ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૬ મું

←  પ્રકરણ ૧૫ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૧૬ મું
શારદા મહેતા
૧૯૧૮


પ્રકરણ ૧૬ મું.

મિસ નાઇટીંગેલે જે મહાન પરોપકારનું કાર્ય આરંભ્યું હતું તે ઘણી લાંબી મુદત સુધી તેમણે ઉત્સાહપૂર્વક કાયમ રાખ્યું. ઈ. સ. ૧૮૭૧ માં તેમની લાંબી મુદતની ઈચ્છા સંપૂર્ણ થઈ કેમકે તે વર્ષે સેંટ ટોમસ હોસ્પીટલને લગતો નર્સોનો એક આશ્રમ, અને તેમની કેળવણીને માટે શાળાની સ્થાપના થઈ. આ સંસ્થાને લીધે કેળવાએલી અને સારા કુટુંબની સ્ત્રીઓએ ધંધા તરીકે નર્સીંગ શીખવાનો આરંભ કર્યો. આ મકાનનો પાયો નામદાર રાણી સાહેબને હાથે ઈ. સ. ૧૮૬૮ માં નંખાયો હતો અને તેમાં બધી સગવડ મિસ નાઇટીંગેલના કહ્યા પ્રમાણેજ કરવામાં આવી હતી.

ઈ. સ. ૧૮૭૧ માં આ મકાન નામદાર રાણી સાહેબને હાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મકાનના મધ્ય ભાગમાં નર્સનાં કપડાં પહેરી સ્ક્યુટેરાઈમાં નહાનો સરખો દીવો લઈને રાતની તપાસ માટે ફરતાં હતાં, તે વેષમાં મિસ નાઇટીંગેલનું પૂતળું મુકવામાં આવ્યું છે.

આ શાળામાં શીખતી નર્સોનો અભ્યાસ કેવો ચાલે છે, તેમની સંસારિક સ્થિતિ કેવી છે એ સર્વની માહિતી મિસ નાઇટીંગેલ પત્રદ્વારા હજી સુધી રાખે છે.

તે જ વર્ષમાં (૧૮૭૧) મિસ નાઇટીંગેલે સુવાવડખાનાં ઉપર એક પુસ્તક લખ્યું. અને બે વર્ષ પછી ધર્મ સંબંધી કાંઈ ખુલાસાના નિબંધ લખ્યા. જન્મથી જ તેમનું વલણ ધાર્મિક બાબત ઉપર ઘણું જ હતું, અને છેવટના ભાગમાં બિછાનામાં સુતે સુતે મનન કરીને તેમણે, પોતાના મત ઘણી વિદ્વતાથી બતાવ્યા છે.

મિસ નાઇટીંગેલે પોતાનું આખું જીવન લોકહિતાર્થમાં ગાળ્યું છે, એટલે તેમના કૌટુંબિક જીવનની આપણને ઘણી માહિતી મળી નથી. પણ એટલુંં તો જાણીએ છીએ કે તેમને પોતાના ઘર માટે ઘણીજ પ્રીતિ હતી. પોતાના કાર્યમાંથી પરવારે કે તરત તેમને ઘર સાંભરતું. લંડનમાં રહીને સાહિત્ય સંબંધી જે કામ હોય તે અને બીજાં જે લોકોનાં ભલાંને માટે જે યોજના હોય તે પૂર્ણ થાય કે લિહર્સ્ટ કે એમ્બ્લીક પાર્કમાં પોતાનાં માતાપિતાની પાસે રહીને આરામ લેતાં. ત્યાં રહીને બાળક૫ણના સ્નેહીઓની ખબર અંતર લેતાં અને આસપાસનાં ગરીબોને મદદ કરતાં.

હવે જો કે તેઓ જાતે કોઈને જોવા જઈ શકતાં નહિ તે પણ તેમના મિત્રોની ખબર બરોબર રાખતાં અને જેને જે જોઈતું હોય તે મોકલી આપતાં. આસપાસ રહેતી જુવાન બાળાઓ ઉપર તે ઘણું જ લક્ષ રાખતાં. અને તેમને વારંવાર પોતાની મુલાકાતે બોલાવતાં. ત્યાં તેમને થોડીવાર રમુજ કરાવીને અમૂલ્ય બોધ આપતાં.

