બીરબલ અને બાદશાહ/એક અકલવાન હજારને હરાવે

← બે ઘડીની મોજ બીરબલ અને બાદશાહ
એક અકલવાન હજારને હરાવે
પી. પી. કુન્તનપુરી
મ્હોટામાં મ્હોટું કોણ ? →


વારતા ચાલીસમી
-૦:૦-
એક અકલવાન હજારને હરાવે
-૦:૦-

બીરબલ ઘણો ચાલાક, બુદ્ધીના ખજાના રૂપ, બોલવામાં પ્રવીણ ! રાજરંગનો ખરો ખેલાડી, છતાં એક ઉંચ કુળનો હીંદુ, કુળ મુસલમાન કોમમાં એકજ હોવાથી મારી જાતવાળાઓ ઘડીએ ઘડીએ અનેક પ્રપંચો કરી તેને રાજકાજમાંથી હાંકી કાઢવા માટે પ્રયાસ ચલાવી રહ્યા છે. માટે બહુ તાંતણે બળીયું, તે પેઠે કોઇક સમે તેનું પરીણામ બુરૂ આવશે. પણ જો એ મુસલમાની ધર્મ કબુલ કરેતો બધી ખટપટનો છેડો આવી જાય. આવો વીચાર શાહ હમેશા કરતો, અને તે સંબંધી શાહ બીરબલને નીત કહેતો. પણ બીરબલ અનેક બહાના કાઢી શાહના છટકામાંથી છટકી જતો હતો. વખત જોઇને શાહે બીરબલને કહ્યું કે, 'કાલે મારે ત્યાં જમવા આવજો.' બીરબલ કંઈક અગત્યના કામનો ફડચો આણવામાં તલીન બનેલો હોવાથી બેભાનમાં રહી કહ્યું કે, 'હા, આવીશ.' આમ કહેતાજ શાહના આનંદનો પાર રહ્યો નહીં. બીજા દીવસના પ્રભાતમાં સઘળા દરબારીઓને એકઠા કરી મુસલમાની ધર્મના કાયદા મુજબ મીજબાની ઠરાવી વીવીધ પ્રકારના પકવાનો બનાવી ધામધુમ મચાવી આનંદ રંગમાં ગુલતાન બની ગયા હતા.

જ્યારે બીરબલને આ માટે ભાન આવ્યું ત્યારે તે માટે મહા વિચારમાં પડી ગયો, અને મન સાથે ગડમથલ કરવા લાગ્યો કે, જમવાને જવાય કેમ ! હા પાડી હવે ના કહું તો શાહનું અપમાન કરેલું ગણાય. રાજા, વાજા અને વાંદરા ખીજેતો બુરા. ધર્મ વટલાવવા કરતાં મરવું વધારે સારૂં છે, હે પ્રભુ ! આપે હજી સુધી તો ઉની આંચ આવવા દીધી નથી, તો પછી છેવટે કાળો ડાઘ લગાડવાનો વખત બતાવશો ! જેમ પાણીમાં કમળ કોરૂં રહે તેમ હું યવન મંડળમાં કોરો રહી સ્વધર્મનું રક્ષણ કર્યું છે. માટે અહો, દીનાનાથ ? આ આવેલી આફતમાંથી બચાવી ઉપાધીમાંથી મુક્ત કરશો.'

આમ વીચાર કરતાં કરતાં સહવાર પડવા આવી એટલામાં તેને એક યુક્તી સુઝી આવતા તરત તે બીછાનામાંથી ઉભો થઈ નિત્ય નીયમ કરી પરવારી બહાર જવાની તૈયારી કરે છે, એટલામાં બાદશાહને ત્યાંથી જમવાનું તેડું આવ્યું. તેને બીરબલે કહ્યું કે, 'શાહને જ‌ઇને કહો કે હમણાજ આવે છે.' અનુચરને રવાના કરી પોતે સોની પાસે જ‌ઇ દાગીના સાફ કરવાની પીછી લ‌ઇ દરબાર ગઢમાં દાખલ થ‌ઇ શાહને કહ્યું કે, 'આપ નામદારની ખાતર મારા મનમાં જુદાઇ નથી તેથી આપની મરજી મુજબ વરતવા અહીંયા આવ્યો છું. હવે એક મારી અરજ છે હીંદુ રીવાજ મુજબ કેળના પાંદડાંના પાતર ઉપર પાણીનો છંટકાવ થવો જોઇએ. માટે આપનો હુકમ થવો જોઇએ તો તે પાતરો તથા ખાનપાનની ચીજોની આસપાસની જગા પવીત્ર કરવા નિયમ પ્રમાણે પાણી છાંટ્યું.' શાહે બીરબલની માંગણી કબુલ રાખવાથી બીરબલે તરત જળપાત્ર હાથમાં લ‌ઇ, ખીસામાંથી સુવરના વાળની પીંછી આખું મંડળ જુએ તેમ કાઢી તે પીછી વડે પીરસેલા ભોજનની આસપાસ પાણી છાંટવા માંડ્યું. આ કામ પોતાના ધર્મ વિરૂદ્ધ થયેલું જોઇ જમવાને આવેલા તમામ મુસલમાનો ખીજવાઇ જ‌ઇને બીરબલને આડીઅવળી વાતો સંભળાવી તીરસ્કારથી બહાર હાંકી કાઢી રાંધેલા ભોજન નાંખી દેવરાવવા મકાન પવીત્ર કરાવવા અને ફરીથી નવા પકવાનો રંધાવવાની દોડધામમાં મચી પડ્યા. પ્રથમથીજ વચનથી બંધાઇ ગયા હતા તેથી નીરૂપાય બની શાહ ગુપ ચુપ જોયા કરતો હતો, પછી તેનો ઉપાય શો ? આ બનાવ બન્યા પછી શાહે ફરીને કોઇ પણ દીવસે બીરબલને જમવાની ફરજ નહીં પાડવાનો ઠરાવ કરી બીરબલની અથાગ શક્તિના વખાણ કરવા લાગ્યો.


-૦-