બીરબલ અને બાદશાહ/અમારા બેમાંથી ખાનદાન કોણ ?

← દેવા અને ભીમાનો ઝઘડો બીરબલ અને બાદશાહ
અમારા બેમાંથી ખાનદાન કોણ ?
પી. પી. કુન્તનપુરી
ચારમાંથી ચોર કોણ ? →


વારતા બાવનમી.
-૦:૦-
અમારા બેમાંથી ખાનદાન કોણ ?
-૦:૦-

'સારા જનને સર્વદા, ગમેજ સારો સંગ,

નરસાને નરસો ગમે, સંગ પ્રમાણે રંગ.'

એક દીવસે શાહે કચેરી સમેત બીરબલની સાથે તોલ ટપ્પા ઉડાવી કલોલ કરી રહેલા છે. એટલામાં ખીમજી અને સુંદરજી નામના બે ભાઇઓએ આવીને વીનંતી કરી કે અમે જાતે ક્ષત્રી છઇએ, અને લાહોરમાં રહીએ છઇએ. અમારી મા એક અને બાપ જુદાં છે. પહેલા બાપના વીર્યથી ખીમજી ઉત્પન્ન થયો એટલામાં તેનો તે બાપ મરણ પામ્યો. તેથી અમારી માએ, અમારા જાતી રીવાજ મુજબ બીજો ધણી કીધો. તેના બીજથી આ સુંદરજી ઉત્પન્ન થયો. પછી તે બાપ પણ મરી ગયો. આમ થવાથી અમારી મા અમને સાથે રાખી ઘરનો તમામ વહીવટ કરતાં કરતાં મરણ પામી. પોતાની હૈયાતીમાં તે એક વીલ કરી ગઇ છે કે, બેમાંથી કોઇએ સ્થાવર જંગમની વહેંચણી કરવી નહીં. પણ બેમાંથી જે ખાનદાનનું ફરજંદ હોય, તેણેજ વહીવટ ચલાવવો. હવે અમારા બેમાંથી કોણ ખાનદાનનું ફરજંદ છે, તેનો તમે નીર્ણય કરી આપો." બીરબલે કહ્યું કે, 'હું તમને રહેવાની જગા કરી આપું ત્યાં તમે બંને ભાઇઓ બે માસ સુધી રહેશો તો હું તમારો ફેસલો કરી આપીશ.' આ બંને ભાઇએ તેમ કરવાની હા પાડવાથી બીરબલ તરત તેને રહેવાને માટે ગોઠવણ કરી આપી. એટલે તે બંને ત્યાં જઇને રહ્યા. આ બંનેની ચાલ ચલણ અને રીતભાત ઉપર બહુ બારીકીથી બીરબલ નજર રાખી જોવા લાગ્યો. તો સુંદરજી સારા ગુણ ધરાવનારા ઉત્તમ ખવાસના અમીર ઉમરાવોની સાથે મીત્રાચારી બાંધી તેમની સાથે ફરવા લાગ્યો. અને અમીર ઉમરાવોની પેઠે ખાવા પીવા તથા ઓઢવા પહેરવા લાગો. ખીમજી તેથી ઉલટી રીતે વરતવા લાગો. ખીમજીની કઠોર વાણીથી લોકો તેને માન ન આપતાં સુંદરજીને વધારે ચહાતા હતા. સુંદરજી પોતાનો ફુરસદનો વખત વાંચવા લખવામાં કાઢતો હતો. ત્યારે ખીમજી ફુરસદનો વખત ભાંગ ગાંજો-દારૂ અને નીચ રાંડોમાં પડી રહી કાઢતો, એવી રીતે બધી તરેહની બારીક તપાસ કરી બીરબલે વીચાર કર્યો કે, 'આ બેમાંથી ખાનદાનનું ફરજંદ તો સુંદરજીજ છે. કારણ કે જેના બાપદાદાથી જેવી ચાલ ચાલી આવતી હોય, તેવાજ ગુણ તેના છોકરામાં પણ આવવા જોઇએ. એવો નકી નિર્ણય ઉપર આવીને, તેથી તે પ્રમાણે પુરાવો મળવાથી સુંદરજીને ખાનદાન ઠરાવ્યો.

બીરબલની આવી ઉંડી શક્તિનો અદ્દ્ભુત ચમત્કાર જોઇ તમામ કચેરી દીગમુંઢ બની ગઇ.

સાર - ગુણ અને અવગુણની પરીક્ષા કરી શકવાની શક્તિ ધરાવનારાજ સત્યનો તોલ કરી શકે છે.


-૦-