ઈ. સ. ૧૮૭૪ માં મિસ નાઇટીંગેલના વ્હાલા પિતા મૃત્યું પામ્યા. તેમના કુટુંબમાં આ પ્રથમ જે મૃત્યુએ દેખાવ દીધો હતા તેથી સર્વેને ઘણો શોક લાગ્યો. તેમની ઉમર ૮૦ વર્ષની હતી.

પિતાના મૃત્યુ પછી મિસ નાઇટીંગેલ ઘણોખરો વખત એમ્બ્લીક પાર્ક કે લીહર્સ્ટમાં વિધવા માતાની પાસે જ કહાડતાં. મિસ ફ્લૉરેન્સને લીહર્સ્ટ વધારે પસંદ હતું તેથી જેટલા દિવસ ત્યાં રહી શકાતું ત્યાં સુધી એમ્બ્લીક પાર્કમાં જતાં નહિ.

આસપાસનાં પડોસીમાં તેમનાં જુનાં ઓળખાણના માણસો ઘણાં ખરાં મરી ગયાં હતાં અને નવાં માણસો રહેવા આવ્યા હતાં. પરંતુ સર્વના કુટુંબની હકીકતથી મિસ નાઇટીંગેલ વાકેફ હતાં.

પાસેની ઝુંપડીમાં રહેતાં માદાં માણસોની પોતાના નોકરો પાસે ખબર કઢાવતાં, અને તેમને જોઈતું કરતું મોકલાવતાં, અને બાળકોને પાસે બોલાવી રમાડતાં ને આશીર્વાદ દેતાં.

જેમને દૂધની અગત્ય હોય તેમને માટે લીહર્સ્ટની ડેરી ( દૂધનું કારખાનું ) માંથી સ્વચ્છ તાજું દૂધ તેમની ખાસ ભલામણથી પુરૂં પાડવામાં આવતું હતું.

ઈ. સ. ૧૮૮૦ માં મિસ નાઇટીંગેલને બીજી આફત આવી. તેમનાં વહાલાં માતા ઘણા મહિના મંદવાડ ભોગવીને મરણ પામ્યાં. તેમની સારવાર મિસ નાઇટીંગેલથી થઈ શકી તેટલી કરી હતી. મિસીસ નાઇટીંગેલના ઉમદા સ્વભાવની છાપ તેમની યશસ્વી પુત્રી ઉપર પ્રથમથી જ પડી હતી. તેમનું જીવન દષ્ટાંત લેવા યોગ્ય હતું. તે એમ્બલીક પાર્કમાં મૃત્યુ પામ્યાં.

માતાના મૃત્યુ પછી પણ મિસ નાઇટીંગેલ કેાઈવાર લીહર્સ્ટમાં અને એમ્બ્લીક પાર્કમાં રહેતાં હતાં. એ મિલ્કત હવે તેમના પિત્રાઈ મિ. વિલીઅમ શૉર નાઇટીંગેલ કરીને હતા તેમના હાથમાં આવી હતી.

ઈ. સ. ૧૮૮૭ માં ડાર્બીશાયરમાં રહેતા મજુર વર્ગ તરફથી તેમને લીહર્સ્ટનું એક મોટું ચિત્ર ભેટ આપવામાં આવ્યું હતું. આ ભેટ તેમણે ઘણા જ આનંદથી સ્વીકારી હતી. આ વખતે તેમણે તેમની જન્મભૂમિને છેલ્લીવારની જોઈ ત્યાર પછી તે ત્યાં જઈ શકયાં નથી.

