બીરબલ અને બાદશાહ/અધર લટકતો મહેલ

←  સમસ્યા સમજવી સહેલ નથી બીરબલ અને બાદશાહ
અધર લટકતો મહેલ
પી. પી. કુન્તનપુરી
કવીની બલીહારી →


ભાગ નવમો


વારતા હેંસીમી.
-૦:૦-
અધર લટકતો મહેલ.
-૦:૦-

એક એકથી અધીક છે, અકલવંત જગમાંય;
બહુ રત્ન ધારીણી ધરા, કરો ન ગર્વ કદા.

એક સમે દરબાર ભરાઇ આનંદની વારતાઓ ચલાવી અકબરના મનને રંજન કરી રહી હતી. આ આનંદની લ્હેરમાં ચઢેલા શાહે બીરબલને કહ્યું કે, 'અહો સુજ્ઞ બીરબલ! મારે માટે એક અધર લટકતો મ્હેલ બનાવો કે જેના થાંભલાઓ નતો જમીન ઉપર રહે કે નતો આકાશમાં અડે. શાહનો આ ચમત્કારીક સવાલ સાંભળી વીવેકથી બીરબલે કહ્યું કે, 'જેવું હજુરનું ફરમાન, કરી દરબાર બરખાસ્ત થયા પછી બીરબલ પોતાને ઘેર આવ્યો અને આ સંબંધી તે મહા વીચારસાગરમાં ડુબી ગયો. તેને કંઈ પણ વીચાર ન સુઝવાથી તે મહા ખેદ પામવા લાગ્યો. આ ખેદથી બીરબલના મુખપરની લાલી સફેત પુણી જેવી થયેલી જોઇને તેની પુત્રીએ ધીમે સ્વરે પુછ્યું કે, 'અહો સુજ્ઞ પીતાજી ! આજ આપ કેમ શોકસાગરમાં ડુબી ગયા છો ? શી આફત આવી પડી છે ! હોય, મહાન પુરૂષો પણ કોઇ વાર આફતોમાં ઘેરાઇ જાય છે તો પણ તેઓ ઝાઝો શોચ કરતા નથી. માટે શોચ તજી મને કહેવામાં હરકત નડતી ન હોય તો મને તમારા દુઃખથી વાકેફ કરશો. કેમ દરેક કુવાના દરેક પાણીમાં જુદો જુદો સ્વાદ રહેલો છે, તેમ દરેક માણસની બુદ્ધી પણ જુદી જુદી હોય છે. જેમ જુદા જુદા દેશોના આચાર વીચાર પણ જુદા જુદા જોય છે, અને માણસો વચ્ચે જુદા જુદા પ્રકારની જે ખુબીઓ રહેલી છે, તેમજ મનમાં ઉત્પન્ન થયેલી વ્યાધી માટે આપણાથી ચઢતી બુદ્ધિવાળા અથવા ટુંકી બુદ્ધિવાળા માણસની પાસે જો આપણા મનની વ્યાધી જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી તેનો અંત આવતો નથી. પોતાનું દુઃખ બીજાને કહેવાથી દુઃખનો બોજો ઓછો થાય છે, મનને આધાર મળે છે અને મનની ચિંતાનો નાશ કરવાનો ઉપાય પણ સુઝી આવે છે. પોતાની પુત્રીના આ ધીરજવાળા અને નીતિયુક્ત વચનો સાંભળી બીરબલે કહ્યું કે, 'વ્હાલી પુત્રી ! તું જે કહે તે સર્વ ખરૂં છે ! પુછતાં પંડિત થાય છે એમાં જરા પણ શક નથી. એમ કહી દરબારમાં બનેલી હકીકતથી વાકેફ કીધી. આ સાંભળી છોકરીએ કહ્યું કે, 'એમાં શી મોટી વાત છે ? આ બીશાત વગરની વાત માટે આટલો બધો શોક ? હવે જરા પણ ઉદાસ થશો નહી. આજથી પંદર દીવસની અંદર તે વાર્તાનું સમાધાન કરીશ !' પોતાની દીકરીની વીસાળ બુદ્ધિની ખાત્રી થવાથી બીરબલ શોક રહિત બની દરબારી કામમાં રોકાયો.

