બીરબલ અને બાદશાહ/જેવી વાત તેવી રીત

← હસાવતો ઈનામ લે બીરબલ અને બાદશાહ
જેવી વાત તેવી રીત
પી. પી. કુન્તનપુરી
મરતાને બચાવે તે બહાદુર →


વારતા છત્રીસમી
-૦:૦-
જેવી વાત તેવી રીત
-૦:૦-
નર સરવર વર છે નરો, બુદ્ધિ નરયુત હોય,
નહીં તો નર સરવર કને, કદી ન આવે કોય.

એક દીવસે શાહની માતા મરણ પામી, અને તેજ વખતે હુરમે એક કુંવરને જન્મ આપ્યો. આ બંને ખબર શહેરમાં પસરી જવાથી શહેરીઓ મહા ગુચવણમાં પડી ગયા. રાજ માતાનો શોક પ્રદરશીત કરવો કે કુંવરના જન્મનો હર્ષ પ્રદરશીત કરવો. શોક અને હર્ષને કેમ બને ! એ બેનો સાથે શી રીતે મુકાબલો થાય ? આનો નીર્ણય પ્રજાજનોએ નહી કરી શકવાથી વીચારમાં પડી ગયા. અંતે તેઓ એકમત થ‌ઇ બીરબલની પાસે જ‌ઇ સર્વ વાત વીદીત કીધી. ગુંચવણમાં ગુંચવયલા પ્રજાજનોની આવી સ્થીતી જોઇ બીરબલે કહ્યું કે, 'ભાઈઓ ! તમે બધાઓ સાથે મળી દરબારમાં જાઓ અને જે વખતે શાહની નજર તમારી ઉપર પડે કે તરત તમે બધાઓ ઉઘાડાં માથાં કરી ઉભા રહેજો. જો આ બનાવ જોઈ શાહ હસે તો તમે પણ હસજો. અને ન હસતાં રડે તો તમે પણ રડજો.' આ પ્રમાણે બીરબલની યુક્તી સાંભળી લ‌ઇ તેઓ દરબારમાં ગયા. આ બધા પ્રજાજનોનો વીચીત્ર દેખાવ જોઈ શાહને હસવું આવ્યું. તે જોતાંજ પ્રજાજનો હસી પડી આનંદ દર્શાવ્યો. આ યુક્તી સંબંધી ખબર મેળવતાં જણાયું કે આ ખુબી બીરબલની છે. તેથી શાહ ઘણો ખુશી થયો.

-૦-