મિસ નાઇટીંગેલ હવે ઘણોખરો વખત બકીંગહેમ શાયરમાં પોતાની બહેનના ઘરમાં અને લંડનમાં પોતાના ઘરમાં ગાળે છે. તેમની બહેન ફ્રાન્સીસ સર હેરી વનીં સાથે પરણ્યાં હતાં. સર હેરીના પિતા લશ્કરમાં ઘણી મોટી પદવીએ હતા. એકવાર 'મેજર' પણ થયા હતા. અને ઈ. સ. ૧૮૨૭ માં તેમને 'સર' નો ઈલ્કાબ મળ્યો હતો. પંદરમા સૈકાથી વર્નીનું કુટુંબ બકીંગહેમ શાયરમાં હતું. સર હેરી ઘણીવાર પાર્લામેટના મેંબર થયા હતા. લશ્કરના સુધારા માટે તે ઘણી મહેનત કરતા, અને પોતાની સાળી (મિસ નાઇટીંગેલ) ના પ્રયાસમાં ઘણા ઉત્સાહથી ભાગ લેતા. નાઇટીંગેલ ફંડના તે અધ્યક્ષ હતા.

પોતાનાં બહેન અને બનેવીની સાથે આરામના દિવસો મિસ નાઇટીંગેલ ઘણા આનંદમાં ગાળતાં.

લેડી વર્ની (મિસ નાઇટીંગેલનાં બહેન) ઘણી સખત બીમારી ભોગવીને ઇ. સ. ૧૮૯૦ માં મૃત્યુ પામ્યાં. તેમના પતિ તેમના મૃત્યુ પછી ચાર વર્ષ પણ પુરૂં જીવ્યા નહિ.તેમના મૃત્યુ પછી મિલક્તનો વારસ તેમની પહેલી પત્નીનો પુત્ર થયો.

બહેનના મરણ પછી પણ કોઈ કોઈ વખત તે કલેડનમાં રહેવા જતાં. પરંતુ ૧૮૯૫ ની સાલથી તે ઘણા જ અશક્ત થઈ ગયાં તેથી મુસાફરી કરી શકાઈ નહિ. અને પોતાના ઘર શિવાય બીજે કાંઈ રહી શકાયું નહિ. કલેડનમાં જે ઓરડામાં એ રહેતાં હતાં તે જેવીને તેવી સ્થિતિમાં રહેવા દેવામાં આવ્યો છે. અને સર એડમંડ (સર હેરીનો પુત્ર) અને તેમનાં પત્નીએ તે એારડાને ' નાઇટીંગેલ રૂમ્સ ' એવું નામ આપ્યું છે.

તેમને બહેનનું દુઃખ ઘણું જ લાગ્યું હતું. અને ત્યાર પછી તેમનું જીવન ઉત્સાહહીન અને નિરાશામય થઈ ગયું છે. જીંદગીથી હવે તે કંટાળી ગયાં છે. એક જણ ઉપર કાંઈ કામસર પત્ર લખેલો તેમાં કહે છે કે-

" આ કામ કરવાની હવે મારામાં જરા શક્તિ નથી. આટલા વખત સુધી મેં આવાં કામ કર્યાં છે પણ હવે એ કામ થતું નથી. લગભગ ચાળીસ વર્ષ થયાં માત્ર બે જ વિષયમાં મારું મન રોકાયું છે, અને વીસ જુવાન માણસ એકઠાં થઈને કરે એટલું કામ મેં માથે લીધું છે; અને તે કામમાં ને કામમાં હું વૃદ્ધ થઈ ગઈ છું." આટલું છતાં તે કામથી પરવાર્યાં નહોતાં. બે વર્ષ પછી એટલે ઇ. સ. ૧૮૯૨ માં બોતેર વર્ષની ઉમરે બકીંગહેમ શાયરના શહેરોની તંદુરસ્તી બાબતની તકરારોમાં તેમણે જુસ્સાભેર ભાગ લીધેા હતેા. મજુર લોકોને રહેવા માટે સારાં ઘર બંધાવવાં જોઈએ એ ચર્ચા જયારે ચાલતી ત્યારે પણ તેમણે ઘણી ડહાપણ ભરેલી સલાહ આપી હતી.

