બીરબલ અને બાદશાહ/પેઠેલું લાકડું પાછું કઢાવ્યું

← છેક હાથથી ગયો બીરબલ અને બાદશાહ
પેઠેલું લાકડું પાછું કઢાવ્યું
પી. પી. કુન્તનપુરી
દેવા અને ભીમાનો ઝઘડો →



વારતા પચાસમી
-૦:૦-
પેઠેલું લાકડું પાછું કઢાવ્યું
-૦:૦-
દેશ જ્ઞાતી કુળ ધર્મનું, ઉર રાખે અભીમાન,
તે નર વર નહીતો ખરે, ખર સમજો મતીમાન.


અસલના બાદશાહોના વખતથી ચોબા લોકો પર એવું લાકડું ઠોકવામાં આવ્યું હતું કે કોઈ પણ મુસલમાન મરી જાય તો તેમના મુડદાને દાટવા માટે ચોબા લોકોએ ખાડા ખોદવા. આ જુહાકી હુકમથી સઘળા ચોબા ત્રાય ત્રાય પામી ગયા હતા. આ પેઠેલું લાકડું ચોબાઓની મોજશોખમાં હરકત થ‌ઇ પડવાથી તે મસ્ત લોકો બહુ કંટાળી ગયા હતા. અને એ કામ હદની ઉપરાંત લાગવાથી તેનું કાસળ કાઢવા માટે બધાઓ એકમત થ‌ઇ એક દીવસે બધાઓ એકઠા થઈ બીરબલ પાશે જ‌ઇ, વીનવીને કહ્યું કે, 'બીરબલ સાહેબ ! આપ સરખા સ્વજાતીના પ્રધાન છતાં અમારે મુવેલા મુસલમાનોને દફનાવવા માટે ખાડા ખોદવા પડે છે એ જુલમ સહન થ‌ઇ શકતો નથી. માટે એ ગુજરતાં જુલમમાંથી બચાવવા એ આપનું કામ છે.' બીરબલે કહ્યું કે, 'મારા કહેવા મુજબ કરશો તો તમારા ઉપર ગુજરતાં જુલમનો અંત આવી જશે. જુઓ અગાડી ચોમાશું આવે છે માટે કબરસ્તાનવાળી જેટલી સારી જમીન બાકી હોય તેટલી જગામાં તમામ ન્હાના મોટા ખાડા ખોદીને મને ખબર આપો કે તરત મારે જે તજવીજ કરવી ઘટશે તે કરીશ.' બીરબલનું આવું બોલવું સાંભળીને સઘળા ચોબાઓ કબરસ્તાનની ખાલી પડેલી તમામ જગામાં ખાડા ખોદી તૈયાર કર્યા. અને તેની ખબર બીરબલને આપી. પોતાની યોજેલી યુક્તી પાર પાડવા માટે બીરબલ એક દીવસે શાહને તે કબરસ્તાન ભુમિ તરફ ફરવા લ‌ઇ ગયો. જ્યારે એટલા બધા ખોદેલા ખાડાઓ શાહના જોવામાં આવ્યા ત્યારે શાહે આશ્ચર્યતાથી બીરબલને પુછ્યું કે, ' શું જાણીને અને શા માટે, આટલા બધા ખાડા ખોદી રાખેલા છે ?' બીરબલે કહ્યું કે, 'સરકાર ! આ ખાડા ચોબા લોકોએ ખોદી રાખેલા છે, કારણ કે આગલ ચોમાશું આવવાને લીધે તેમણે વીચાર્યું કે ચોમાસામાં મુસલમાનો મરવાનાજ, તે સમે વધુ ત્રાસ ન પડે તેટલા માટે અગાઉથીજ ખોદી મુકીએ તો ઠીક. એમ જાણી તેઓએ આ કામ કીધું છે એમ મને ખબર મળી છે.' આ સાંભળી શાહે બીરબલને કહ્યું કે, 'મારા જાત ભાઇઓનું બુરૂ ચાહનારાઓને આજ પછી એ કામ કદી પણ સોંપશોજ નહીં ? અને આજ પછી ચોબાઓને મારા રાજમાં કોઇ પણ ઠેકાણે આ કામ માટે નજદીક આવવા દેવા નહીં. આ હુકમ સાંભળી બીરબલે કહ્યું કે, 'જેવો સરકારનો હુકમ.'

સાર--જાતી અભીમાન રાખનારાઓજ પોતાના જાત ભાઇઓના દુઃખો દુર કરી શકે છે.


-૦-