બીરબલની છોકરીએ જુદી જુદી જાતના પોપટો ખરીદી તેને શીખવવા લાગી. પોપટ બરાબર બોલતા શીખી હુંશિયાર થયેલા જાણી પોતાના કામમાં આવે એવા શબ્દો મુખપાઠ કરાવવા લાગી કે, 'ઇંટો લાવ, ચુનો લાવ, લાક્ડાં લાવ.' આ પ્રમાણે પોપટને પ્રવીણ થયેલા જાણી છોકરીએ બીરબલને કહ્યું કે, 'પિતાજી ! કોઇ જાણી ન શકે તેમ હવાવાળા એક મહેલનાં ઉંચા મજલાવાળા ઓરડામાં આ પોપટોને યુક્તિથી છુટા રાખી બારી બારણા બંધ રાખજો. જે શાહના મેહેલ માટેનો આ પોપટોજ ખુલાસો કરી દેશે. પરંતુ આ વાત કોઇના જાણવામાં ન આવે આ બળદની ખુબી તો આપે જાણી લીધી હશે એટલે વધુ જણાવવાની હું જરૂર જોતી નથી. એમ કહી પોપટો બીરબલને દીધા.

આ પોપટોને બીરબલે શાહના એકાંત મહેલના પાંચમે માળે છુટા મુકી દીધા. મહેલમાં છુટા થતાંજ ઉડી ઉડી મહેલના ઉંચા ભાગ પર બેસી શીખવવા પ્રમાણે બોલવા લાગ્યા. આ જોઇ બીરબલે શાહ આગળ જઇને કહ્યું કે, 'હજુર ! અધર લટકતો મહેલ બાંધવા માટે કારીગરો અધર જઇ ઉતાવળા થઇ કહે છે કે ઇંટો લાવો, ચુનો લાવો, લાકડાં લાવો. એમ વારંવાર બુમો મારે છે. માટે હવે જરા પણ ઢીલ ન કરતાં જલદીથી કડીઆ સુથારો અને મજુરોને ઇંટો ચુના સાથે અધર મોકલી આપો. શાહે કહ્યું કે, 'જ્યાં સુધી મીસ્ત્રીનું આવું બોલવું હું સાંભળું નહી, ત્યાં સુધી કશો હુકમ કરી શકતો નથી.' આ સાંભળતાંજ બીરબલે તરત શાહને એકાંત ભુવનમાં લઇ જઇ શાહના મનની ખાત્રી કરી આપી.

ઉપરા સાપરી અવાજ થતા સાંભળી શાહ અચરત પામી મન સાથે વીચાર કરીને બીરબલને કહ્યું કે, 'બીરબલ ! કડીયા સુથાર મજૂર અને ઇંટ ચુનો લાકડાં વગેરે અધર શી રીતે પહોંચાડવાં ?

બીરબલે કહ્યું કે, 'સરકાર ? જો તેઓ પહોંચતા ન કરી શકે તો અધર લટકતો મહેલ કેમ તૈયાર થઇ શકશે ? આ મહેલ બાંધવાનાં સાધનો અધર મોકલી શકાતા નથી તો પછી મારે ક્યાં સુધી બેસાડી પગાર આપવો ? આ બધો ખરચ રાજની ત્રીજોરીની માથે છે તેમાં લાભ શો ? માટે જેમ ફરમાવો તે પ્રમાણેનો બંદોબસ્ત કરૂં ? આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી શાહ ઘણોજ ખુશી થયો અને તેની વિશાળ બુદ્ધિની તારીફ કરી દરબાર સમક્ષ બીરબલને મોટી બક્ષીસ આપી.

સાર - રત્નોની ખાણમાં રત્નોજ પાકે છે તો પછી બીરબલની છોકરીમાં શાની કચાશ હોય ?


-૦-