તે વર્ષમાં બકીંગહેમ શાયરના સુધરાઈ ખાતાની સભા ઉપર તેમણે એક પત્ર લખી મોકલ્યો. તેમાં એવી સલાહ આપી કે જીલ્લાના સવાલોનો ચુકાદો કરવા માટે એક સેનેટરી કમીટી સ્થાપવી. જનસમૂહમાંથીજ કમીટી કરવી, અને એ દ્વારાએ લોકોનો મત લેવો. આ રીતે સરકારના અધિકારીઓની સત્તા કમી થશે, અને આપણા મત સરકારને કબુલ કરવા પડશે. સુધરાઈ ખાતાએ જ સ્વતંત્ર મત દર્શાવામાં અગ્રણી થવું જોઈએ. મિસ નાઇટીંગેલ એવું માનતાં હતાં કે લેાકોની આરોગ્યતા સુધારવાને ખરો માર્ગ એક જ છે. તે એ કે સ્ત્રીઓને આરોગ્યતાનું જ્ઞાન આપવું. સ્ત્રીઓ અને માતાએા જેમના હાથમાં ઘરકામનો વહીવટ છે તેમણે જ સ્વચ્છતાના નિયમ જાણવા જોઈએ. તે ઉપરાંત તેમણે કહ્યું કે ગામડાઓમાં શિક્ષકોને મોકલીને લેાકોને સ્વચ્છતાના નિયમ શીખવવા. તે માટે તેમણે પસંદ કરીને ત્રણ કેળવાએલી સ્ત્રીઓને ગામડાંની નિશાળોમાં સ્વચ્છતા, હવા, ઘરની સ્વચ્છતા વિગેરે વિષયો ઉપર ભાષણ આ૫વાને માકલી, અને તેમની સાથે એવી સરત કરી કે ગરીબ લોકોના ઘરમાં જઇને અજ્ઞાન સ્ત્રીઓ સાથે વાતચીત કરી સ્વચ્છતાના નિયમ તેમને શીખવવા, તે માટે ગામડાની સ્ત્રીઓ ઉપર પ્રથમથી તેમણે એક પત્ર લખીને મોકલ્યો, તે નીચે પ્રમાણે છે:–

પ્રિય સખીઓ –

હું જાણું છું કે તમારે ઘણું સખત મજુરી કરવી પડે છે. મારે પણ કાંઈ થોડું કામ નથી, કામનો અનુભવ મને ઘણો થયો છે, અને તે ઉપરથી તમને બે બોલ લખવાની રજા લઉ છું. બાળકની માતાની ફરજ એ છે કે જેમ બને તેમ પોતાના બાળકને તંદુરસ્તીમાં રાખવું અને મજબુત બાંધાનું કરવું. જેથી આગળ જતે દુનીઆમાં પોતાનો વ્યવહાર સારી રીતે ચલાવી શકે. પરંતુ તમે અનુભવથી જાણતાં હશો કે બાળકની તંદુરસ્તી સાચવવી એ કાંઈ સહેલું કામ નથી.

કાંઈપણ કામ કેળવણી-શિક્ષણ વગર સારી રીતે થઈ શકે નહિ. શિવવાનું, ગુંથવાનું સર્વમાં અભ્યાસ અને શિક્ષણની જરૂર છે. તે જ પ્રમાણે તંદુરસ્તી કેવી રીતે સચવાઈ શકે તે પણ શીખવાની જરૂર છે.

છોકરાઓ અને છોકરીઓને તંદુરસ્ત બનાવવાં જોઇએ. તેમનાં તન સ્વચ્છ હોવાં જેઇએ, તેમ તેમનાં મન પણ સ્વચ્છ હોવાં જેઈએ અને તેટલા માટે આસપાસની હવા, જમીન, પાણી, સોબત - જેમાં રહીને બાળક ઉછરે છે તે સર્વ-સ્વચ્છ હોવાં જોઈએ. હવા ખુલ્લી અને તાજી હોવી જોઈએ, જમીન ચેખ્ખી હોવી જોઈએ, પાણી નિર્મળ હોવું જોઈએ, અને તેમને કાને શબ્દ પણ સુશીલ અને સભ્ય પડવા જોઈએ કે જેથી તેમનાં મન ઉપર પ્રથમથી જ નમ્રતા, નીતિ અને દઢતાની છાપ પડે. બાળક સર્વ રીતભાત ઘરમાંથી જ શીખે છે, માતાની આજ્ઞા માનવી કે ન માનવી તે ઘણીજ નાની ઉમરે બાળક શીખે છે અને સાત વર્ષનું થાય તે પહેલાં એનો સ્વભાવ બંધાઈ જાય છે.

