે કંઈ વેદના થાય છે કે નહિ. વળી તેનો ચહેરો આપણે તપાસ્યા કરીએ છીએ એ વાત તેની જાણમાં આવવી ના જોઈએ. દર્દીને એ બાબતની હમેંશ ઘણી ચીડ હોય છે. ૧0 દાક્તરને પુછયા વગર કાંઈ પણ ખોરાક કે દવા દર્દીને આપવી નહિ કાંઈ જાણીતી દવા હોય, અને તેથી કોઈને કદાપિ ફાયદો થયો હોય તોએ તે પુછયા વગર આપવી નહિ.

૧૧ ઘરની આસપાસ સ્વચ્છતા રાખવામાં જરા ચૂક કરવી નહિ. આ ઉપરાંત ઘણી અગત્યની સૂચનાઓ તેમના પુસ્તકમાં છે.

બાળકોની સંભાળ કેવી રીતે લેવી એ બાબત ઉપર તેમણે એક પુસ્તક લખ્યું છે.

હિંદુસ્થાનના લશ્કરની આરોગ્યતા-એ વિષય ઉપર પણ તેમણે એક ઘણું ઉપયોગી પુસ્તક લખ્યું છે. તેમની સૂચનાએાથી લશ્કરી નેાકરોનાં રહેવાના ઘરમાં ઘણા સુધારા થયા છે. તેમને નવરાશની વખતે રમવાની, ફરવાની, કસરત કરવાની છૂટ મળી છે. તેમને માટે લાયબ્રેરીઓ સ્થપાઈ છે, અને એકંદર રીતે તેમના આચારવિચારમાં ઘણો સુધારો થયો છે.