બીરબલ અને બાદશાહ/દેવા અને ભીમાનો ઝઘડો

← પેઠેલું લાકડું પાછું કઢાવ્યું બીરબલ અને બાદશાહ
દેવા અને ભીમાનો ઝઘડો
પી. પી. કુન્તનપુરી
અમારા બેમાંથી ખાનદાન કોણ ? →


વારતા એકાવનમી.
-૦:૦-
દેવા અને ભીમાનો ઝઘડો.
-૦:૦-

એક સમે શાહ કચેરી ભરીને સર્વનો ન્યાય ચુકવી રહ્યો છે. એટલામાં દેવા નામના એક રબારીએ આવી બુમ મારી કહ્યું કે, 'સરકાર ! તમારા અદલ રાજમાં ખરે બપોરે લુટાય એ શું ? હું મારે ગામથી મારી ગંગા નામની ગાય લઇને તમારા નગરમાં વહેંચવા આવતો હતો, એટલામાં આ મારી જાતવાળો ભીમો પણ મારી સાથે આવ્યો, ગામને સીમાડે આવતાજ મારી ગાય ભીમાએ લઈ લીધી. અને ઉપરથી ધમકાવીને કહ્યું કે, 'ચાલ હરામખોર, એ ગાય મારી છે.' હવે આ ગાય કોની છે ? તેનો ન્યાય તમને સોંપું છું.'

આનો ન્યાય કરવાનો બીરબલને હુકમ થતાંજ, બીરબલે દેવાને એક બાજુ ઉભો રાખી, ભીમાને પોતાની પાસે બોલાવીને પુછ્યું કે, 'આ ગાય કોની છે ?' ભીમાએ કહ્યું કે, 'એ ગા મારી છે, પણ બદદાનતવાળો, દેવો મને ગળે પડે છે ?' કોય ખરૂં કહેતું નથી તેથી બીરબલે આ બંનેને ચોકમાં ઉભા રાખીને, દેવાને કહ્યું કે, 'આ પુર્વની દીશાની શેરીમાં પચાસ હાથ લાંબો જઇ, ગંગા ગંગા કરીને પોકારજે. અને ભીમાને કહ્યું કે, 'તું પશ્ચીમ દીશાની ગલીંમાં પચાસ હાથ લાંબો જઇ ગંગા ગંગા કરી પોકારજે.' તે બંને જણ બીરબલના કહેવા મુજબ પચાસ હાથ લાંબા જઇને ગાયને પોકારવા લાગ્યા. જે દીશાએ દેવો ઉભો હતો, ત્યાં ગાય દોડી ગઇ ને લાડ કરવા લાગી. આ જોઇ બીરબલે તે બંનેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ' તમે બંને જણ ગાયને માથે હાથ ફેરવો' પછી દેવાને કહ્યું કે, 'કાંઈ પણ બોલ્યા વગર તું દક્ષીણ દીશાની શેરીમાં જા, અને ભીમાને કહ્યું કે, 'તું પણ કાંઇ બોલ્યા વગર ઉત્તર દીશાને શેરીમાં જા. ત્યાં જઇ આ બંનેએ ગાયને માથે હાથ ફેરવી દક્ષીણ ઉત્તર તરફ ચાલતા થયા. આ જોઇ ગાય પણ દક્ષીણ દીશા તરફ જતા દેવાની પાછળ ચાલતી થઇ. આ જોઇ બીરબલે તરત ભીમાનો કાન પકડી કહ્યું કે, 'બોલ લુચ્ચા આ ગાય કોની છે ? જો જરા પણ જુઠું બોલીશ તો તને સખ્તમાં સખ્ત શીક્ષા કરવામાં આવશે ? ભીમાએ તરત પોતાનો અપરાધ કબુલ કરી દીધાથી ફરીથી તેમ નહીં કરવાની શીખામણ આપી, દેવાને ગાય સોંપી દઇ, બંનેને જવાની રૂખસદ આપી. બીરબલનો આ ન્યાય જોઇ રાજા સહીત કચેરી હેરત પામી ગઇ.

સાર - યુક્તીબાજ ચોરને પકડવાની કળા જાણતો હોય તેજ ખરો ન્યાય આપી શકે છે.


-૦-