તે ઉપરાંત નિયમિતપણું પણ જોઈએ. જો દરેક કામનો વખત મુકરર કરી રાખ્યો હોય તો ઘણી સરળતાથી કામ થાય. અને તો જ છોકરાંની તંદુરસ્તીમાં નજર રાખી શકાય, છોકરૂં માંદું પડે તેના કરતાં તદુરસ્ત રહે તે બાળક અને માતા બને સુખમાં દિવસ ગાળી શકે.

લી. ફ્લૉરેન્સ નાઈટીંગેલ.

આ ઉપરાંત તેમણે સ્ત્રીઓની એક સભા માટે આરોગ્યતા ઉપર નિબંધ લખી મોકલ્યો હતો. સ્ત્રીઓને શીખવવા માટે તેમની રીત એ હતી કે ભાષણો આપ્યા કરતાં સાધારણ વાતચીતથી પ્રાથમિક જ્ઞાન આપવું.

ગામડાંની તેમજ શહેરની મજુર વર્ગની વિગેરે અજ્ઞાન સ્ત્રીઓને ઘણી બાબતો શીખવવાની જરૂર છે. બાળકને કેવી રીતે ઉછેરવાં, પોતાના ધરની અને ગામની આરોગ્યતા કેવી રીતે સાચવવી એ સર્વનું જ્ઞાન સ્ત્રીઓને આપવાની ઘણી જ અગત્ય છે.

સરકારી નોકર ઉપરાંત દરેક ગામને માટે એક બે શીખેલી કેળવાએલી સ્ત્રીઓ જોઈએ કે જેઓ ઉપર કહ્યા એવા સ્ત્રી ઉપયોગી વિષયો ઉપર ગામની સ્ત્રીઓ સાથે વાતચીત કરે અને તેમના આચાર વિચાર સુધારીને આપણી પ્રજાનો ઉદ્ધાર કરે. એ સ્ત્રીઓની સાથે વાતચીત કરે તે ઉપરાંત જો ઘરમાં કે ઘરની આસપાસ કાંઈ ગંદકી હોય તો તે તરત સાફ કરાવી નાખે. ઘર વાળી ઝાડીને સાફ રખાવે, બારી બારણાં ઉઘડાવે, દરરોજ સર્વે સ્ત્રીઓને નહાવા ધોવાની ફરજ પાડે અને તેનો ફાયદો સમજાવે. એ રીતે સ્વચ્છતાના નિયમો પ્રત્યક્ષ ઉભાં રહીને તેમની પાસે પાળવાની ફરજ પાડે.

કુટુંબને માટે પુષ્ટિકારક ખોરાક તૈયાર કરતાં શીખવે; કાંઈ અકસ્માત થાય તો દાક્તર આવે તે પહેલાં અને તે પછી શા ઉપાય લેવા એ સર્વ સમજાવે. એ સ્ત્રીઓ સાથે મિત્રાચારી કરીને બધું શીખવવું, એવી મિસ નાઇટીંગેલની ખાસ સૂચના હતી.

મિસ નાઇટીંગેલ માત્ર પોતાના જ દેશની આરોગ્યતા સામું જોતાં હતાં એમ નહોતું; કેમકે આપણા દેશની હવા પાણી સુધારવાને પણ એમણે અનેકવાર લખાણો કર્યા હતાં. આપણા દેશનાં મોટાં શહેરોમાં તો સુધરાઈ ખાતાનું કામ સાધારણ ઠીક ચાલતું હતું, તે તેમની જાણમાં આવ્યું હતું; પરંતુ નાનાં ગામડાંમાં સ્વચ્છતાનો નિયમ કોઈ પાળતું નહિ અને તે જ માટે મિસ નાઇટીંગેલનો પ્રયાસ હતો.

