બીરબલ અને બાદશાહ/ચોરાની ચતુરાઈ ચતુર આગળ ચાલે નહીં

← શું પ્રીયા રીસાઈ જાય છે ? બીરબલ અને બાદશાહ
ચોરાની ચતુરાઈ ચતુર આગળ ચાલે નહીં
પી. પી. કુન્તનપુરી
મીઠી મસકરી →


વારતા ત્રીઆસીમી.
-૦:૦-
ચોરાની ચતુરાઈ ચતુર આગળ ચાલે નહીં.
-૦:૦-

ફોજ ફજેતી છેક, થાય ચોરની ચોકમાં ?
તોપણ તજે ન ટેક, પડે અંતે પગ તોકમાં.

એક સમે એક વહાણમાં ચોરી થઇ તેથી તે ચોરી કરનાર ચોરને શોધી કાઢવા માટે તે વહાણના માલીકે બહુ બારીકીથી તપાસ કરવા છતાં ચોરનો પતો ન લાગવાથી આખરે તે વહાણના નાખુદાએ સઘળા સકદાર માણસોને લઇ શાહની દરબારમાં હાજર થઇ શાહ સમક્ષ ચોરીની ફરીયાદ કરી. આ નાખુદાની સઘળી બાબદ ધ્યાનમાં લઇને શાહે બીરબલને ચોરને શોધી કાઢવા માટે સુચના કીધી. સુચના થતાં જ બીરબલે ઘહુનો લોટ મંગાવી અકેક મુઠી ભરી દરેક સકદારોના હાથમાં આપીને કહ્યું કે, આ લોટનો ફાકડો મારી પોતાના થુંકવડે ગોળો વાળી દરેક જણ બતાવો એટલે ચોર કોણ છે ? તે મારા ઇલમના જોરથી તરત પકડાઇ આવશે.' બીરબલનો આ હુકમ સાંભળતાં જ દરેક સકદારોએ તે મુજબ કીધું, પરંતુ તે સઘળા સકદારોમાંથી એક જણ શીવાય દરેકના મુખમાં પુષ્કળ અમી હોવાથી લોટના ગોળા બની શક્યા હતા. પણ જે ચોર હતો તેના મોઢામાંથી તો આ ઇલમની વાત સાંભળતાં જ અમી સુકાઇ ગયું હતું. તો અમી વીનાનો લોટનો ગોળો બંધાયજ ક્યાંથી ? હવે ગોળો વાળવો કેવી રીતે ? જ્યારે આવો બનાવ બીરબલે જોતાં જ તે ખરા ચોરને પકડી ખુબ ચાબકાથી ફટકાવીઓ. મારથી ભુત પણ નહાસે, મારના ભયથી તે ચોરે લીધેલો માલ વહાણના માલેક આગળ રજુ કરી દીધો. આ અપરાધને માટે તે ચોરને પચાસ ફટકા મારવાનો હુકમ કીધો.

સાર - ગમે તેવા કઠણ છાતીવાળા ચોરને બુદ્ધિશાળીથી જ પોતાની કળાથી પકડી શકે છે. હાલના જમાનાની પોલીસ આવી યુક્તીથી ચોરને પકડી શકવાનું જ્ઞાન ધરાવતી નથી. એજ મહોટી ખેદની વારતા છે.


-૦-