તે માટે તે આપણા દેશના સુધરાઈ ખાતાના અધિકારીઓ સાથે પત્રવ્યવહાર રાખતાં, અને ખરી માહિતી મેળવતાં આપણા લોકોની ગંદી વર્તણુંક સર્વ અસ્વચ્છતાનું મૂળ લાગ્યું હતું, પરંતુ તે કહેતાં કે હિંદુ લોક જેવી નમ્ર ભેાળી પ્રજાને ખરી વાત શીખવતાં વખત નહિ લાગે.

ઇ. સ. ૧૮૯૭માં નામદાર મહારાણીની ડાયમંડ જયુબિલી થઈ તે વખતે મિસ નાઇટીંગેલે ઘણી હોંસથી ભાગ લીધો હતો. તે પ્રસંગે વિક્ટોરીઆ રાણીની રાજ્યકીર્તિના સમયમાં જે જે નવા બનાવ બન્યા તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં તેમણે ક્રાઈમીઆથી મળેલી ગાડી મોકલી હતી. (કારણ કે નર્સીંગની શરૂઆત એ જ રાજયમાં થઈ હતી.) અા ગાડી જોવાને હજારો લોક એકઠું થયું હતું, અને તે જગ્યાએ ફરતી નર્સોને જોઈને તે લોકોનું હૃદય ભરાઈ જ આવતું. બેલેકલેવાની લડાઈનો વાર્ષિકોત્સવ કરવામાં આવ્યો હતો, તેમાં ખાણા વખતે મિસ નાઇટીંગેલ લાંબુ આયુષ્ય ભોગવે એવી સર્વેએ ઈચ્છા દર્શાવી હતી, અને ભાષણકર્તાએ પોતાના ભાષણમાં કહ્યું કે જ્યાં સુધી ઇંગ્લંડ દેશ કાયમ રહેશે ત્યાં સુધી મિસ નાઇટીંગેલનું નામ કાયમ રહેશે.

હવે તો મિસ નાઇટીંગેલ જીવનની છેક પાછલી અવસ્થાએ આવી પહોંચ્યાં છે. દશ વર્ષથી તે લંડનની બહાર નીકળ્યાં નથી, અને પથારીવશ જ છે. તેમનું ચિત્ત હજી સુધી સ્વસ્થ છે, અને વર્તમાન બીનાએાથી અને તેમાં ખાસ કરીને નર્સીંગની ઘણી જ ઉત્સુકતાથી માહિતી રાખે છે. તે પોતે પત્રવ્યવહાર ચલાવી શકતાં નથી તેથી તેમની વતી તેમના સેક્રેટરી સર્વ કામ કરે છે. પોતાના જુના મિત્રોને બોલાવીને તે હજી પોતાના ભૂતકાળની વાતો ઘણી હેાંસથી કહી સંભળાવે છે. અને ધણીવાર નર્સોને મુલાકાતે બોલાવે છે. દક્ષિણ આફ્રિકાની લડાઈ ચાલતી હતી તે વખતે નર્સોને માટે કેવા બંદોબસ્ત થાય છે એ સર્વ તે લક્ષમાં રાખતાં હતાં. પોતાને ક્રાઈમીઆની લડાઈ વખતે ઘણી વિટંબના પડી હતી તેથી તે જાણવાને હમેશ આતુર રહેતાં.

સત્યાશી વર્ષની વયે પણ તેમની બેાલવાની રીત પ્રથમના જેવી જ સ્પષ્ટ અને શુદ્ધ છે. તેમનો ચહેરો પણ હજી પ્રથમ જેવો જ છે. તેમાં પણ કાંઈ ફેર પડયો નથી. તેમના કપાળ ઉપર કે ગાલ ઉપર એક પણ કરચલી પડી નથી. તેમની દ્રષ્ટિ પણ હજી સ્પષ્ટ છે.

આજ કાલની ઉછરતી છેાકરીએાની સાથે એ ઘણા માનથી વાતચીત કરે છે. ડીસ્ટ્રીક્ટ નર્સીંગ ( ગામડાંઓમાં જઈને લોકની સારવાર કરવી ) નો વિષય એમને ઘણો પસંદ છે, અને એમાં કામ કરનારાંઓ સાથે વાત કરીને ઝીણામાં ઝીણી બાબતોની માહિતી રાખે છે. લેાકોના આચાર વિચારમાં, રહેણી કરણીમાં કાંઈ ફેર પડતો જોવામાં આવે છે કે નહિ એ પ્રશ્ન તે વારંવાર પુછે છે.

નર્સીંગનું નામ લોકોમાં ઘણું પ્રચલિત થવા માંડયું છે એ જોઇને તેમને ઘણો જ સંતોષ થાય છે: કારણ કે શરૂઆતમાં નર્સો મેળવવાને તેમને કેટલી મુસીબતો નડી હતી, લોકનિંદા સાંભળવી પડી હતી તે તેમને બરાબર યાદ છે. વળી નર્સની રીતભાત અને વર્તન નીતિમય હોવાં જોઈએ તે માટે તે ખાસ આકાંક્ષા રાખે છે. પરીક્ષામાં પાસ થાય એટલે કાંઈ સારી નર્સ થઈ કહેવાય નહિ; કેમકે એ ધંધામાં તો સુશીલતા અને શિયળતાની ઘણી જ આવશ્યકતા છે. જેને જાતિ સ્વભાવ સદાચારી હોય તે જ સારી નર્સ થઇ શકે એવો તેમનો મત છે.

ઘણી વાર તેમને એમ્બલી અને લીહર્સ્ટનાં ઘર સાંભરે છે, એમ્બલી તો તેમના કુટુંબના હાથથી ગયું છે, પણ લીહર્સ્ટ તેમના એક સગાના કબજામાં છે, અને મિસ નાઇટીંગેલ પોતાનાં જુના ઓળખાણના માણસોની ખબર રાખતાં રહે છે. આ મહાન સ્ત્રીનું નામ આખા ભૂગેાળમાં પ્રખ્યાત થયું છે; દરેક દેશમાં તેમના કાર્યની પ્રખ્યાતિ પ્રસરી છે. લોકો તેમની કીર્તિની પુષ્કળ સ્તુતિ કરે છે - ઘણાં તો જાણતાં પણ નથી કે આ મહાત્મા જીવે છે. આટલી ખ્યાતિ છતાં એ પોતે તેા એટલાં નમ્ર, સાલસ અને શરમાળ છે કે પ્રસિદ્ધતા પામવા જરા તેમની ઈચ્છા નથી. તેમના યશનું બળ, તેમનું વિજયી દૃષ્ટાંત અને તેમની અમૂલ્ય શીખામણો આખા જગતને વારસારૂપ છે.

૧૯૦૪ ના મે મહિનામાં તેમની વર્ષગાંઠને દિવસે ઘણા લોકો તરફથી તેમને મુબારકબાદી મળી હતી. નામદાર શહેનશાહે આ અનુપમ વિજયી નારીને લેડી ઍાફ ગ્રેસ ઑફ ધી અૉરડર ઑફ સેંટ જોન ઑફ જેરૂસેલમનો ઘણો ઉમદા ઈલ્કાબ બક્ષ્યો હતો.

રણમાં વિજય પામનાર યોદ્ધાઓને આપણે વખાણીએ છીએ; પરંતુ સ્ક્યુટેરાઈની હોસ્પીટલમાંથી રોગને જડમૂળથી નાશ કરીને તદ્દન અવ્યવસ્થામાં નિયમપૂર્વક વ્યવસ્થા કરનાર પરોપકારી, કર્તવ્યપરાયણ, કુમારી નાઇટીંગેલ ભૂખ, નિદ્રા, આરામ સર્વ ખોઈને માત્ર દર્દીઓની સગવડ સાચવનાર અને ભયંકર રોગની જરા પણ દરકાર કર્યા વગર ઈશ્વર પ્રીત્યર્થે જ કામ કરનાર આ સ્ત્રીનાં વખાણ કરવાને શબ્દ પણ જડતા નથી. આપણા માન અને વખાણથી તેમની કીર્તિમાં કાંઈ વધારો થવાનો નથી. એમનો યશ તો અમર જ રહેવાનો છે. ઈશ્વર આ મહાન સ્ત્રીને સદા શાન્તિમાં રાખો.

સમાપ્ત